પૂ. ચિત્રભાનુજીઃ જૈન વિદ્વાન, ચિંતકનું અનંત યાત્રાએ પ્રયાણ

જ્યોત્સના શાહ Wednesday 24th April 2019 06:03 EDT
 
 

સુજ્ઞ વાચક મિત્રો, આ સપ્તાહે ‘જીવંત પંથ’ના સ્થાને મને આ લેખ કંડારવાનો અવસર મળ્યો છે. શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ - ચૈત્રી પૂનમના પવિત્ર દિને મને ખબર મળ્યા કે, જૈન વિદ્વાન, પ્રખર ચિંતક અને દેશ-વિદેશમાં ધર્મની ધજા ફરકાવનાર, જૈન સમાજની ધરોહર સમાન, સૌના દિલ જીતનાર ગુરુદેવ ચિત્રભાનુજીએ મુંબઇમાં વહેલી સવારે નશ્વર દેહનો ત્યાગ કરી અનંત યાત્રાનો માર્ગ લીધો છે. આ સમાચાર જૈન સમાજ માટે આઘાતજનક હતા. જૈન સમાજે ગુમાવેલ એક દિવ્યાત્માની ખોટ ન પૂરાય એવી છે. આસપાસ સ્વજનોની હાજરી વચ્ચે સમતાભાવે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. આ સમાચારની જાણ કરવા મેં સી.બી.ને ફોન કર્યો. તેઓશ્રી ભાવવિભોર બની ગયા. મેં એમને જણાવ્યું કે ઓશવાળ સેન્ટરમાં શનિવાર - ૨૦ એપ્રિલના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમણે સ્વેચ્છાએ એમાં હાજર રહેવા ઉત્સુકતા દાખવી. તરત જ મને ચિત્રભાનુજી રચિત ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યાા કરે...’ સ્તવનના શબ્દો મોકલી આપવા કહ્યું.
મૈત્રીભાવનું આ સર્વોચ્ચ ગીત ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો સહિત સંગીતબદ્ધ થયેલ મુકેશજીના અવાજમાં શોધી મેં તરત જ મોકલી આપ્યું.
સંબંધોમાં સૌથી શ્રેષ્ઠ એવા મૈત્રીભાવને જે પ્રકારે પૂ. ચિત્રભાનુજીએ રજુ કર્યો છે એ ભલભલાના દિલને પીગળાવી દે એવો ભાવ-સભર, અર્થસભર છે. સી.બી.ના મતે ગુજરાતી ભાષાની આ અમર કૃતિ છે.
બીજી વાત કરું તો અસ્થાને નહિ કહેવાય! હાલ સી.બી.ના કુટુંબના એક યુવાનનું અકાળે અવસાન થયું એ નિમિત્તે એના મિત્રો અને પરિવારના સભ્યોની એક અંગત પ્રાર્થના સભામાં આ સ્તવનનું શ્રવણ કરાયું.
આ સ્તવનમાં શ્રદ્ધા અને સ્થિતપ્રજ્ઞતા (કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળાના ‘ગીતા ધ્વનિ’ પુસ્તકમાં અને આશ્રમ ભજનાવલિમાં સાયંકાળની પ્રાર્થનાની સ્થિતપ્રજ્ઞતા મળતા આવે છે)નો ભાવ છલકે છે. ગીતા વાંચન કરતા કરતા સ્થિતપ્રજ્ઞતાના લક્ષણો કિશોરલાલ મશરૂવાળાએ એમના ગુજરાતી અનુવાદમાં અર્જુન ઉવાચ અને ભગવાન ઉવાચના સંવાદને અત્રે બોકસમાં રજુ કરું છું. આપણા જીવનમાં આ ભાવ કેળવવાથી ઉદ્વેગ ટાળી શકાય છે. પૂ. ચિત્રભાનુજી સાથે મેં ચર્ચા કરી હતી કે, આપણે ભૌતિક જીવનમાં રાચતા રાચતા સ્થિતપ્રજ્ઞના લક્ષણો કઇ રીતે કેળવવા? એમના મૈત્રીભાવના ગીતની પંક્તિ ‘કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું’માં સ્થિતપ્રજ્ઞતાનો ભાવ જ ટપકે છે.
૨૦ એપ્રિલ શનિવારની સાંજે ઓશવાળ સેન્ટર, પોટર્સબાર ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં સભાજનોને સંબોધતા શ્રી સી.બી.એ પોતાના ચિત્રભાનુજી સાથેના અંગત સંબંધો યાદ કરતા જણાવ્યું કે, ‘૪૦ વર્ષ પહેલા મારો સંપર્ક સર્વશ્રી દેવચંદભાઇ ચંદરિયા, રતિભાઇ ચંદરિયા, પંકજ વોરા, ઝવેરચંદ હરિયા, રતિભાઇ ધનાણી વગેરે જૈન મિત્રો થકી થયો. જાહેર સભાઓ લંડનમાં મંદિર રેસ્ટોરંટમાં, ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં યોજાઇ હતી. અને ત્યાર બાદ પણ કેટલીય વાર ‘ગુજરાત સમાચાર’ના કર્મયોગા હાઉસમાં ચિત્રભાનુજી પધાર્યા હતા અને ઉદ્બોધનો કર્યા હતા. હું એક વાર મારા અંગત આધ્યાત્મિક માર્ગદર્શન માટે એમને સ્મશાનમાં લઇ ગયો હતો જ્યાં એકાંત મળે, શાંતિ પણ ખરી અને શિવજીનો ય વાસ. જીવન, વ્યવસાય અને પ્રવૃત્તિ વિશે પ્રશ્નો પૂછ્યા અને એમાંથી પ્રેરણા મળી.
૧૯૮૩-૮૪ના ગાળામાં પંજાબમાં જ્યારે અલગતાવાદનો જુવાળ પ્રગટ્યો હતો ત્યારે પૂ. સુશીલમુનિજી, પૂ. ચિત્રભાનુજી અને પૂ. ચિન્મયાનંદજી વગેરે ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં એકત્ર થયા હતા અને પંજાબ યુનિટી ફોરમ બનાવ્યું હતું. જેમાં શ્રી આઇ. કે. ગુજરાલ, કે. કે. સિંગ બધા હાજર રહ્યા હતા અને માર્ગ ભૂલેલા યુવાનોને માર્ગદર્શન આપવામાં એમનો સિંહફાળો હતો.
૨૦ એપ્રિલ શનિવારની સાંજે ઓશવાળ સેન્ટર - પોટર્સબાર ખાતે ઓશવાળ, વન જૈન અને ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી પ્રાર્થના સભાનું સંચાલન ઓશવાળના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કૌશિકભાઇ શાહે કર્યું હતું તેમજ શ્રી જયેશભાઇ અને ભક્તિમંડળે સુમધુર સ્તવનોથી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું.
અહિંસા, કરુણા અને મૈત્રીભાવ જેમણે દિલમાં પ્રતિષ્ઠિત કર્યા છે એ ગુરજી ચિત્રભાનુજીના હૃદયમાં પ્રભુ મહાવીરની વાતો અને જૈન શાસન સદા ગૂંજતું રહ્યું છે અને રહેશે. એમને શ્રદ્ધાંજલિ અર્પવા એકત્ર થયેલ સભાજનોને સૌપ્રથમ સમાજના પ્રમુખ શ્રી નીલેશભાઇએ ગુરુદેવની જીવન ઝરમર અંગ્રેજીમાં રજુ કરી. ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના ચેરમેન અને વન જૈનના શ્રી નેમુભાઇ ચંદરિયાએ જણાવ્યું કે, ગુરુદેવનું જૈન ધર્મ પ્રતિનું કમિટમેન્ટ અપ્રતિમ હતું. ૨૬ જેટલા પુસ્તકો એમને લખ્યા છે. ઓશવાળના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી અશ્વિનભાઇ જેમનો ગુરુજી સાથેનો નિકટ સંબંધ હતો એમણે એમના ધારદાર વક્તવ્યમાં જણાવ્યું કે, ૧૯૭૧થી ઓશવાળ સમાજ સાથેના એમના સંબંધો વિકસ્યા જેથી કેન્યા, યુગાન્ડા, અમેરિકા, યુકે વગેરે દેશોમાં જૈન શાસનનો પ્રભાવ વધુ બળવત્તર બન્યો. એમના ચિંતન અને વિઝને ચેતના પ્રગટાવી. આ પોટર્સબાર સેન્ટર સ્થાપિત થયું એનો યશ પણ ગુરુદેવના વિઝનને આભારી છે.
વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કૌશિકભાઇએ ગુજરાતીમાં સરસ વહેતી વાણીમાં ઉદ્બોધન કરતા ગુરુદેવના સમગ્ર જીવન ઝરમર ‘ગાગરમાં સાગર’ જેમ સમાવતા જણાવ્યું કે, ગુરુદેવનું મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ગીત વિશ્વમૈત્રીની અણમોલ ભેટ છે.
વણિક કાઉન્સિલ-યુકેના ચેરમેન શ્રી મનહરભાઇ મહેતાએ એમના ગુરુદેવ સાથેના અનુભવો રજુ કરતાં જણાવ્યું કે, એમના વ્યાખ્યાન સાંભળવા મુંબઇમાં માનવમેદનીનો દરિયો ઉમટતો હતો. વક્તા તરીકેની એમની શાખ અનન્ય હતી. એમણે બધી જ વણિક સંસ્થાઓ વતી શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે, ગુરુદેવના ગુણ અને કાર્યો અગણિત છે. મહાવીર ફાઉન્ડેશનના સ્થાપક અને જૈન વિદ્વાન ડો. વિનોભાઇ કપાશીએ જણાવ્યું કે, ‘આ સંસાર એક સ્ટેજ છે અને આપણે બધાએ પોતપોતાની ભૂમિકા અદા કરી એ કાર્ય પૂર્ણ થાય એટલે વિદાય લેવાની છે એમ કહીએ તો પણ ગુરુદેવે આપેલ વારસો અણમોલ છે. કેટલાય અમેરિકનોના જીવનમાં પરિવર્તન લાવી એમણે અજવાળાં પાથર્યાં છે, હજારોના દિલમાં વસી ગયા છે. વેજીટેરિયન અને વીગનના પ્રચારક તરીકે પ્રક્ષાલમાં વેડફાતાં દૂધ કે દીવામાં વપરાતા ઘી માટે પણ લાલ બત્તી ધરી છે.’
પૂ. ગુરુદેવ ચિત્રભાનુજીની જીવન ઝરમર
અમેરિકાની જૈના સંસ્થા જેની સ્થાપના પૂ. ગુરુદેવ ચિત્રભાનુજીએ કરી હતી એના પ્રમુખ શ્રી ગુણવંત શાહનો સંદેશો જૈના ન્યુઝ લેટરમાં શ્રી પ્રકાશ મોદીએ મોકલી આપ્યો છે જેના આધારે પ્રસ્તુત કરીએ છીએઃ
જન્મતારીખ: ૨૬ જુલાઇ ૧૯૨૨, રાજસ્થાન
દેહવિલય: ૧૯ એપ્રિલ ૨૦૧૯, મુંબઇ
રાજસ્થાનમાં પિતાશ્રી છોગાલાલજી અને માતાશ્રી ચુનીબાઇના સુપુત્રનો જન્મ ૨૬ જુલાઇ ૧૯૨૨ના રોજ થયો હતો. ખુબ જ દેખાવડા અને બુદ્ધિશાળી ગુણિયલ દીકરાનું નામ પણ ગુણ પ્રમાણે રૂપરાજેન્દ્ર રાખવામાં આવ્યું હતું. ચાર વર્ષની નાની વયે માતાનું અવસાન, ત્યાર બાદ ૧૧ વર્ષની વયે બહેનનું અવસાન અને ૧૯ વર્ષની વયે ખાસ મિત્રના અવસાને રૂપરાજેન્દ્રનું મન ભારે વ્યથિત બની ગયું અને મનમાં થયું કે, આ જીવનનો શું અર્થ? આ સવાલનો જવાબ મેળવવાની ખોજ માટે પોંડીચેરીમાં શ્રી અરબિંદો, મહર્ષિ રમણ અને પાલીતાણામાં જૈન આચાર્યને મળ્યા અને આખરે જીવન પ્રત્યે વૈરાગ ઉપજ્યો. સ્વાતંત્ર્યની ચળવણમાં જોડાવા સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીને પણ મળ્યા પણ છેલ્લે અધ્યાત્મ માર્ગની જીત થઇ.
૨૦ વર્ષની વયે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ પિતા પાસે દીક્ષા લેવાની અનુમતી માગી. પુત્રની દીક્ષા બાદ જે પિતાએ એક માત્ર પુત્ર માટે જ આજીવન પુન: લગ્ન ન કરી માતા-પિતા બન્નેની ભૂમિકા ભજવી એમણે પણ પુત્ર સાથે દીક્ષા ગ્રહણ કરી. પિતા-પુત્રની જોડીએ ગુજરાતભરમાં ૧૮ વર્ષમાં ૩૦,૦૦૦ માઇલનો પગપાળા વિહાર ખુલ્લા પગે કર્યો. ૧૯૫૮માં એમની ૩૭મી વર્ષગાંઠે પિતાશ્રીએ પુત્રના હાથોમાં જ દમ છોડ્યો.
ત્યારબાદ ‘ચિત્રભાનુ’ના નામે અખબારોમાં લેખ લખવાના શરૂ કર્યા. ત્યારબાદ મુંબઇમાં સ્થળાંતર કરી એને બીજી કર્મભૂમિ બનાવી મુંબઇમાં એમની પ્રતિભા એક સારા વક્તા અને વિચારક તરીકે ઉભરી. સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના રાજકરણીઓ પણ એમનાથી આકર્ષાયા. બિહારમાં ભારે પૂરથી થયેલ તારાજી બાદ માનવતાના કાર્યો હાથ ધર્યા બાદ એમની લોકપ્રિયતાનો આંક વધતો ગયો. જૈન ધર્મના પુસ્તકો અંગ્રેજીમાં કરાવવા ‘ડિવાઇન સોસાયટી’ની સ્થાપના કરી. એમના લખાણો યુરોપભરના વિદ્યાર્થીઓ આવીને પોતાની સાથે સ્વદેશ લઇ જતા.
૧૮૮૩માં અમેરિકાના શિકાગોમાં ભરાયેલી પાર્લામેન્ટ ઓફ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મની ઓળખ વિશ્વને આપનાર પ્રથમ જૈન વિદ્વાન શ્રી વિરચંદ આર. ગાંધીની જન્મશતાબ્દીનું વર્ષ હતું ૧૯૬૪, પણ સમાજે એમને વિસારે પાડી દીધાં હતા. પરંતુ પૂ. ચિત્રભાનુજીએ એમના જીવનનો અભ્યાસ કર્યો હોવાથી એમને થયું કે જૈન સમાજે એમની જન્મ શતાબ્દી ઉજવી એમનું ઋણ અદા કરવું જોઇએ.
જૈન અગ્રણીઓ શ્રી લાલચંદ હીરાચંદ, સી. ટી. શાહ અને રતિલાલ નાણાવટીની હાજરીમાં એ ઉજવણી કરી યાદ અપાવ્યું કે શ્રી વિરચંદ આર. ગાંધીએ સમેતશિખરમાં કતલખાના બંધ કરાવવાની ઝૂંબેશ એમણે આદરી હતી અને પાલીતાણાનો જાત્રાવેરો પણ બંધ કરાવ્યો હતો. ચિત્રભાનુજીની ઇચ્છા શ્રી વિરચંદ આર. ગાંધીના વિદેશગમન મિશનને પુન: જીવંત કરવાની હતી. ભગવાન મહાવીરનો કરુણા અને અહિંસાનો સંદેશો નાતજાત, રાય-રંક કે ઉંચ-નીચના ભેદભાવ વિના સમાજસેવા દ્વારા ફેલાવવાનો હતો, પરંતુ ઉપાશ્રયમાં બેઠા બેઠા નડતી કેટલીક બાધાઓ એમની ધીરજની કસોટીની સીમા વટાવી રહી હતી.
૧૯૬૮માં કલકત્તા ખાતે શ્રી જી. ડી. બિરલા દ્વારા સ્થાપિત ‘સ્પિરિચ્યુઅલ સમિટ કોન્ફરન્સ’માં હાજરી આપવાનું આમંત્રણ ચિત્રભાનુજીને મળ્યું જેમાં વિશ્વભરના ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ મુંબઇ-કલકત્તા વચ્ચેનું લાંબુ અંતર અને અન્ય રોકાણને કારણે જાતે જઇ ન શકયા. એમના પ્રતિનિધિ તરીકે અનુયાયી કુ. વત્સલા અમીનને મોકલ્યા. એમની રજુઆતથી પ્રભાવિત થયેલ અન્ય ધર્મના અગ્રણીઓની જૈન ધર્મ તેમજ ચિત્રભાનુ વિશે જાણવાની જિજ્ઞાસા જાગી.
૧૯૭૦માં બીજી કોન્ફરન્સમાં હાજરી આપવાનું આમંત્રણ ચિત્રભાનુજીને મળ્યું. પરિણામે એમના મગજમાં વિચારોનું વંટોળ ઉઠ્યું. એમના મનમાં સવાલ ઉઠ્યા કે દેશ બહાર વિદેશમાં વસતા જૈનોને ધર્મનું જ્ઞાન આપવાની શું જૈન સાધુની ફરજ નથી? જૈન સાધુ વાહન કે વિમાન પ્રવાસ ન કરી શકે એ નિયમ બંધનકર્તા બન્યાનું દુ:ખ થયું. આફ્રિકા, અમેરિકા કે યુકે સહિત અન્ય દેશોમાં વસતા જૈનોની ધર્મપરત્વેની ભૂખ કઇ રીતે સંતોષવી?
આખરે મુનિજીએ જીનિવાની કોન્ફરન્સમાં હાજરી આપવાનો નિર્ણય કરી લીધો જે ક્રાંતિકારી પગલું હતું. એ વખતે એમનું પુસ્તક ‘મુક્તિ અને બંધન’નું વિમોચન બિરલા માતુશ્રી સભાગૃહમાં થવાનું હતું અને ત્યાંથી સીધા વિરોધના વંટોળ વચ્ચે પોલીસ રક્ષણ હેઠળ એરપોર્ટ પહોંચ્યા. એમની આ હિંમતને દાદ આપવા જીનિવા કોન્ફરન્સનું ઉદ્ઘાટન એમના ઉદ્બોધનથી કરવામાં આવ્યું. કોન્ફરન્સનો વિષય હતો ‘ધ પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટ ફોર ધ વર્લ્ડ પીસ’. એમણે એ માટે અહિંસા અને અનેકાન્તવાદના સિદ્ધાંતો વિશ્વશાંતિ માટે માર્ગદર્શક હોવાનું જણાવ્યું. ત્યાંના એમના સપ્તાહના રોકાણ દરમિયાન સ્વીસ ગ્રામ્ય વિસ્તારના હજારો શ્રોતાઓ એમને સાંભળવા ઉમટ્યા. કોન્ફરન્સ બાદ ફ્રાન્સ અને યુકેની મુલાકાતે મુનિજી ગયા. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં એમના ભાષણો ગોઠવાયા જેની નોંધ BBC, વોઇસ ઓફ અમેરિકા રેડિયો અને કેનેડા રેડિયોમાં એનું પ્રસારણ થયું. ત્યાંથી એમસ્ટ્રેડામ, મ્યુનિચ અને રોમ ગયા અને પોપ પોલ પાંચને મળ્યા. આમ છ સપ્તાહની વિદેશની ટૂરમાં સમજાયું કે ભગવાન મહાવીરનો સંદેશો વિશ્વભરમાં પ્રચાર કરવાની કેટલી અગત્યતા છે.
હવે એમણે વિશ્વપ્રવાસી બની મહાવીરનો સંદેશો પહોંચાડવા મક્કમ નિર્ધાર કર્યો. ભારત પરત ફર્યા બાદ ફરીથી વિશ્વ પ્રવાસ ખેડતા પહેલા એમની મુલાકાત પ્રમોદાબેન સાથે થઇ. પોતાના કોલેજકાળ દરમિયાન એમની પ્રેમિકા ઉષા જેનું મેલેરિયાને કારણે મોત થયું હતું એનું પ્રતિબિંબ પ્રમોદાબેનમાં દેખાયું અને મનમાં સાધુપણાનો ત્યાગ કરવા વિશે ગડમથલ થઇ. પ્રામાણિકપણે સાધુત્વનો ત્યાગ કરી ૧૯૭૧માં પ્રમોદાજી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધાં, પણ એની જાહેરાત યોગ્ય સમયે કરવાનું વિચાર્યું.
ઇસ્ટ આફ્રિકામાં વિશા ઓશવાળ જૈનોની મોટી વસ્તી અને વર્ષોથી એમના આગ્રહને કારણે સૌ પ્રથમ નૈરોબી ગયા. અને હેગમાં ભરાનારી વર્લ્ડ વેજીટેરિયન કોન્ફરન્સમાં હાજરી આપી. કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયાના બાવન દિવસના પ્રવાસમાં એમને ભારે લોકચાહના મળી. એમણે મૈત્રી ધર્મ અને માનવતા પર ભાર મૂકી જે દેશને એમણે અપનાવ્યો છે ત્યાં વધુ ને વધુ માનવતાના કાર્યો કરવા પ્રેર્યા. લંડનમાં પણ એશિયનો અને ગોરાઓને સંબોધી પૂર્વનું શાણપણ અને પશ્ચિમી જગતનું આધુનિક ટેકનલોજીના સમન્વયથી નૈતિક મૂલ્યો, આરોગ્ય, આધ્યાત્મિક વિકાસ અને પર્યાવરણ ક્ષેત્રે વિકાસની દિશામાં ડગ માંડવાનું સહજ બને એની સમજ આપી.
ત્યારબાદ મુંબઇ પરત ફરતા પહેલા ફિલાડેલ્ફિયા, ન્યૂ યોર્ક, લોસ એન્જલસ અને શિકાગોની થોડા સપ્તાહ માટે મુલાકાત લીધી. હાવર્ડ ડીવીનીટી સ્કુલમાં ત્રીજી કોન્ફરન્સમાં હાજરી આપવા JKF એરપોર્ટ પર ખાલી હાથે ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૧માં ચિત્રભાનુજી ઉતર્યા પણ હજારોની સંખ્યામાં એમનું સ્વાગત કરવા આવેલ વિદેશીઓની હાજરીએ એમને માલામાલ કરી દીધા. અને એ કોન્ફરન્સના એ ‘હીટ સ્પીકર ઓફ ધ ડે’ તરીકે સ્થાનિક અખબારોમાં છવાઇ ગયા. ઇસ્ટકોસ્ટમાં ગામેગામ ભ્રમણ કર્યા બાદ ચિત્રભાનુજી શિકાગો પહોંચ્યા. પ્રમોદાબેન પણ શિકાગો આવ્યા જ્યાં એમના પ્રથમ પુત્ર રાજીવને ૨૬ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ જન્મ આપ્યો. એ છ સપ્તાહનો લઇ ન્યૂ યોર્ક ગયા. બીજા દીકરા દર્શનનો જન્મ માર્ચ ૧૯૭૨માં થયો.
ચિત્રભાનુજી અને મુનિશ્રી સુશીલકુમારે સાથે મળીને અમેરિકામાં જૈન સેન્ટરો સ્થાપ્યા અને ‘ફેડરેશન ઓફ જૈન એસોસિએશન્સ ઇન નોર્થ અમેરિકા’ની સ્થાપના કરી જેના આજે ૧૦૦,૦૦૦ સભ્યો છે. ભારત બહારનું સૌથી મોટું સંખ્યાબળ. શાકાહાર સાથે વીગન એટલે કે ડેરી બનાવટનો ત્યાગ કરવાના એમના આદેશનું અનુસરણ આજે મોટી સંખ્યામાં પશ્ચિમી જગતમાં પણ થઇ રહ્યું છે. પ્રાણીપ્રેમની આહલેક જગાવી વિશ્વમાં માનવતાનું ઝરણું વહાવનાર આ લોકનાયક અનેક એવોર્ડોથી સન્માનિત કરાયા છે. એમના જીવન વિશે કંઇ પણ કહેવું એ સૂરજ સામે દીવો ધરવા જેવું છે.
જૂન ૨૦૧૮માં શિકાગો દહેરાસરની ૨૫મી વર્ષગાંઠે શ્રી વિરચંદ રાઘવજીની પ્રતિમા અને ચિત્રભાનુની જીવંત પ્રતિમાનું અનાવરણ થયું હતું.
‘મેન ઓફ ધ મિલેનિયમ’ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. આ લેખમાં જાણતા-અજાણતાં રહી ગયેલ ક્ષતિ માટે ક્ષમાયાચના.
ચિત્રભાનુજીની ચિરવિદાય પ્રમોદાબેન અને એમના પરિવાર માટે આઘાતજનક છે. આ દુ:ખદ પ્રસંગે પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે અને એમના કુટુંબીજનોને આ આઘાત જીરવવાની શક્તિ આપે એવી ‘ગુજરાત સમાચાર’ પરિવારની પ્રાર્થના.

ગીતા ધ્વનિ

અર્જુન બોલ્યા-
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો? ૫૪
 
શ્રીભગવાન બોલ્યા-
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે
રહે અંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. ૫૫
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ;
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો. ૫૬
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૫૭
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી
સંકેલે ઇંદ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૫૮
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં. ૫૯
પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી. ૬૦
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૬૧
વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે; ૬૨
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. ૬૩
રાગ ને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયો વિષયો ગ્રહે
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા. ૬૪
પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતાં;
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. ૬૫
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને? ૬૬
ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે. ૬૭
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી
ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૬૮
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. ૬૯

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ
 સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
 તે શાંતિ પામે નહીં કામકામી. ૭૦
છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત. ૭૧
આ છે બ્રહ્મદશા એને પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે. ૭૨
(સ્વ. કિશોરલાલ મશરૂવાલા રચિત શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમશ્લોકી અનુવાદના અંશો)

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ્ય રહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

દીન, ક્રૂર ને ધર્મવિહોણાં દેખી દિલમાં દર્દ વહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તો ય સમતા ચિત્ત ધરું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ધર્મસ્થાનકની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે
વેરઝેરનાં પાપ તજીને મંગળ ગીતો એ ગાવે

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
રચના: શ્રી ચિત્રભાનુ મહારાજ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter