ગુજરાતમાં વાઘ આવ્યો રે વાઘ

ખુશાલી તુષાર દવે Wednesday 01st August 2018 09:13 EDT
 
 

ભારતના નેશનલ એનિમલ વાઘની વસ્તીની વૃદ્ધિ માટે વિશ્વભરમાં ઝુંબેશ ચાલી રહી છે અને ૨૯ જુલાઈને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સેન્ટ પીટ્સબર્ગમાં વર્ષ ૨૦૧૦માં યોજાયેલી ટાઈગર સમીટમાં ૨૯ જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી અને આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે વાઘની જાળવણી અને તેને બચાવવા માટેના ઉપાયો લોકો સુધી પહોચાડવા અને લોકોની સહભાગીદારીથી વાઘને લુપ્ત થતાં બચાવવાનો હતો. લોકોની સહભાગીદારીથી વાઘને લુપ્ત થતાં બચાવવા માટે વિશ્વની એનિમલ હેલ્પ સંસ્થાઓ સાથે સાથે પ્રાણીપ્રેમીઓ પણ પ્રયત્નશીલ છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ૨૯મી જુલાઈએ વિશ્વવાઘ દિવસની ઉજવણી વચ્ચેના ગાળામાં જ ગુજરાત માટે સારા સમાચાર એ છે કે ગુજરાતની દક્ષિણ સરહદે વાઘ હોવાના સંકેત મળ્યાં છે. જેથી વનપ્રેમીઓએ ખુશ થવું જોઈએ કે દક્ષિણ ગુજરાતની પ્રજાને વાઘની જાળવણી માટે ફરી એક તકની આશા મળી છે.
વાઘના પંજાના નિશાન
તાજેતરમાં નંદરબાર કહેવાતા નંદુરબાર જિલ્લામાં એટલે કે ગુજરાતની દક્ષિણી સરહદે વાઘના પંજાના નિશાન નજરે આવ્યા હતા. વાઘના પંજાને ઓળખીને તાપી જિલ્લાના વન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત માટે આ ખુશીના સમાચાર છે કે ગુજરાતમાં ‘ટાઈગર અભી ભી ઝિંદા હૈ!’ તેવી સંભાવના નકારી શકાય નહીં. વાઘના પંજા ઓળખતાંની સાથે સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતનું વનવિભાગ સાબદું થઈ ગયું છે.
તાપી જિલ્લાના મુખ્ય વન અધિકારીએ પંદરેક દિવસ પહેલાં વાઘના પંજાના નિશાન મળ્યા પછી બે દિવસ સુધી સંપૂર્ણ જંગલમાં વાઘની શોધખોળ કરી હતી. વાઘ હજી મળ્યો નથી, પણ તેની શોધખોળ માટે કાર્યવાહી જારી છે.
આ ઉપરાંત નંદુરબાર જિલ્લાના નીમગામમાં લોકોએ વાઘ જોયો હોવાની પણ વાતો વન વિભાગને મળી છે. આ રજૂઆત મહારાષ્ટ્રના વનવિભાગને કરતા વનવિભાગે સ્થળ પર જઈ તપાસ કરતા વાઘના પગની નિશાન મળી આવ્યા હતા. વાઘ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ ગયો હોવાનું અનુમાન મહારાષ્ટ્રનું વનવિભાગ કરી રહ્યું છે. મહારાષ્ટ્ર વન વિભાગે આ અંગેની જાણ તાપી જિલ્લાના વનવિભાગને કરી હતી.
ખોરાકની શોધ
વન્ય અધિકારીઓના મતે, વાઘ જંગલની બહાર ઓછા જોવા મળે છે, પણ જો તેમને જંગલમાં શિકાર ન મળે તો તેની શોધમાં ૩૦૦ કિ.મી. સુધીનો પ્રવાસ કરી શકે છે. વાઘ સપ્તાહમાં એક દિવસ ભોજન કરે છે. ૧૫ દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે. નંદુરબારમાં વાઘ દેખાવવા પાછળનું કારણ પણ શિકારની શોધ હોઈ શકે છે. મહારાષ્ટ્રથી ગુજરાતની બોર્ડર પર આવ્યા બાદ હવે તે ડાંગના જંગલમાં શિકારની શોધ કરી શકે છે. એવામાં વાઘ ગુજરાતમાં પાછા વસી શકે તે માટેની વ્યવસ્થા પણ વિચારાઈ
રહી છે.
ગુજરાતમાં વાઘ
ગુજરાતના ડાંગ જિલ્લામાં અઢીથી ત્રણ દશક પહેલાં વાઘનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. આ વિસ્તારમાં વાઘની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળતી હતી, પરંતુ ડાંગ જિલ્લામાં વર્ષ ૧૯૮૫માં રસ્તા ઉપર વાહનની અડફેટે એક વાઘનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ૧૯૯૨માં વનવિભાગ દ્વારાદક્ષિણ ગુજરાતમાં વાઘની પ્રજાતિ સમાપ્ત થઈ ગઈ હોવાની જાહેરાત કરાઈ હતી. એ પછી હવે જ્યારે ગુજરાતમાં વાઘ આવ્યો રે વાઘ થયું હોય તો એનો અર્થ એ કે ગુજરાતનાં વન વિસ્તાર વાઘ માટે માફક વાતાવરણ ધરાવે છે અને ભારતના વનમાંથી વાઘની જોડીઓને ગુજરાતમાં વસાવવી જોઈએ.
એક તરફ ગુજરાતમાં વાઘ આવ્યો વાઘનો હર્ષ છે ત્યારે ટાઈગરની પ્રજાતિને ઝિંદા રાખવા માટે વૈશ્વિક સ્તરે પણ સઘન પ્રયાસો થઈ રહ્યાં છે. વિશ્વમાં આદિ સંસ્કૃતિમાંથી માનવ પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવતાં શહેરીકરણમાં પ્રવેશ્યો. જંગલો ગામ અને ગામ શહેરમાં પરિવર્તિત થવા લાગ્યા જેના કારણે જંગલનો અને સાથે સાથે વનજીવીઓ લુપ્ત થવા લાગ્યા. તેમનો નાશ થવા લાગ્યો. કારણ કે બુદ્ધિજીવી માણસ પરિવર્તન સ્વીકારી શકે, વન્ય પશુ પ્રાણીઓ નહીં.
વન્ય પશુઓ માટેના વસનનો વિસ્તાર એટલે કે વન ઘટવા લાગતાં તેમની વસ્તી પણ ઘટવા લાગી છે. એ નિર્વિવાદ છે. એમાંની એક પ્રજાતિ એટલે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ.
વિશ્વ વાઘ દિવસની તૈયારી રૂપે વાઘ અંગે ભારતમાં પણ ઘણા રિપોર્ટ્સ તૈયાર થયાં. જોકે વૈશ્વિક ક્ષેત્રે પણ વાઘને બચાવવા અને એની જાળવણી અને તે લુપ્ત પ્રજાતિ ન બને તે માટે ઘણા અભ્યાસ થયાં જ છે. એમાં ભારત પણ સવિશેષ જોડાયું છે. કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભારતમાં વાઘના સંવર્ધન વિકાસ માટે ઘણી પ્રાકૃતિક સાનૂકૂળતાઓ અને યોગ્ય જંગલ વિસ્તાર છે. જેથી માત્ર વાઘ જ નહીં વન્ય જીવોની ઘણી પ્રજાતિ અહીં ઉજરી શકે છે.
જેમ કે એશિયાટિક સિંહોની વસ્તી માત્ર ભારતના ગુજરાતમાં જ છે એવી રીતે વાઘ માટે પણ ભારત જ પ્રથમ ક્રમે છે. દુનિયામાં વાઘની વસ્તીના અડધા કરતાં વધુ વાઘ ભારતમાં છે. વાઘ એ ફક્ત રાષ્ટ્રીય પ્રાણી જ નહીં પણ આપણા દેવી દેવતાઓનું વાહન પણ છે. એટલે જ વાઘને પાછો વાળવા દેવા હાલમાં ગુજરાત વન્ય વિભાગ પણ રાજી નથી. ખાસ કરીને ત્યારે કે જ્યારે દુનિયાના આશરે ૧૨ જેટલા દેશોમાં જ વાઘનું અસ્તિત્વ ટકેલું છે. વાઘની મુખ્ય ૯ પ્રજાતિઓમાંથી ૩ પ્રજાતિ તો વિશ્વમાં લુપ્ત પ્રજાતિમાં મુકાઈ ગઈ છે અને જે વાઘ કે વાઘની પ્રજાતિ વધી છે તેની સંખ્યા પણ વૈશ્વિક લેવલે નહિવત જ છે.
વાઘની અંતિમ વસ્તી ગણતરી પ્રમાણે વિશ્વમાં વાઘની કુલ સંખ્યા આશરે ૩૮૯૦ છે. જેમાંથી ભારતમાં ૨૨૨૬ જેટલા વાઘ છે. એટલે કે ભારત જ વાઘની સૌથી વધારે વસ્તી ધરાવે છે. વિચારવાની વાત એ છે કે અગાઉ પણ ગુજરાતમાં જો વાઘ હતા અને ધીરે ધીરે લુપ્ત થયા તો હવે ગુજરાતમાં વાઘના પંજાના નિશાન એ દર્શાવે છે કે ગુજરાતમાં પણ વાઘ વિકસી અને વસી શકે છે ત્યારે અન્ય રાજ્યોની જેમ વાઘના સંવર્ધન માટે ગુજરાત વન્ય વિભાગે પણ પહેલ કરવી જોઈએ. ત્યાં સુધી કે તાપી જિલ્લાના મુખ્ય વન અધિકારી આનંદકુમાર કહે છે કે, દક્ષિણ ગુજરાતના વન વિસ્તારમાં વાઘના પંજાના નિશાન હોવાની સંભાવના છે. હાલ વાઘના પંજાના નિશાનને હૈદ્રાબાદ તપાસ માટે મોકલી આપ્યા છે. વાઘનો ઈતિહાસ રહ્યો છે. તાપી જિલ્લાનું જંગલ અને ડાંગ જિલ્લાનું જંગલ એક જ બોર્ડર પર આવતું હોઈ આ વાઘ આ જંગલને તેનું ઘર બનાવી શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter