ભારતીયોમાં સરદાર માટે ભારોભાર પ્રેમ અને ગર્વ, પણ યુવા પેઢીમાં જાગૃતિની આવશ્યકતા

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Monday 05th August 2019 06:06 EDT
 

૪થી ઓગસ્ટના રવિવારે સવારે આહલાદક વાતાવરણની મજા માણતા માણતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આયોજિત ‘સરદાર વોક’ કરી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકે દ્વારા એકતા માટે ગોઠવાયેલી આ પદયાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધેલો. મોટા ભાગના લોકો ગુજરાતી હતા. એક-બે બિન-ગુજરાતી પરિવાર પણ ‘એશિયન વોઈસ’માંથી મળેલી માહિતીના આધારે જોડાયેલા. સરદાર પટેલ કાયદાના અભ્યાસ માટે લંડન આવ્યા ત્યારે લાડબ્રુક ગ્રુવ વિસ્તારમાં ૧૯૧૨થી ૧૯૧૪ સુધી રહેલા. આ યાત્રા દરમિયાન ધ્યાનમાં આવેલા કેટલાક મુદ્દાઓ અહીં તારવ્યા છે: 

૧. એક અંગ્રેજે સરદારનું સ્મૃતિચિહન બચાવ્યું: માર્ક્સ નામના એક અંગ્રેજ વ્યક્તિ પટેલ વાળા ઘરમાં રહેતા. જયારે બિલ્ડિંગનું રિનોવેશન થયું ત્યારે તેઓ નજીકની બીજી ઇમારતમાં જતા રહેલા. કોન્ટ્રાક્ટરે ભૂલથી સરદાર પટેલની બ્લુ તકતી ક્યાંક ફેંકી દીધેલી. પરંતુ માર્ક્સના સૂચનથી ફરીથી તે તકતી ઇમારત પર લગાવવામાં આવી અને આજે પણ તે મકાનની શોભા વધારી રહી છે. આજે ડેવિડ નામનો યુવાન તે ફ્લેટમાં રહે છે. માર્ક્સ અને ડેવિડ બંને ‘સરદાર વોક’ની શરૂઆત થઇ ત્યારે હાજર રહ્યા હતા.
૨. લોકોમાં સરદાર માટે ગર્વ અને પ્રેમ ભારોભાર ભરેલો છે: જે સંખ્યામાં લોકો રવિવારની રજામાં પણ ‘સરદાર વોક’માં જોડાયા, અને ખાસ કરીને પરિવારસહ, તે સાબિત કરે છે કે ભારતીય મૂળના લોકોના મનમાં સરદાર પટેલ માટે ખુબ ગર્વ અને પ્રેમ ભરેલો છે.
૩. યુવાનોની સંખ્યા વધારે હોવી જોઈએ: સરદાર વોકમાં કિશોર અને યુવાન વયના લોકોની સંખ્યા ખુબ ઓછી હતી. તેનો અર્થ એ થયો કે નવી પેઢી સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સાથે ઓછું તાદાત્મ્ય અનુભવે છે. માત્ર યુકેમાં જ નહિ, ઇન્ડિયામાં પણ કદાચ આવી પરિસ્થિતિ હોય તેવું શક્ય છે. બે-ત્રણ જનરેશન સાથે મળીને આવા કાર્યક્રમોમાં જોડાય તેવું બહુ ઓછું બનતું હોય છે.
૪. સરદારના જીવન અને યોગદાન વિશે માહિતી નવી પેઢી સુધી પહોંચાડવી જરૂરી છે: યુવાનોની ઓછી સંખ્યા એ બાબત દર્શાવે છે કે સરદારના જીવન વિશે અને તેના યોગદાન વિશે વધારે માહિતીનો પ્રચાર-પ્રસાર જરૂરી છે. યુવાનોને રસ પડે તેવા ફોર્મેટમાં આ માહિતી રજુ કરવી જોઈએ.
૫. આયોજકોમાં યુવાનોની હાજરી જરૂરી છે: જ્યાં સુધી યુવાનો આયોજક તરીકે નહિ આવે ત્યાં સુધી યુવાનોને નહિ આકર્ષી શકાય. આયોજનકર્તા તરીકે યુવાનોને આગળ કરવાથી અને આવા ઇવેન્ટને વધારે લોકો માણી શકે તેવા ફોર્મેટમાં રજુ કરવાથી દરેક વયજૂથના લોકો તેમાં જોડાશે.
૬. વર્ષમાં બે-ત્રણ વાર આવા કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ: ક્યારેક અમુક લોકો એટલા માટે આવા કાર્યક્રમોમાં જોડાઈ શકતા નથી કેમ કે તેમને સમયની અનુકૂળતા નથી હોતી. વર્ષમાં બે-ત્રણ વાર આવા કાર્યક્રમો યોજાય તો તેઓ એક નહિ તો બીજા કાર્યક્રમમાં જોડાઈ શકે.
૭. અલગ અલગ સ્થળો કે શહેરોમાં આવા કાર્યક્રમ યોજવા જોઈએ: ઘોડાને પાણી પીવું હોય તો નદી પર આવે એ વાત ખરી, પણ નદી કોણ અને ઘોડો કોણ એ પ્રશ્ન બહુ મોટો છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો જાળવવાની જવાબદારી સૌની છે. જે લોકો તેનાથી વાકેફ નથી તેમણે આવીને જાણકારી મેળવવી જોઈએ તેવું વિચારીશું તો આપણે આ અમૂલ્ય વારસો ખોઈ બેસીશું. માટે અલગ અલગ સ્થળોએ અને શહેરોમાં નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કરીને લોકો સુધી માહિતી પહોંચાડવી જોઈએ.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter