‘જય રણછોડ... માખણચોરના નારા સાથે પ્રભુને પામવા ડાકોરયાત્રા

પર્વવિશેષ

Wednesday 28th February 2018 05:29 EST
 
 

ફાગણી પૂનમ (આ વર્ષે બીજી માર્ચ) એટલે પગપાળા ડાકોરની યાત્રા કરી પ્રભુની ભક્તિમાં લીન થવાનો ઉત્તમ અવસર. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડને શીશ નમાવવા આમ તો રોજેરોજ શ્રદ્ધાળુઓનો મહેરામણ ડાકોર આવતો હોય છે, પણ આ બધામાં ફાગણી પૂનમના ઐતિહાસિક અવસરનો કંઈક અનેરો જ મહિમા છે.

બોડાણાની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકાધીશ સંવત ૧૨૧૨માં ડાકોર પધાર્યાં. આ વાત આજે તો ઇતિહાસ બની ગઈ છે. પણ પ્રભુના પરમ ભક્ત વિજયસિંહ બોડાણા સતત ૭૨ વર્ષ સુધી ડાકોરથી ચાલતા દ્વારકા ગયા. એ જમાનામાં ટ્રેન, બસ કે બીજા વાહન વ્યવહારની કોઈ સુવિધા નહોતી. પોતાનાં દર્શન માટે દૂરદૂરથી ચાલતા આવતા બોડાણાની આવી અનન્ય ભક્તિ જોઈ ભગવાન શ્રીકૃષ્ણ એટલા તો પ્રસન્ન થયા કે ભક્તના ગામ ડાકોર આવીને વસ્યા, તે પણ એક જ રાતમાં અને ખખડધજ ગાડામાં.

આવા ભક્તવત્સલ શ્રીકૃષ્ણના ધામ ડાકોર ચાલતા આવવું કોને ન ગમે? દેશકાળ બદલાતા ભલે આજનો યુગ હાઈટેક અને મોર્ડન કહેવાતો હોય. પણ માણસની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની ભાવનમાં કોઈ ફરક પડ્યો નથી એ વાત આપણને ડાકોરની પદયાત્રા જોતાં સમજાય છે.

રાજા રણછોડની ભૂમિ ગણાતા ડાકોરમાં આમ તો ૧૨ મહિનામાં ૧૨ પૂનમનો અનેરો મહિમા છે, પણ ફાગણી પૂનમનો જો કોઈ ખાસ મહિમા હોય તો તે ડાકોરની પગપાળા યાત્રા કરીને શ્રી હરિના દર્શન કરવાનો છે.

માત્ર ગુજરાત નહીં ભારતભરમાંથી ફાગણી પૂનમે ડાકોરમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટી પડે છે. આમાં ૬૫ ટકાથી પણ વધારે યાત્રાળુઓ તો અમદાવાદથી આવે છે. ઉપરાંત ચરોતર, વડોદરા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી ફાગણ સુદ અગિયારસ અને તે પહેલાં બે દિવસ અગાઉથી વિવિધ સંઘોમાં પદયાત્રીઓ ચાલવાનું શરૂ કરે છે. ડાકોર આવતાં અનેક શ્રદ્ધાળુઓ કહે છે કે, ભક્ત બોડાણાએ ડાકોરથી જોજનો દૂર છેક દ્વારકાની પગપાળા યાત્રા કરી હતી, તો અમે ચાલતા ડાકોર કેમ ન આવીએ?

મનમાં શ્રદ્ધા હોય અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ હોય તો કદાચ શરીર ભલે થાકતું હોય, પણ મન તો રણછોડજીનાં અલૌકિક દર્શનની ઝાંખી માટે સતત આતુર હોય છે. ડાકોરના આંગણે ફાગણી પૂનમનું પર્વ એટલું ઐતિહાસિક છે કે છેલ્લા સાડા ત્રણ-ચાર દાયકાથી આ પૂનમે લાખ્ખોની સંખ્યામાં મહેરામણ ઊમટે છે. દરેકને પ્રભુદર્શનની પ્યાસ હોય છે, અને તે પણ એવી કે ભીડની ધક્કામુક્કીમાં પણ રાજા રણછોડનાં દર્શન કરે ત્યારે જ મન સંતોષ અનુભવે છે.

હોળીના દિવસે આસોપાલવનાં પાનથી સુશોભિત હિંડોળા પર બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજને બિરાજમાન કરીને ભજન-કીર્તનની રમઝટ વચ્ચે શ્રીજીને ઝુલાવવામાં આવે છે. આ પ્રસંગની વિશેષતા એ છે કે જ્યારે પિચકારીઓથી કેસૂડાના જળ તેમજ અબીલ-ગુલાલ ઉપરાંત વિવિધ રંગોનો ભક્તો પર છંટકાવ કરવામાં આવે છે, ત્યારે ભક્તો શ્રીજી સન્મુખ ભક્તિના રંગે રંગાઈને કંઈક અનેરો આનંદ અનુભવે છે.

ફાગણી પૂનમના આ દિવસોમાં શ્રીજીને સફેદ વસ્ત્રો સાથે આભૂષણોના સુંદર શણગાર કરીને હોળીના મહિમા મુજબ હાઈડાનો મોટો હાર અને સોનાની પિચકારી ધારણ કરાવાય છે. ઉપરાંત મોટા ટોપલામાં શ્રીજીને ધાણી, ચણા ને ખજૂર ધરાવાય છે.

ફાગણી પૂનમે હાથમાં ધજા અને મુખમાં ભજન-કીર્તનને લઈ ડાકોરને જોડતાં માર્ગો ભક્તિમય બની જાય છે. સમગ્ર માર્ગ પર ‘જય રણછોડ... માખણચોર’ના નારા ગાજતા સંભળાય છે. રોજ વાહનોથી ધમધમતા માર્ગો પર ભક્તિનો સાગર રેલાય છે. પગયાત્રિકો ઉપરાંત બીજા અનેક યાત્રાળુઓ બસ, ટ્રેન, લક્ઝરી તેમજ પોતાના ખાનગી વાહનોમાં પણ ડાકોર પહોંચીને કાળિયા ઠાકોરનાં દર્શનનો લહાવો લે છે.

રણછોડજીના ધામમાં આવેલા યાત્રિકો ભીડમાં થાક્યા વિના દર્શન કરીને એટલા તો ભાવવિભોર બને છે કે નગર આખું રણછોડમય બની જાય છે. શ્રદ્ધાળુઓ પ્રભુદર્શનને જ ઉત્તમ પ્રસાદી સમજે છે. આથી જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોરમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટશે તેમાં બેમત નથી.

પદયાત્રાની પ્રેરણા

આજના આધુનિક અને વાહનવ્યવહારના યુગમાં પણ શ્રદ્ધાળુઓ રાજા રણછોડ પ્રત્યેની ભક્તિની પ્રેરાઈની ડાકોરની પદયાત્રા કરીને પ્રભુનાં દર્શન કરવાનું વધુ પસંદ કરે છે. સંત શિરોમણી પુનિત મહારાજે પદયાત્રીઓને સંઘમાં જવાની પ્રેરણા કરી હતી. ભજન-કીર્તન અને ગરબા ગાતાં-ગાતાં શ્રી હરિનાં દર્શન કરવા જવું તેનાથી ઉત્તમ બીજું કશું નથી. મનમાં આવી જ ભાવનાથી શ્રદ્ધાળુઓ ડાકોરમાં બિરાજમાન ચતુર્ભુજ નારાયણના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે.

પદયાત્રીઓ માટે વિસામા

જનસેવા એ જ પ્રભુસેવાની કહેવતને સાર્થક કરતા ડાકોરના માર્ગ પર ઠેર ઠેર પદયાત્રીઓ માટે વિસામાની વ્યવસ્થા હોય છે. જ્યાં પીવાના પાણીથી લઈ ચા-નાસ્તો, જમવાનું તેમજ કેટલાક સ્થળોએ સૂવા અને નહાવાની પણ વ્યવસ્થા હોય છે. ઘણી જગ્યાએ છાશ અને શરબતનું પણ નિઃશુલ્ક વિતરણ કરાય છે. શ્રદ્ધાળુઓ માટે સેવાની ભાવનાથી આ તમામ આયોજન કરાય છે. જ્યાં પદયાત્રીઓની સેવા શુશ્રુષા માટે સ્વયંસેવકો તત્પર હોય છે. વિસામા માટે દાતાઓ દાનની સરવાણી વહાવે છે.

સોને મઢેલા સિંહાસને બિરાજતા રણછોડરાયજી

શ્રીકૃષ્ણનું દ્વારકાથી ડાકોરમાં આગમન અને યાત્રાધામ તરીકે ડાકોરના મહાત્મ્યનું અનેક પુસ્તકોમાં વર્ણન કરાયું છે. સૌરાષ્ટ્રથી ભગવાન શ્રીકૃષ્ણ ડાકોર આવ્યા તેને લઈને ડાકોર તીર્થધરામ તરીકે પ્રખ્યાત બન્યું છે. ૧૭૭૨માં ભગવાનને જે મંદિરમાં બિરાજમાન કરાયા તે ગર્ભગૃહના સિંહાસનને સોનાના વરખથી મઢાયું છે. જેમના માટે સુખસાગર શબ્દ વપરાય છે, તે શ્રીરણછોડ આ સિંહાસન પર બિરાજે છે.

આ મંદિરનો ઊઠાવ હેમા-દ્વિપન્થી મંદિરોના જેવો જણાય છે. તે જમાનામાં આવા ભવ્ય મંદિરના નિર્માણ પાછળ રૂ. ૧ લાખ ખર્ચાયા હતા. જ્યારે મંદિરમાં બિરાજમાન મૂર્તિની વાત કરીએ તો તે કાળા રેતાળ પથ્થરની પ્રતિમા સાડા ત્રણ ફૂટ ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. જેને ચાર હાથ છે. તે ત્રિવિક્રમ વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે. શ્રીરણછોડરાયજી એ વિષ્ણુ ભગવાનના અધોગજ સ્વરૂપની પ્રતીક છે. આવા સ્વરૂપમાં બિરાજમાન ભગવાનને ભજવાથી ભક્તને પૂર્વજન્મની યાતનામાંથી છૂટકારો મળતો હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

હાલના ભવ્ય મંદિરમાં જ્યારે ભગવાનની સ્થાપના કરાઈ ત્યારે શ્રી ગોપાલ જગન્નાથ તાંબેવકરે સમગ્ર ભારતમાંથી પારંગત અને નિષ્ણાત બ્રાહ્મણોને બોલાવી ધાર્મિક અને શાસ્ત્રોક્તવિધિ કરાવી હતી. શિખરબદ્ધ એવા આ મંદિરમાં રોજ પાંચ સમય શ્રીજીની આરતી કરાય છે. નાના-મોટા જે પણ ઉત્સવો ઊજવાય છે તે મંદિરની પરંપરા મુજબના હોય છે. દરેક ઉત્સવ અને પૂનમનો આગવો મહિમા હોય છે.

ભગવાનને સામગ્રીના દૂધમાં મંદિરની ગાયોનું દૂધ ધરાવાય છે. મંદિરની નજીકમાં જ શ્રી મહાલક્ષ્મીજીનું સુંદર મંદિર આવેલું છે. સૈકાઓ પહેલાં આ મંદિરમાં શ્રી રણછોડરાયજી મહારાજને બિરાજમાન કરાયા હતા. હાલમાં દર શુક્રવાર તથા અગિયારસ ઉપરાંત વર્ષમાં ચાર ભવ્ય સવારી કાઢીને બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજને આ મંદિરમાં લઈ જવાય છે. શ્રીજીના સેવકો દ્વારા સુંદર શણગાર અને સેવા-પૂજા કરાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter