ભારત-અમેરિકા સંબંધોનું વિહંગાવલોકન

Sunday 01st March 2020 04:25 EST
 
 

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિકસાવવાનો પ્રારંભ જવાહરલાલ નેહરુના સમયથી થયો હતો. નેહરુએ ૧૯૪૯ અને ૧૯૫૬ એમ બે વખત અમેરિકાની મુલાકાત લીધી હતી. અમેરિકી પ્રમુખને મળવા ઉપરાંત વિશ્વ વિખ્યાત પ્રો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ મળ્યા હતા. મોરારજીભાઈ વડા પ્રધાન તરીકે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં પણ ભરચક કાર્યક્રમો વચ્ચે નિયમિત રેંટિયો કાંતવાનો નિયમ જાળવ્યો હતો. સ્વાસ્થ્ય તંદુરસ્તીને કારણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી, પરંતુ તેમની સ્વમૂત્ર ચિકિત્સાનો પ્રયોગ અમેરિકાની પ્રજામાં અને અખબારોમાં ચર્ચાસ્પદ બન્યો હતો. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના વડા પ્રધાન પદના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં પાંચ વખત અમેરિકાની મુલાકાત લીધી છે.
હેરી એસ. ટ્રુમેન (૧૯૪૫થી ૧૯૫૩) ભારત પ્રત્યે પ્રોત્સાહક વલણ.
ડેવિડ આઇઝન હોવર (૧૯૫૩થી ૧૯૬૧) ભારત માટે ઉત્સાહપ્રેરક સંબંધો.
જ્હોન એફ. કેનેડી (૧૯૬૧થી ૧૯૬૩) ભારત માટેની આર્થિક સહાયમાં વૃદ્ધિ. ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં ભારતને શસ્ત્રસહાય. ભારત પ્રત્યે મિત્રભાવ.
લિન્ડન જ્હોન્સન (૧૯૬૩થી ૧૯૬૯) વિયેટનામમાં ખૂંપ્યા બાદ ભારતની ઉપેક્ષા.
રિચાર્ડ નિક્સન (૧૯૬૯થી ૧૯૬૪) ચીનને પડખામાં લીધું અને પાકિસ્તાનને પંપાળી ૧૯૭૧માં યુદ્ધમાં ભારત સામે મદદ કરી.
જિમી કાર્ટર (૧૯૭૭થી ૧૯૮૧) ભારત પર અણુ બિનપ્રસરણ સંધિ પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું અને તારાપુર ન્યૂક્લિયર પ્લાન્ટને યુરેનિયમ આપવાનું બંધ કર્યું.
રોનાલ્ડ રેગન (૧૯૮૧થી ૧૯૮૯) ભારતની ઉપેક્ષા કરી સાથે સાથે પાકિસ્તાનનું પત્તું કાપવા માંડયું.
જ્યોર્જ બુશ (૧૯૮૯થી ૧૯૯૩) ભારત સાથે વ્યૂહાત્મક સંબંધ બાંધવામાં ઝાઝો રસ ન લીધો.
બિલ ક્લિન્ટન (૧૯૯૩થી ૨૦૦૧) ૧૯૯૮ના અણુ પરીક્ષણ પછી ભારત સાથે અથડામણ કરી પણ ભારતના ઉદયને ટેકો આપ્યો અને પ્રતિબંધો ઉઠાવ્યા. ૨૦ વર્ષમાં ભારતની મુલાકાતે આવનાર પ્રથમ અમેરિકન પ્રમુખ.
જ્યોર્જ બુશ (૨૦૦૧થી ૨૦૦૯) અમેરિકી અણુ સોદા પર ભારતની આણ્વિક એકલતા દૂર કરી. તાલિબાનોને ઊથલાવવાનું તેમજ ચીન સાથેનું કડક વલણ ભારત માટે ફાયદાકારક.
બરાક ઓબામા (૨૦૦૯થી ૨૦૧૬) આઉટસોર્સિંગ પર હુમલા. પ્રારંભમાં યુએનમાં કાશ્મીર મુદ્દો ફરી ઉખાળવાથી ભારતમાં અળખામણા. બીજા વર્ષે ભારત પ્રત્યે મીઠી નજર. યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના દાવાને સમર્થન. ભારતમાં લોકપ્રિય.

માત્ર ભારતના પ્રવાસે જનારા ટ્રમ્પ પહેલાં રાષ્ટ્રપ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પ (૨૦૧૬થી પ્રમુખ) ભારત માટે પ્રોત્સાહક વલણ. ટ્રમ્પના શબ્દોમાં જ કહીએ તો પાકિસ્તાન સમસ્યારૂપ છે. ભારત તેનું સમાધાન છે. ભારત પ્રત્યે કૂણું વલણ. અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો આ ભારત પ્રવાસ ઘણા તબક્કે અનોખો છે. તેઓ ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ આવનારા પહેલાં અમેરિકી પ્રમુખ છે. તે ઉપરાંત અત્યાર સુધીના તમામ અમેરિકી પ્રમુખોની સરખામણીએ ટ્રમ્પ પહેલાં એવા પ્રમુખ છે જે માત્ર ભારતના પ્રવાસે આવ્યા છે અને પ્રવાસ પૂરો થયા બાદ અમેરિકા જશે. અત્યાર સુધી તમામ અમેરિકન પ્રમુખો બેથી વધારે દેશોના પ્રવાસ દરમિયાન ભારતની મુલાકાત લેતા આવ્યા છે. આ પહેલાં બરાક ઓબામા ભારત આવ્યા ત્યારે પાકિસ્તાન અને અન્ય દેશમાં થઈને આવ્યા હતા. ટ્રમ્પ માત્ર ભારત પ્રવાસે આવ્યા છે જે અમેરિકી પ્રમુખની સાઉથ એશિયાની મુલાકાતને વધારે મહત્ત્વની બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની આ ૨૪મી વિદેશયાત્રા અને ૧૮મી ફોરેન વિઝિટ હતી. તેમણે ૨૦ જાન્યુઆરી ૨૦૧૭માં રોજ શપથ લીધા પછી ૪૫મા યુએસ પ્રમુખ તરીકે સૌથી પહેલા મે ૨૦૧૭માં સાઉદી અરબની મુલાકાત લીધી હતી. ૨૨મેના રોજ ઇઝરાયલ ગયા હતા.
આમ અમેરિકાના પ્રમુખોનું ભારત પ્રત્યેનું વલણ મિશ્ર છે. ભારત અને અમેરિકાના સંબંધો ખાટાં-મીઠાં હોવા છતાં સતત જળવાઈ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત પછી એ વધુ ઉષ્માભર્યા અને ઉત્સાહભર્યા બનશે એવી આશા રાખીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter