દેવશયન પર્વઃ ચાતુર્માસનો પ્રારંભ

પર્વવિશેષ

Wednesday 13th July 2016 11:59 EDT
 
 

દેવશયની એકાદશીથી (આ વર્ષે ૧૫ જુલાઇથી) ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. હિન્દુ ધર્મ પરંપરા અનુસાર શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસો દરમિયાન નિયમો અને વ્રતો પાળવાનું વિશેષ મહત્ત્વ છે. ભવિષ્ય પુરાણમાં જણાવ્યા અનુસાર અષાઢ સુદ-૧૧ દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. એક સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે ધર્મસંવાદ ચાલતો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, ‘મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્યે, શ્રીહરિ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ દિવસે દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી આ દિવસો દરમિયાન પાળવાના નિયમો અને વ્રતોનો સંકલ્પ પણ કરવો.’

દેવશયન પર્વ એટલે શું?

કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ-૧૧ને શ્રીહરિ વિષ્ણુ ભગવાનને પોઢાડવામાં આવે છે. અર્થાત્ શ્રીહરિ વિષ્ણુ ભગવાન ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે અને શેષશૈયા ઉપર સૂતા સૂતા યોગનિદ્રા કરે છે.

દેવશયની એકાદશીનું પૌરાણિક મહત્ત્વ

સૂર્યવંશના માંધાતાની આ કથા છે. આ પ્રતાપી રાજા સત્યવાદી અને ન્યાયિક હતો. તે પોતાની પ્રજાનું પોતાના પુત્ર કરતાં પણ વધારે પાલન કરતો. તેની પ્રજા અને રાજ્ય ખૂબ જ સુખી હતાં. તેના રાજ્યના ભંડાર ન્યાયી આવકથી ભરેલા હતા. આ રીતે ઘણાં વર્ષો સુધી પ્રજા સુખી રહી. કોઈ અકળ પરિસ્થિતિ અને રાજાના કોઈક પાપકર્મના પરિણામે તેના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો. દારૂણ દુષ્કાળ પડ્યો. અનાજનાં સાંસા પડવા લાગ્યાં.

પ્રજાને બચાવવા માટે રાજા મહર્ષિ અંગીરસ ઋષિના આશ્રમે ગયા. પ્રશ્નનું નિવારણ પૂછયું તો તેમણે ઉત્તરમાં કહ્યુંઃ

‘હે રાજા, તમે અને પ્રજા સહુ સાથે મળીને દેવશયનીનું વ્રત કરો. તમારા તમામ મનોરથ પૂર્ણ થશે. આ એકાદશીનો ઉપવાસ, તેમ જ શ્રીહરિનું વિધિવત્ પૂજન કરો. તુલસી દલથી શ્રીહરિનાં એક હજાર નામ બોલતા અર્ચના કરો. આ વ્રત કરવાથી તમારા રાજ્યની સમૃદ્ધિ વધશે. દુઃખ દૂર થશે.’

આમ પ્રજાએ અને રાજાએ અંગીરસ મુનિના વચન મુજબ દેવશયન એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના ફળ સ્વરૂપે ભરપૂર વર્ષા થઈ. નદી-નાળાં છલકાયાં. હરિયાળી થઈ. ધનધાન-શાકપાન ઊગ્યાં અને પ્રજાનાં દુઃખ દૂર થયાં. આ રીતે આ પર્વ ખૂબ જ પુણ્યદાયક છે.

ચાતુર્માસનું મહાત્મ્ય

અષાઢ સુદ ૧૧થી જ ચાતુર્માસ પ્રારંભ થાય છે. પ્રભુ ક્ષીરસાગરમાં જતા રહે. પાતાળમાં જતા રહે. એ સમયે પૃથ્વી ઉપર અનેક આધિ-વ્યાધિ ઉપાધિઓ ઉદ્ભવે છે. આ ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના રોગો ઘર કરે છે. બીજા અર્થમાં કહીએ તો ચાતુર્માસ એટલે યમદંડ ઋતુ છે. આ યમદંડ ઋતુમાં માનવે આહાર-વિહાર-શયનમાં દરેક રીતે વિવેકબુદ્ધિપૂર્વક વર્તવું જોઈએ. આથી જ ઋષિમુનિઓએ વધુમાં વધુ ઉપવાસ અને વ્રતો ખાસ આ ચાતુર્માસમાં જ ગોઠવ્યાં છે. પ્રભુ પણ આ સમયમાં વધુને વધુ માનવ શરીર અને મનથી તંદુરસ્ત રહી વધુને વધુ આધ્યાત્મિક જીવન અને નીતિ મુજબના વ્યવહાર કરે તેવું ઇચ્છે છે. ખાસ આ સમયમાં શ્રીહરિ વિષ્ણુ ભગવાનની આરાધના... તુલસી દલ અર્ચના વધુ પુણ્યકારી છે. આ પ્રકારના નિયમોથી વ્રત, ઉપવાસ અને ધર્માચરણથી માનવી પોતાનું આત્મનિરીક્ષણ કરીને જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ અક્ષય સુખની પ્રાપ્તિ કરે છે.

સુપ્તે ત્વાય જગન્નાથે જગત્સુપ્ત ચરાચરમ્।

વિબુદ્ધે ત્વાય બુધ્યંત્ જગત્સર્વં ચરાચરમ્।।

ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું. સહુ પ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન કર્યું. અતિ સાત્ત્વિક શુદ્ધ જળ દૂધ સમાન પવિત્ર હોવાથી તો જગ્યા ક્ષીરસાગરથી ઓળખાય. ભક્તોની અને શાસ્ત્રકારોની કલ્પના એવી છે કે ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું તે સમયે પરિશ્રમ પડ્યો. એ પરિશ્રમથી મુક્ત થવા, રાહત મેળવવા માટે પ્રભુ ક્ષીરસાગરમાં શેષશૈયા બનાવીને તેમાં પોઢ્યા અને આરામ કર્યો. નીર એટલે જળ અને શયન એટલે ગતિ અર્થાત્ પ્રભુએ જળમાં ગતિ કરીને ત્યાં નિવાસસ્થાન બનાવ્યું ત્યારથી પ્રભુનું એક નામ નારાયણ પડ્યું.

ચાતુર્માસનાં વ્રતો

• ચાતુર્માસ વ્રતઃ ચાતુર્માસ દરમિયાન નિત્ય એકટાણું અથવા ઉપવાસ કરવો. બ્રહ્મભોજન કરાવવું. વિષ્ણુ સહસ્રનામ પાઠ કરવા, જે અક્ષય સુખ આપે છે.

• કુચ્છપાદ વ્રતઃ ત્રણ દિવસનું વ્રત છે. પ્રથમ દિવસ એકટાણું, બીજા દિવસે અયાચીત રૂપમાં એકટાણું અને ત્રીજા દિવસે અહોરાત્ર ઉપવાસ.

• ચાન્દ્રાયણ વ્રતઃ ત્રણ સમય સ્નાન કરીને પૂનમથી વ્રત કરવું. પૂનમે પંદર મુઠ્ઠીથી શરૂઆત કરીને ઘટાડતાં ઘટાડતાં એકમે એક મુઠ્ઠી અનાજ આરોગવું. અમાસે પૂર્ણ ઉપવાસ. ફરીથી એક ને એક એમ વધારતાં પૂનમે પંદર મુઠ્ઠી અન્ન જમવું. એક માસ સુધીનું વ્રત છે.

• અખંડ અગિયારસઃ ચાતુર્માસ દરમિયાન આવતી તમામ અગિયારસે આખો દિવસ ઉપવાસ કરવો. સંધ્યા સમયે મીઠા વગરનું ફરાળ જમવું. આખી રાત જાગરણ કરીને ભજન કરવું. અખંડ દીપ પ્રજ્વલિત રાખવો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter