સામ પિત્રોડાનું નવું પુસ્તકઃ ‘રિડિઝાઈન ધ વર્લ્ડ’ વૈશ્વિક વિચાર-સંવાદનું પ્લેટફોર્મ

પુસ્તક પરબ

અજય ઉમટ Wednesday 23rd June 2021 04:34 EDT
 
 

“એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી” કવિવર ઉમાશંકર જોષીની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરતા વૈશ્વિક નાગરિક સામ પિત્રોડા વાસ્તવમાં ગુજરાતના પનોતા પુત્ર છે. ઓડિશાના આદિવાસી ગામમાં જન્મેલા અને ચરોતરની બોર્ડિંગ તથા વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી લઈ અમેરિકાની વાટ પકડનાર સામ પિત્રોડાને ૨૦ જેટલી માનદ્ પીએચ.ડી. પ્રાપ્ત થઈ છે. વૈશ્વિક સ્તરે ૧૦૦થી વધુ પેટન્ટ ધરાવતા સામ પિત્રોડાને સામાન્ય ભારતીય નાગરિક ભારતમાં ટેલિકોમ ક્રાન્તિના જનક તરીકે ઓળખે છે. સાચા અર્થમાં જિનિયસ, બહુમુખી પ્રતિભા ધરાવતા સામ પિત્રોડાએ છેલ્લાં ૫૫ વર્ષથી ટેલિકોમ ક્ષેત્રે અનેકવિધ ક્રાન્તિઓ તો સર્જી જ છે, પરંતુ સાથોસાથ કોમ્યુનિકેશનથી માંડીને કનેક્ટિવીટી, ઈ-ગવર્નન્સ, ડિજિટલ ઈન્ડસ્ટ્રી ઉપરાંત આંતરપ્રિન્યોર તરીકે પણ ખાસ્સું કાઠું કાઢ્યું છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને મનમોહનસિંઘ જેવા વડા પ્રધાનો સાથે ટેલિકોમ ઉપરાંત ઈનોવેશન, નોલેજ કમિશન અને ડિજિટલ ઈન્ડસ્ટ્રીઝની પોલિસી મેકિંગમાં સલાહકાર તરીકે સેવા આપનાર સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં કોવિડકાળ દરમિયાન ૧૪ મહિનાના આઈસોલેશન દરમિયાન એક અદ્ભુત પુસ્તકની વૈચારિક ભેટ વિશ્વને આપી છે. જે આવનારા દિવસોમાં વૈશ્વિક સંવાદ અને ચિંતન માટેનું વિચારબીજ સાબિત થશે.
પ્રવર્તમાન વિશ્વ કઈ ડિઝાઈનના આધારે ચાલે છે એવો માર્મિક સવાલ ઉઠાવતા સામ પત્રોડા કહે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના અંત બાદ ૧૯૪૫ના અરસામાં વિશ્વનું સંચાલન શી રીતે કરવું જોઈએ એનું વિચારદોહન અમેરિકામાં થયું અને અમેરિકન ડિઝાઈન અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ બેન્ક, આંતરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ વ્યાપારિક સંસ્થા, નાટો જેવી સંસ્થાઓ સ્થપાઈ. સાથોસાથ જીડીપી, જીએનપી, ટ્રેડ ડેફિસિટ, બેલેન્સ ઓફ પેમેન્ટ જેવા માપદંડો રચાયા. આ ફૂટપટ્ટીઓ આજે વિકાસની પારાશીશી બની ચૂકી છે ત્યારે પાયાનો પ્રશ્ન એ છે કે છેલ્લાં ૭૫ વર્ષમાં સમગ્ર વિશ્વમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે. સોવિયેત સંઘનું વિભાજન થયું છે. ચીને મહાસત્તા તરીકે દુનિયામાં પોતાની ધાક જમાવી છે. ૧૯૪૨માં જન્મેલા સામ પિત્રોડાની જીવન અને અનુભવ યાત્રા આ સંસ્થાઓ સાથે જ ઘડાઈ છે ત્યારે યક્ષપ્રશ્ન એ છે કે આ મોડલ રચાયું ત્યારે વિશ્વની ત્રીજા ભાગની વસતિ ધરાવતા ચીન, ભારત અને આફ્રિકાના દેશોને નીતિવિષયક બાબતો અંગે વિશ્વાસમાં જ નહોતા લેવાયા, કારણ કે એ જમાનામાં ચીનનું ખાસ વજુદ નહોતું. આફ્રિકાના દેશો અંધારિયા દેશો તરીકે ઓળખાતા અને ભારત ત્યારે બ્રિટનનું ગુલામ હતું.
આજે સમયચક્ર બદલાયું છે ત્યારે ખાસ કરીને કોરોના જેવી મહામારીએ વિશ્વનો કહેવાતો વિકાસ કેટલો વામણો છે એ સિદ્ધ કરી નાખ્યું છે ત્યારે પ્રવર્તમાન આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય? વિશ્વને ઈન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ થકી પ્રાપ્ત થયેલી હાઈપર કનેક્ટિવીટીનો માનવજાતના વિકાસ અને ઉદ્વવિકાસમાં શી રીતે ઉપયોગ કરી શકાય? એવો પ્રશ્ન ઉઠાવતા સામ પિત્રોડા કહે છે કે, છેલ્લા સાડા સાત દાયકામાં વિશ્વમાં પ્રગતિના અનેક સોપાનો સર થયા છે. આપણે ત્રીજું વિશ્વયુદ્ધ ખાળી શક્યા છીએ. વિશ્વને શાંતિ અને સમૃદ્ધિની પ્રતીતિ થઈ છે. ગરીબી ઘટી છે. ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે વૈશ્વિક સમાનતા પ્રાપ્ત થઈ છે, પરંતુ સાથોસાથ ભૂખમરો, પર્યાવરણનું નિકંદન, નૈસર્ગિક સંતુલનનો અભાવ અને આર્થિક અસમાનતા ઉડીને આંખે વળગે છે.
મૂળ ગાંધીવાદી વિચારસરણીને વરેલા પરિવારમાં જન્મેલા તથા ગાંધી અને આઈન્સ્ટાઈનને પોતાના હીરો માનતા સામ પિત્રોડા કહે છે કે જો ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયુક્ત પ્રયોગ થાય તો કરોડો લોકોને ગરીબીના ખપ્પરમાંથી મુક્ત કરાવી શકાય એ હાઈપર કનેક્ટિવીટી દ્વારા શક્ય છે. ટૂંકમાં ડેમોક્રેટાઈઝેશન, ડિસ્ટેન્ટ્રલાઈઝેશન અને ડિમોનીટાઈઝેશન દ્વારા વિશ્વમાં સમાનતાના નવા આયામો સર કરી શકાય છે.
ઉપરોક્ત વાતને ઉદાહરણ સાથે સમજાવતાં સામ પિત્રોડા કહે છે કે આજથી ૫૫ વર્ષ પહેલાં અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે જવું હતું ત્યારે મુંબઈથી કરાચી થઈને એડન અને ત્યારબાદ દરિયાઈ માર્ગે ઈજિપ્ત અને જિનીવા થઈને ઈટાલી પહોંચ્યા. ત્યાંથી વિમાન માર્ગે લંડન અને ન્યૂ યોર્ક અને છેલ્લે ન્યૂ યોર્કથી શિકાગો બસની મુસાફરી કરવી પડી હતી. એ સમયગાળો હાડમારીનો હતો.
આ પુસ્તકમાં સામ લખે છે કે અમેરિકાની યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમની માહિતી માટેના કેટલોગ જોવા માટે વડોદરાથી રાતની મુસાફરી કરી મુંબઈ ખાતે આવેલી યુએસ એમ્બેસીની લાઈબ્રેરીમાં દિવસભર લાઇનમાં ઊભા રહી કેટલોગ જોવાનો વારો આવતો ત્યારે ૧૫ મિનિટમાં એ કામગીરી આટોપવી પડતી, કારણ કે બીજા માહિતીવાંચ્છુઓ પાછળ કતારમાં ઊભા હોય. ટૂંકમાં એક કેટલોગ જોવા વડોદરાથી મુંબઈની બે રાત અને એક દિવસની યાત્રા કરવી પડતી. આજે આફ્રિકાના અવિકસીત દેશનો એક સામાન્ય વિદ્યાર્થી પણ ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી કે મ્યુઝિયમ ઘેર બેઠા નિહાળી શકે છે. સામ પિત્રોડા ભારતમાં ટેલિકોમ રિવોલ્યુશનના આઈડિયા સાથે આવ્યા ત્યારે દેશના ૯૭ ટકા ગામોમાં ટેલિફોન લાઇન નહોતી. સમગ્ર દેશમાં માત્ર ૨૫ લાખ લેન્ડલાઇન કનેક્શન હતાં અને કનેક્શન મેળવવા ૧૫ વર્ષનું વેઈટિંગ લિસ્ટ હતું. આજે ભારત દેશમાં ૧૩૦ કરોડ લોકો પાસે કનેક્ટિવિટી છે.
ટૂંકમાં સમગ્ર વિશ્વ એક હાઈપર કનેક્ટિવિટી સાથે જોડાયેલું છે. ટેલિકોમ ક્રાન્તિની ૧૯૮૪-૮૫માં શરૂઆત થઈ ત્યારે પબ્લિક કોલ સિસ્ટમ નહોતી. એસટીડી અને આઈએસડીડી બૂથ પર દેશ-વિદેશ ફોન કરવા માટે લાંબી લાઈનો રહેતી. આજે ઘડીના છઠ્ઠા ભાગમાં વોટ્સએપ કે ઈન્ટરનેટ કોલીંગથી મફતના ભાવે બલકે નજીવા દરે વોઈસ અને વીડિયો કોલીંગ થઈ શકે છે.
ટૂંકમાં વિશ્વ આજે એક ગ્લોબલ વિલેજ સાચા અર્થમાં બની ચૂક્યું છે ત્યારે આ માહિતી યુગમાં આધુનિક સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે એક સર્વગ્રાહી, સંતુલિત સમાજના છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક વિકાસનું એક નવું મોડલ શા માટે ન રચી શકાય? તેવો સવાલ આ પુસ્તકમાં ઊઠાવતાં સામ પિત્રોડા કહે છે કે માનવતાને કેન્દ્રમાં રાખીને આદર્શવાદની વાતોને નેવે મૂકીને નક્કર હકીકતો અને વાસ્તવિકતાને સ્વીકારીને સર્વસમાવિષ્ટતાનો અભિગમ શા માટે ન કેળવી શકાય? પેંગ્વિન દ્વારા પ્રકાશિત માત્ર ૨૩૦ પાનાનું આ પુસ્તક ડાબેરી કે જમણેરી, ઉદારમતવાદી કે સંકુચિત, મૂડીવાદ કે સમાજવાદ, લોકશાહી કે સરમુખત્યારશાહી, ગરીબ કે તવંગર, શહેરી અને ગ્રામ્ય, પૂર્વ કે પશ્ચિમ, શ્વેત કે અશ્વેત એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ એ સમાજને આડી અને ઊભી ધરીમાં વહેંચવાને બદલે સૌનું કરો કલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરવા પર ભાર મૂકે છે. બેશક, વાંચવાલાયક બલકે આત્મસાત કરી શકાય તેવું આ પુસ્તક છે.
(લેખક વરિષ્ઠ પત્રકાર અને ‘નવગુજરાત સમય’ના સ્થાપક ચીફ એડિટર છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter