‘પરાક્રમી પાટીદાર’ પુસ્તકનું વિશ્વ ઉમિયાધામ ખાતે વિમોચન

Saturday 21st January 2023 05:21 EST
 
 

અમદાવાદ: જીવસટોસટના સાહસો ખેડીને અમેરિકા પહોંચેલા અને ત્યાં સંઘર્ષ વેઠીને અબજોપતિ બનેલા ગુજરાતના સાહસવીર પાટીદારોની ગાથા માઈન્ડ ટ્રેનર ડો. જિતેન્દ્ર અઢિયાએ પુસ્તક ‘પરાક્રમી પાટીદાર’માં વર્ણવી છે. આ પુસ્તકનું વિમોચન વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને જીગ્નેશ દાદાના સમાજના અગ્રણીઓની ઉપસ્થિતમાં થયું હતું. ડો. અઢિયાનું આ 111મું પુસ્તક છે.
આ પુસ્તકમાં 12 પાટીદારોની સાચી વાર્તા અને અમેરિકામાં તેમણે ઉભા કરેલા સામ્રાજ્યનું વર્ણન કરાયું છે. ભણતર ન હોય, અનુભવ ન હોય, નાણાં ન હોય અને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હોય છતાં, ગમે તેવી ભયાનક, દર્દનાક સ્થિતિ વેઠીને ગરીબી અને અનેક પડકારોની સ્થિતિમાંથી બહાર નીકળવા વિદેશની વાટ પકડનારા પાટીદારોની કથા ડો. અઢિયાએ એમના જ શબ્દોમાં રસપ્રદ રીતે આલેખી છે. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદિઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ’ પંક્તિને પાટીદાર સમાજના ભડવીરોએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે એ હકીકત પુસ્તક વાંચનાર સહુ કોઈ અનુભવી શકશે.
જીવના જોખમે અમેરિકા પહોંચ્યા પછી, અબજો ડોલરના આસામી બનેલા નીડર, સાહસવીર, તેમજ દ્રષ્ટાંતરૂપ ગણાય એવા પરાક્રમી પટેલ શ્રેષ્ઠીઓના પ્રેરણાદાયી જીવનની રીયલ લાઈફ કહાણીઓથી ભરપૂર આ પુસ્તક સમાજના દરેક ક્ષેત્રના લોકો અને ખાસ કરીને યુવાનોને નવાં નવાં સાહસો કરીને, સંઘર્ષ કરીને સફળતાની ટોચે લઈ જવામાં નિમિત બનશે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.
ડો. જિતેન્દ્ર અઢિયાને ‘પરાક્રમી પાટીદારો’ પુસ્તક લખવાની પ્રેરણા કઈ રીતે થઈ? એ વાત પણ રસપ્રદ છે. ડો. અઢિયા પાટીદાર સમાજની જગ-વિખ્યાત સંસ્થા ‘વિશ્વ ઉમિયાધામ’ સાથે સક્રિયપણે સંકળાયેલા છે. ગત મે 2022માં ડો. અઢિયાએ અમેરિકાના પ્રવાસે જવાનું આયોજન કરતાં સંસ્થાના અગ્રણીઓએ તેમને વિશ્વ ઉમિયાધામના પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપી હતી.
અમેરિકાના 3 મહિનાના રોકાણમાં, આ સેવા-કાર્ય માટે વિવિધ શહેરોના પ્રવાસ દરમિયાન, ડો. અઢિયા અમેરિકામાં સ્થાયી થયેલા સંખ્યાબંધ પાટીદાર શ્રેષ્ઠીઓને મળ્યા અને તેઓના જીવન, પડકારો તેમજ સંઘર્ષની વાતો જાણીને અભિભૂત થઈ ગયા; ત્યાં જ તેમણે ગાંઠ વાળી લીધી કે, સ્વદેશ પરત જઈને પહેલું કાર્ય પરાક્રમી પાટીદારો વિષે પ્રેરણાત્મક પુસ્તક લખવાનું કરીશ!
ગત ઓગસ્ટમાં ડો. અઢિયા અમેરિકાથી પાછા આવ્યા અને સંકલ્પ પૂર્ણ કરવામાં વ્યસ્ત થઇ ગયા. માત્ર ત્રણ માસમાં ‘પરાક્રમી પાટીદારો’ પુસ્તક પ્રગટ કરી સમાજને ભેટ ધરી દીધું!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter