યુનાઈટેડ કિંગ્ડમના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને સ્વીકારી 21-22 એપ્રિલ 2022ના દિવસોએ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. ભારત અને યુકેના સંબંધોના 75 વર્ષ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે વડા પ્રધાન મોદીએ આ મુલાકાતને યથાર્થપણે ‘ઐતિહાસિક’ ગણાવી છે.
બંને નેતાઓ વચ્ચે મે 2021માં વર્ચ્યુઅલ શિખર પરિષદ યોજાયાના એક વર્ષ પછી યુકેના વડા પ્રધાનનો આ ભારત પ્રવાસ થયો છે. ગત વર્ષે લોન્ચ કરાયેલા ઈન્ડિયા-યુકે રોડમેપ 2030ની સમીક્ષા કરવાની અમૂલ્ય તક આ પ્રવાસથી સાંપડી હતી. બંને નેતાઓએ અગાઉ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ તરીકે અપગ્રેડ કરાયેલા ભારત-યુકે સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવા મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મોદી-જ્હોન્સનની બેઠકના પગલે સુગ્રથિત સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, યુકે-ઈન્ડિયા જોઈન્ટ સાઈબર સ્ટેટમેન્ટ પણ જારી કરાયું હતું.
વડા પ્રધાન જ્હોન્સને રાજધાની દિલ્હી પહોંચતા પહેલા ગુજરાતના અમદાવાદમાં ટુંકુ રોકાણ કર્યું હતું અને આ સાથે તેઓ ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ કન્ઝર્વેટિવ વડા પ્રધાન બન્યા છે. બિઝનેસ મીટિંગ્સની સાથોસાથ તેમણે ગિફ્ટ સિટીસ્થિત ગુજરાત બાયોટેક યુનિવર્સિટી અને અક્ષરધામ મંદિરની મુલાકાત પણ લીધી હતી.
આ મુલાકાત દરમિયાન,બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા સહકારને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ ભૂમિ, સમુદ્ર, હવાઈક્ષેત્ર અને સાઈબર ક્ષેત્રોમાં નવા જોખમોનો સાથે મળીને સામનો કરવા સંમતિ દર્શાવી છે. યુકે નવી ફાઈટર જેટ ટેકનોલોજીમાં તેમજ સમુદ્રીક્ષેત્રમાં મહાસાગરોમાં જોખમો -ધમકીઓને ઓળખી કાઢવા અને તેનો પ્રતિભાવ આપવા ભારત સાથે ભાગીદારી કરવા આગળ આવ્યું છે. આગામી દાયકા દરમિયાન, ભારત સાથે વ્યાપક સંરક્ષણ અને સુરક્ષા સહકારને સપોર્ટ કરવા વડા પ્રધાન જ્હોન્સને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટમાં નોકરશાહીની દખલ અને ડિલિવરીનો સમય ઘટાડવા યુકે દ્વારા ભારતને ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સ (OGEL) ઈસ્યુ કરવાની પણ જાહેરાત કરી હતી. ઈન્ડો-પાસિફિક વિસ્તારમાં યુકે દ્વારા આ સર્વપ્રથમ OGEL છે.
આ મુલાકાતે બંને વડા પ્રધાનોને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ-મુક્ત વ્યાપાર સંધિ (FTA)ની વાટાઘાટોમાં પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડી છે. વડા પ્રધાન જ્હોન્સને મંત્રણાકારોને આ વર્ષના ત્રીજા ક્વાર્ટર-ત્રિમાસિક ગાળા સુધીમાં મંત્રણા સમાપ્ત કરી કરારને પૂર્ણ કરવાના પ્રયાસ માટે અનુરોધ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે FTA માટેની વાટાઘાટોમાં ‘સારી પ્રગતિ’ હાંસલ થઈ છે અને તેમણે યાદ અપાવી હતી કે બંને પક્ષોએ આ વર્ષના અંત સુધીમાં કરારને પરિપૂર્ણ કરી લેવાના શ્રેષ્ઠ પ્રયાસોનો નિર્ણય કર્યો જ છે. તેમણે કહ્યું હતું કે ગત થોડા મહિનામાં ભારતે યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વ્યાપાર સંધિઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને યુકે સાથે FTA મંત્રણાઓ એ જ ગતિ અને એ જ પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવે તેવો અનુરોધ પણ કર્યો હતો.
આ મુલાકાત અગાઉ, ભારતીય મીડિયામાં બંને પક્ષો યુક્રેન કટોકટી મુદ્દે પોતાના વલણના મતભેદ કેવી રીતે મિટાવશે તે બાબતે ચિંતા વ્યક્ત કરાતી હતી. દિલ્હીમાં આગમનના થોડા સમય અગાઉ જ યુકેના વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે યુકે ભારતને એક અથવા બીજા દૃષ્ટિકોણ બાબતે કોઈ લેક્ચર-ઉપદેશ નહિ આપે કે કોઈ દબાણ પણ નહિ કરે. આ કટોકટી મુદ્દે ભારતના વલણનો પુનરુચ્ચાર કરતા વડા પ્રધાન મોદીએ તત્કાળ યુદ્ધવિરામની હાકલ કરવા સાથે વાટાઘાટો અને રાજદ્વારી કુનેહ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ તમામ દેશોની પ્રાદેશિક અખંડિતા અને સાર્વભૌમત્વ માટે આદર દર્શાવવા વિશે જણાવ્યું હતું. બંને દેશોએ ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં મુક્ત, ખુલ્લાં, સમાવેશી અને નિયમો આધારિત વ્યવસ્થાની જાળવણીની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
બંને વડા પ્રધાનોએ આયાતી ઓઈલથી વધુ ટકાઉ એનર્જી તરફ ભારતના એનર્જી ટ્રાન્ઝીશનને સપોર્ટ કરવા સ્વચ્છ અને રિન્યુએબલ એનર્જી બાબતે સહકારની પણ ચર્ચા કરી હતી. બંને પક્ષોએ પોસાય તેવા ગ્રીન હાઈડ્રોજનને ગતિશીલ બનાવવા વર્ચ્યુઅલ હાઈડ્રોજન સાયન્સ એન્ડ ઈનોવેશન કેન્દ્રનું લોન્ચિંગ કર્યું હતું. તેમણે ગ્લાસગો COP26 ખાતે જાહેર કરાયેલા ગ્રીન ગ્રિડ્સ ઈનિશિયેટિવ બાબતે આયોજનોની જાહેરાત પણ કરી છે.
વડા પ્રધાન જ્હોન્સને એમ પણ જણાવ્યું હતું કે બંને દેશોએ સાયન્સ સુપરપાવર્સ તરીકે ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વડા પ્રધાન જ્હોન્સને પોતાના સહિત બિલિયન્સ-અબજો લોકોને કોવિડવિરોધી વેક્સિન આપવામાં મદદ કરનારા ઓક્સફર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રા-ઝેનેકા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વચ્ચે સહકારની ભારે પ્રશંસા કરી હતી. આ સહકારથી વિશ્વફાર્મસી તરીકે ભારતની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ છે. બંને દેશો હવે મેલેરિયા વેક્સિન્સની સંયુક્ત પહેલો પર આગળ વધશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી. વડા પ્રધાન જ્હોન્સને એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ ઈન્ડિયન નેશનલ હેલ્થ ઓથોરિટી અને યુકેના NHS વચ્ચે ડિજિટલ પાર્ટનરશિપની પણ વાત કરી હતી.
યુકેના વડા પ્રધાને 1 બિલિયન પાઉન્ડ મૂલ્યના નવા સોદાઓની જાહેરાત પણ કરી હતી. આમાંથી એક સોદો ભારતીય ડોક્ટર્સને એક્યુટ મેડિસીન ક્ષેત્રમાં તાલીમ આપવા 6.9 મિલિયન પાઉન્ડનો છે, ઉજાલા સિગ્નસ હેલ્થકેર ગ્રૂપ દ્વારા BAPIO (બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન) ટ્રેનિંગ એકેડેમી સાથે સહકારથી ડિઝાઈન કરાયેલા પ્રાઈમરી કેર એન્ડ એક્યુટ મેડિસિનમાં એડવાન્સ્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં દર વર્ષે રસ ધરાવતા 20 ડોક્ટર્સના ગ્રૂપને એક્યુટ મેડિસિનમાં Mscના અભ્યાસ માટે રીક્રુટ અને એનરોલમેન્ટ સાથે સ્થાનિક ફેકલ્ટીઝ દ્વારા હેન્ડ્સ-ઓન ક્લિનિકલ ટ્રેનિંગ અને બેડસાઈડ મેડિસિનનું જ્ઞાન અપાશે. મઆ ઉપરાંત, યુકેસ્થિત ફેકલ્ટી દ્વારા વર્ચ્યુઅલ તાલીમ અને જ્ઞાન અપાશે, યુકેની NHS હોસ્પિટલ્સમાં મુલાકાતો સાથે 6 સપ્તાહ ફર્સ્ટ-હેન્ડ અનુભવ પ્રાપ્ત કરવા મળશે. આના પરિણામે, ભારતમાં MBBS ડોક્ટર્સનું કૌશલ્ય વધશે અને યુકે આધારિત શ્રેષ્ઠ પ્રેક્ટિસીસને અમલમાં મૂકી શકશે જે બંને દેશોને વધુ નિકટ લાવતા જીવંત સેતુ-લિવિંગ બ્રિજનું વ્યવહારુ ઉદાહરણ બની રહેશે.
આ મુલાકાતથી સંરક્ષણ અને સુરક્ષાથી માંડી વેપાર, ઈન્વેસ્ટમેન્ટ,સાયન્સ, એનર્જી અને હેલ્થકેર સુધીના અનેક ક્ષેત્રોમાં સહકારના નવા માર્ગો ખૂલ્યાં છે તેમજ ભારત-યુકે સંબંધોને વધુ ગાઢ બનાવવાની સજ્જતા ઉભી થઈ છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)