માનવપ્રેમી અને પહેલના પ્રારંભકઃ ઝંડુ ભટ્ટ

Saturday 29th June 2019 08:26 EDT
 
 

કહેવત વપરાય છે ‘ઘરડો વૈદ્ય અને યુવાન ડોક્ટર અને બંને સારા’. માન્યતા એવી કે આયુર્વેદમાં નવાં સંશોધનો ન થતાં હોવાથી વધુ અનુભવ ધરાવનાર વૈદ વધુ ઉપયોગી પણ મેડિકલ સાયન્સમાં નવી નવી શોધો થતી હોવાથી યુવાન ડોક્ટર સારો. આ કહેવત ખોટી પાડનાર ઝંડુ ભટ્ટ. ઝંડુ ફાર્મસી. એમણે ૧૮૬૪માં ૩૩ વર્ષની વયે સ્થાપી. સમગ્ર ભારતમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરનાર એ પહેલી ફાર્મસી. ત્યારે એના માટે રસશાળા શબ્દ વપરાતો. ૧૮૬૭માં આયુર્વેદનું જ્ઞાન સૌને સુલભ બનાવવા ‘રસવૈદ વિજ્ઞાન’ નામે દ્વિ-માસિક કર્યું. ગુજરાતી ભાષામાં એ સૌપ્રથમ મેગેઝિન હતું.

૧૮૭૫માં જામનગરના મહારાજાએ તેમને જામનગર સુધરાઈના પ્રમુખ નીમ્યા. તેમણે જામનગરમાં વસ્તીપત્રકની શરૂઆત કરી. રોગીઓની સંખ્યા નોંધાય. જન્મ અને મરણના આંકડા નોંધાય. સમગ્ર સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં આમ ઝંડુ ભટ્ટજીની નેતાગીરીમાં વસ્તી વિશેની વિગતવાર નોંધની શરૂઆત થઈ.
ઝંડુ ભટ્ટનું બીજું કામ પણ ગુજરાતમાં સૌપ્રથમ હતું. હજુ ગુજરાતમાં હોસ્પિટલો થઈ ન હતી. હોસ્પિટલની કલ્પનાય ન હતી ત્યારે ૧૮૬૪માં તેમણે પોતાની વાડીમાં દર્દીઓને રાખવાનું શરૂ કર્યું. ત્યાં તેમની બધા પ્રકારની સારવાર થતી.
નવા જમાનામાં કલ્યાણ રાજ્યનો વિચાર પ્રચલિત થયો છે. સરકાર દર્દીઓને સ્થિતિ પ્રમાણે અમુક મર્યાદામાં નિઃશુલ્ક સારવાર પૂરી પાડે છે. જોકે, એવી પણ ખાનગી હોસ્પિટલોનો મને ખ્યાલ છે કે દર્દીનું હોસ્પિટલમાં અવસાન થાય તો એનાં સંબંધી ખર્ચ ચૂકવે પછી જ મૃતદેહ સોંપવામાં આવે.
ઝંડુ ભટ્ટને દર્દીમાં ભગવાનનો અંશ દેખાતો. પૈસા માટે એ દવા ના કરતા પણ માનવ સેવાના ભાગરૂપે સારવાર કરતા. તેમના ઉપચારથી દેશી રાજાઓ, જમીનદારો સાજા થયા પણ તેમને કોઈ પાસે પોતાની ફી નક્કી કરી ન હતી. દર્દી સાજો થાય અને રોગ મટે એટલે ત્યારે આપે એ લે.
વઢવાણના રાજવી દાજીરાજ મરણ પથારીએ હતા. ઝંડુ ભટ્ટજી ગયા. સારવારમાં જોડાયા. દાજીરાજે દશ હજાર રૂપિયા આપવા માંડ્યા. કહે, ‘સાજા થઈને આપશો ત્યારે લઈશ.’ દાજીરાજ મરણ પામ્યા. તેમના વારસદારોએ બે હજાર રૂપિયા મોકલ્યા. ભટ્ટજીએ ઘણી સમજાવટ છતાં ના જ લીધાં.
જસદણના આલા ખાચરની દીકરી. વૈદોએ આશા મૂકી દીધેલી. તેમણે સેવા સ્વીકારી. અઢી માસ રહ્યા. દીકરી મરણ પામી. ઝંડુ ભટ્ટજીએ કોઈ પૈસા ના લીધા.
એક વિધવા ગર્ભવતી થઈ. પરિવારે કાઢી મૂકી તો આપઘાત કરવા કૂવે ગઈ. ઝંડુ ભટ્ટે જોયું. ખૂબ સમજાવીને પોતાની દીકરી માનીને ઘરે લાવ્યા. રાજા કોપ્યા. તેઓ માને, ‘દુરાચારીને બચાવો તો દુરાચાર વધે.’ જોકે ઝંડુ ભટ્ટે નીડર બનીને કહ્યું, ‘કોઈનો જીવ બચાવવા મારો જીવ જાય તો ભલે પણ હું દર્દી માત્રને જીવાડવાની મારી ફરજ માનું છું.’ રાજા સમજી ગયા.
જામનગરના વિભા જામ. એમને કેમેય કરીને તાવ ના ઉતરે. બીજા દિવસે જન્માષ્ટમી. રાજાને ત્યારે વર્ષોના રિવાજ મુજબ હાથી પર બેસીને સવારી કાઢીને પ્રજાને દર્શન આપવાનાં. વૈદોની સભા મળી. ઉપાય વિના બધા લાચાર બેઠેલા. ૨૪ વર્ષના યુવાન ઝંડુ ભટ્ટજીએ સભામાં મહારાજાને કહ્યું, ‘હું નાનો છું. બીજા વૈદો વડીલ અને જ્ઞાની છે. તેઓ મને ઉપચાર કરવા દો, અને આપ સંમત હો તો હું તાવ મટાડીશ.’
રાજાએ સંમતિ આપી. દવા લેવા રાજાએ તેમને હાથી પર બેસાડીને મોકલ્યા. લોકો જોતા રહ્યા. વૈદે દવા આપી. તાવ ઉતર્યો. રાજાની ગજસવારી નીકળી. રાજાએ વૈદરાજની પીઠ થાબડી. આવા ઘણા પ્રસંગો છે.
ઝંડુ ભટ્ટનું મૂળ નામ કરુણાશંકર. તેઓ ૧૮૩૧માં જન્મેલા. પિતા વિઠ્ઠલ વૈદ જામનગરના રાજવૈદ. નાનપણમાં બાધાના કારણે વાળ કપાવવાના ન હતા. માથા પર વાળનું ઝૂંડ થયું તો બધા ઝંડુ કહેતા અને ઝંડુ ભટ્ટ નામ થયું.
લોકસેવાને વરેલા ઝંડુ ભટ્ટ ગુજરાતનું ગૌરવ હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter