મહાશિવરાત્રિઃ શિવશક્તિની આરાધનાનું પર્વ

પર્વવિશેષ

ક્રિસ્ટોફર બેન્જામીન, પ્રેસબીટેરીઅન ચર્ચ-વેમ્બલી Thursday 21st February 2019 06:25 EST
 
 

મહાશિવરાત્રિનું પર્વ એટલે ભોળા શંભુની આરાધનાનું પર્વ. દેશ-વિદેશના શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠશે, ગાજી ઉઠશે. આ પર્વે - તેનું નામ જ સૂચવે છે તેમ - રાત્રિપૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી પરંપરામાં વિવિધ પર્વો - ઉત્સવો માટે ચોક્કસ સમયનું આગવું મહત્ત્વ છે. જેમ કે, અખાત્રીજ સૂર્યોદય સમયે, રામનવમી મધ્યાહૃન સમયે, વિજયાદશમી અપરાહૃન કાળે, હુતાષણી- હોળી સંધ્યા સમયે, ધનતેરસ પ્રદોષ સમયે (સૂર્યાસ્ત પછી રાત્રિના આરંભ સમયે) વિશેષ મહત્ત્વ (ખાસ પર્વકાળ) ધરાવે છે. જ્યારે મહાશિવરાત્રિ, જન્માષ્ટમી અને નવરાત્રિ એ પર્વ રાત્રિપ્રધાન છે એટલે કે રાત્રિના સમયનું વિશેષ મહત્ત્વ છે.

હિંદુ ધર્મમાં આ ત્રણેય મહારાત્રિનું વિશેષ મહત્ત્વ છે. મહા માસની વદ ચૌદશ (આ વર્ષે ૪ માર્ચ) મહાશિવરાત્રિ યોગીઓની યોગ સિદ્ધિ માટે મહારાત્રિ ગણાય છે. આ પછી આવે છે શ્રાવણ વદ આઠમ. આ કાલાષ્ટમી - જન્માષ્ટમીની મોહરાત્રિ ભક્તિમાર્ગની મહારાત્રિ તરીકે આગવું મહત્ત્વ ધરાવે છે. જ્યારે આસો વદ ચૌદશ એટલે કે કાળી ચૌદશની કાળરાત્રિ મંત્રસિદ્ધિ માટે મહત્ત્વની મહારાત્રિ તરીકે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

મહા વદ ચૌદશની રાત્રિ એટલે...

મહાશિવરાત્રિની ધાર્મિક કથામાં આવતા હરણિયા (મૃગશીર્ષ નક્ષત્રનાં તારાઓ) અને પારધી – શિકારી (વ્યાધનો તારો) ખગોળશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ મૃગશીર્ષ નક્ષત્રને અંગ્રેજી તથા લેટિન ભાષામાં ‘ઓરાયન’ કહે છે. સુપ્રસિદ્ધ રાજપુરુષ અને ખગોળ-ઇતિહાસના વિદ્વાન લેખક લોકમાન્ય ટિળક મહારાજે ‘ઓરાયન’ નામે અંગ્રેજી ભાષામાં ખગોળગ્રંથ લખેલ જે આજે પણ કાલમાપનશાસ્ત્રમાં શ્રદ્ધેય ગણાય છે.

મહા (માઘ) માસનું રખેવાળ નક્ષત્ર મઘા છે. મઘા નક્ષત્રનો તારકસમૂહ ખેડૂતની દાતરડીનો આકાર ધરાવે છે. મૃગશીર્ષના તારા - તેની પાછળ તેજસ્વી વ્યાધનો તારો અને પારધીએ છોડેલા બાણ સ્વરૂપે ત્રણ સીધી લીટીના તારા તથા રોહિણી નક્ષત્રને આધારે આજે પણ ગામડાંના ખેડૂતો શિયાળાની રાત્રિનો સમય નક્કી કરે છે.

મહાશિવરાત્રિ ક્યારે ગણાય?

ખગોળ- પંચાંગ ગણિતની દૃષ્ટિએ મહાશિવરાત્રિ વદ ચૌદશની રાત્રિ હોય તે દિવસે મનાવાય છે. તેથી પંચાંગ ગણિત મુજબ મહા વદ તેરસ તિથિ વહેલી સમાપ્ત થતી હોય ત્યારે વદ તેરસના દિવસે મહાશિવરાત્રિ ઊજવાય છે. પંચાંગ શાસ્ત્રાર્થની દૃષ્ટિએ દર માસની વદ ચૌદશ તિથિની રાત્રિને શિવરાત્રિ કહે છે. મહા માસની શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ.

મહાશિવરાત્રિ પર્વે રાત્રિના સમયે મધ્યરાત્રિ પછીના પ્રહરમાં નિશીથકાળમાં શિવ મહાપૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે તા. ૪ માર્ચને સોમવારના રોજ પંચાંગ ગણિતની દૃષ્ટિએ વદ તેરસ તિથિ ભારતીય સમય પ્રમાણે કલાક ૧૬-૨૯ (બપોર પછી કલાક ૪-૨૯) સમયે સમાપ્ત થાય છે. વદ ચૌદશ તિથિ તા. ૫ માર્ચને મંગળવારે કલાક ૧૯-૦૭ (સાંજે કલાક ૭-૦૭) સમયે સમાપ્ત થાય છે. મહાશિવરાત્રિ એ રાત્રિપ્રધાન પર્વ હોવાથી સોમવારની રાત્રિએ (વદ ચૌદશ તિથિમાં) પૂજા થાય તે રીતે મનાવવાનું થતું હોવાથી તા. ૪ માર્ચને સોમવારના રોજ મહાશિવરાત્રિ પર્વ નક્કી થયેલ છે.

નિશીથકાળ એટલે શું?

કાળગણનામાં એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો એટલે અહોરાત્ર. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમયગાળો એટલે દિનમાન. સૂર્યાસ્તથી બીજા સૂર્યોદય સુધીનો સમયગાળો એટલે રાત્રિમાન. દિનમાન અને રાત્રિમાન મળીને એક અહોરાત્ર (૨૪ કલાક જેટલો સમય) થાય છે. દિવસના ચાર પ્રહર હોય છે. રાત્રિના ચાર પ્રહર હોય છે. આપણે ત્યાં સતત રાજી રહેનારા લોકો કહે છે કે મારે તો આઠેય પહોર આનંદ છે. આમ ૨૪ કલાકમાં આઠ પ્રહર હોય છે.

સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયગાળાના (રાત્રિમાનના) ચાર સરખા ભાગ કરીને પ્રહર (આશરે ત્રણ કલાકનો સમય) નક્કી થાય છે. આમ મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહરનો સમય નક્કી કરવામાં આવે છે.

શિવાલયમાં મહાશિવરાત્રિની રાત્રે ચાર પ્રહર પૈકી દરેક પ્રહરની પૂજા જુદા જુદા દ્રવ્યોથી કરવામાં આવે છે. જે અનુસાર,

• પ્રથમ પ્રહરમાં દૂધથી

• બીજા પ્રહરમાં દહીંથી

• ત્રીજા પ્રહરમાં ઘીથી અને

• ચોથા પ્રહરમાં મધથી પૂજન તથા ફ્ળથી અર્ઘ્ય પ્રદાન કરવાનો મહિમા છે.

નિશીથકાળ એટલે મધ્યરાત્રિની બે ઘડીનો સમયગાળો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમયગાળો એટલે કે દિનમાનના મધ્ય ભાગને મધ્યાહૃન કહે છે, લોકભાષામાં વિજય મુહૂર્ત કે અભિજીત મુહૂર્ત કહે છે. એમ મધ્યરાત્રિથી એક ઘડી આગળ અને એક ઘડી પાછળ (૧ ઘડી = ૨૪ મિનિટ). આમ મધ્યરાત્રિના ૪૮ મિનિટના સમયગાળાને ‘નિશીથકાળ’ કહે છે.

આ પર્વે વિશેષ શું કરી શકાય?

• મહાશિવરાત્રિના દિવસે જ્ઞાનમાર્ગમાં આગળ વધવા માટે અભ્યાસ કરવાથી સારી સફ્ળતા મેળવી શકાય. • સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉત્સુક વિદ્યાર્થીઓએ આ દિવસે મધ્યાહૃન સમયે ઉત્તર દિશા તરફ મુખ રાખી શિવજીનું સ્મરણ કરવું. અભ્યાસક્રમ બાબતે મનન-ચિંતન કરી શકાય. • શક્ય હોય તો રાત્રે આકાશદર્શન કરવું. તે સમયે મૃગશીર્ષ નક્ષત્ર, પારધીએ છોડેલા બાણના ત્રણ તારાઓ, પાછળ રહેલો પારધી (વ્યાધ)નો તારો તથા મૃગમંડળના તારાઓનાં દર્શન કરવા જોઇએ. • ઘરમાં કે દવાખાનામાં માંદગી ભોગવી રહેલા સભ્યો માટે મહામૃત્યુંજય મંત્રના જાપ આ દિવસે કરવાથી વધુ અનુકૂળતા રહે છે.

પર્વનું સાંસ્કૃતિક મહત્ત્વ

• મહાશિવરાત્રિ એટલે સ્વામિ દયાનંદ સરસ્વતીનો બોધ ઉત્સવ દિન. આર્ય સમાજ તથા અન્ય વેદિક સંસ્થાઓમાં જ્ઞાનયજ્ઞ યોજાય છે.

• મહાશિવરાત્રિ એટલે મૂઠીઊંચેરા માનવી અને ઘસાઇને ઉજળા થવાનું શીખવનાર ગુજરાતના મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજનો જન્મદિવસ.

• મહાશિવરાત્રિ પર્વે મેળાઓ તો ઘણા સ્થળે યોજાય છે, પરંતુ આમાં શિરમોર છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ખાતે યોજાતો ભવનાથનો મેળો અને રાજસ્થાનનો એકલિંગજીનો મેળો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter