રમઝાન સદાચરણનો મહિનો

પર્વવિશેષ

યુસુફ એમ. સિદ્દાત (લેસ્ટર) Saturday 19th May 2018 06:19 EDT
 
 

ઇસ્લામ ધર્મના જે પાંચ મૂળભૂત કર્તવ્યો ગણાય છે, તેમાં દિવસમાં પાંચ સમયની નમાઝ, એક અલ્લાહ અને પયગંબર મુહંમ્મદ (સલ.)ને માનવું, રોઝા (ઉપવાસ), નિર્ધારિત ધોરણનું દાન ઝકાત અને હજ મક્કાની યાત્રા કરવીનો સમાવેશ થાય છે. ઉપવાસ એ શારીરિક બંદગી ગણાય છે. માનવીના વ્યક્તિત્વ અને આધ્યાત્મિક વિકાસ તેમજ ઘડતરમાં અગત્યની ભૂમિકા રોઝામાં સંપન્ન થાય છે. મૂળભૂત ઉદ્દેશ માનવીની ભૌતિક મનેચ્છાઓ પર અંકુશ મૂકવો અને શરીરને કાબૂમાં રાખવાનો રહેલો છે.

પવિત્ર રમઝાન માસના ઉપવાસ દ્વારા માનવતા, સહિષ્ણુતા, દયાભાવ, લાગણી અને અન્યો પરત્વે સદભાવના જન્માવવાની એક પ્રકારની તાલીમ મળે છે. ઇસ્લામ ધર્મ પોતાના અનુયાયીઓ માટે સલામતી પણ ઇચ્છે છે અને તંદુરસ્તી પણ ઇચ્છે છે. રોઝા રાખવા અલ્લાહની બંદગી ગણાય છે. કુર્આનમાં રોઝા - ઉપવાસ – રાખવાની આજ્ઞા અને મહિમા દર્શાવવામાં આવ્યો છે. પહેલાના લોકો પણ રોઝા રાખતા હતા. સામાજિક દૃષ્ટિએ અમીર તથા ગરીબ વચ્ચેનો તફાવત ઘટાડવામાં એ જરૂરી છે કે ગરીબોની લાચારી અને વિવશતાનો વ્યવહારિક અનુભવ થાય. જે રમઝાન માસમાં પૂર્ણ થતો જોવા મળે છે.

વળી ઇસ્લામના પયગમ્બર હઝરત મુહંમદ (સ.અ.વ.)ની જિંદગીનું મહત્ત્વનું પાસું અને જીવનમંત્ર માનવમૂલ્યોનું જતન કરવાનું હતું. આ રીતે માનવતા પ્રગટાવવામાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. લાચાર, બિમાર અને ગર્ભવતી સ્ત્રી હોય તેમને રોઝામાંથી તત્કાલીન મુક્તિ આપવામાં આવી છે. જે ક્યારેક પાછળથી રાખવા અથવા એના બદલામાં દાન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રમઝાનનો માસ ઇસ્લામના ધર્મપુસ્તક કુર્આનના ઉતરાણનો મહિનો છે. તેથી કુર્આન પ્રત્યેની રૂચિ આ માસમાં અનેકગણી વધી જાય છે. રાત્રિની વધારાની તરાવીહની નમાઝમાં સમગ્ર માસ દરમિયાન આખું કુર્આન પઠન કરવામાં આવે છે. ઉપરાંત પણ વ્યક્તિગત કુર્આન પઠનમાં પણ વધારો થઈ જાય છે. આ રીતે પ્રતિ વર્ષ એક વાર તો ફરજિયાતપણે કુર્આનનું શિક્ષણ, હેતુ અને ભાવના સામે આવી જાય છે.

કુર્આન એ ઇશવાણી (અલ્લાહની વાણી) છે. એમાં ફેરફાર કરી શકાય નહિ. આ પવિત્ર પુસ્તકમાં ખાસ કરીને માન્યતાઓ, જીવનને લગતા આદેશો, કિસ્સાઓ અને ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા છે, જે પરલોકના જીવન અને વર્તમાન જીવનશૈલી સંબંધિત સમજ પૂરી પાડે છે. કિસ્સાઓ અને ઉદાહરણો દ્વારા બોધપાઠ આપવામાં આવ્યો છે. સમગ્ર કુર્આન ૩૦ વિભાગો, ૧૧૪ પ્રકરણોમાં વહેંચાયેલો છે. દરેક પ્રકરણનો પ્રારંભ પરમ કૃપાળુ અલ્લાહના નામથી થાય છે. આ પ્રકરણો પૈકી કેટલાક મક્કામાં તો કેટલાક મદીનામાં હઝરત મુહમ્મદ (સ.લ.)ના જીવનકાળ દરમિયાન ૨૩ વરસમાં એમના ઉપર ઉતારવામાં આવ્યા હતા. હઝરત જિબ્રઇલ નામના ફરિશ્તા દ્વારા અલ્લાહ તરફથી મોકલવામાં આવતું હતું. કુર્આનમાં વિવિધ સંદેશવાહકોનું અને તે સમયની પ્રજાના વલણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુર્આન મૂળ અરબી ભાષામાં છે, પરંતુ વિવિધ ભાષાઓમાં તરજૂમો અને વિવરણ ઉપલબ્ધ બન્યું છે. ગુજરાતી ડો. અરવિંદ લાપસીવાલાએ કુર્આનનો અભ્યાસ કરી ‘કુર્આન અંકિત પયગંબરો’ નામનું દળદાર પુસ્તક પણ લખી પ્રકાશિત કર્યું છે.

રમઝાન માસમાં મુસ્લિમ સમાજમાં એક વિશેષ માહોલનું સર્જન થાય છે. સવારે પરોઢે ઉઠી સહેરી ઉપવાસના પ્રારંભનું ભોજન લે છે અને સૂર્યાસ્ત પછી ઉપવાસ રોઝા પૂરો થાય છે જ્યારે ખજૂર, પાણી અથવા કોઈ મીઠી વસ્તુથી રોઝાની ઇફતારી સમાપ્ત થાય છે.

અહીંયા બ્રિટનમાં અત્યારે ઉનાળાની ઋતુ ચાલતી હોવાથી ૧૭થી ૧૮ કલાક લાંબા ઉપવાસ હોય છે. તો વળી વિશ્વના જે દેશોમાં ટૂંકા દિવસો હોય ત્યાં રોઝાનો સમય પણ ટૂંકો હોય છે. ઉપવાસ છોડાવવા એક મોટા પુણ્યનું કાર્ય ગણાય છે. રમઝાનનો માસ પુરો થતાં બીજા દિવસે ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ આ પવિત્ર પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી સરાહના કરી છે.

આપ સહુ વાચકોને રમઝાન મુબારક...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter