અખંડ ભારતના ભાંગેલા મોતીને રેણ મારવાનું સ્વપ્ન

ઈતિહાસનાં નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 08th January 2018 08:09 EST
 
 

બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા પાડવાની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાન મેળવવા માટે કાયદે આઝમ મહંમદ અલી ઝીણા થનગની રહ્યા હતા. ભારતના તમામ મુસ્લિમો સાથેના સૂચિત પાકિસ્તાનમાંથી તમામ હિન્દુઓને ભારતમાં મોકલી આપવા (ટ્રાન્સફર)ના પક્ષધર હતા. એમ તો બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર પણ ભારતમાંથી તમામ મુસ્લિમોને પાકિસ્તાન પાઠવવાના અને પાકિસ્તાનમાંથી તમામ હિન્દુઓને ભારત લાવી દેવાના સમર્થક હતા. જોકે વસ્તીની અદલાબદલી અવાસ્તવિક હતી. 

ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં તો ખરાં, પરંતુ મહાત્મા ગાંધીથી લઈને હિન્દુવાદી સંગઠનો ભાગલાવિરોધી ભૂમિકા ધરાવતાં હતાં. સ્વયં કોંગ્રેસના અધ્યક્ષ રહેલા મૌલાના અબુલ કલામ આઝાદ પણ ભાગલાના વિરોધી હતા. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનનો પણ બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા સામે વિરોધ હતો. આમ છતાં જે પ્રકારના સંજોગો સર્જાયા હતા એનો એકમાત્ર ઉકેલ ભાગલા હોવાનું સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુએ સ્વીકારવું પડ્યું હતું. જોકે સરદારને એવું જરૂર અનુભવાયું હતું અને ક્યારેક એમણે પ્રગટપણે જાહેરમાં કહ્યું પણ હતું કે સમય જતાં પાકિસ્તાન ફરીને ભારત સાથે સંધાણ કરશે.
પાકિસ્તાનની રચના ૧૫ ઓગસ્ટ ૧૯૪૭એ (૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભલે સમારંભ થયો હોય, ભારત સ્વાતંત્ર્ય કાયદા મુજબ ૧૫ ઓગસ્ટે જ બન્ને દેશ અસ્તિત્વમાં આવ્યા!) થઈ એના થોડા જ વખતમાં એના પ્રમુખ ગવર્નર જનરલ મહંમદ અલી ઝીણાએ ભારતના કરાંચી (એ વેળાની પાકિસ્તાનની રાજધાની) ખાતેના રાજદૂત (હાઇ કમિશનર) શ્રીપ્રકાશને તેડાવીને કહ્યું હતું કે ભાગલા પાડીને મેં ભૂલ કરી છે અને મારે પાછા ફરવું છે. વડા પ્રધાન પંડિત નેહરુને માટે એ સંદેશ પાઠવવા માગતા હતા, પણ એમનું મૃત્યુ એમને વહેલું આભડી ગયું. શ્રીપ્રકાશનાં સંસ્મરણોમાં નોંધાયેલી આ વાત ખૂબ સૂચક હતી. ભાગલા પછી એકીકરણ શક્ય બને ખરું? અને હવે તો પાકિસ્તાનની પૂર્વ પાંખમાંથી બાંગ્લાદેશ બન્યા પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુનિફિકેશનથી અખંડ ભારત બની શકે કે કેમ એની ચર્ચા આજ લગી અખંડ રહી છે.

અખંડ ભારતનો ઓસરેલો આલાપ

‘મારી લાશ પર બ્રિટિશ ઇન્ડિયાના એટલે કે ભારતના ભાગલા થશે’, એવો ટંકાર કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ માથાફરેલા નથુરામ ગોડસેએ ભાગલાના પાપી ગણાવીને ગોળીએ દીધા. આ ગોડસેના પરિવારના પૂણેસ્થિત નિવાસસ્થાને હજુ પણ નથુરામનાં અસ્થિનો કલશ સિંધુમાં એના વિસર્જનની રાહ જોતો જળવાયો છે. નથુરામના વસિયતનામામાં પાકિસ્તાન ભારતનો ફરીને હિસ્સો બને પછી તેનાં અસ્થિની રાખ સિંધુમાં વહાવવા જણાવાયું છે.
કમનસીબી કેવી કે મહાત્મા તો પાકિસ્તાનની માગણી કરનાર મુસ્લિમ લીગના સુપ્રીમો ઝીણાને અખંડ ભારતની સ્વતંત્રતા પછીની સરકાર રચવાની ઓફર કરીને પણ ભાગલા ટાળવાના પક્ષે હતા. સરદાર અને નેહરુએ મહાત્મા નોઆખલી હતા ત્યારે વી. પી. મેનની યોજના મુજબ ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવે એ માટે વાઇસરોય અને પછીથી ગવર્નર – જનરલ બનેલા લોર્ડ માઉન્ટબેટન આગળ જીભ કચરી હતી. નાછૂટકે ગાંધીએ વિભાજન સ્વીકારવું પડ્યું. કોંગ્રેસમાં એનો વિરોધ કરનારાઓને વારવા પડ્યા. સામે પક્ષે હિન્દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ‘અખંડ ભારત’નો જાપ કરતા હોવા છતાં ભાગલા વિષયક ઘટનાક્રમમાં આ બન્ને સંસ્થાઓ કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવવા જેટલાં શક્તિશાળી નહોતાં અને અંગ્રેજી દરબારમાં એમનું ઝાઝું મહત્ત્વ પણ નહોતું એવું જાણીતા ઇતિહાસકાર ડો. સદાનંદ મોરે નોંધે છે. સાથે જ ડો. મોરેએ ભાગલા વખતે હિજરતી હિન્દુઓ અને શીખોની સારસંભાળ લેવામાં સંઘના સ્વયંસેવકોની ભૂમિકાને બિરદાવી જરૂર છે.
ભાગલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ જામી અને ૧૯૭૧માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં પરિવર્તિત થવામાં સહયોગ આપ્યો એટલે એ દુશ્મની વધતી ચાલી. જેહાદી પ્રવૃત્તિ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પ્રભાવી થતાં ભારતવિરોધી હુમલાઓમાં પરિણામતાં ગુરુજીએ નિહાળેલા ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના સંજોગો પણ નામશેષ થતા રહ્યા. જનસંઘના સ્થાપક મહામંત્રી અને સંઘના પ્રચારક પંડિત દિનદયાળ ઉપાધ્યાયે તો ‘અખંડ ભારત’ વિશે પુસ્તિકા પણ લખી, પણ આજે જ્યારે જનસંઘના નવઅવતાર સમો ભાજપ ભારતમાં સત્તારૂઢ છે ત્યારે એમના આસ્થાપુરુષ ગુરુજી કે પંડિત દિનદયાળજીની અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવાની વાતની લગભગ માંડવાળ કરાઈ છે.
હવે તો સ્થિતિ એટલી હદે વણસી છે કે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, ભૂતાન અને શ્રીલંકાની બનેલી દક્ષિણ એશિયાઈ દેશોની પરિષદ ‘સાર્ક’ પણ વજૂદ ગુમાવતી જાય છે. ક્યારેક સમાજવાદી નેતા મુલાયમ સિંહ અને ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મહાસંઘની કલ્પના કરતા હતા, પણ હવે એ વાતને પણ અભેરાઈએ ચડાવવા જેવા સંજોગો છે. જોકે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની વચ્ચે બાપે માર્યા વેર હોવા છતાં બર્લિન દીવાલ તૂટી અને એ બે એકાકાર થયાં, ઉત્તર યમન અને દક્ષિણ યમનનું એકીકરણ થયું તથા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે એકીકરણ અશક્ય નથી જણાતું એવા સંજોગો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના એકીકરણની આશાને અમર રાખે છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ આ ત્રણેય દેશોના રિયુનિફિકેશન થકી અખંડ ભારતને આકાર આપવાની દિશામાં સક્રિય છે.

સંયુક્ત ભારતમાં ૩૨ ટકા મુસ્લિમ!

ત્રણે દેશોની પ્રજાનાં દિલ મળે અને અખંડ ભારત સર્જાય એ આવકાર્ય છે. ભાજપની માતૃસંસ્થા આરએસએસની સત્તાવાર વેબસાઇટ પર હજુ ગુરુજીની એ અપેક્ષા તગે છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને સંઘના વરિષ્ઠ પ્રચારક રામ માધવ તો અખંડ ભારતની સ્થિતિની કાગડોળે રાહ જુએ છે, પણ ત્રણેય દેશો એકમેકના અસ્તિત્વને અખંડ ભારતમાં મિલાવી દે એમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ નવા અવરોધો સર્જવા ભણીના સંકેત જરૂર આપે છે. ભારતમાં ૧૮થી ૨૦ કરોડ મુસ્લિમ છે. પાકિસ્તાનના ૧૯ કરોડ અને બાંગ્લાદેશના ૧૫ કરોડ મુસ્લિમો સાથે સંયુક્ત ભારતની ૩૨ ટકા વસ્તી મુસ્લિમ થાય એ સ્વીકાર્ય બનશે કે કેમ, એ પ્રશ્ન છે.

(વધુ વિગત માટે વાંચો Asian Voice અંક ૧૩ જાન્યુઆરી ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિન્કઃ bit.ly/2D6DWgc)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter