લાખો રોજીના સર્જક અને દાતાઃ મફતલાલ મહેતા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Thursday 21st February 2019 06:33 EST
 
 

ગુજરાતનું આર્થિક પાટનગર સુરત બન્યું. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પાટીદાર વસ્તીનું નગર બન્યું. લાખો રોજગારી સર્જાઈ. સમગ્ર વિશ્વમાં આજના જમાનામાં વેચાતા હીરા કે હીરાના અલંકારોમાં ૧૦માંથી ૮ હીરા માત્ર સુરતમાંથી જ પસાર થયા છે. આ બધું સર્જાયું એના પાયામાં છે મફતલાલ મહેતા. તેમણે જિંદગીમાં એક અબજ ડોલર કરતાં ય વધારે રકમના દાન આપ્યાં છે. 

દાનવીર મફતલાલ પાલનપુરમાં જૈન કુટુંબમાં જન્મેલા. તેઓ કહેતા, ‘જૈન દેરાસર બનાવવાને બદલે શાળા, હોસ્પિટલ અને હુન્નરશાળા બનાવવાનું મને ગમે.’ વધારામાં તેઓ એમ પણ કહેતા કે, ‘ભૂખ્યાને રોટલો આપશો તો બીજા ટંકે પાછું એને ખાવાનું જોઈશે. એક વાર આપવાથી એનો પ્રશ્ન ઊકેલાવાનો નથી. એને બદલે તેને રોટલો કમાવવાનો કસબ શીખવશો તો એની કાયમી ભૂખ ભાંગશે.’ મફતલાલને મન આ કસબ તે શિક્ષણ.
મફતલાલની સેવાવૃત્તિ દૃઢ થઈ તે મધર ટેરેસાની મુલાકાત પછીના તેમના સતત સંપર્કને કારણે. તેમણે પોતાનાં માતા દિવાળીબહેનના નામે દિવાળીબહેન મોહનલાલ શેઠ ચેરિટેબલ ફાઉન્ડેશન સ્થાપ્યું. આ ફાઉન્ડેશનમાં મા નિકેતનના નામે પાલનપુરમાં અનાથઆશ્રમ અને અંધશાળા સ્થાપ્યાં અને ચલાવે છે. આવી જ રીતે મુંબઈના જૂહુમાં એમના ટ્રસ્ટે સ્થાપેલી ઋતંભરા ગર્લ્સ કોલેજમાં અત્યાર સુધી ૨૫ હજાર કરતાં વધુ વિદ્યાર્થિનીઓ વિના ફીએ સુંદર શિક્ષણ પામી છે. ભારતમાં અને તેમાંય ઘણાં નગરોમાં શાળાઓ, અનાથઆશ્રમ, છાત્રાલય એ બધામાં તેમનું મોટું દાન છે. થાણેમાં તેમણે મા નિકેતન નામે અનાથઆશ્રમ સ્થાપ્યો હતો.
મફતલાલ અંગત જીવનમાં જૈનાચારનું પાલન કરતા. મુંબઈ, સુરત, એન્ટવર્પ, લંડન, લોસ એન્જલસ, હોંગ કોંગ, ન્યૂ યોર્ક, ઈઝરાયલ, સિંગાપોર વગેરે અનેક સ્થળે તેમના પરિવારની ધંધાકીય ઓફિસો છે. મફતલાલની કમાઈ જાતમહેનત, સતત પરિશ્રમ અને સૂઝને આભારી છે. તેમનું જીવન પ્રેરક છે. મફતલાલ ૧૯૧૭માં જન્મયા. પાંચ વર્ષની વયે પિતા મોહનલાલનું અવસાન થતાં કાકા ચંદુલાલ એમને મુંબઈ લઈ ગયા. માંડ મેટ્રિક સુધી પહોંચ્યા અને કાકાનું ય અવસાન થયું. તેમણે પરિવારની મોહનલાલ રાયચંદની પેઢીનો વહીવટ સંભાળ્યો. તે જમાનામાં હીરાનો વેપાર મર્યાદિત અને ખૂબ થોડાં કુટુંબ હીરા વાપરતાં. એન્ટવર્પમાં યહૂદીઓ ત્યારે હીરાના મુખ્ય વેપારી. બીજા વિશ્વયુદ્ધને કારણે યહૂદીઓ ભાગતાં ત્યાંથી હીરા આવતાં બંધ થયા. મફતલાલ ત્યારે સુરતના હાસમ અલી સાથે વહાણમાં દક્ષિણ આફ્રિકા ગયા અને ભારતમાં હીરા લાવ્યા. પછી બીજા કેટલાક જોડાયા. સુરતમાં હીરા ઘસનારા કેટલાક પરિવાર હતા. તેમની પાસે હીરા ઘસાવીને તે મુંબઈ અને કોલકાતાના બજારમાં વેચતા થયા. જાણ્યું કે એન્ટવર્પમાં ફ્લેમિશ કારીગરો હીરા પર ૫૭ પ્રકારની કારીગરી કરે છે. આને લીધે ચમક વધે અને હીરાના ઘાટથી તેની કિંમત વધે.
ભારતમાં બેલ્જિયમ જેવી જ વૈજ્ઞાનિક પદ્ધતિથી હીરા તૈયાર કરવા, એવા કારીગર તૈયાર કરવા તેઓ એન્ટવર્પથી ફ્લેમિશ કારીગર પરિવાર મુંબઈ લાવ્યા. મુંબઈમાં ૭૦૦૦ ચોરસ ફૂટ જગા ભાડે રાખી. કામ શીખવનાર યુવકને તે જમાનામાં ૧૯૪૯માં તેઓ માસિક રૂ. ૫૦ આપતા. ત્યારે સોનાનો ભાવ તોલાના ૫૧ રૂપિયા હતો! ૧૦૦ યુવકો તૈયાર થયા.
આ પછી તેમણે સુરતમાં કામ શરૂ કર્યું. બીજા પાલનપુરીઓને નફો દેખાતાં તેમણેય હીરા ઘસાવાનું શરૂ કર્યું. સૌરાષ્ટ્રના પાટીદારો મોટી સંખ્યામાં હીરા ઘસવા સુરત રહેતા થયા. તેમની સંખ્યા વધીને કેટલાય લાખ થઈ. તેમાંથી પણ દલાલ, ઘંટીવાળા અને વેપારી થયા. કેટલાક મોટા પાટીદાર વેપારીઓએ એન્ટવર્પ, હોંગ કોંગ, બેંગકોક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂ યોર્ક, લંડન, જાપાનમાં ઓફિસો શરૂ કરી. જૈનોની પેઢીઓ તેમાં આરંભિક હતી.
હીરાના વ્યવસાયે સુરતની રોનક બદલાઈ. લાખો પરિવારોને રોજી મળી. કમાયા તેમણે ઠેર ઠેર દાન આપ્યાં. અનેક સંસ્થાઓ ઊભી કરી. મફતલાલ આ બધાના પાયામાં હતા. સુરતના વિકાસ અને રોજીરોટીના જનક મફતલાલનું ભારતના અર્થતંત્રને ગતિશીલ બનાવવામાં હીરાઉદ્યોગ મારફતે મહત્ત્વનું પ્રદાન છે. ૨૦૦૫માં મફતલાલ ચિરનિંદ્રામાં પોઢ્યા, પણ સ્મૃતિશેષ બનીને જીવંત રહ્યા!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter