વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઈઝરાયેલ મુલાકાત

ઝાકી કૂપર Wednesday 06th December 2017 04:54 EST
 
 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ ૨૦૧૭માં ઈઝરાયેલની મુલાકાત લીધી ત્યારે ખરેખર ઐતિહાસિક મુલાકાત હતી. યહુદી રાષ્ટ્રની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન હતા. તેમના ત્રણ દિવસના પ્રવાસમાં ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સતત તેમની સાથે જ રહ્યા હતા. આ પ્રવાસમાં દેશના હોલોકાસ્ટ મ્યૂઝિયમ યાદ વાશેમની મુલાકાત, દેશના ભારતીય યહૂદીઓની રેલી તેમજ બંને વડા પ્રધાનોએ સમુદ્રતટે માણેલી હળવાશની પળોનો સમાવેશ થયો હતો. સ્વાગતથી પ્રભાવિત થયેલા મોદીએ કહ્યું હતું કે, ‘ઈઝરાયેલ સાચું મિત્ર છે. મિત્રતાની એ લાગણી મેં ખરે જ અનુભવી છે. મને અહીં ઘરમાં હોવાં જેવી જ અનુભૂતિ થઈ છે.’ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે આ સત્તાવાર મુલાકાત યોજાઈ હતી પરંતુ, ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા અને સહકારનું જાહેર પ્રતીક પણ બની રહી હતી.

આ લેખમાળાના આખરી મણકામાં હું બે મહાન રાષ્ટ્ર ભારત અને ઈઝરાયેલ અને તેમના વચ્ચેના સંબંધ વિશે કહેવા માગું છું. સપાટી પર તો તેઓ એકબીજાથી અલગ જણાય છે. ઈઝરાયેલની માત્ર ૮.૫ મિલિયન વસ્તીની સરખામણીએ એક બિલિયનથી વધુ વસ્તી સાથે ભારત મહાકાય રાષ્ટ્ર છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ ભારતનો ભૂમિજથ્થો ઈઝરાયેલ કરતા ૧૫૦ ગણો વિશાળ છે.

જોકે, બંને વચ્ચે સમાનતા પણ નોંધપાત્ર છે. મોદીનું સ્વાગત કરતા નેતાન્યાહુએ કહ્યું હતું કે, ‘અમે ભારતને ચાહીએ છીએ. અમે તમારી સંસ્કૃતિ, તમારા ઈતિહાસ, તમારી લોકશાહી અને પ્રગતિની તમારી પ્રતિબદ્ધતાના પ્રશંસક છીએ. આપણી પ્રજાઓ અને આપણા વિશ્વ માટે સારું ભાવિ પુરુ પાડવાના સમાન ધ્યેયમાં અમે તમને સગોત્ર આત્મીયજન સ્વરુપે નિહાળીએ છીએ.’ ભારત અને ઈઝરાયેલ બંનેએ પોતાની આઝાદી અને સ્વતંત્રતા માટે એક જ બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમની સ્વતંત્રતા (ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અને ઈઝરાયેલને ૧૪ મે ૧૯૪૮ના દિવસે) મળ્યાના દિવસોમાં એક વર્ષ કરતાં પણ ઓછો સમય હતો. તેઓ શરણાર્થીઓ અને વસ્તીના સ્થળાંતર સાથે વિભાજનની મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થયા હતા.

૭૦ વર્ષના સમયગાળા પછી બંને દેશોઓ વ્યાપક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેઓ કાયદાના શાસનની પ્રખર હિમાયતી અને મજબૂત લોકશાહીઓ છે. ભારત વિશ્વની સૌથી લોકશાહી છે અને ઈઝરાયેલ મિડલ ઈસ્ટમાં સૌથી મોટી લોકશાહી છે. તેમના ખુલ્લાં અર્થતંત્રો મુક્ત વ્યાપાર અને પ્રતિભાને આવકારતાં વૈશ્વિક બજારમાં સ્થાન મેળવવા તત્પર છે. બંને દેશો સાયન્સ અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં અગ્રેસર છે.

ઈઝરાયેલ ‘સ્ટાર્ટ-અપ’ રાષ્ટ્ર તરીકે ઓળખાતું આવ્યું છે. નાસ્ડેક પર લિસ્ટેડ સૌથી વધુ નોન-યુએસ કંપનીઓમાં કેનેડા અને ચીન પછી ઈઝરાયેલનું સ્થાન છે. ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન ધરાવતી ૮૦ કંપની સહિત ૨૫૦થી વધુ મલ્ટિનેશનલ્સ ઈઝરાયેલમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર્સ ધરાવે છે. ઈઝરાયેલમાં ઈનોવેશન્સનું ઊંચું પ્રમાણ મહત્ત્વપૂર્ણ ટેકનોલોજિકલ અને મેડિકલ સફળતા તરફ દોરી ગયું છે.ફાર્માસ્યુટિકલ સેક્ટર એટલું મજબૂત છે કે NHSના સાતમાંથી એક પ્રીસ્ક્રિપ્શન ઈઝરાયેલી દવાઓ માટેનું હોય છે.

ભારત અને ઈઝરાયેલ ત્રાસવાદના અભિશાપનો સામનો કરવા માટે એકસંપ બન્યા છે. તેઓ પોતાના પડોશીઓ સાથે શાંતિ અને વધુ સુસંવાદી વિશ્વની ઝંખના રાખે છે પરંતુ, તેમને આક્રમણ સામે પોતાનું રક્ષણ કરવાની ફરજ પડે છે. ઈઝરાયેલે જોર્ડ અને ઈજિપ્ત સાથે શાંતિકરારો કર્યા છે પરંતુ, પેલેસ્ટીનીઓ સાથે (૨૦૦૫માં ગાઝા પટ્ટીમાંથી પાછા હઠવા સહિત સંખ્યાબંધ શાંતિપ્રયાસો છતાં) શાંતિની ઝંખના હજુ પૂર્ણ થઈ નથી. ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો ઉષ્માપૂર્ણ બનવામાં થોડો સમય લાગ્યો હતો. ભારતે છેક ૧૯૫૦માં ઈઝરાયેલ રાષ્ટ્રને સત્તાવાર માન્યતા આપી હોવાં છતાં, તત્કાલીન ભારતીય સરકારોએ આરબ દેશો સાથે વધુ સારા સંબંધો જાળવવાને પ્રાધાન્ય આપ્યું હતું. એક મહત્ત્વપૂર્ણ કદમ ૧૯૯૨માં લેવાયું હતું જ્યારે બંને દેશોએ પૂર્ણ કક્ષાના રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. બસ ત્યારથી, સંબંધોએખાસ કરીને, ટેકનોલોજી અને સંરક્ષણ સહકારના ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. ભારતને મોટા પાયે સુરક્ષા પુરવઠો પૂરો પાડવામાં રશિયા પછી બીજો ક્રમ ઈઝરાયેલનો મનાય છે. બંને દેશની પ્રજાઓની ટેકનોલોજિકલ જાણકારી એટલી પ્રખ્યાત છે કે સિલિકોન વેલીમાં હિન્દી અને હિબ્રુ બે સૌથી સામાન્ય ભાષા ગણાય છે.

બે સરકારો વચ્ચેનો સહકારનો પડઘો દેશની શેરીઓના મિજાજ સાથે પણ જોવા મળે છે. ૨૦૦૯માં કરવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય પોલ અનુસાર ૫૮ ટકા ભારતીયોએ ઈઝરાયેલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, જે ઈઝરાયેલના મુખ્ય સાથી-મિત્ર ગણાતા અમેરિકન્સ (૫૬ ટકા) કરતા પણ વધુ હતી. ભારતીય મૂળના ૧૦૦,૦૦૦ ઈઝરાયેલીઓ બંને દેશ વચ્ચે માનવસેતુ છે, જ્યારે આટલી જ સંખ્યામાં ઈઝરાયેલીઓ પોતાની લશ્કરી સેવા પછી ‘ગેપ યર’ વીતાવવા ભારતની મુલાકાતે જાય છે.

રાજકીય, આર્થિક અને પ્રજાકીય સંપર્કો મજબૂત છે અને ભારત-ઈઝરાયેલ સંબંધો હજુ સતત વિકસતા અને વધતા જ રહેશે. બ્રિટિશ જ્યૂ તરીકે હું એકમાત્ર યહુદી યહુદી રાષ્ટ્ર ઈઝરાયેલ સાથે વિશિષ્ટ બંધનથી જોડાયેલો છું. જોકે, ભારતીય જ્યૂઈશ વારસો ધરાવતી વ્યક્તિ તરીકે પણ હું મારી માતાના પરિવારના વતન ભારત પ્રત્યે ચોક્કસ સગપણ અને સ્નેહની લાગણી ધરાવું છું.

આ કોલમ લખવી મારા માટે ગૌરવની વાત બની રહી છે. બ્રિટનમાં વસી રહેલી જોશસભર, વિશિષ્ટ ભારતીય કોમ્યુનિટી પ્રત્યે મારી શભેચ્છાનું આ પ્રતિબિંબ છે. તમારા અસંખ્ય પ્રદાન વિના તો બ્રિટન રહેવા માટે ઓછું મહત્ત્વનું સ્થળ બની રહેત. હું માનું છું કે જ્યૂઝ અને ભારતીયો ઘણી સમાનતા ધરાવે છે અને આપણી બે કોમ્યુનિટીઓ વચ્ચેની મૈત્રી વધુ અને વધુ મજબૂત બનતી રહેશે તેવી આશા રાખું છું. વાસ્તવમાં, અમારી ચેરિટી ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ આ મૈત્રીને આગળ વધારવા અને ઉત્તેજન આપવાને સમર્પિત છે. આપણી બે પ્રજાઓ વચ્ચે મિત્રતાને વધુ મજબૂત બનાવવામાં તેની ભૂમિકા દીર્ઘકાલીન બની રહે તેવી જ અભ્યર્થના છે.

(લેખક ઝાકી કૂપર ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં સભ્ય છે.)  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter