અંબા અભયપદ દાયિની રે..શ્યામા સાંંભળજો સાદ ભીડ ભંજની

નવરાત્રિ વિશેષ

કોકિલા પટેલ Tuesday 13th October 2020 10:14 EDT
 
 

શુક્રવારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ સમાપ્ત થતાંની સાથે જ શનિવાર, ૧૭ ઓકટોબર, આસો સુદ એકમના રોજ શારદીય નવરાત્રિ પ્રારંભ થશે. આસોની નવરાત્રિમાં નવ દિવસ મા અંબાને શરણે જઇ શક્તિ સ્વરૂપ મા જગદંબાની સ્તુતિ, આરાધના, પૂજા કરવાથી જીવન ધન્ય થાય છે. ગુજરાતમાં શરદ એટલે કે આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિની વિશેષ ઉજવણી થાય છે. નવ દિવસ પ્રાચીન-અર્વાચીન ગરબા-રાસના લોકનૃત્ય દ્વારા મા જગદંબાની ભક્તિ- આરાધના થાય છે. કેરાલામાં શરદ નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં શરદ નવરાત્રિના છેલ્લા ચાર દિવસોને સવિશેષ રીતે ઉજવવામાં આવે છે. ત્યાં દુર્ગાપૂજાનો ઉત્સવ સૌથી મહત્વનો, મોટો ઉત્સવ કહેવાય છે. મા દુર્ગાની મહિષાસુર વધ કરતી વિશાળ કદની માટીની સુંદર રીતે સજાવેલી મૂર્તિઓ મંદિરોમાં અથવા વિશાળ પંડાલમાં પધરાવવામાં આવે છે. આ મૂર્તિઓની પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે અને પાંચમા દિવસે જળમાં પધરાવવામાં આવે છે. શરદ નવરાત્રિમાં શકિત ઉપાસના અને દુર્ગા પૂજાનું સવિશેષ મહત્વ છે. નવ દિવસ ચાલનાર આ શક્તિ પૂજામાં મા અંબાના વિવિધ નવ રૂપની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસની આરાધના શૈલપુત્રીના રૂપમાં કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્માચારીણા, ત્રીજા દિવસે ચન્દ્રઘંટા, ચોથા દિવસે કૃષ્માંડા, પાંચમા દિવસે સ્કન્દમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિધ્ધિદાત્રીની રૂપમાં મા શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. નવરાત્રીમાં મહાલક્ષ્મી અને મા સરસ્વતિની આરાધના પણ કરવામાં આવે છે. જેમાં ગાયત્રી ઉપાસનાનું પણ વધુ મહત્વ છે. એવું કહેવાય છે કે 24 અક્ષરવાળા ગાયત્રી મંત્રની 27 માળા કરવામાં આવે તો એક અનુષ્ઠાન પુરૂ થયું ગણાય છે.
કેટલાક માઇ ભક્તો મા જગદંબાનું અનુષ્ઠાન કરે છે, જેમાં દુર્ગા સપ્તશતી પાઠ અને સિધ્ધ કુંન્જીકા સ્તોત્ર કરી નવ દિવસ ભક્તિ-આરાધના કરે છે. દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય કે જે શક્રાદય સ્તુિત તરીકે ઓળખાય છે. નવરાત્રિમાં આઠમને દિવસે હવનમાં બીડુ (નાડાછડીથી લાલ ચૂંદડી વીંટાડેલું નાળીયેર) હોમતાં બોલાતી આ શક્રાદય સ્તુિતમાં જગત માતા જગદંબા અને નવરાત્રિ પૂજા અર્ચનાનો મહિમા રજુ કરાયો છે. નવરાત્રિમાં મા અંબાના વિવિધ સ્ત્રોતોનું ગાન દુ:ખ દારિદ્ર, શોક-ભય સહિત તમામ સંકટોમાંથી બહાર કાઢનાર તથા ઉપાસકો માટે વધુ ફળદાયી નિવડે છે. આ વર્ષે કોરોનાની મહામારીએ વિશ્વને ભરડામાં લીધું હોવાથી લાખ્ખો લોકો મોતને ભેટ્યા છે અને કરોડો કોરોનાથી સંક્રમિત થઇ સારવાર હેઠળ છે ત્યારે દેશવિદેશમાં વસતા ગુજરાતીઓએ નવરાત્રિ મહોત્સવ દ્વારા ગરબા-રાસના કાર્યક્રમોને આ વર્ષે નહિ ઉજવવાનો નિર્ણય લીધો છે. યુ.કે.માં કોરોના ફરી વકરી રહ્યો હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે આપણે ઘરના જ કુટુંબીજનો સાથે (છ થી વધારે નહિ એ સરકારી નિયમને અનુસરી)ને ઘરમાં જ મા જગદંબાનું ઘટસ્થાપન કરી ગરબા ગાઇને મા જગદંબાને પ્રાર્થના કરીએ કે કોરોનાની મહામારીમાં સપડાયેલા વિશ્વ ઉપર મા કૃપાદ્રષ્ટિ કરે, સૌને ભયમુક્ત કરે.સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ ભાગ્યવેત્.જેનો મતલબ છે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માની ભક્તિ સાથે સાથે કલ્યાણકારી કામો કરીએ. મા જગદંબા સૌને સ્વસ્થ, સુખી જીવન બક્ષે, સૌની રક્ષા કરે એવી માના ચરણે પ્રાર્થના, સૌને જય માતાજી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter