બકરી ઈદ અને હજ આત્મસમર્પણની ભાવના

પર્વ વિશેષ

યુસુફ એમ. સિદ્દાત, લેસ્ટર Wednesday 23rd September 2015 07:42 EDT
 
 

વિશ્વમાં વસતા પ્રત્યેક મુસલમાનની એક દિલી ઈચ્છા હોય છે કે પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વાર હજયાત્રા જરૂર કરે. જોકે, હજ ફરજિયાત કરવા અંગેના માપદંડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ એક એવી બંદગી છે કે જેમાં ચાલવું, ફરવું, આર્થિક, શારીરિક, આત્મિક અને માનસિક શક્તિઓનો ઉપયોગ થાય છે. હજની ક્રિયાઓ સાઉદી અરબના મક્કા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. જગતભરના મુસલમાનો જે દિશા તરફ મુખ કરી પાંચ સમયની નમાઝો પઢે છે તે પવિત્ર કાબા ત્યાં આવેલું છે. તેથી વિશ્વ મુસલમાન સમાજમાં મક્કા શહેર એક અનુપમ સ્થાન ધરાવે છે.

કાબાનું અસ્તિત્વ જોકે સૃષ્ટિના સર્જનકાળથી જ રહ્યું છે. પુરાતન કાળમાં કેટલાક કુદરતી કારણોસર કાબાની ઈમારત નષ્ટ થઈ હતી. આજે જે કાબા છે તેનું તેની મૂળ જગ્યાએ પયગંબર હઝરત ઈબ્રાહીમ અલૈ. અને એમના સુપુત્ર પયગંબર હઝરત ઈસ્માઈલ અલૈ. ફરીથી જીર્ણોદ્ધાર કર્યો હતો. ત્યારપછી એની સંભાળ અને સાચવણી અર્થે અનેક વખત મરામત કરવામાં આવતી રહી છે. કાબાની ફરતે વિશાળ મસ્જિદ આવેલી છે જેને મસ્જીદે હરામ કહેવામાં આવે છે.

હજની યાત્રાનો સમય ઈસ્લામિક કેલેન્ડર, હિજરી સંવતના બારમા માસ ઝિલ્હજની ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ તારીખોએ - મુખ્યત્વે આ પાંચ દિવસે - વિવિધ વિધિઓથી ભરચક કાર્યક્રમ હોય છે. આ સમયે સમસ્ત વિશ્વના ખૂણે ખૂણેથી જેમના ભાગ્યમાં જે વરસે હજની યાત્રા લખાઈ હોય તે ત્યાં પહોંચી જાય છે. આ એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલન પણ ગણાય છે. લગભગ ૨૦થી ૨૫ લાખ અનુયાયીઓ એકઠાં થાય છે. જેમાં રાષ્ટ્રીયતા, રંગ, ગરીબ-તવંગર, જાતિ, ભાષાના ભેદભાવ ભૂલીને સૌ કોઈ પોતપોતાની ઈબાદતોમાં વ્યસ્ત રહે છે. આધ્યાત્મિક વાતાવરણનું સર્જન જોવા મળે છે. અહીંથી હાજી દરેક ગુનાઓથી પવિત્ર થઈ જાય છે. પ્રેમ, ભાઈચારો, મહોબ્બત અને શાંતિનો સંદેશ લઈ પોતાના વતન પરત ફરે છે.

ઈસ્લામના પાંચ મુખ્ય સ્તંભોમાંથી એક સ્તંભ હજ પણ છે. ટૂંકમાં, હજનો પ્રારંભ કરતાં પૂર્વે પુરુષો અને સ્ત્રીઓ અહેરામ ધારણ કરે છે. સાથે હજનો દૃઢ નિર્ધાર કરે છે. સામાન્ય પરિભાષામાં અહેરામ એટલે પુરુષો શરીરના નીચેના ભાગે લૂંગી જેવું સીવ્યા વગરનું સફેદ કપડું વિંટાળીને ઉપરના ભાગે ચાદર જેવું સીવ્યા વગરનું એક બીજું કપડું ઓઢી લે છે. સ્ત્રીઓ ગમે તે વસ્ત્રો પહેરી શકે છે. જોકે, અહેરામનું મહત્ત્વ શરીરને ઢાંકવા પૂરતું જ નથી. સાચા અર્થમાં અહેરામ ત્યાગ, સમર્પણ અને ધીરજનું પ્રતિક છે. માનવી દુનિયામાં હંમેશા દુન્યવી આચારો-વિચારોના વસ્ત્રોથી ઢંકાયેલો રહે છે. એમાં રાગદ્વૈષ, ક્રોધ, મોહ-માયા, લાલસા, પ્રતિષ્ઠા જેવા અનેક બંધનોથી માનવ જકડાયેલો રહે છે. હજયાત્રાએ જનારો દરેક મુસલમાન દુન્યવી વસ્ત્રોનો ત્યાગ કરીને નૈતિક અને આધ્યાત્મિક વસ્ત્રો ધારણ કરે છે. અલ્લાહની બંદગી-ઈબાદતોમાં લીન થઈ જવાનો માર્ગ અહેરામ છે.

અહેરામ ધારણ કરી કાબાની પ્રદક્ષિણા સાત ચક્કર (તવાફ) સફા મરવાની - બે પહાડીઓ વચ્ચે સાત આંટા મારવા, મક્કાથી ત્રણેક માઈલના અંતરે આવેલી મિના નામની જગ્યાએ તંબુમાં રોકાણ કરવું, બીજા દિવસે ત્યાંથી ચારેક માઈલના અંતરે અરફાત નામના ખુલ્લા મેદાનમાં મધ્યાહન પછીનો સમય પસાર કરવો. ત્યાં ઈમામ ઉદબોધન કરે છે. આ સમયે પાપોનું પ્રાયશ્ચિત કરીને દરેક ભલાઈઓ અને વિશ્વશાંતિ માટે આજીજીપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે.

સૂર્યાસ્ત પછી મુઝદલફા આવી રાત્રિરોકાણ કરવામાં આવે છે ત્યાંથી બીજા દિવસે ફરીથી મિના તંબુમાં આવી ત્રણ દિવસ સુધી શેતાનને કાંકરીઓ મારે છે. માથાનું મૂંડન અને જાનવરની કુરબાની કરીને ફરીથી કાબાની પ્રદક્ષિણા (તવાફ) કરીને અહેરામમાંથી મુક્ત થઈ જાય છે. આ પછી પુરુષો હાજી અને સ્ત્રીઓ હાજીયાણીનું બિરુદ પામે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈતિહાસકારોના મંતવ્ય અનુસાર સૌપ્રથમ હજયાત્રા હઝરત આદમ. અલૈ.એ હિન્દુસ્તાનથી કરી હતી. એટલે દુનિયાના સૌપ્રથમ હાજી હિન્દુસ્તાની હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. હજનું વર્ણન પવિત્ર ધર્મપુસ્તક કુર્આનમાં કરવામાં આવ્યું છે.

મુસલમાનો વરસ દરમિયાન બે ઈદ મનાવે છે. એક રમઝાનના ઉપવાસ પૂરા થતાં જ ઈદ-ઉલ ફિતર મનાવવામાં આવે છે. અને બીજી ઈદ-ઉલ અદહા કે જે બકરી ઈદના નામથી જાણીતી છે. બકરી ઈદ પણ આ હજના દિવસો દરમિયાન જેઓ હજમાં ગયા હોતા નથી, તેઓ મનાવે છે. મુસલમાનોના આ તહેવારોમાં ત્યાગ, બલિદાન, આત્મસમર્પણ અને પાક પરવરદિગારની આજ્ઞાનું પાલન જ મુખ્યત્વે હોય છે. જે હજરત ઈબ્રાહિમ અને ઈસ્માઈલ અલૈ. એ આપેલી મહાન કુરબાનીનું પ્રતિક છે. આથી પ્રતિ વર્ષ ઐતિહાસિક પ્રસંગની સ્મૃતિમાં ઈદની નમાઝ પછી બકરી, ગાય, ઊંટ કે એવા જાનવરોની કુરબાની કરવામાં આવતી હોય છે.

હઝરત મુહમ્મદ પયંગબર (સ.વ.અ.) સાહેબે ઈ.સ. ૬૩૨માં મદીનાથી આવી હજ કરી હતી. તે સમયે એક મહત્ત્વપૂર્ણ ઉદબોધન કરેલું, જેમાં ઈસ્લામના માનવીય સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખ્યા હતા. આ સિદ્ધાંતો જાણવા જેવા છે.

મક્કાની હજ યાત્રાએ ગયેલા હાજી-હાજીયાણી મક્કાથી ઉત્તરે અઢીસો માઈલના અંતરે આવેલા મદીના શહેરની મુલાકાત અવશ્ય લે છે. મદીનાનું મહત્ત્વ હઝરત મુહમ્મદ પયગંબરની કબર વિશાળ મસ્જિદે નબાવીમાં આવેલ હોવાના કારણે છે. ત્યાં ઉપસ્થિત થઈને સલામ રજૂ કરી શકતઃ ચાલીસ નમાઝો એટલે કે આઠેક દિવસનું રોકાણ કરે છે.

સઉદી અરબની સરકાર હાજીઓની સુવિધા માટે ખડે પગે તત્પર રહી સેવા બજાવે છે. વધતી જતી સંખ્યાને લઈ કરોડો પાઉન્ડનો ખર્ચ કરીને પવિત્ર સ્થળો અને મસ્જિદનું વિસ્તૃતિકરણ અને આધુનિકરણ પાછળ મિનિસ્ટ્રી ઓફ હજ સદા અગ્રેસર રહે છે. બ્રિટનથી લગભગ ૨૫ હજાર જેટલા હાજીઓ પ્રતિ વર્ષ હજ અદા કરવા જાય છે. બ્રિટિશ સરકાર વગદાર વ્યક્તિઓનું હજ પ્રતિનિધિ મંડળ મોકલાવે છે. ભારતથી પણ બે લાખ જેટલા હાજીઓ હજ કરવા જાય છે. હજ જીવનમાં પરિવર્તન લાવવા માટેની તક પૂરી પાડે છે.

વાચકોને હજ મુબારક અને ઈદ મુબારક...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter