પ્રથમ જિનેશ્વર ઋષભદેવઃ જન્મ અને દીક્ષા કલ્યાણક

પર્વ વિશેષ

Saturday 14th March 2015 09:23 EDT
 

ભરત ક્ષેત્રમાં વ્યાપેલા અધર્મના અંધકારને ખતમ કરવા પ્રથમ તીર્થંકર ઋષભદેવ સ્વામીનો જન્મ - ફાગણ વદ આઠમ (આ વર્ષે ૧૪ માર્ચ) ના રોજ અયોધ્યામાં થયો. ભરત ક્ષેત્રની ઇશ્વાકુ ભૂમિમાં નાભિરાજા કુલકર પિતા અને મરુદેવા માતાને ત્યાં પ્રભુનો જીવન વિકાસ શરૂ થયો.

આ સમય યુગલિક કાળ કહેવાતો, કલ્પવૃક્ષની મદદથી ઇચ્છાપૂર્વક જીવનનિર્વાહ થતો.

ભગવાન આદિનાથનો મહિમા અપરંપાર છે. જૈનોના તિર્થાધિરાજ શત્રુંજય તીર્થમાં મૂળનાયક તરીકે ભગવાન બિરાજે છે. પ્રભુને ભરત - બાહુબલિ આદિ સો પુત્રો હતા. તેમાં ભરત મહારાજા પ્રથમ ચક્રવર્તી રાજા થઈ ગયા.

ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે જૈન-જૈનેતર પ્રજામાં પ્રસિદ્ધ છે. આ પર્વ સાથે જૈનોના તીર્થંકર ભગવાન ઋષભદેવના જીવનની ઘટના સંકળાયેલી છે અને તે રીતે કરોડો - અસંખ્ય વર્ષોથી આ પર્વનો મહિમા જૈન દર્શનમાં ખૂબ વખણાયેલો છે.

ભગવાન ઋષભદેવનું જન્મકલ્યાણક હોવાને લીધે આજનો દિવસ કલ્યાણક તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે.

જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું. પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું.

ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇંદ્રે સુંદર દેખાતી વાળની લટોનો લોચ ન કરવા વિનંતી કરી તેથી બન્ને બાજુએ લટકતી બે લટોનો લોચ કર્યા વિના પ્રભુએ બે લટ એમ જ રહેવા દીધી.

ફાગણ વદ આઠમે દીક્ષા લીધા પછી શ્રી ઋષભદેવ પ્રભુ ગોચરી માટે વિહરવા લાગ્યા. એ સમયે યુગલિયા લોકો સુખી-સમૃદ્ધ હતા, લોકોને ભિક્ષાચાર અંગે કોઈ ખ્યાલ ન હતો એટલે લોકો પ્રભુને ભિક્ષામાં હીરા, માણેક, રત્ન, સુંદર કન્યાઓ વગેરે આપવા લાગ્યા, પણ ભગવાનને નિર્દોષ આહારની જરૂર છે એમ કોઈ જાણતું કે માનતું નહિ. આમ ગોચરી માટે નિર્દોષ આહાર માટે વિહરતા વિહરતા પ્રભુ હસ્તીનાપુર તરફ ગયા. હસ્તીનાપુર રાજા બાહુબલીના પુત્ર સોમપ્રભ હતા. તેમના પુત્ર રાજકુમાર શ્રેયાંસકુમારને, રાજા સોમપ્રભને અને નગર શેઠ સુબુદ્ધિને સુંદર સ્વપ્ન આવ્યાં.

જેમાં શ્રેયાંસકુમારને અમૂલ્ય લાભ થશે એવો સંકેત દરેકને સ્વપ્નમાં જોવા મળ્યો. પ્રભુ ઋષભદેવને દીક્ષા લીધા પછી ગોચરી માટે નિર્દોષ આહાર મેળવવા વિચરતા વિચરતા ૧૩ માસનો સમય વીતી ગયો.

એ જ વખતે એક માણસે શેરડીના રસના ઘડા શ્રેયાંસકુમારને ભેટ ધર્યા અને એક ઘડો લઈ શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આ નિર્દોષ પ્રાસુક રસ વાપરો. પ્રભુએ પણ પોતાના હાથ પ્રસાર્યા અને શ્રેયાંસકુમારે એક પછી એક તમામ ઘડાનો રસ રેડી દીધો. આ પ્રમાણે ૧૩ માસ પછી વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે કર્યું. લોકોએ આનંદથી આ પ્રસંગ વધાવી લીધો. દેવોએ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં અને શ્રેયાંસકુમારે લોકોને પોતાનો ભગવાન સાથેનો આઠ ભવનો સંબંધ કહ્યો.

પ્રભુના ૧૩ માસના વર્ષીતપના અનુકરણ અનુમોદન માટે આજે પણ જૈન તપસ્વી આરાધકો ગુજરાતી ફાગણ વદ આઠમથી એક ઉપવાસ એક બેસણું, એક ઉપવાસ એક બેસણું એમ આખા વર્ષ દરમિયાન વર્ષીતપની આરાધના કરી અખાત્રીજના દિવસે જિન મંદિરમાં આદીનાથ ભગવાનને શેરડીના રસથી પ્રક્ષાલ પૂજા આદિ વિધિવિધાન કરવાપૂર્વ શેરડીના રસથી પારણું કરી આખાત્રીજની આરાધના ઊજવે છે.

શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા, ૬૩ લાખ પૂર્વ રાજ્યવસ્થામાં રહ્યા, ૮૩ લાખ પૂર્વ ગૃહાસ્થાવસ્થામાં રહ્યા, એક હજાર વર્ષ સાધના કાળમાં કેવલજ્ઞાન વિના છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, બાકીના શેષ લગભગ એક લાખ પૂર્વે કેવલી અવસ્થામાં વિચરી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. મોક્ષે સિધાવ્યા. એક પૂર્વ એટલે ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ વર્ષ થાય (૭૦ હજાર ૫૬૦ અબજ વર્ષ). આમ ભગવાન ઋષભદેવે જીવ માત્ર માટે શાશ્વત સુખનો સંદેશો આપ્યો.

આજે એ વાતને કરોડોથી પણ વધુ વર્ષ થઈ ગયા છે, પણ એ સંદેશો હજીય પૃથ્વીને પાવન કરી રહ્યો છે. પ્રભુ પોષ વદ તેરસના રોજ બાકીનું આયુષ્ય કેવલી અવસ્થામાં પૂર્ણ કરી અષ્ટાપદ પર્વતના શિખર ઉપર નિર્વાણ પામ્યા. ત્યારથી મેરુ તેરસ તરીકે પ્રભુ આદિનાથની આરાધનાપૂર્વક જૈનો પર્વ માને છે.

પ્રભુ આદિનાથની સ્તુતિનો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે બનાવેલા શ્લોક જૈનોમાં ખૂબ પ્રસિદ્ધ છે.

આદિમં પૃથ્વીનાથાય આદિમં નિષ્પરિગ્રહમ્

આદિમં તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનં સ્તુમઃ

આ યુગના સૌ પ્રથમ રાજા, સૌ પ્રથમ સાધુ, નિગ્રંથ સૌપ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ સ્વામીને હું સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter