• બાઈડેને તો યુકેની પત્તર ફાડી નાખી

Tuesday 16th May 2023 01:20 EDT
 
 

રાજનેતાઓ અને ખાસ કરીને અમેરિકી પ્રમુખો અન્ય દેશોને નીચાજોણું કરાવવામાં કે બફાટમાં કાંઈ બાકી રાખતા નથી અને તેમાં યુકેનો સમાવેશ પણ થઈ જાય છે. ન્યૂ યોર્કમાં ડેમોક્રેટિક પાર્ટીના ઈવેન્ટમાં અમેરિકી પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે તેમણે બેલફાસ્ટ અને ડબ્લિનની મુલાકાત એટલા માટે લેવી પડી હતી કે બ્રિટિશરો આયર્લેન્ડમાં કશું ઉંધુચત્તુ કરી નાખે નહિ અને નોર્ધર્ન આયર્લેન્ડ તેની પ્રતિબદ્ધતામાં પીછેહઠ કરે નહિ તેની ચોકસાઈ રાખવી હતી. પોતાના આઈરિશ મૂળને ગાઈવગાડીને જાહેર કરવા અમેરિકી પ્રમુખો ડબ્લિનની મુલાકાત લેતા હોય છે તેવું બાઈડેને પણ કર્યું હતું. જોકે, તેમણે પોતાનું મહત્ત્વ દર્શાવવા તેમની હાજરી ત્યાં અનિવાર્ય હોવાનું કારણ આપ્યું હતું. હકીકત તો એ છે કે નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકોલમાં સુધારા કરવા બાબતે બ્રિટન અને ઈયુ વચ્ચે સમજૂતી સધાઈ ગઈ હતી. ગુજરાતીમાં આના વિશે સરસ કહેવત છે કે ‘જાનમાં કોઈ જાણે નહિ અને હું વરની ફોઈ.’ આમ તો યુકે સાથે વિશિષ્ટ સંબંધો હોવાની જાહેરાતો જગતકાજી અમેરિકા કરતું રહે છે ત્યારે અમેરિકાએ યુકે તરફ થોડું સન્માન તો દર્શાવવું જોઈએને? આ તો, ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’નું સ્પષ્ટ ઉદાહરણ છે.

• આપ અમારી જેલમાં કેદી નહિ પણ મહેમાન જ છો!

અપરાધ કર્યો હોય કે નહિ, જેલમાં નંખાય એટલે કેદી જ ગણાય તેમ કહેવાય તે સ્વાભાવિક છે. પરંતુ, ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં હજારો કેદીઓનો ‘અપરાધી’ તરીકે ઉલ્લેખ નહિ કરવાની સૂચના અપાઈ છે. આનું કારણ એ છે કે આશરે 14,000 કેદીઓ રિમાન્ડ પર રખાયેલા છે અને તેમની સામે ટ્રાયલ ચલાવાઈ નથી કે ગુનો હજુ પુરવાર થયો નથી. આટલી સંખ્યામાં કેદીઓ જેલમાં‘ કુલ કેદી વસ્તીના 17 ટકા થવા જાય છે. આવી જ રીતે પૂર્વ કેદીઓનો ઉલ્લેખ અત્યાર સુધી ‘એક્સ-કોન’ તરીકે કરાતો હતો. આના બદલે પ્રિઝન સર્વિસ દ્વારા તેમને ‘જેલના અનુભવ સાથેની વ્યક્તિ’ અથવા ‘પ્રિઝન લીવર્સ’ તરીકે ઓળખાવવા જણાવાયું છે. પ્રિઝન સર્વિસના સિવિલ સર્વન્ટ્સે નવા ઓફિસરો માટે સલાહોની યાદી તૈયાર કરી છે. કેટલાક લોકો એમ માને છે કે ‘કન્વિક્ટ’ શબ્દનો ઉપયોગ યોગ્ય નથી કારણકે આવી ભાષા 200 વર્ષ પુરાણી છે. હવે આપણે ફરી વિલિયમભાઈ શેક્સપિયરને યાદ કરવા પડશે કારણકે તેમણે જ લખ્યું હતું કે ‘વોટ ઈઝ ઈન ધ નેઈમ?’ સામાન્ય લોકો તો એમ જ માનવાના છે કે જેલમાં રહેલા લોકો કેદી જ કહેવાય, મહેમાન નહિ જેઓ થોડો સમય ત્યાં રહેવા ગયા હોય.

• આમાં તકદીરના બળિયા કોને ગણીશું?

યુએસના ઓરેગોનના પોર્ટલેન્ડ શહેરમાં ધ નાઈન્સ નામે વૈભવી હોટેલ આવેલી છે. આ હોટેલે પાલતુ શ્વાન અને તેના માલિક માટે 10,000 ડોલરનું એક રાતના રોકાણનું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ શ્વાન અને માનવી પ્રેસિડેન્સિશલ સ્યૂટમાં સાથે રાત ગાળી શકશે. શ્વાન માટે વિશેષ બેડ અને રાત્રિપોશાકની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત, સ્યૂટની અંદર જ શ્વાન અને તેના માલિકને શેફ દ્વારા તૈયાર કરાયેલું ચાર કોર્સનું ખાસ ભોજન પીરસવામાં આવશે. આમાં આપણે કોને તકદીરના બળિયા ગણાવીશું? કારણકે દરરોજ શ્વાનને બહાર પોર્ટલેન્ડની શેરીઓમાં ફરવા લઈ જવા પ્રોફેશનલ ડોગ વોકરની મફત સેવા પણ મળવાની છે. આ સિવાય. એરપોર્ટથી લાવવા અને મૂકવા જવાની, પાલતુ શ્વાનના સત્કાર તેમજ શ્વાન અને તેના માલિક માટે ફોટોશૂટની સુવિધા પણ અપાય છે. આ તસવીરને હોટલ દ્વારા હાથથી ચીતરાયેલાં તૈલચિત્રમાં રૂપાંતર કરી અપાશે. આટલા અછોવાના કરવામાં આવે તેની સામે વિરોધાભાસ એ છે કે શહેરની શેરીઓમાં ઘરવિહોણા લોકો દ્વારા તંબુઓ તણાયેલા જોવા મળે છે. આના પરિણામે, શહેરના નિવાસીઓ દૂરના ઉપનગરોમાં વસવા ચાલી જાય છે.

• વાડ ચીભડાં ગળે ત્યારે દોષ કોને દેવો?

વિશ્વાસે વહાણ ચાલતાં હોય છે પરંતુ, વિશ્વાસ મૂક્યો હોય તેઓ જ વિશ્વાસઘાત કરે તો કેવી દશા થાય! લોકો સાચા સમાચારો માટે અખબારો પર વિશ્વાસ રાખતા હોય છે. માહિતી ગુપ્ત રાખવાની ફરજ શાહી પરિવારના પ્રવક્તાએ બજાવવાની હોય છે પરંતુ, આ પ્રવક્તા જેવી વાડ જ ચીભડાં ગળી જાય તો દોષ કોને દેવો? ધ મિરર અખબાર ગ્રૂપના પ્રકાશકો વિરુદ્ધ પ્રાઈેવસી કેસમાં પ્રિન્સ હેરીએ આ દલીલ રાખી છે. તત્કાલીન શાહી પ્રવક્તા માર્ક બોલાન્ડ અને ડેઈલી મિરરના તત્કાલીન (1995 થી 2004) એડિટર પિઅર્સ મોર્ગન વચ્ચે સાથે શરાબ પીવાનો સંબંધ હતો અને તેના થકી જ અખબારે પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હેરી અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેના વિશે ગુપ્ત માહિતી મેળવી હોવાથી અને ફોન હેકિંગની ગેરકાયદે રીતરસમનો શિકાર બન્યા છે. જોકે, પ્રકાશકોએ બચાવમાં કહ્યું છે કે તેમણે મેળવેલી ઘણી માહિતી શાહી પરિવારના કર્મચારીઓ અથવા પરિવારના સભ્યો દ્વારા જાહેર કરાયેલી હતી. આ કેસમાં પ્રિન્સ હેરી આગામી મહિને હાઈ કોર્ટ સમક્ષ જુબાની આપવા આવવાના છે જે 130થી વધુ વર્ષમાં સીનિયર રોયલ દ્વારા જુબાનીની પ્રથમ ઘટના બની રહેશે. પિઅર્સ મોર્ગને તેઓ ફોન હેકિંગમાં સંડોવાયાનો ઈનકાર કર્યો છે.

સોફ્ટ બેન્કના હાર્ડ ન્યૂઝઃ ખોટમાં પણ વિક્રમ?

જાપાનના સોફ્ટબેન્ક ગ્રૂપે જાણે ખોટનો પણ વિક્રમ નોંધાવવાનો હોય તેમ 5.3 ટ્રિલિયન યેન (39 બિલિયન ડોલર)ની વાર્ષિક ખોટ જાહેર કરી છે. ટેકનોલોજીને કેન્દ્રિત વિઝન ફંડ્સમાં તેનું વિઝન બરાબર રહ્યું નહિ અને ઈન્વેસ્ટમેન્ટમાં આટલી જંગી ખોટ સહન કરવી પડી છે. આ ગ્રૂપે પોતાની ખોટના દોષનો ટોપલો યુક્રેનયુદ્ધ તેમજ યુએસ-ચીનના વિવાદ પર ઢોળતા ચેતવણી પણ આપી દીધી છે કે આ બે મુદ્દા વિશ્વબજાર માટે ભારે જોખમરૂપ છે. ‘રાંડ્યા પછી ડહાપણ’ આવ્યું હોય તેમ જાપાનીઝ ગ્રૂપે હવે ChatGPT જેવી નવી ટેકનોલોજીમાં રોકાણો કરવામાં ભારે કાળજી રાખવાની જાહેરાત કરવી પડી છે. માર્ચ સુધીના વર્ષાંતે કંપનીએ 970.1 બિલિયન યેન અને તે અગાઉના વર્ષ માટે 1.7 ટ્રિલિયન યેનની ચોખ્ખી ખોટ દર્શાવી છે. જોકે, એનાલિસ્ટોએ માત્ર 166.5 બિલિયન યેનની ખોટ જવાની ધારણા દર્શાવી હતી. આમ સોફ્ટ બેન્ક અને એનાલિસ્ટો, બંનેએ ખોટનો જ ધંધો કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter