પર્યુષણઃ તન-મન-ધનની શુદ્ધિનું પર્વ

પર્વવિશેષ

જ્યોત્સના શાહ Tuesday 04th September 2018 08:14 EDT
 
 

શ્રાવણ મહિનાની સુદ ૧૧થી શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ થાય છે અને ભાદરવા સુદ ચોથ (ગણેશ ચર્તુર્થી) છેલ્લો દિવસ એટલે સંવત્સરી. ૬ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બરના આઠ દિવસનું આ પર્વ એટલે વર્ષભર કરેલાં કર્મોના લેખાં-જોખાં અને કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરી એનું પુનરાવર્તન ન થાય એની કાળજી રાખવાની સજાગતા કેળવવા કટિબદ્ધ થવાનું. પૃથ્વી પરના તમામ જીવો પ્રત્યે કરુણા ભાવ, દયાભાવ દાખવવાની યાદ અપાવતું પર્વ. પર્યુષણ પર્વનો પ્રાણ છે ક્ષમાપના. મન, વચન, કર્મથી જાણતાં-અજાણતાં કોઇનું પણ મન દુભાવ્યું હોય એની સાચા દિલથી ક્ષમા માગવાની અને ક્ષમા માગનારને ઉદાર દિલે ક્ષમા આપવાના ભાવને ઉજાગર કરતું પર્વ. કામ, ક્રોધ, વેર-ઝેર, ઇર્ષ્યા, મોહ-માયા જેવા દૂષણો પર કાબૂ મેળવવા પ્રેરતું પર્વ. તપ-ત્યાગ કરી તનને નિર્મળ કરતું પર્વ. ધનનો સદુપયોગ સત્કાર્યોમાં કરવાનો સંદેશ આપતું પર્વ. વર્ષભરની દોડધામમાંથી મુક્ત થઇને સ્વ નિરીક્ષણ કરવાનો અણમોલ અવસર. પર્યુષણ પર્વની આરાધના સમ્યક્ દર્શન માટે છે.

વાચક મિત્રો, જૈન બનવા ધર્મ અંગિકાર કરવો ન પડે! જૈન તો એ કહેવાય જેણે પોતાની પાંચેય ઇન્દ્રીયો પર કાબૂ મેળવ્યો હોય. જન્મે નહિ, પણ કર્મે જૈન હોય એ જ સાચો જૈન છે. દેવ-દર્શન, સેવા-પૂજા, સામયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, અઠ્ઠાઇ જેવા તપ - આ બધું આઠ દિવસ કરી પાછા સ્મશાન વૈરાગ્ય લેવા કરતા રોજબરોજની જિંદગીમાં એનું અનુસરણ કરવું ખુબ અગત્યનું છે. ‘કથા સાંભળીને ફૂટ્યા કાન તો ય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન’ જેવું કરવાનો કોઇ ફાયદો નથી!

આપણને મળેલા મોંઘા માનવ ભવને ઉજાળવા માટે આઠ દિવસના આ પર્વ વિષે થોડું ચિંતન કરીએ. ચોર્યાસી લાખ જીવોની યોનીઓમાંથી પસાર થયા બાદ મહામૂલો માનવ ભવ મળે છે. શું એને એળે જવા દેવાય? ઇશ્વરે સજીવ સૃષ્ટિમાં માત્ર માનવને જ બુદ્ધિ આપી છે, વાચા આપી છે, વિચારવાની શક્તિ આપી છે તેમ છતાં માનવીને જ માનવ બનવાનું કહેવાય છે. શા માટે? આપણે માનવતાને વિસારે પાડી દાનવતાનો પાલવ પકડીએ છીએ એ માટે?

આપણે વિદ્વાનો કે સાધુ-સંતોના પ્રવચનો તો ખૂબ સાંભળીએ છીએ, પણ એનો અમલ કરીએ છીએ ખરા? આપણા મનને આ પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયો છે. આ આઠ દિવસો દરમિયાન નિયમિત વ્યાખ્યાન સાંભળ્યા પછી આપણા મોહ-માયા-માન, અહંકાર, ઇર્ષ્યા, ક્રોધ કે વેરઝેરના ભાવ પર શું વિજય મેળવવા પ્રયત્ન કરીએ છીએ ખરા? ક્રોધની કાતિલતા વર્ષોની સંયમ સાધનાને ઘડીભરમાં નષ્ટ-ભ્રષ્ટ કરી દે છે એ જાણવા છતાં આપણે એનો ત્યાગ કરી શકીએ છીએ ખરા? જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ચંડકૌશિક નાગનું છે. ક્રોધને સમાવવા અરિહંત ભગવંતે સચોટ ઉપાય દર્શાવ્યો છે: ‘સામો થાય આગ તો તું થજે પાણી, એવી છે પ્રભુ મહાવીરની વાણી’ આપણા અક્ષયપાત્રમાં પ્રભુ મહાવીરની વાણી ઝીલી ક્રોધને બાય બાય કરી ક્ષમાનું સૂરીલું સંગીત વહાવવાના ભાવ જગાવીએ તો જ પર્વની સાચી આરાધના કરી કહેવાય!

ક્રોધની પ્રધાનતા સાથે માનવીમાં માન, માયા, લોભની વૃત્તિ ઘાતક છે. અહંકાર, ખુરશીનો મોહ, માનની ઝંખનામાં મોટું મન રાખવાનું ભૂલી ગયા છીએ. પ્રભુ મહાવીરે માનને મહાત કરવા નમ્ર બનવાનું સૂચવ્યું છે. માયાથી મુક્તિ મેળવવા કાજે પ્રભુએ સરળતા અપનાવવા કહ્યું છે. કહેવાતા અગ્રણીઓ શું મોહ-માયા-માન-ખુરશીનો ત્યાગ કરી સમાજમાં ઉદાહરણરૂપ બનવા પહેલ કરે છે ખરા? મારા-તારાની હૂંસા-તૂંસીમાં સમાજને વિભાજિત કરતા પરિબળોને અટકાવી શકીએ છીએ ખરા? ના... તો આપણે જૈન કહેવાઇએ ખરા?

લોભને કોઇ થોભ ખરો? માનવીને ત્રણેય લોકની સંપતિ મળે તેમ છતાં એ વધુ મેળવવાની લાલસા છોડી શકતો નથી.

લાંચરુશ્વત લોભનું વરવું રૂપ છે. માણસ બધા ડીલમાં કટકી શોધતો ફરે છે. આપણે સૌ જાણીએ છીએ કે મૃત્યુ વેળા સાથે કંઈ જ આવવાનું નથી. અને એક દિવસ સૌએ જવાનું તો છે જ! તેમ છતાં એનાથી અળગા થઇ શકતા નથી! આ લોભના થોભ કાજે પ્રભુએ સંતોષનો સેતુબંધ બાંધવાનું સૂચવ્યું છે. એ માટે આપણે પ્રયત્નો તો કરવા જ રહ્યા.

મનને મલિન કરનારા તત્ત્વો રાગ-દ્વેષ અને મોહથી પર થવા માટે ધ્યાન ધરવું આવશ્યક છે. મન પર જામેલા મોહ-માયાના થર દૂર નહિ થાય ત્યાં સુધી મનની નિર્મળતા આવે નહિ. જીવનમાં વચન અને વાણીનું મહત્વ અદકેરું છે. વાણીની શુદ્ધિ કાજે અસત્ય ભાષણનો ત્યાગ, કઠોર વચનનો ત્યાગ, ચાડી-ચુગલીનો ત્યાગ અને અસંબદ્ધ કથનનો ત્યાગ કરવો. આપણે સૌ જાણીએ છીએ કે કોયલ પોતાની મીઠી વાણીથી જગતને જીતી લે છે. વાણીની કડવાશ જીવનમાં ઝેર ભરી દે છે. વાણીમાં વિવેકની માત્રા જળવાવી જોઇએ.

કાયા શુદ્ધિની વાત કરીએ તો આપણે દરરોજ સ્નાનાદિથી દેહ શુદ્ધ તો કરીએ છીએ પણ દેહ લોલુપતાથી એને ભ્રષ્ટ કરીએ છીએ. આજના યુગમાં માનવીમાં રહેલ અતિ ઉગ્ર વિકારની ભાવના સમાજમાં અનિષ્ટો સર્જે છે. દેહનો વ્યાપાર અને વ્યભિચાર વધી રહ્યો છે. માનવ શૈતાન બની રહ્યો છે. રોજબરોજ આવા વધતા જતા બનાવો ચિંતા ઉપજાવે છે. નીત્તિમત્તાનું સ્તર ખૂબ નીચું ઉતરી ગયું છે, જે સુધારવાની જરૂર છે. શરીર એક મંદિર છે એ સમજવાની જરૂર છે.

કોઇ પીડિત કે દુ:ખીને જોઇ આપણું હૈયું પીગળ્યું છે ખરું? કરુણા ભાવનું પવિત્ર ઝરણું આપણા હૈયામાં વહેતું થશે તો અત્ર-તત્ર-સર્વત્ર કલ્યાણ થશે. માત્ર મૈત્રીભાવનું ગીત ગાવાથી નહિ, પણ એના અમલથી જ સમાજનું હિત થશે. આપણી આસપાસ નજર કરીએ તો કેટલાય વ્યક્તિઓનું જીવન દરિદ્રતાથી ભરેલું છે? ફુલ નહિ તો ફુલની પાંખડી સારા કાર્યોમાં વાપરીએ તો! હાલના યુગમાં માનવ મંદિરો બાંધવાની વધારે જરૂર છે. સંસ્કારધામ ઉભા કરવાની જરૂર છે. નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરવાની દિશામાં વિચારવાની જરૂર છે. આપણે જીવનમાં એક સંકલ્પ કરવો જોઇએ કે આપણા જાણીતા, સગાં-વહાલા કે મિત્રોને કમસે કમ શક્ય હોય એટલા લોકોને મદદ કરવાની ભાવના રાખીને એ દિશામાં સક્રિય પગલું ભરવું જોઇએ.

પ્રતિ વર્ષ પધારતા આ પર્વાધિરાજ પર્યુષણનો પૈગામ છે કે, દુનિયાને તલવારથી નહિ, પ્રેમથી જીતાય છે. અહિંસા પરમો ધર્મ જેનું સૂત્ર છે એ જૈન ધર્મ નાનામાં નાના જીવ પ્રત્યે પ્રેમભાવ અને કરુણાભાવ દાખવવાનો સંદેશ આપે છે. ‘જીવો અને જીવવા દો’ એ અહિંસાનું આંશિક સ્વરૂપ છે. જૈન દર્શનની અહિંસાથી પર્યાવરણનું પાલન પણ સરસ રીતે થઇ જાય છે. કારણ કે એ માત્ર માનવ કે પશુપંખી સૃષ્ટિમાં જ નહિ પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિમાં પણ જીવત્વ સ્વીકારે છે અને એની અહિંસામાં પણ માને છે એથી એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવામાં માને છે. અપરિગ્રહ વ્રત એનું પ્રતિબિંબ છે. પર્યુષણ પર્વ દરમિયાન આહારમાં લીલોતરીનો ત્યાગ એનું ઉદાહરણ છે. દરેક જીવની રક્ષા કરવી એ આપણી ફરજ છે. પ્રત્યેક જીવનું અસ્તિત્વ એકબીજા પર આધારિત છે. મૈત્રીના મંગલનાદનો જયજયકાર કરતું પર્વ ક્ષણિક નહિ, શાશ્વત સુખનું દાતા છે. સંવત્સરીના દિને આ ભાવના કેળવવાની છે.

‘ખામેમિ સવ્વ જીવ્વા, સવ્વે જીવ્વા ખમંતુ મે, મિત્તિમે સવ્વ ભૂએસ્સુ, વેરં મજ્ઝં ન કેણઇ’

પૃથ્વી પરના તમામ જીવોને હું ખમાવું છું, બધાં જીવો મને માફ કરે, મારે આ દુનિયામાં કોઇની સાથે વૈર નથી...ની ભાવના સાથે સૌને મિચ્છામિ દુક્કડમ્...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter