લોભિયાનું ધન

સર્વકાલીન

રીતા ત્રિવેદી Wednesday 10th October 2018 06:47 EDT
 

पिपीलिकार्जितं धान्यं मक्षिकासंचितं मधु ।
लुब्धेनोपार्जितं द्रव्यं रामूलं हि विनश्यति ।।

ભાવાર્થઃ કીડીઓએ સંગ્રહ કરેલું અનાજ, મધમાખીએ ભેગું કરેલું મધ અને લોભિયાએ એકઠું કરેલું ધન, સમૂળગુ નાશ પામે છે. (આ ત્રણેનો ઉપભોગ બીજા કરે છે, પોતે નહીં)

ભારતીય સંસ્કૃતિનાં મૂળ વેદોમાં છે. વેદોનો સાર નવા રંગરૂપ સાથે ઉપનિષદોમાં અને ઉપનિષદોનો સાર સરળ, લોકભોગ્ય શૈલીમાં સુભાષિતોમાં પ્રાપ્ત થાય છે. આ ગ્રંથોનો મુખ્ય હેતુ રહ્યો છે. How to live. આ સુભાષિત પણ આવી જ સુંદર વાત રજૂ કરે છે.
એક એક કણમાં પણ બચત કરવી જ જોઈએ, પણ આવશ્યક જગ્યાએ તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. સુભાષિતકાર બહુ જ હૃદયસ્પર્શી ઉદાહરણ આપે છે કે કીડી એક એક કણથી અનાજ એકઠું કરે છે અને પોતાના દરમાં ભેગું કરે છે પણ પછી
એ દરનો કબજો જ કીડી પાસે રહેતો નથી.
મધમાખી એક એક સુવાસિત ફુલથી મધ એકઠું કરીને મધપૂડો બનાવે છે. તેની પાસે તો સ્વરક્ષણ માટે તીક્ષ્ણ ડંખ પણ છે! અને છતાં એ મધપૂડો તોડીને લોકો મધ એકઠું કરી લે છે, ને ત્યારે મધમાખી નિઃસહાય બની જાય છે.
લોભિયો માનવ એક-એક પૈસા માટે થઈને જાણે કે મરવા જેવું કરે છે! ક્યારેક તો સારું ખાતો પણ નથી અને હંમેશાં ધનને જ એકઠું કર્યાં કરે છે. પરંતુ ક્યાંક સ્વજનોથી તો ક્યાંક ઇશ્વરનિર્મિત પ્રસંગોથી એ લોભી માનવ હારે છે અને તેણે એકઠું કરેલું ધન તે ભોગવી શકતો નથી.
કેમ આવું બને છે આ જગતમાં? આ જગતનો નિયંતા ચાહે છે કે માનવને બે હાથ અપાયેલા છે. તેણે એક હાથથી લેવાનું છે તો બીજાથી આપવાનું છે. કેવળ એકઠું કરવાની આજ્ઞા જગતનિયંતાએ તો આપી જ નથી, પણ આ વાત એકઠું કરનાર, લોભી સમજતો નથી અને એટલે જ્યારે સમયનાં પાના પલટાય છે ત્યારે તેણે કેવળ સાક્ષી બનીને જોવાનું જ રહે છે, પોતે એકત્ર કરેલાં ધનને બીજા ઉપભોગ કરતાં હોય તે જોવાનું.
દરેક ધર્મમાં ઉત્તમ જીવનરીતની વાતોનું પ્રાધાન્ય હોય જ છે અને આશ્ચર્યજનક રીતે આ વાતોમાં દાનનો સમાવેશ થયેલો છે.
દાન આપવાનો મહિમા
સર્વત્ર છે. ઋગ્વેદમાં તો એક આખું દાન સૂક્ત છે. આ સર્વનું રહસ્ય સુસ્પષ્ટ છે.
જો સંપત્તિ એક જ જગ્યાએ એકઠી થાય અને જો તે વહેંચાય નહીં તો સંપત્તિની આજુબાજુથી
જ નકારાત્મક સૂરો ઉત્પન્ન થાય, જે સમાજનું સંતુલન બગાડે. આવું ન થાય તે માટે જ લોભને નકારવામાં આવ્યો છે અને દાન આપવાની પ્રક્રિયાને સન્માનીય ગણવામાં આવી છે. જ્યારે દાન આપવામાં આવે છે ત્યારે ઉપનિષદનો એ મંત્ર જ જયઘોષ પામે છે કે
इशावास्यं इदंसर्वम्
यत्किंच जगत्यां जगत ।


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter