શ્રાવણ માસઃ શિવજીના પૂજન-અર્ચનનો ઉત્સવ

પર્વવિશેષ

Tuesday 02nd August 2016 13:19 EDT
 
 

મહાદેવનું પૂજન, અર્ચન, કરવાનો ઉત્સવ એટલે શ્રાવણ માસ. ભોળેનાથની આરાધનાનું આ પર્વ ત્રીજી ઓગસ્ટથી શરૂ થઇ રહ્યું છે. શિવજીની ઘણાં નામોથી ભક્તિ થાય છે. મહાદેવ, રુદ્ર, સદાશિવ, શર્વ, ભવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન વગેરે રૂપોથી તેઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્રના અધિપતિ થયા છે. અર્થાત્ સર્વ તત્ત્વ સ્વરૂપોનો આશ્રય શિવ જ છે.

મહાદેવના અનેક સ્વરૂપ છે, અને આ દરેક સ્વરૂપ કોઇને કોઇ પ્રકારે આપણા જીવન સાથે સંકળાયેલું છે. જળ સ્વરૂપ શિવજી 'ભવ' છે, જે સમસ્ત જગતનું પાલનપોષણ કરે છે. 'રુદ્ર' નામનું સ્વરૂપ વાયુ સ્વરૂપે અંદર તેમજ બહારથી સર્વને ધારણ કરે છે. જે સ્વયં ગતિમાન છે - તે શિવજીનું ઉગ્ર સ્વરૂપ છે. 'ભીમ' સ્વરૂપ સર્વમાં વ્યાપક છે. 'સદાશિવ'નું પશુપતિ સ્વરૂપ સર્વ આત્માઓનું અધિષ્ઠાન તથા આશ્રયસ્થાન હોઈ સર્વ ક્ષેત્રોમાં વસે છે તેમજ જીવોનાં સંસારનાં બંધનને છેદનારું છે. 'ઈશાન' સ્વરૂપ સૂર્યનાં નામે આકાશમાં પ્રકાશ ફેલાવે છે. તે 'ચંદ્ર'ને પુષ્ટ કરે છે તે 'મહાદેવ' નામનું સ્વરૂપ છે. આમ, પોતાનું તેમજ જગતનું કલ્યાણ ઈચ્છતાં માનવોએ શિવજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જ જોઈએ.

શ્રાવણ માસમાં મહાદેવનું ધ્યાન, પૂજન કરવાથી પુણ્યની પ્રાપ્તિ સાથે મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકાય છે. વિશ્વમાં જે કંઈ દૃશ્યમાન છે તે શિવનું સ્વરૂપ છે. જ્યારે પણ ભક્તો દ્વારા શિવલિંગનું સ્મરણ, પ્રતિષ્ઠા, ભક્તિ-ભાવના વરસી છે તેઓ કૃપા વરસાવતા રહ્યા છે. શિવલિંગનું પૂજન કરી કીર્તિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્ગતિને પામી શકાય છે. શિવજીને પામવાનો સુલભ ઉપાય લિંગપૂજા છે. તે મંગલ અને પવિત્ર છે.

શિવલિંગના પાંચ પ્રકારો છેઃ (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચર લિંગ (૫) ગુરુ લિંગ.

સદાશિવની ષોડષોપચાર વિધિથી એટલે કે આહવાન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, ગંધ, વસ્ત્ર, દૂધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન એમ ૧૬ પ્રકારથી પૂજન કરવું. પૂજન બાદ મંત્રજાપ કરવા. 'ૐ નમઃ શિવાય'નો જપ ઉત્તમ ઉપાય છે.

સૌથી સુંદર પાર્થિવ શિવલિંગ છે. તેના પૂજનથી અનેક લોકો સિદ્ધિ પામ્યા છે. બધાં પ્રકારની મૂર્તિઓમાં પાર્થિવ (માટીની) મૂર્તિ શ્રેષ્ઠ છે. પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, ધન્ય, આયુષ્ય વધારનારી, સંતોષ અને પૃષ્ટિ આપનારી તથા લક્ષ્મીનો વધારો કરનારી છે; તેથી તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. પાર્થિવ લિંગ અખંડ જ બનાવવું, તેને ખંડિત કરવું નહિ. જે ખંડિત લિંગ બનાવે છે, તે પૂજનનું ફળ પામતો નથી. પાર્થિવ શિવલિંગનું પૂજન કરોડો યજ્ઞોનું ફળ આપે છે અને કામનાવાળા મનુષ્યોને કાયમી ભોગ તથા મોક્ષ બંને આપે છે.

આ સાથે મંત્ર જાપનું પણ મહત્ત્વ જાણીએ. વેદમાં અને શિવ પુરાણમાં આ પંચાક્ષર, ‘ૐ’ સાથે છ અક્ષરનો કહ્યો છે. આ સાથે કોઈ પણ મનુષ્ય પંચાક્ષર ‘ૐ નમઃ શિવાય’માં નિષ્ઠાવાન થઈને જાપ કરે તો સંસારના પાપરૂપ દરેક મુશ્કેલીઓમાંથી છૂટી જાય છે. આ સમય દરમિયાન સદાશિવનાં લિંગ ઉપર બિલ્વપત્ર ચડાવવાથી સદાશિવ હંમેશા પ્રસન્ન રહે છે. તેમની કૃપા ભક્તો પર ઉતરે છે. બિલ્વનાં ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ.

વૃક્ષનું જતન, પૂજન, અર્ચન કરવું એ જ શિવપૂજન. બિલ્વવૃક્ષના મૂળમાં શિવ-પાર્વતી, તેનાં થડમાં દેવી દાક્ષાયણી, શાખાઓમાં મહેશ્વરી, પત્રોમાં પાર્વતી, ફળમાં કાત્યાયની, છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમાદેવીનો વાસ રહેલો છે. તેનાં કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે. શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતી વખતે નીચેનો મંત્ર બોલીને તે ચઢાવવું જોઈએ. વળી તે અખંડ ત્રિદલ હોવું જોઈએ.

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુતમ્ ।

ત્રિજન્મ પાપ સંહારં બિલ્વપત્રં શિવાર્પણમ્ ।।

સદાશિવના ભક્ત પાસે શિવનું નામ, ભસ્મ અને રુદ્રાક્ષ નિત્ય રહે અને આવા ભક્તનાં દર્શન કરવાથી ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. શિવજીનું નામ ગંગા સમાન, ભષ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ એ સરસ્વતી સમાન છે. એ ત્રણેયનો સંગમ સર્વ પાપોનો નાશ કરે છે. જે પાપો કોઈ પણ રીતે નાશ પામી શકતા નથી, તે શિવનામ જપવાથી નાશ પામે છે. જે ભક્તો સદૈવ શિવનામ જપે છે તેમને મોક્ષ સુલભ બને છે.

ધારણ કરવા માટે અગ્નિ, હોમ વડે ઉત્પન્ન થયેલી ભસ્મ પવિત્ર અને મંગલ છે. બીજા યજ્ઞો અને અને ગાયનાં છાણાંમાંથી ઉત્પન્ન થયેલી ભસ્મ ‘ત્રિપુંડ’ ધારણ કરવા ઉપયોગમાં લેવી જોઈએ. જળ મિશ્રિત ભષ્મ શરીર પર ધારણ કરવી. તેને નીચે પ્રમાણે મંત્ર બોલીને ધારણ કરવી જોઇએ.

ૐ અગ્નિરિતિ ભસ્મ, વાયુરિતિ ભસ્મ,

જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભષ્મ ।

વ્યામિતિ ભસ્મ, ર્સ્વં હવા ઈદં ભસ્મ,

મન એતાનિ ચક્ષુંસિ ભસ્માનિ ।।

જાંબલ ઋષિએ કહ્યું છે કે, મોક્ષની ઈચ્છાવાળાએ આડું ભસ્મ ત્રિપુંડ ભૂલથી પણ ચૂકવું જોઈએ નહિ. શિવ, વિષ્ણુ, બ્રહ્મા તથા ઉમા, લક્ષ્મી, સરસ્વતી એ આડું ત્રિપુંડ ધારણ કરે છે. ભષ્મ ધારણ કર્યા વગર ‘ૐ નમઃ શિવાય’ એ છ અક્ષરના મંત્રનો જાપ કરી શકાય નહિ. ભસ્મ પવિત્રતા બક્ષે છે. તે ધારણ કરવાથી તમામ તીર્થોની યાત્રાનું તથા સઘળી નદીઓમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે.

શ્રાવણ માસમાં રુદ્રાક્ષનાં દર્શન તથા તેનો સ્પર્શ પણ મંગલકારી છે. તે સુખ, શાંતિ, આનંદ અને ઉત્સાહ અર્પે છે. પૌરાણિક કથા અનુસાર શિવજીએ હજારો વર્ષનાં તપ બાદ નેત્ર ખોલ્યાં ત્યારે તે ચક્ષુમાંથી સરી પડેલાં બે જળબિંદુઓ રુદ્રાક્ષના વૃક્ષરૂપે સાકાર થયા હતા. ભગવાને ભકતોને તે પ્રસાદીરૂપે આપ્યા અને ભક્તો તે ધારણ કરીને મંગલ બને છે. આ પ્રસાદી સ્વરૂપ રુદ્રાક્ષ એકમુખીથી ચૌદમુખી સુધીના ભેદવાળા હોય છે. તે પ્રત્યેકનું અલગ-અલગ માહાત્મય છે. સર્વભેદવાળા રુદ્રાક્ષો મંગલકારી, પાવનકારી છે. તે સર્વ પ્રકારે રિદ્ધિ-સિદ્ધિ આપનારા હોય છે.

શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીને રિઝવે છે. મુખ્યત્વે શિવજીનાં દસ વ્રત છે. દરેક આઠમે કાળજી રાખીને રાત્રિમાં ભોજન કરવું. કાલાષ્ટમીએ ભોજનનો ત્યાગ કરવો. શુક્લ પક્ષની એકાદશીએ દિવસનાં ભોજનનો ત્યાગ કરવો. કૃષ્ણ પક્ષની એકાદશીએ શ્રીવિષ્ણુનું પૂજન કર્યા બાદ રાત્રીભોજન કરવું. જોકે શિવજીનું વ્રત કરનારે કૃષ્ણ પક્ષની તેરસે ભોજન કરવું નહિ. બંને પખવાડિયાનાં સોમવારે રાત્રે એક વાર આહાર કરવો. વ્રત કરનારે શિવભક્ત બ્રાહ્મણોને જમાડયા બાદ જ જમવું. ભગવાન મહાદેવની પૂજા, રુદ્રજાપ, શિવાલયમાં ઉપવાસ તથા મોક્ષપ્રાપ્તિ માટે શિવરાત્રી વ્રત આવશ્યક છે.

શિવભક્તો માટે શિવરાત્રીનું વ્રત ઉત્તમ છે. ભક્તો ચાર પ્રકારની મુક્તિ માંગે છેઃ સાલોક્યા, સારુપ્યા, સાંનિધ્યા, અને સાયુજ્યા - જે શિવભક્તિથી જ મળે છે. પાંચમી ‘કૈવલ્ય’ નામે દુર્લભ મુક્તિ છે - જેનાથી જગતનું સર્વત્ર પોષણ અને લય થાય છે

જેનાથી આ સઘળું જગત વ્યાપ્ત છે તે શિવનું સ્વરૂપ છે. શિવસ્વરૂપ સકલ અને નિષ્કલ એમ બે પ્રકારનું છે. આ રૂપને કોઈએ જાણ્યું નથી. તે પરબ્રહ્મ શિવ નામે કહેવાય છે, તે સર્વમાં ઉત્તમ છે. સત્ય, સચ્ચિદાનંદ રૂપે શિવતત્ત્વ પ્રસિદ્ધ છે. સૂક્ષ્મ બુદ્ધિથી શિવનું પૂજન કરવાથી સત્પુરુષોને શિવજી પ્રાપ્ત થાય છે.

તો આ પવિત્ર શ્રાવણ માસમાં... શિવધર્મને અનુસરી મહાદેવનું પૂજન કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પામો તેવી દેવોનાં દેવને પ્રાર્થના.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter