પ્રામાણિકતા, પ્રાવીણ્ય અને પુરુષાર્થનો મેળઃ ડો. વત્સલ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 19th April 2019 07:56 EDT
 
 

ભારતમાં ભ્રષ્ટાચારના ભોરીંગ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જંગે ચઢ્યા છે. ભૂતકાળમાં સરકારી અમલદારો અને રાજકીય નેતાઓના ગોટાળા અદાલતે અને છાપે ચઢ્યા છે છતાં પ્રામાણિક નેતાઓ અને અધિકારીઓની પરંપરા અતૂટ રહી છે.

સાબરમતી રિવરફ્રન્ટે અમદાવાદની શોભા વધારવામાં, પર્યાવરણ રક્ષામાં અને ઝૂંપડપટ્ટીવાસીઓને નવાં અને સગવડભર્યાં નિવાસપ્રાપ્તિમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રિવરફ્રન્ટની યોજનામાં શરૂઆતથી જોડાનાર અને પછીથી પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યભાર સંભાળનાર અને પ્રોજેક્ટને સફળ બનાવનાર છે ડો. વત્સલ પટેલ. વત્સલ પટેલ સમગ્ર પ્રોજેક્ટના પાયામાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ ચીફ પ્લાનિંગ ઓફિસર. ડો. વત્સલ પટેલમાં છે ભારોભાર મેધા અને નિષ્ઠા. અત્યંત અભ્યાસી એવા તે સમજતા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિકાસકાર્યો માટે નાણાંની ખેંચ રહેવાની. આથી નીતિનિર્ધારકો પાસે કોઈ યોજના મૂકાય તો પણ એ પાર પાડવા બજેટની મુશ્કેલી રહે. કરવેરા વધારે તો પ્રજાને ન ગમે. વિરોધ પક્ષો નેતાગીરી લઈને આંદોલન પ્રેરે અને કરે. સત્તાધારી પક્ષ આવાં આંદોલનથી ડરે અને નવા પ્રોજેક્ટ કરવાથી દૂર રહે.
નવી નવી ટી.પી. (ટાઉન પ્લાનિંગ) સ્કીમો કરાય તો કાયદા મુજબ જે પ્લોટ મળે તે વેચીને રસ્તા, બાગબગીચા, ગટરયોજના, પાણી પુરવઠાની યોજના કરે. આ થતાં જમીનની કિંમત વધે. બાંધકામ થાય અને ટેક્સ મળે. વેપાર-ધંધા વધે અને ટેક્સ વધે. આ જ પાયા પર રિવરફ્રન્ટ યોજના થઈ. શહેર વચ્ચે સાબરમતી. ચોમાસાના થોડા દિવસ બાદ કરતાં સૂકીભઠ. ૧૧,૦૦૦ પરિવાર બંને કિનારે ઝૂંપડપટ્ટીમાં રહે. આટલી બધી જમીન અનઉત્પાદક અને ગંદકી, મચ્છર, રોગચાળાયુક્ત ઝૂંપડપટ્ટી. સરકાર અને કોર્પોરેશનનું ખર્ચ આથી વધે. વળી, નદીની આસપાસની નિવાસી મિલકતોની કિંમત ઘટે. ફ્લેટ ના વેચાય. પરંતુ રિવરફ્રન્ટ થતાં ઝૂંપડપટ્ટી ગઈ અને બાકીની જમીન, ફ્લેટના ભાવ વધ્યાં. વેચાણ વધતાં સરકાર અને કોર્પોરેશનની કરની આવક વધી. સમગ્ર પ્રોજેક્ટમાં ચાવીરૂપ ભૂમિકા વત્સલ પટેલની.
પ્રોજેક્ટની અને ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકેની જવાબદારી વખતે ક્યારેય પોતે બેઠા હોય ત્યારે રૂમનું બારણું બંધ ના કરે. એપોઈન્ટમેન્ટ વિના જેને રૂમમાં આવવું હોય તેને આવવાની છૂટ. મુલાકાતી એક હોય અને બીજાને આવવું હોય તો સીધા આવીને ખાલી ખુરશીમાં બેસવાની છૂટ. બંધબારણે કોઈ મંત્રણા નહીં. ઓફિસનાં ટેબલનાં ખાનાં કે કબાટ ખુલ્લાં રાખે. કોઈ લાગવગ ચલાવી ના લે. જાણ્યા કે અજાણ્યા સાથે સરખો અને કાયદેસરનો વહેવાર. કામ ગૂંચવવાને બદલે કે વ્યક્તિને ધક્કા ખવડાવવાના બદલે તરત નિકાલ. ડો. વત્સલ પટેલની પ્રામાણિકતા વિશે આને કારણે કોઈ શંકા જ ના રહે. ખુલ્લી કિતાબ જેવું વર્તન અને વહેવાર.
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂરો કર્યા પછી તેમણે કોર્પોરેશનની નોકરી છોડી. ડો. વત્સલ પટેલનો સમગ્ર પરિવાર શિક્ષણ સાથે સંકળાયેલો. પિતા સૂર્યકાંત પટેલ વિદ્યાર્થીપ્રિય શિક્ષક અને હાઈસ્કૂલના આચાર્ય. માતા બકુલાબહેન પણ શિક્ષિકા. વત્સલની પણ શિક્ષણ પ્રત્યે રુચિ. ભણવામાં એમની તેજસ્વિતા ક્યારેય ઢાંકી રહી ન હતી. સિવિલ એન્જિનિયરિંગના ડિપ્લોમામાં એ પ્રથમ વર્ગમાં આવેલા. આથી ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળેલો. બી.ઈ. સિવિલ ડિસ્ટીંક્શન સાથે થયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતાં કરતાં જ સિવિલ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં માસ્ટરની ડિગ્રી મેળવી. છેલ્લે ચાલુ નોકરીએ તેમણે પીએચ.ડી. કર્યું. ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગમાં માંડ ૫૦ જેટલા પીએચ.ડી. હશે.
લાંબા સમયથી તે સેપ્ટ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. અહીંથી જ તેમણે અર્બન અને રિજિયોનલ પ્લાનિંગમાં માસ્ટર કર્યું હતું. આજે એ જ સેપ્ટમાં પ્રોફેસર છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ એટલે કે ‘રેરા’ની જાણનાર વ્યક્તિઓમાં એ મોખરે છે. વત્સલ પટેલ સમગ્ર ગુજરાતનાં નગરો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને કોલેજોમાં નગરવિકાસનાં વિવિધ પાસાં વિશે જાણકાર તરીકે ખાસ આમંત્રિત વક્તા તરીકે સતત જતા હોય છે.
સમગ્ર પરિવારને શિક્ષણ તરફ લગાવ છે. રાષ્ટ્રપ્રેમનાં મૂળ પરિવારમાં દૃઢ થયાં છે. આથી તો પુત્ર નિયત અમેરિકામાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર થવા ગયેલ. પરીક્ષા પત્યા પછી ત્યાં લગ્નથી કે વર્ક પરમિટથી રહેવાની તક છતાં તે તરત પાછો આવી ગયો. દીકરી આસ્થા અમેરિકામાં આર્કિટેક્ટ થવામાં છે તેને પણ ભારતમાં જ રહેવું છે.
પુરુષાર્થ, પ્રામાણિકતા અને પ્રાવીણ્યને ધન માનતા ડો. વત્સલ જેવા ગુજરાતી ભારતનું સાચું ધન છે. તેમણે ગુજરાતમાં નગરવિકાસ સાથે જોડાયેલા એન્જિનિયરોની એક સભામાં તાજેતરમાં કહ્યું હતું, ‘કામ પૂરું થયે કાર્યક્રમમાં ફોટા પડાવતી વખતે કદી મોખરે ના રહેતા. સ્થાનિક નેતાઓને જ મોખરે રાખશો તો તમે સુખેથી કામ કરી શકશો. કામનો યશ લેવાનો પ્રયત્ન કરશો તો ઈર્ષ્યાનો ભોગ બનશો અને કામ અટકશે. પડદા પાછળ રહીને કામ કરશો તો સફળ થશો.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter