ભગવાન અને સંતનું શરણું અપાવે મુક્તિ

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મદિન વિશેષ

Friday 14th December 2018 07:36 EST
 
 

૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ માગશર સુદ આઠમ છે, આ દિવસ એટલે બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી. વિક્રમ સંવત - ૨૦૭૫માં સંસ્કૃતિ અને પરોપરકાર-સેવાના જ્યોતિર્ધર વિશ્વવંદનીય પરમ પૂજ્ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટના આંગણે ઉમંગઉલ્લાસભેર ઉજવાઇ રહ્યો છે, તેની આ દિવસે પૂર્ણાહૂતિ થશે. આ મહોત્સવ પ્રસંગે ભારતીય અધ્યાત્મ અને સંવાદિતાનો સંદેશો વિશ્વભરમાં પ્રસાતિ કર્યો છે એવી સંતવિભૂતિના અમૃતવચનોને આત્મસાત્ કરીએ... 

• ‘એ ખોળિયું તો પડી રહેવાનું છે, પણ અનંત કાળથી જે જન્મ-મરણ ચાલ્યા કરે છે, એમાંથી છૂટવાની બારી તો ભગવાન અને સંત બે જ છે. ભગવાનનો આશરો કરીને સારી રીતે એમની ભક્તિ કરવી અને સંત પાસેથી જ્ઞાન શીખવું.’
• ‘પોતાને જે પ્રાપ્તિ થઈ છે, જે સત્સંગ થયો છે, એ બીજાને પણ થાય એનો વિચાર કરવો. ધંધામાં એક દુકાનથી લાભ થાય તો બીજી કરીએ છીએ, એમ આપણને આ પણ લાભ થયો છે તો બીજાને પણ એ લાભ થાય એ પ્રયત્ન કરતા રહેવું. દુનિયાની વાતોમાં જેટલો ઉત્સાહ છે એટલો ઉત્સાહ સત્સંગની વાતમાં પણ રાખવો. ભગવાનનો આનંદ આવી જાય, ભગવાનનું જ્ઞાન થઈ જાય, એટલે જગત ખોટું થઈ જાય. જગતમાં મોહ અને મમતા છે ત્યાં સુધી અપ-ડાઉન થયા કરશે. અપ-ડાઉન એટલે શું? પૈસા મળે તો અપ અને પૈસા જાય તો ડાઉન, પણ જો ભગવાનને કર્તા સમજીએ તો અપ-ડાઉન આવે નહીં.’
• ‘આપણે અત્યારે જાગીએ છીએ, હાલીએ છીએ ને ચાલીએ છીએ, છતાં મડદા જેવા જ છીએ. મડદા જેવા એટલે શું કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી અને આત્મા-પરમાત્માની સમજણ નથી આવી, ત્યાં સુધી મડદા જેવા જ છીએ, અજ્ઞાની છીએ. એટલે જ શાસ્ત્રો કહે છે કે ‘આત્મા-પરમાત્માની પ્રાપ્તિ કરો, એના માટે ઊઠો અને ઊભા થાવ, મહાન પુરુષોની પાસે જાવ. મહાન પુરુષો આપણને નિશાન બતાવે છે અને નિશાન સુધી લઈ જાય છે.’
• ‘કેટલીક વાર ઘરે મહેમાન આવ્યા હોય તો એમ થઈ જાય કે ‘રવિવારની સભામાં નહીં જવાય. એની સાથે બેસવું પડશે.’ મહેમાનને ખોટું ન લાગે એટલા માટે આપણે રવિસભામાં જતા નથી. તો પછી ભગવાનને ખોટું નહીં લાગે? જેણે આપણને જન્મ આપ્યો છે, જેણે આપણને બુદ્ધિ-શક્તિ આપી છે, એના માટે આપણે કંઇ નહીં કરીએ તો ખોટું નહીં લાગે? જે ખરેખરા નિષ્ઠાવાળા હરિભક્ત છે, એ તો મહેમાન આવ્યા હોય એને પણ કહી દે કે ‘ચાલો, રવિવારની સભા છે. તમને પણ દર્શન થશે ને લાભ થશે.’
• ‘સો અવગુણમાં એક ગુણ પણ સારો હોય તો એને ગ્રહણ કરી લેવો ને બીજા નવ્વાણું અવગુણો મૂકી દેવા, તો આગળ વધાશે. ભગવાનનો મહિમા સમજાશે તો આપણું બધું જ અભિમાન ચાલ્યું જશે. આપણા સ્વભાવ-દોષ ચાલ્યા જશે. ભગવાનનું કર્તાપણું અખંડ રાખવું, નહીં તો માન આવી જાય કે ‘મેં કર્યું અને મારાથી થયું.’ માન આવે તો પડ્યા હેઠા, પછી માલ ન રહે, કારણ કે અવગુણ આવે, અભાવ આવે. એમ થાય કે ‘અમને પૂછ્યું નહીં.’ ભાઈ! પૂછવાનું શું છે? આપણે તો ભગવાન ભજવા આવ્યા છીએ. કેવળ કલ્યાણ માટે સત્સંગમાં જોડાયા છીએ.’
• ‘અવગુણ લેવો હોય તો આપણામાં કેટલા અવગુણ પડ્યા છે? ક્રોધ આવી જાય છે, ઈર્ષ્યા આવી જાય છે એને જુઓ ને! બીજાનું શું કરવા જોવું? લીંબડો કડવો હોય કે સડી ગયો હોય તો પણ ભગવાનનો સંબંધ થયો હોય તો એને પગે લાગીએ છીએ અને એની સામે બીજી રીતે જોતા નથી, એમ હરિભક્તોમાં પણ કાંઈક દોષ જેવું લાગે તો એને જોયા કરતાં એને સંબંધ થયો છે, મોટા પુરુષ સાથે હેત થયું છે ને સેવા કરે છે, એ જ જોવાનું છે. મહિમા હશે તો કામ થશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter