વડા પ્રધાન મોદીની યુરોપયાત્રા મૈત્રીને મજબૂતી બક્ષશે

રુચિ ઘનશ્યામ Wednesday 04th May 2022 02:15 EDT
 
જર્મન ચાન્સેલર ઓલોફ શુલ્ઝ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 
 

 યુકેના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સનની ઐતિહાસિક ભારતયાત્રાના પગલે જ યુરોપિયન કમિશન (EC)ના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન 24-25 એપ્રિલે નવી દિલ્હીની મુલાકાત લેવાં આવી પહોંચ્યાં હતાં. આ મુલાકાત નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થાને સુનિયોજિત રાખવા, આર્થિક રિકવરીમાં સપોર્ટ, ક્લાઈમેટ ચેઈન્જના પડકારના સામના તેમજ ડિજિટલ ટ્રાન્ઝિશનના માર્ગનું ખેડાણ કરવા સાથે દ્વિપક્ષીય સહકારને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી ભારત અને યુરોપિયન યુનિઅન (EU) વચ્ચેની પાર્ટનરશિપને મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક ફલકની મંત્રણાઓમાં બંને નેતાઓ વેપાર, આર્થિક અને ટેકનોલોજીના પડકારો તેમજ આ ચાવીરુપ ક્ષેત્રોમાં સહકારને આગળ વધારવા સંયુક્ત ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની સ્થાપના કરવા સંમત થયા હતા. તેઓ ઈયુ-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાટાઘાટોનાં પુનઃ આરંભ તેમજ ઈન્વેસ્ટમેન્ટ પ્રોટેક્શન એગ્રીમેન્ટ અને એગ્રીમેન્ટ ઓન જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન્સ બાબતે પણ વાતચીત શરૂ કરવા સંમત થયા હતા. આ વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ જૂન મહિનામાં યોજાશે.

બંને પક્ષો 2024ની ચૂંટણીની સાઈકલ્સ શરૂ થવા અગાઉ જ સર્વગ્રાહી વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ કરારો પરની વાટાઘાટોને પરિપૂર્ણ કરી દેવા ઈચ્છે છે. ઈયુની ધીરાણકર્તા શાખા યુરોપિયન ઈન્વેસ્ટમેન્ટ બેન્ક (EIB) આગામી બે વર્ષના ગાળામાં ભારતમાં તેના વાર્ષિક ઈન્વેસ્ટમેન્ટ્સને બમણા કરવાનો ઈરાદો ધરાવે છે જે રોકાણનું પ્રમાણ વર્તમાનમાં આશરે 500 મિલિયન યુરોનું છે.

ભારત અને યુરોપિયન યુનિઅન બંને ક્લાઈમેટ ચેઈન્જનો સામનો કરવા તેમજ વધુ ટકાઉ અને હરિયાળા ભવિષ્ય તરફ આગેકૂચ કરવા પ્રતિબદ્ધ છે. સોલાર એનર્જી અને વિશેષતઃ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવામાં સઘન સંયુક્ત પ્રયાસો સાથે મહત્ત્વાકાંક્ષી ડીકાર્બોનાઈઝેશન લક્ષ્યાંકોને પાર પાડવામાં સહકાર કેન્દ્રસ્થાને રહેશે. પ્રસિડેન્ટ વોન ડેર લેયેને ક્લાઈમેટ ચેઈન્જ પડકારનો સામનોકરવામાં ભારતની મુખ્ય પહેલોમાં એક ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને ધ એનર્જી એન્ડ રીસોર્સીસ ઈન્સ્ટિટ્યૂટ (TERI)ના વડા મથકોની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય અને યુરોપિયન એનર્જી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત પણ કરી હતી.

રાઈસિના ડાયલોગ 2022ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં તેમણે કોવિડ-19 મહામારી પછીની પરિસ્થિતિ, સ્વચ્છ ઊર્જા અને ડિજિટલ ટ્રાન્ઝિશન, ચીન તેમજ યુક્રેનયુદ્ધ અને તેની વિશ્વવ્યાપી અસરો સહિત વર્તમાન ઘટનાક્રમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રાઈસિના ડાયલોગ ભૂરાજકીય અને ભૂઆર્થિક વિષયો પર ભારતની મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સ છે જેનો વર્ષો દરમિયાન આંતરરાષ્ટ્રીય બાબતો વિશે ચાવીરુપ વૈશ્વિક અધિવેશન સ્વરુપે વિકાસ થયો છે.

વિદેશી નેતાઓના આ ભારતપ્રવાસ પછી તરત જ વડા પ્રધાન મોદીએ મે 2022ની 2થી 4 તારીખો દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની સત્તાવાર મુલાકાતનો આરંભ કર્યો છે. તેમણે બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલોફ શુલ્ઝની સાથે દ્વિવાર્ષિક ઈન્ડિયા-જર્મની ઈન્ટર-ગવર્મેન્ટલ કન્સલ્ટેશન્સ (IGC)ની છઠ્ઠી એડિશનનું સહઅધ્યક્ષપદ સંભાળ્યું હતું. ભારત અને જર્મનીએ 2021માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષની ઉજવણી કર્યા પછી તુરત આવેલી આ મુલાકાતે બંને દેશોના સંબંધિત મિનિસ્ટર્સની ઉપસ્થિતિ સાથે વિવિધ ક્ષેત્રોમાં સંબંધો ગાઢ બનાવવાની તક પૂરી પાડી છે. બર્લિનમાં 2013માં ભારતના ગ્રીન એનર્જી કોરિડોરને સપોર્ટ કરવાના પ્રથમ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરાયા તે દ્વિતીય IGCમાં યુરોપ વેસ્ટના જોઈન્ટ સેક્રેટ઼રી તરીકે સંકલનની મારી જવાબદારી અને હાજરી પછી આ વર્ષે વડા પ્રધાન મોદીના પ્રથમ વિદેશ પ્રવાસમાં જર્મનીનું પ્રથમ સ્થાન છે તે ઘણી સારી બાબત જણાઈ છે.

વડા પ્રધાન મોદીની પ્રવાસયાદીમાં બીજું રોકાણ ડેનમાર્કનું હતું. ડેનમાર્કના પ્રાઈમ મિનિસ્ટરના આમંત્રણથી યોજાએલી આ સત્તાવાર મુલાકાતે ડેનમાર્કના યજમાનપદ હેઠળ દ્વિતીય ઈન્ડિયા-નોર્ડિક શિખર પરિષદ માટે તક પૂરી પાડી છે. બે દેશોના વડા પ્રધાનો વચ્ચે સપ્ટેમ્બર 2020માં યોજાએલી વર્ચ્યુઅલ શિખર પરિષદ પછી ધ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સંમતિ સધાઈ હતી જે ભારત અને ડેનમાર્ક વચ્ચે આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા હતી. આ પાર્ટનરશિપ પવનઊર્જા અને જળસંચાલન સહિત રિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબિલિટી અને હરિયાળી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આનો એક્શન પ્લાન પાંચ વર્ષનો છે જેની પ્રગતિની સમીક્ષા અને સહકારને વધુ વિસ્તૃત બનાવવાના માર્ગો આ મુલાકાતના એજન્ડામાં હતા.

દ્વિતીય ઈન્ડિયા-નોર્ડિક શિખર પરિષદમાં તમામ નોર્ડિક દેશોના નેતાઓ સાથે વ્યક્તિગત અને સંયુક્ત વાતચીત થવાની છે ત્યાં અન્ય મહત્ત્વના વિષયો સાથે ક્લાઈમેટ ચેઈન્જ અને રિન્યુએબલ એનર્જી મુદ્દાઓ મોખરે રહેશે. નોર્ડિક રાષ્ટ્રો- આઈસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને યજમાન દેશ ડેનમાર્ક સહિત બધાં જ ટકાઉ-કાયમી વિકાસ માટે તેમની કટિબદ્ધતા માટે જાણીતા છે. આ શિખર પરિષદમાં પણ અન્ય ક્ષેત્રોની સાથે ગ્રીન પાર્ટનરશિપ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. હું 2018માં સ્ટોકહોમ ખાતે યોજાએલી પ્રથમ ઈન્ડિયા-નોર્ડિક શિખર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનો હિસ્સો હતી. યુએસએ સિવાય નોર્ડિક શિખર પરિષદનું આ સ્વરૂપ માત્ર ભારત સાથે જ યોજાય છે.

ભારત અને ફ્રાન્સ આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે 4 મે. 2022ના દિવસનું પેરિસ ખાતે ટુંકુ રોકાણ પુનઃ ચૂંટાઈ આવેલા ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંનું અભિવાદન કરવાની યથાર્થ તક છે. આ સંપર્ક ભારત અને ફ્રાન્સ વચ્ચે પ્રવર્તમાન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સહકારને વધારવાનો મુદ્દો પણ એજન્ડામાં છે.

સમગ્ર ભારતમાં તાપમાન ઊંચે જઈ રહ્યું છે અને કેટલાક સ્થળોએ તો તાપમાન વિક્રમજનક સ્તરે છે ત્યારે ભારતમાં જીવન અને આર્થિક પ્રવૃત્તિઓ પર ક્લાઈમેટ ચેઈન્જની અસરો બાબતે પણ ભારે ચિંતા જણાય છે. આગના ગોળા સમાન સૂર્યની ગરમી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોને બાળી રહી છે જેની લોકોના આરોગ્ય પર નકારાત્મક અસર ઉભી થવાની છે અને કૃષિક્ષેત્ર પર તેની વિપરીત અસરો સર્જાશે. યુરોપિયન પરિપ્રેક્ષ્યથી વિચારીએ તો સ્વચ્છ ઊર્જાસ્રોતોના માર્ગ તરફ આગળ વધવાથી ભારતને રશિયા સહિતના દેશોમાંથી ઓઈલની આયાતો પરનો આધાર ઘટાડવામાં મદદ મળશે. ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ (IPCC) અનુસાર ક્લાઈમેટ કટોકટીની અસરોથી સૌથી ખરાબ અસર થવાની ધારણા છે તેવા દેશોમાં આવતા ભારત માટે તો ક્લાઈમેટ ચેઈન્જના પડકારનો સામનો કરવામાં યુરોપ આદર્શ પાર્ટનર બની શકે તેમ છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter