હિમાલયમાં શ્રદ્ધાનું શિખરઃ અમરનાથ યાત્રા

પર્વ વિશેષ

Thursday 02nd July 2015 08:39 EDT
 
 

જય બાબા બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે પાની... બાબા અમરનાથ કી જય...ના ગગનભેદી નારાઓ સાથે આજથી, પૂનમથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં ૧૦ હજાર કરતાં વધુ યાત્રિકો જોડાયા છે. યાત્રા ૫૯ દિવસ સુધી ચાલશે અને નાળિયેરી પૂર્ણિમાના પર્વે - ૨૯ ઓગસ્ટના રોજ તેનું સમાપન થશે. આ દિવસો દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હિમાલયની ઠંડીગાર, અટપટી અને જોખમી પગદંડીઓ પાર કરીને ગુફામાં કુદરતી રીતે સર્જાતા ‘હિમશિવલિંગ’ અમરનાથ દાદાનાં ચરણોમાં નમન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે.

ભારતમાં જે કેટલીક યાત્રાઓ અત્યંત જોખમી અને મુશ્કેલ ગણાય છે તેમાંની એક અમરનાથ યાત્રા છે. અમરનાથની યાત્રામાં દરરોજ તમારે તડકો, વરસાદ અને ઠંડીની ત્રણેય સઝનનો સામનો કરવો પડતો હોય છે. શ્રીમંત શ્રદ્ધાળુઓ દાદાની આ યાત્રા હેલિકોપ્ટરમાં ઊડીને કરે છે, પરંતુ મધ્યમવર્ગી અને ઉંમરલાયક ભક્તો તો ડોળી કે ઘોડે સવારી દ્વારા આ યાત્રા કરે છે. દર વર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોવાથી આ યાત્રા જૂન મહિનામાં શરૂ થાય છે અને શ્રાવણ સુદ પૂનમે ‘બાબાની છડીમુબારક’ બાદ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે.

બાબા અમરનાથની દંતકથા

માતા પાર્વતીજીએ અમર ચરિત્રની કથા સંભળાવવા માટે ભોલેનાથને વિનંતી કરી. આ પવિત્ર કથા બીજા કોઈ સાંભળી ના જાય તે માટે ભોલેનાથ અને મા પાર્વતીજી એકાંત સ્થળે આવેલી આ ગુફામાં આવે છે. શેષનાગનું જે સ્થળ છે ત્યાં શેષનાગ અને ચંદનવાડીમાં ભોલેનાથની જટાની શોભા વધારતી ચંદ્રની એક કળાને મૂકી. ત્યાર બાદ જે ગુફામાં ભોલેનાથ અને મા પાર્વતીજી બિરાજમાન હતાં ત્યાં ભોલેનાથના મૃગચર્મની નીચે બે ઇંડાં બચી ગયેલાં. આ બન્ને જીવ પણ આ અમર ચરિત્રની કથા સાંભળીને અમર થઈ ગયાં. હાલમાં પણ શ્રદ્ધાળુઓ અમર કબૂતરની જોડીનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

અમરનાથ યાત્રાના બે રૂટ

સમુદ્રતટથી ૧૩,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી બાબા અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે બે રૂટથી યાત્રા શરૂ થાય છે. એક માર્ગ શ્રીનગરથી બાલતાલ જવાનો છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર પંદરેક કિલોમીટર થાય છે. આ માર્ગે વાહનો જતાં નથી. બીજો માર્ગ જમ્મુથી પહેલગાંવ જવાનો છે.

યાત્રામાં સાહસ અને કુદરતી સૌંદર્ય

યાત્રિકો મુખ્યત્વે પહેલગાંવથી આ યાત્રાની શુભ શરૂઆત કરતા હોય છે. ૩૨ કિલોમીટરની આ યાત્રામાં સીધા પર્વતીય ચઢાણ આવે છે તથા ખીણમાં ઊતરવાનું થાય છે. પાતળી હવામાં ખડક ચઢવાના હોય છે અને પગદંડી પર ચાલવાની સાથે સાથે નદી પર બનેલા કાચા-પાકા પુલ પર પસાર કરવાના હોય છે. અમુક સ્થળે બરફ બની ગયેલી નદી પર ચાલવાનું હોય અને વરસાદથી ભેખડ ધસી પડે તેવો માર્ગ પણ કાપવાનો થાય છે.

જમ્મુ પહોંચ્યા પછી જમ્મુ-કાશ્મીર ટુરિઝમના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને બસ મારફતે પહેલગાંવ પહોંચતા હોય છે. જમ્મુથી પહેલગાંવ ૨૮૦ કિલોમીટર છે. આખાયે રસ્તે કુદરતી હરિયાળી, ઊંચા ડુંગરો, ખીણો, સુંદર વૃક્ષો અને ખળખળ વહેતા નીર જોવાનો લહાવો અનેરો છે. રસ્તામાં લાંબી જવાહર ટનલ પહાડમાં બોગદું પાડીને રસ્તો કાઢે છે. આ ટનલ પસાર કરો એટલે ધરતીનું સુંદર સ્વર્ગ કાશ્મીર!

અનંતનાગ થઈને યાત્રિકો પહેલગાંવ પહોંચે છે. જે બેઝ કેમ્પ તરીકે ઓળખાય છે અને અહીં રાત્રિરોકાણ કરવામાં આવે છે. પહેલગાંવથી ચંદનવાડી જવા મિની બસોની વ્યવસ્થા છે, જે અંતર ૧૬ કિલોમીટરનું છે. ચંદનવાડીથી ૧ કિલોમીટર જતાં જ પિસુટોપ નામનો પહાડ આવે છે. સાડા ત્રણ કિલોમીટરનું ચઢાણ કાપો એટલે આ પહાડની ટોચ ઉપર યાત્રિકો પહોંચે છે જે દરિયાઈ સપાટીથી ૧૦,૫૦૦ ફૂટ ઊંચાઈએ છે.

એક તરફ પહાડ અને બીજી બાજુ ઊંડી ખીણનું વિરલ દૃશ્ય નજરે પડે છે. જ્યાં ઠંડા પાણીનાં ઝરણાં જોરદાર અવાજ સાથે વહે છે. રસ્તામાં ઠંડા પાણીનું મોટું સરોવર આવે છે અને આ સરોવરમાં ક્યારેક નાગદેવતાનાં દર્શન પણ થાય છે. શેષનાગના સ્થળે રાત્રિરોકાણ થાય છે. જ્યાં ભજનમંડળીના સૂર ભાવિક ભક્તોને ભક્તિરંગમાં ભીંજવી દે છે. શેષનાગથી દૂર નજર નાખશો તો પહાડની સાત ટોચો દેખાય છે.

શેષનાગને જેમ સાત ફેણ હતી તેમ આ પહાડને પણ સાત ટોચ છે. પુરાણોક્ત કથા અનુસાર, અમર ચરિત્રની કથા વખતે ભગવાન ભોલેનાથે શેષનાગને આ સ્થળે મૂક્યા હતા. શેષનાગથી પંચતરણીનું ૧૨ કિલોમીટરનું અંતર મહાગુનુસ પહાડ પસાર કરીને સાંજે પંચતરણી પહોંચશો. અહીં નદીના પાંચ પ્રવાહ વહે છે, જે પાંચેય પ્રવાહ આગળ જતાં ભેગા થાય છે. આથી જ તેનું નામ પંચતરણી પડ્યું છે. પંચતરણીમાં રાત્રિરોકાણ કર્યા બાદ અહીંથી અમરનાથ ગુફા છ કિલોમીટર છે.

અમરનાથના દર્શન કરીને ફરી રાત્રિરોકાણ તો પંચતરણીમાં જ યાત્રિકે કરવાનું છે. પંચતરણીથી પહાડ ચડો અને ઊતરો એટલે તરત જ બિંદુ નામની બરફથી થીજી ગયેલ ૨ કિલોમીટરની નદી શરૂ થાય છે. બરફની નદી પર પગદંડીથી રસ્તો પાર કરો એટલે દૂરથી અમરનાથ ગુફાનાં દર્શન થાય છે. જે ગુફાનાં દર્શન કરીને યાત્રિકોનાં હૈયાં ભાવવિભોર બની જાય છે.

બર્ફાની બાબાનું સાંનિધ્ય

૧૫૦ ફૂટની આ વિશાળ ગુફા ઉપર રામકુંડ આવેલ છે. ત્યાંનું પાણી આખી ગુફામાં બિંદુ સ્વરૂપે આશીર્વાદ આપતું યાત્રિકો પર ટપકે છે. આ જ બિંદુ સ્વરૂપે ટપતા પાણીથી ‘હિમશિવલિંગ’ બને છે. ઉપરાંત ગુફામાં આ પાણીથી માતા પાર્વતીજી અને ગણપતિ દાદાના સ્થળે પણ બરફ જામ છે. ભોલેનાથનો જયઘોષ કરીને યાત્રિકો બાબાનાં દર્શન કરી ધન્ય બને છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter