મેરી ક્રિસમસ ટુ યુઃ દુનિયાભરમાં લકઝુરિયસ ક્રિસમસ ટ્રી ઝળહળ્યા

Thursday 24th December 2015 05:38 EST
 
 

૨૫મી ડિસેમ્બરના રોજ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હોવાની યાદમાં સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા ક્રિસમસ ઊજવવામાં આવે છે. ડિસેમ્બર મહિનાના પ્રારંભે જ શરૂ થયેલી ઊજવણીઓ ૨૫મી ડિસેમ્બરે ચરમ પર પહોંચે છે. ભારતમાં ધાર્મિક સૌહાર્દ મધ્યે ક્રિસમસની ઉજવણી કરાય છે. માત્ર ક્રિશ્ચિયન જ નહીં બધા જ ધર્મના લોકો ઉજવણીમાં સામેલ થાય છે.

દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણીનો માહોલ જામ્યો છે. વિશ્વના પ્રખ્યાત સ્થળો પર અતિ મૂલ્યવાન અને લક્ઝુરિયસ ટ્રી ઝળહળવા લાગ્યા છે. એક અભ્યાસ પ્રમાણે, યુએસમાં ક્રિસમસ પર્વે સૌથી વધુ ખર્ચ યુવા પેઢી કરે છે. પ્રાથમિક અંદાજ અનુસાર, જે પણ નાણાં ખર્ચાય છે તેમાંથી ૫૬ ટકા રકમ પરિવારને વિવિધ વસ્તુઓ ગિફ્ટ કરવા પાછળ ખર્ચાય છે. જ્યારે બાકી નાણાં કેન્ડી અને ભોજન પાછળ ખર્ચાય છે. કયા કયા દેશમાં આ ક્રિસમસ ટ્રી ઝળહળવા લાગ્યા છે અને ક્રિસમસ દરમિયાન માર્કેટ કેવું રહેવાનો અંદાજ છે તેમ જ ભારતમાં કયા સ્થળે ક્રિસમસની ધમાકેદાર ઉજવણી થાય છે તેની ઝલક અહીં રજૂ કરી છે.

કઇ વસ્તુ પાછળ કેટલો ખર્ચ થશે?

એક અંદાજ મુજબ યુએસમાં આ વખતે ક્રિસમસ પર યુવાઓ ગત વર્ષ કરતાં વધુ નાણાં ખર્ચ કરશે. ગેલપ દ્વારા હાથ ધરવામાં આવેલાં એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે એક યુવા સરેરાશ ૮૩૦ ડોલર ક્રિસમસ દરમિયાન ખર્ચ કરશે. જ્યારે ગયા વર્ષે સરેરાશ ખર્ચ ૭૨૦ ડોલર હતો. મતલબ કે આ વખતે લગભગ ૧૦૦ ડોલર વધુ ખર્ચ કરશે. જે નાણાંનો ખર્ચ થશે તેમાં સૌથી વધુ નાણા ગિફ્ટ પાછળ ખર્ચાય છે. આ ખર્ચને ટકાવારીમાં વહેંચીએ તો અમેરિકામાં ૫૬ ટકા નાણા પરિવારજનોની ગિફ્ટ પાછળ ખર્ચાશે. જ્યારે ૧૪ ટકા નાણા કેન્ડી અને ફૂડ પાછળ ખર્ચાય છે.

ભારતમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી

ગોવાઃ ગોવામાં દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવાય છે. જોકે ક્રિસમસ સમયે અહીંની રોનક અલગ જ હોય છે કેમ કે અહીં રોમન કેથલિક વસતી વધુ છે. ગોવાને ભારતના પાર્ટી કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ક્રિસમસ સમયે તેની રોનક વધી જાય છે. સમગ્ર શહેર ફુલો અને લાઇટ્સથી શણગારાય છે.
મનાલીઃ ભારતમાં વ્હાઇટ ક્રિસમસ તો તમને મનાલીમાં જ જોવા મળે. અહીં બરફ પડવાની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. વળી, ક્રિસમસ સમયે જ અહીં હિમવર્ષા વધુ થાય છે. અહીં લોકો સ્નોમેન એટલે કે બરફનો માનવી બનાવે છે, જે સામાન્ય રીતે અમેરિકા બાજુ વધુ જોવા મળે છે.
કેરળઃ કેરળમાં કદાચ ભારતના સૌથી વધુ ચર્ચ આવેલા છે. અહીં દરેક શહેરની શેરીઓમાં શણગારવામાં આવી છે. ચર્ચ દરેક રાત્રિ ખુલ્લા રાખવામાં આવે છે. અહીં રેસ્ટોરાં દ્વારા મોટા પ્રમાણમાં ફૂડ અને ડ્રિંક્સ પર ડિસ્કાઉન્ટ અપાય છે.
દમણ અને દીવઃ ગુજરાતીઓ ક્રિસમસ સેલિબ્રેશન માટે દમણ અને દીવને સૌથી શ્રેષ્ઠ સ્થળ માને છે. ક્રિસમસ સમયે આ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણમાં અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ યોજાય છે. ક્રિસમસ દરમિયાન પોર્ટુગીઝ ડાન્સ સૌથી પ્રખ્યાત માનવામાં આવે છે.
મુંબઈઃ મહાનગર મુંબઈમાં ક્રિશ્ચિયન કોમ્યુનિટીની વસતી ઘણી છે. બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ ખુબ જ રસ લે છે. અહીં પ્રખ્યાત ચર્ચ પણ આવેલા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter