પોર્ટુગલમાં ત્રણ-ત્રણ દેશોની સંસ્કૃતિના ગુજરાતી પ્રતિનિધિઃ ડો. અબ્દુલ મજીદ અબ્દુલ કરીમ વકીલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Friday 22nd March 2019 08:43 EDT
 
 

અબ્દુલ મજીદ બાળપણમાં જૂનાગઢ નજીકના વંથલીમાં મદરેસામાં ગુજરાતી અને ધર્મ બંને શીખ્યા. જે હજી ભૂલ્યા નથી. નાની વયે કુતિયાણા, માંગરોળ, ધોરાજી, ગોંડલ, પોરબંદર ગયેલા. મુંબઈ થોડોક સમય રહેલા. નાનપણમાં ગામડાંમાં મળેલા આતિથ્ય અને પ્રેમનો મઘમઘાટ હજીય એમને આનંદિત કરે છે અને વર્તાવમાં દેખાય છે. તેમના વૈશ્વિક સંબંધોના પાયામાં આ અનુભવ બીજ છે. ગુજરાતથી મોઝામ્બિક પહોંચીને હાઈસ્કૂલ પછી વધુ ભણવા લિસ્બન ગયા. ૧૭ વર્ષની વય સુધી ત્રણ-ત્રણ દેશોનાં પાણી પીને વિવિધ વાતાવરણ અને માણસો વચ્ચે જીવનની ક્ષમતા પામ્યા. અર્થશાસ્ત્રની ડિગ્રી અને ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં કામના અનુભવ પછી ૧૯૬૮માં મોઝામ્બિક ગયા. પિતાના વ્યવસાયમાં જોડાયા. લોરેન્સ માર્ક યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્રના પ્રોફેસર બન્યા અને સાથે સાથે મોઝામ્બિક સરકારના આયોજન ખાતામાં તેની વિકાસ યોજનાઓનો હેવાલ તૈયાર કરવાની જવાબદારી ઊપાડી.

અબ્દુલ મજીદના અભ્યાસ, ચીવટ અને પરિશ્રમે તેમની પ્રતિષ્ઠા વધતાં સરકારે તેમને રાષ્ટ્રીય બેંકના ડિરેક્ટર બનાવ્યા. આ પછી પ્રગતિ ઝડપી બની. પ્રાંતીય સરકારમાં આયોજન, નાણાં અને વિદેશી હુંડિયામણના નિયામક બન્યા. અબ્દુલ મજીદ પ્રતિષ્ઠાની ટોચે પહોંચ્યા, પણ સમયચક્ર પલટાતાં મોઝામ્બિકમાં સામ્યવાદી સરકાર આવી. તેણે દેશમાંની વિદેશી મિલકતો, ધંધા-ઉદ્યોગ વગેરેનું રાષ્ટ્રીયકરણ કર્યું. લોકો દેશ છોડીને પોર્ટુગલનો રસ્તો પકડવા લાગ્યા. છતાં અબ્દુલ મજીદ દેશને વળગી રહ્યા.
અબ્દુલ મજીદ પ્રેમ કરીને ગોરી યુવતી રોઝારિયોને પરણ્યા હતા. રોઝારિયા એક દિવસ બજારમાં ગઈ ત્યારે થયેલાં તોફાનોમાં સપડાઈ. આવા વાતાવરણમાં તે રહેવા તૈયાર ન હોવાથી દેશ છોડવા તૈયાર થઈ. અબ્દુલ મજીદને પત્ની કે દેશ બેમાંથી ગમે તે એક છોડવાનો વારો આવતાં ૧૯૭૫માં તેમણે દેશ છોડ્યો અને લિસ્બન પહોંચ્યા. મોઝામ્બિક પોર્ટુગલશાસિત હોવાથી ડો. અબ્દુલ મજીદની ખ્યાતિ લિસ્બનમાંય હતી. પોર્ટુગીઝ સરકારે તેમને સરકારી સિમેન્ટ કંપની સેસિલના ડિરેક્ટર બનાવ્યા. બીજા વર્ષે તેમની સેન્ટ્રલ બેંકમાં નિમણુક કરી. પોર્ટુગીઝ સરકારની આર્થિક વિટંબણાઓ વિદેશી નાણાંથી જ દૂર થાય તેમ હતું. તેમણે ૩૦૦ મિલિયનના યુરોની દેશ માટે લોન મેળવી તેમની આ સિદ્ધિને પોર્ટુગલની મધ્યસ્થ બેંકે સન્માની.
૧૯૭૯માં તેઓ લંડન ગયા. લંડનમાં પોર્ટુગલની અલ્ટ્રામરીનો બેંકમાં મહત્ત્વનો હોદ્દો સ્વીકાર્યો. આ પછી જૈમિની ફાઈનાન્સિયલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા. પછી ૧૯૮૮માં વિદેશી બેંકો અને પોર્ટુગીઝ ધનિકો સાથે મળીને એફીસા બેંક સ્થાપી. બેંકના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ બન્યા. પોર્ટુગલના રાષ્ટ્રીય રોકાણોનું એક મહત્ત્વનું સાધન આ બેંક બની.
પોર્ટુગલના હિતો અને વિકાસનું તે સતત ચિંતન કરે છે. પોર્ટુગલના વિકાસ માટેના કાર્યો માટે, નાણાં માટે વિદેશી બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો વિવિધ રીતે સાથ મેળવવામાં તેમનો મહત્ત્વનો ભાગ છે. ભારત સરકારના સાહસ ઓએનજીસીને ભારતીય મૂળના અબ્દુલ મજીદ વકીલે ૧૯૮૦માં યુરોમાં જંગી લોન અપાવવામાં અને ભારતીય કંપની ડોડસાલને યુએઈમાં તેના પ્રોજેક્ટ માટે નાણાં ભેગા કરવામાં એફીસા બેંક મારફતે મદદ કરી હતી. ડોડસાલનો પ્રોજેક્ટ હતો શારજહાંના સાઝાથી લયાહ સુધી ગેસલાઈન નાખવી. જેથી ભારતમાં ગેસની નિકાસ થાય અને ઉદ્યોગોના ચક્ર ફરતાં રહે.
એફીસા બેંક મારફતે, ભારતની આઈટી કંપનીઓ મારફતે તેમણે ૫૦૦૦ લાખ ડોલરની મૂડી ઊભી કરી હતી. આવી જ રીતે એફીસા બેંક મારફતે ભારતીય બેંકો માટે ૧૫૪૦૦ લાખ ડોલરની મૂડી ઊભી કરી હતી. તેમની એફીસા બેંકને ભારતની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા, ઈન્ડિયન બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સાથે ગાઢ સંબંધો છે.
ડો. અબ્દુલ મજીક વકીલ ધર્માંધ નથી, પણ એક પાક અને માનવતાસભર મુસ્લિમ અગ્રણી છે. પોર્ટુગલમાં વસતા ગુજરાતી હિંદુઓ, યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને જુદા જુદા ફાંટાના મુસ્લિમો આથી જ તેમને આદરથી નિહાળે છે.
૨૦૦૭માં ભારત સરકારે તેમને પ્રવાસી ભારતીય એવોર્ડથી નવાજ્યા હતા. પોર્ટુગીઝ ગુજરાતી એવા અબ્દુલ મજીદ વકીલે લિસ્બનમાં પોર્ટુગલ અને ગુજરાતની શાન વધારી છે. વિનય, નમ્રતા અને પરગજુપણાથી શોભતા ડો. અબ્દુલ મજીદ નોખા માનવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter