હજઃ વાર્ષિક સંમેલન અને બંદગી

- યુસુફ એમ. સિદ્દાત (લેસ્ટર) Wednesday 31st August 2016 10:58 EDT
 
 

- યુસુફ એમ. સિદ્દાત (લેસ્ટર)
અલ્લાહ સર્વશક્તિમાન, પવિત્ર, સર્વગુણ સંપન્ન, સૃષ્ટિનો માલિક અને સર્જક છે. વ્યક્તિની ઈબાદત-બંદગી દ્વારા સર્જનહારની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો આશય રહેલો છે. કેટલીક બંદગીઓ શારીરિક કેટલીક આર્થિક અને વળી કેટલીકમાં આ બંનેનો સમન્વય હોય છે. હજની યાત્રા શારીરિક સ્વ ઉપસ્થિતિ, સમય અને નાણા ખર્ચી સાઉદી અરબના મક્કા તેમજદ મદીના શહેરો સુધીનો પ્રવાસ એકમાત્ર કૃપાવંતની આજ્ઞાપાલન અર્થે જ હોય છે. પયગંબર મુહમ્મદ (સલ.)નું જન્મસ્થાન પણ મક્કા છે. હજની મહાન યાત્રાથી પરત ફરેલ સ્ત્રી-પુરૂષ પાપોનું પ્રાયશ્ચિત કરી નવજાત જન્મેલ શિશુની જેમ તદ્દન પાવન થઈ જાય છે. સ્વગૃહે પધાર્યા પછી પણ ચાળીસ દિવસો સુધી તો એમની દુઆઓ કબૂલ થાય છે, હાજીનું બિરૂદ પામે છે. આ એક વિશેષ પરવરદિગાર તરફથી મળેલી ભેટ કહી શકાય.
પ્રત્યેક મુસલમાનના હૃદયમાં પવિત્ર કાબા (મક્કા)ની મસ્જિદ, મદીના મસ્જિદ અને જેરુસલેમમાં આવેલી મસ્જિદે અક્સાનું એક અનેરું સ્થાન હોય છે. ઈસ્લામના પ્રારંભિક ઉદયકાળમાં મસ્જિદે અક્સા કિલ્લા એટલે કે નમાઝ માટે એદિશા તરફ મુખ કરતા હતા. પાછળથી થોડા વર્ષો પછી કાબા (મક્કા)ની કિલ્લા તરીકે અલ્લાહે આદેશ કર્યો છે. સામાન્ય રીતે હજ એવી મુસલમાન વ્યક્તિ ઉપર ફરજ છે કે માનસિક રીતે સ્વસ્થ, પુખ્ત વયનો હોય અને મક્કા સુધી જવા-આવવાનો ખર્ચ ભોગવી શકે અને કુટુંબનું નિર્વાહ કરી શકે. તેમ છતાં આર્થિક રીતે સામાન્ય - ગરીબ મુસલમાનની પણ દીલી તમન્ના હોય છે કે જીવનમાં એકવાર જરૂર હજ કરવી. હજ ફરજ હોવાનો પવિત્ર ગ્રંથ કુર્આનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વળી હઝરત મુહમ્મદ પયગંબર (સલ.) ઈ.સ. ૬૩૨માં જીવનમાં એકવાર હજ કરી હતી. હજની મુખ્ય વિધિઓ તોકાળા ઉપરાંત મક્કાથી પાંચ-સાત માઈલના અંતરે આવેલા અરફાત, મિના, મુઝદલફા નામના સ્થળોએ કરવામાં આવે છે. જેમાં સઈ કાબાની પ્રદક્ષિણા, અરફાતના મેદાનમાં થોભવું, મિનામાં શેતાનને કાંકરીઓ મારવી, મુઝદલેફામાં રાત્રિ રોકાણ અને કુર્બાનીનો સમાવેશ થાય છે. આ વિધિઓમાં પુરૂષો વગર સિવેલા કપડાં જેને અહેરામ કહેવાય છે તે પરિધાન કરેલા હોય છે. સ્ત્રીઓ ગમે તે કપડાં પહેરી શકે છે. આ સમયે રંગ, રાષ્ટ્રીયતા, ગરીબ-તવંગર, ઉંમર કે ભાષાના ભેદભાવ ભૂલી સૌ એક જ સમાન જોવા મળે છે. જે દ્રશ્ય આહલાદક હોય છે.
હજનો પ્રારંભ તો પ્રથમ માનવી હઝરત આદમ (અલૈ.)થી થયો છે. તેમણે હિન્દુસ્તાનથી હજ કરી હતી. ત્યાર પછીના પયગંબર (સંદેશવાહક) હઝરત ઈબ્રાહીમ અલૈ. સુપુત્ર હઝરત ઈસ્માઈલ અલૈ. અને હઝરત હાજર અલૈ.ના જીવનની ઘટનાઓ અને ક્રિયાઓનો હજની વિધિઓ સાથે મુખ્યત્વે સંબંધ છે.
મક્કાની યાત્રાએ ગયેલ વ્યક્તિ ત્યાંથી ઝમઝમનું પાણી અવશ્ય પોતાની સાથે લઈ આવે છે. ઝમઝમના જળ અને કૂવાનો રસપ્રદ ઈતિહાસ છે. ટૂંકમાં લગભગ ચારેક હજાર વર્ષો અગાઉની વાત છે કે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પાલનહારની આજ્ઞા અનુસાર પોતાની પત્ની, હઝરત હાજરા (અલૈ.) અને વહાલા પુત્ર હઝરત ઈસ્માઈલ (અલૈ.)ને મક્કાના ઊજ્જડ વેરાન રણપ્રદેશમાં કાબા નજીક મૂકીને ચાલ્યા ગયા. સાથે થોડું પાણી અને ખજૂર આપી ગયા. જ્યારે પાણી પૂરું થઈ ગયું તો હઝરત હાજરા અલૈ. પોતાના પુત્ર અને અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પાણીની શોધમાં સફા અને મરવા નામની બે ટેકરીઓ વચ્ચે આકૂળવ્યાકૂળ બની દોડવા માંડ્યા. બંને ટેકરીઓ વચ્ચે સાત ચક્કર માર્યા. ક્યાંય પાણી દ્રષ્ટિગોચર થતું ન હતું. સાતમા ચક્કરે જ્યારે મરવા નામની ટેકરી ઉપર પહોંચ્યા તો એકાએક તેમને કંઈક અવાજ સંભળાયો. દોડતા પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલ અલૈ. પાસે આવ્યા. ત્યારે બાળક પાસે ફરિશ્તા જિબ્રાઈલ ઊભેલા હતા. ફરિશ્તાએ પગની એડી જમીન ઉપર મારી એટલે ત્યાં પાણીનું એક ઝરણું ફૂટ્યું. એ વહેતું પાણી જોઈ હઝરત હાજરા બોલી ઊઠ્યા ઝમ્! ઝમ! એટલે કે થોભ, થોભ. એ જ આજે ઝમઝમના જળથી ઓળખાય છે. ઝમઝમ પાણી જે ઈચ્છાથી આચમન કરવામાં આવે છે તે પૂરી થાય
છે એ શ્રદ્ધા છે. એનું આધ્યાત્મિક મહત્વ છે જ પરંતુ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ ખરું. ચોવીસ કલાક આ પાણી વિનામૂલ્યે ઉપલબ્ધ રહે છે.
મક્કાની હજની યાત્રાએ ગયેલા મુસલમાન મદીનામાં હઝરત મુહમ્મદ (સલ.)ની કબર તથા વિશાળ મસ્જિદે નબવીના દર્શને અવશ્ય જાય છે. ત્યાં સલામો-સલામ રજૂ કરે છે. સઉદી સરકાર યાત્રાળુઓની સવલતો પૂરી પાડવામાં પ્રશંસનીય કાર્ય કરી રહી છે. ૨૫ લાખ જેટલી વિવિધતાભરી માનવમેદનીનું આયોજન કઠીન હોય છે. અત્યાધુનિક ઢબે સંભાળ લઈ પૂર્વ આયોજન કરવામાં આવે છે. બ્રિટિશ સરકાર હજ ડેલિગેશન મોકલી બ્રિટનથી હજ કરવા જતા હાજીઓની સહાયક બને છે. એક માહિતી મુજબ ઈ.સ. ૧૮૮૦માં (અઠારસો એંસી)માં ત્રાણું હજાર (૯૩,૦૦૦) એક લાખથી ઓછા યાત્રાળુઓએ હજ કરી હતી જે આજે ૨૫ લાખને આંબી જાય છે. હાલમાં મક્કા ખાતે દશ હજાર રૂમો ધરાવતી વિશ્વની સૌથી મોટી હોટેલનું નિર્માણ થઈ રહ્યું છે.
ઈસ્લામમાં એકતા, સમાનતા અને એકરૂપતાનું તત્વ રહેલું છે. હજ સમયે આ સ્પષ્ટ જણાઈ આવે છે. એક જ અલ્લાહ - એક જ પયગંબર - એક જ કુર્આન - એક જ હેતુ અને એક જ દિશા કાબા તરફ મુખ કરી નમાઝ અદા કરતો મુસ્લિમ સમાજ રંગ, રાષ્ટ્રીયતા, ભાષા, વિચારો, ગરીબ, તવંગર ભૂલી સૌ એક જ સ્થળે એક જ પ્રકારના વસ્ત્રોમાં ભેગા થાય છે. જ્
યાં પરસ્પર સમજદારી વિચારોની આપ-લે, હકારાત્મક વલણ, સમર્પણ ભાવના, સામાજિક ન્યાય અને આત્મિયતા જોવા મળે છે. જે એક શક્તિશાળી સમાજ ઘડતરમાં સહાયરૂપ નીવડે છે. આમ હજ એક આંતરરાષ્ટ્રીય સંમેલન પણ બની જાય છે. વળી હજ પછી જીવનમાં એક જરૂરી કર્તવ્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા, તાજગી અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
જેઓ હજમાં ગયા હોતા નથી તે જગતભરના મુસલમાનો ઈદુલ-અદહા-બકરી ઈદનો તહેવાર મનાવે છે. જેમાં ઈદની નમાઝ પછી જાનવરની કુર્બાની કરી ભેગા મળી પરિવાર, મિત્રો અને સ્નેહીઓ ઈદનો આનંદ વહેંચે છે.
હજમાં ગયેલા હાજીઓને હજ મુબારક અને તમામને ઈદ મુબારક


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter