હિંડોળા પર્વઃ હરિવરને હૈયાના હેતે ઝૂલાવતો ઉત્સવ

પર્વવિશેષ

Friday 03rd August 2018 06:09 EDT
 
 

અષાઢ વદ એકમ (૨૭ જુલાઇ)થી તે શ્રાવણ પૂનમ (૨૬ ઓગસ્ટ) સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં ભાતભાતના હિંડોળા થાય છે. અષાઢ-શ્રાવણ માસથી વરસાદી મોસમમાં સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થાય છે ને વૈષ્ણવજન મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે. કારણ કે વરસાદી પવિત્ર વાતાવરણમાં હિંડોળાનો ભવ્ય ઉત્સવ ઊજવાય છે. ભક્તો સાયંકાળે આરતી બાદ હિંડોળાના પદો ભક્તિભાવપૂર્વ ઝીલે અને ઝિલાવે છે. દોરી પણ હીરની ને મણિમાળાની રખાય છે. એ ખેંચતાં સોના-રૂપાના કસબથી ભરપૂર મોરલા ડોલી ઊઠે છે. સાધુવૃંદ મૃદંગ ને મંજીરા લઈ કીર્તનભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે. ઘંટડીઓ રણઝણી ઊઠે છે. જાણે વિરાટ ડોલી રહ્યું હોય ને બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓને વૃંદાવનથી કુંજગલીમાં હિંડોળે હીંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચિરકાલીન યાદ રાખવા ભાવિક ભક્તોએ પણ હિંડોળાનો પ્રારંભ કર્યો. જે વર્ષો જતાં ભક્તિમાં વિવિધતા અને પરિવર્તન આવ્યું. ઉત્તમ ઘાટના અને નવીન રચનાઓના હિંડોળામાં પ્રભુ શોભવા લાગ્યા.

ચાંદીના હિંડોળા, પાનના હિંડોળા, પવિતરના હિંડોળા, ગુલાબના હિંડોળા, ફળના હિંડોળા, કાચના હિંડોળા, નાની ઘડુલીઓના હિંડોળા, પનઘટ, પલના, શીતલ કુટીર, ફુલબંગલા, ખસના બંગલા, મીનાકારીના બંગલા, ગિરકંદરામાં થાય છે. દિવસો થોડા અને રૂપ ઝાઝાં એટલે સંતો અને હરિભક્તો હિંડોળાના તાણાવણામાં દિલ વણી લે છે. હિંડોળાની વિવિધ રચના કરવાનો ઉમંગ પૂર્ણ કરવા સંતો-ભક્તોને ઉજાગરા કરવા પડે, શ્રમ ઉઠાવવો પડે છે જે ભગવાન બિરાજતાં જ વસુલ થાય છે. હીરના, કઠોળના, રાખીઓના અને લહેરિયાના હિંડોળા, શ્રાવણ-ભાદોના હિંડોળા, જરીના હિંડોળા, નીલીપીળી ઘટા, કસુંબલ ઘટા એમ અનેક જાતના આકર્ષક હિંડોળા પણ ભક્તો ભાવથી બનાવે છે અને ઠાકોરજીને હેતથી ઝુલાવે છે.

અષાઢ વદ નોમથી શ્રાવણ વદ એકમ સુધી શ્રી ઠાકોરજી ગિરિરાજ ઉપર હિંડોળામાં ઝૂલે છે. શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળામાં ઝૂલે છે. વૃક્ષની ડાળીઓમાં પણ ઝૂલા બંધાય છે. હિંડોળા ઉત્સવના છેલ્લા આઠ દિવસ શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને યમુનાકિનારે ઝુલાવવામાં આવે છે. વ્રજમાં શ્રી ગોવર્ધન, કરહલા, સંકેતવન, શ્રીવૃંદાવન ધામ, શ્રીકુંડ, કામવન, રાંકોરા સ્થળોએ ઠાકોરજીએ અનેક લીલાઓ કરેલી હોવાથી તે સ્મૃતિની યાદમાં જુદા જુદા હિંડોળાઓની રચના કરી ભક્તો પ્રભુને યાદ કરે છે.

હિંડોળાના બે મુખ્ય પ્રકાર છેઃ બે ખંભનો હિંડોળો અને ચાર ખંભનો હિંડોળો. સામાન્ય રીતે મંદિરોમાં બે ખંભના જ હિંડોળા વપરાય છે. ચાર ખંભના હિંડોળા ફળ, ફુલ, સૂકામેવાથી ભરવામાં આવે ત્યારે તેની ભવ્યતા ખરેખર જોવા જેવી હોય છે.

આપણે અષાઢ-શ્રાવણમાં ઠાકોરજીને હિંડોળે ઝુલાવી ઉત્સવ ઊજવીએ છીએ, પરંતુ ભગવાન પ્રગટ હોય ત્યારે ભક્તિના નીર તિથિની મર્યાદાને કેવી રીતે ગાંઠે? ભક્તો તો તિથિ નહીં, પણ આંગણે આવેલા અતિથિ-ભગવાનને જોઈને ઘેલા બની જાય છે ને ભાવ પ્રમાણે ભક્તિ અદા કરી લે છે. ભગવાન તે સ્વીકારી પણ લે છે. પરસ્પરની પ્રેમભક્તિની દોરીથી ઝૂલતા આવા હિંડોળાના સુખ શ્રીજી મહારાજે સુરત, અમદાવાદ, મછિયાવ, માનકુવા, ગઢડા, વડતાલ વગેરે અનેક જગ્યાએ આપ્યાં છે. રંગોત્સવ, ફુલદોલ, જન્માષ્ટમી જેવા અનેક ઉત્સવ પ્રસંગો આપ્યા છે.

વૈષ્ણવોમાં એવી માન્યતા છે કે હિંડોળામાં હીંચકતા હરિને નીરખીએ તો ફરી જન્મ લેવો ન પડે. હિંડોળે હીંચકતા શ્રીજી મહારાજની આ દિવ્ય લીલાની સ્મૃતિ પણ કલ્યાણકારી છે. એ સ્મૃતિ સાથે ‘હિંડોળાપર્વ’માં ઠાકોરજીને ઝુલાવતાં, ઝુલાવતાં જન્મ-મરણના ઝૂલામાંથી મુક્ત થઈએ.

હિંડોળામાં વૈવિધ્ય

• નાથદ્વારામાં લાકડા ઉપર સોનાના પતરા જડેલા બીબાં હોય છે. જે ચાર ખંભના હિંડોળામાં ફળ, ફૂલ, સૂકોમેવાથી ભરવામાં આવે ત્યારે તેની ભવ્યતા અનુપમ હોય છે. જે અધિવાસન થયેલા હિંડોળા પર ચડાવવામાં આવે છે.

• નંદાલયોમાં અષાઢ વદ એકમથી આઠમ સુધી હિંડોળાની શરૂઆત થાય છે ત્યારે મંદિરોમાં ડોલતિબારીમાં ચાંદીના અને સુરંગના હિંડોળા રોપવામાં આવે છે. આ હિંડોળા આખા હિંડોળા ઉત્સવ દરમિયાન હિંડોળા વિજય થાય ત્યાં સુધી બિરાજે છે.

• શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ આઠમ સુધી ઠાકોરજી વિવિધ કુંજોમાં હિંડોળામાં ઝૂલે છે.

• શ્રાવણ સુદ નોમથી શ્રાવણ વદ બીજ સુધી વ્રજમાં યમુનાકિનારે ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે.

• રાધાવલ્લભ સંપ્રદાયમાં શ્રાવણ સુદ ત્રીજથી શ્રાવણ સુદ પૂનમ સુધી પ્રિયાપ્રિતમ (રાધાવલ્લભલાલ)નો ભવ્યાતિભવ્ય ઝુલનોત્સવ થાય છે..


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter