બહેતર ભારતના નિર્માણ માટે વિશિષ્ટ ઈનિશિયેટિવ

રુચિ ઘનશ્યામ Wednesday 14th July 2021 06:02 EDT
 
 

તાજેતરમાં જ ‘ભારતના એવોર્ડવિજેતા વીવર્સ- વણકરોને ૨ મહિનામાં ૬૦ લાખ રુપિયાની કમાણી કરવામાં ૬ મહિલાએ કરેલી મદદ’ની સ્ટોરી વિશે જાણવા મળ્યું હતું. આ કોલમ લખાય છે ત્યાં સુધીમાં વેચાણ વધીને ૭૫ લાખ રુપિયાએ પહોંચ્યું હોવાની માહિતી મને એક વોલન્ટીઅર મારફત જ મળી છે. રિનાચેન નોરબુ વાંગચુક લિખિત અને વિનાયક હેગડે દ્વારા સંપાદિત આ સ્ટોરી ભારતીય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ, ધ બેટર ઈન્ડિયામાં ૭ જુલાઈ, ૨૦૨૧ના દિવસે પ્રસિદ્ધ થઈ હતી. આ રિપોર્ટમાં બનારસી અને પશમિના વણાટશૈલી સહિત ૯ એવોર્ડવિજેતા સિદ્ધહસ્ત વણકરોને કોવિડ-૧૯ના સમયગાળામાં તેમના ઉત્પાદનોને ઓનલાઈન વેચાણમાં મદદ કરવા આગળ આવેલા ‘વીવર્સ રિસોર્સ બ્રીજ’ના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ‘thebetterIndia.com’સાથે આ મારો પ્રથમ પરિચય છે જેમનો દાવો ભારતમાં જે કાંઈ બની રહ્યું છે તેને જાહેર પ્રદર્શનમાં મૂકવાનો છે. એક સમયે એક સ્ટોરી મૂકવા સાથે રચનાત્મક પત્રકારત્વની તાકાતનો ઉપયોગ કરી તેઓ ભારતનું પરિવર્તન કરવા ઈચ્છે છે.

‘વીવર્સ રિસોર્સ બ્રીજ- Weaver Resource Bridge’ ([email protected]) માં હાલ ૬ વોલન્ટીઅર્સ સામેલ છે. આ સ્વયંસેવકોમાં તાલીશ રાય (દિલ્હીસ્થિત કોર્પોરેટ લોયર), મીનાક્ષી વશિષ્ટ (હેરિટેજ સ્પેશિયાલિસ્ટ), મણિ ત્રિપાઠી (લખનૌની ગૃહિણી), નમ્રતા વર્મા કૌલ (રિયલ એસ્ટેટ પ્રોફેશનલ), શ્રુતિ માથુર (મેલબોર્નસ્થિત IT કન્સલ્ટન્ટ) અને મોનિકા શ્રીવાસ્તવ (ગૃહિણી)નો સમાવેશ થાય છે. પરિવારમાં કોવિડની ગંભીર સમસ્યા અનુભવ્યા પછી તાલીશ રાય દ્વારા આ ઈનિશિયેટિવ-પહેલનો આરંભ કરાયો હતો અને થોડા જ સમયમાં તેમને સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક મારફત સાથી વોલન્ટીઅર મીનાક્ષી વશિષ્ટ મળી આવ્યાં. આ પછી અન્ય વોલન્ટીઅર્સ પણ આ પ્રયાસમાં સામેલ થયાં હતાં.

હેરિટેજ સ્પેશિયાલિસ્ટ હોવાથી મીનાક્ષી સંઘર્ષરત વણકરો માટે રિસોર્સ બ્રીજ-સ્રોતસેતુ સ્થાપવામાં મદદ કરવા માટે આદર્શ વ્યક્તિ હતાં. વોલન્ટીઅર્સે ૪૦થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા અને અગાઉ દિલ્હીમાં નેશનલ ક્રાફ્ટ્સ મ્યુઝિયમ સાથે કામ કરી ચૂકેલા ઉચ્ચ કૌશલ્યપૂર્ણ ક્રાફ્ટ્સ પ્રોફેશનલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે મહામારીના ગત એક વર્ષ દરમિયાન જરા પણ વેચાણ ન થઈ શકવાથી નિષ્ણાત વણકરોની તદ્દન ખરાબ નાણાકીય હાલતથી વોલન્ટીઅર્સને માહિતગાર કર્યા હતા.

સમગ્ર ભારત અને વિશ્વમાં મહામારીનો કારમો પંજો પ્રસર્યો હતો ત્યારે લોકડાઉન્સ આવ્યા અને મોટા ભાગના દેશોમાં ઘેર રહીને કામ કરવાનું ચલણ સામાન્ય બની રહ્યું હતું. લોકોએ પોતાના ઘરમાં જ બંધનાવસ્થામાં રહેવાનું હોવાથી કેઝ્યુઅલ આરામપ્રદ વસ્ત્રો પહેરવાનું પસંદ કરવાનું સ્વાભાવિક હતું. આ સંજોગોમાં નિષ્ણાત વણકરોની અપ્રતિમ કળા અને કૌશલ્યની કદર થાય તેમ જ ન હતું. વોલન્ટીઅર્સે સૌપ્રથમ સંપર્ક કરેલા માસ્ટર વીવરને તેમની પાસે પડી રહેલા ઉત્પાદનો-માલસામાન માટે ખરીદારો અથવા દાતાઓ શોધી આપવાની ઓફર કરી હતી. જોકે, પોતાની કળા- હસ્તકૌશલ્યનું ગૌરવ ધરાવતા નિષ્ણાત વણકરને દયાદાન પસંદ ન હોય તેમ જણાયું હતું. આમ છતાં, તેઓ ૨૦ અન્ય માસ્ટર વીવર્સની સંપર્ક વિગતો મેળવવામાં સફળ થયા અને તેમનો સંપર્ક પણ કરાયો હતો. આમાંથી આઠ વણકરોએ પહેલમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. પહેલનો પ્રચાર થવા સાથે વધુ એક માસ્ટર વીવર પણ જોડાયા હતા. આ નિષ્ણાત વણકરજૂથમાં બે એવોર્ડવિજેતા બનારસી વણકરો, બાગરુના હેન્ડ બ્લોક પ્રિન્ટર, મધ્ય પ્રદેશમાંથી માહેશ્વરી વણકર, કોટા વણકર, ચંદેરી વણકર, ઉત્તર પ્રદેશમાંથી ચિકનકારી વણાટશૈલીના કળાનિષ્ણાત અને આંધ્ર પ્રદેશના પોચમપલ્લી વણકરનો સમાવેશ થયો હતો.

નિષ્ણાત વણાટકારો દ્વારા કરાયેલા તેમજ ‘વીવર્સ રિસોર્સ બ્રીજ’ દ્વારા મૂકાયેલા ઉત્પાદનો ઉચ્ચ ગુણવત્તાના જ હોય તેની ચોકસાઈ કરવા માટે આ મહિલાઓએ સૌપ્રથમ પોતે જ આઠ વણાટકારો પાસેથી વિવિધ કળાનમૂનાઓની ખરીદી કરી હતી અને તેમને ગુણવત્તા ક્ષતિરહિત જણાઈ હતી. તેમની શ્રદ્ધા-વિશ્વાસને ખરીદારોનું સમર્થન પણ સાંપડ્યું હતું કારણકે લગભગ ૬૦ ટકા ખરીદારો વારંવાર ખરીદ કરી રહ્યા હતા.

આ વોલન્ટીઅર્સ પોતાને માર્કેટની શોધમાં સંઘર્ષરત હસ્તકલાકારો તેમજ નિષ્ણાત વણાટકારોના સુંદર કળાનમૂનાઓ ખરીદવા અથવા મદદનો હાથ લંબાવવા ઈચ્છુક લોકો વચ્ચે સેતુ તરીકે નિહાળે છે. તેઓએ સોશિયલ મીડિયા પરના પોતાના મિત્રોના નેટવર્ક્સનો સંપર્ક કર્યો હતો. એક વખત સંભવિત પેટ્રનનો સંપર્ક સાધી લેવાયા પછી તે વ્યક્તિ ઓછામાં ઓછી ખરીદીની રકમનું કમિટમેન્ટ કરે, આનાકાની કે ભાવતાલ ન કરે અને નિષ્ણાત વણાટકારોના ગૌરવને માન આપવા બાબતે જાણકારી રાખે તેની ચોકસાઈ કરાતી હતી. તમામ માસ્ટર વીવર્સની સંપર્કની વિગતો આડેધડ ફરતી કરી દેવાના બદલે ચોક્કસ હસ્તકળા નિષ્ણાત સાથે સંભવિત ખરીદારને સાંકળવાનું કામ કરતા હતા. આમ તેઓ માત્ર વિન્ડો શોપિંગમાં જ રસ ધરાવતા જિજ્ઞાસાપ્રિય લોકોને નિષ્ણાત વણાટકારોથી દૂર રાખી શક્યા હતા.

ધ વીવર રિસોર્સ બ્રીજ સ્વાતંત્ર્ય દિન (૧૫ ઓગસ્ટ) સુધીમાં આ ૯ કુશળ વણકરો માટે વેચાણ આંકડો ૧૦ મિલિયન રુપિયા થઈ જાય તેનું લક્ષ્ય ધરાવે છે. આ પછી આ પહેલને બંધ કરી દેવાશે. આ સેવાકાર્ય સાથે સંકળાયેલી મહિલાઓને કોઈ વેપારી હિત કે રસ નથી અને કુશળ વણકરો સાથે તેમનો સંબંધ માત્ર સ્વૈચ્છિક આધારનો છે.

આ મહિનાના પાછળના હિસ્સામાં ઈનિશિયેટિવના વોલન્ટીઅર્સ દ્વારા નવ કુશળ વણકરો માટે એક વર્કશોપનું આયોજન કરાશે જેના થકી તેમની ટેકનોલોજિકલ ક્ષમતાઓમાં વૃદ્ધિ થાય અને વેચાણપદ્ધતિમાં સુધારો લાવી શકાય. તેમની આશા છે કે ધ વીવર રિસોર્સ બ્રીજ પહેલ સમાપ્ત થઈ ગયા પછી પણ આગળ વધવા માટે આ વર્કશોપ મારફત માસ્ટર વીવર્સને આવશ્યક સાધનો-ઉપકરણો સાથે વધુ મજબૂત બનાવી શકાશે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આ વર્કશોપ માસ્ટર વીવર્સને સર્જનાત્મક ગૌરવની ભાવના પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવે છે.

કોરોના મહામારીએ માત્ર જીવનોને છિન્નભિન્ન કર્યા નથી, જીવનનિર્વાહની મુશ્કેલીઓ પણ વધારી છે. આપણે દરેક વ્યક્તિ શક્ય હોય તે રીતે મદદનો હાથ લંબાવીશું તેના પર રિકવરીની આશાનો આધાર છે. આપણે આશા રાખીએ કે ‘વીવર્સ રિસોર્સ બ્રીજ’ પોતાના પ્રયાસોને સમાપ્ત કરે નહિ અને હસ્તકળાના અન્ય જૂથને સહાય કરવાનું કાર્ય હાથમાં લે. આપણે એવી પણ આશા રાખીએ કે બહેતર ભારત તેમજ શાંતિમય અને સમૃદ્ધ વિશ્વના નિર્માણ અર્થે આવા વધુ અને વધુ ઈનિશિયેટિવ્સ આગળ આવતા રહે.

 (રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter