કેનેડાના ઈતિહાસમાં શીખ માઈગ્રેશનનું મહત્ત્વ

મિતુલ પનીકર Wednesday 10th July 2019 03:10 EDT
 

પ્રિય વાચકમિત્રો

સુહાના મોસમ મધ્યે સોમવારે પહેલી જુલાઈએ ‘કેનેડા ડે’ ઉજવાયો. ભારતમાં ૧૫ ઓગસ્ટની ઉજવણી કરતા તદ્દન અલગ ચોતરફ આતશબાજી, બાર્બેક્યુઝ, એર શો અને નિઃશુલ્ક સંગીતોત્સવ સાથેની મોજમસ્તીમાં સામેલ થવાનો અમારો પ્રથમ અનુભવ હતો. આ દેશના ઈતિહાસનો વિચાર કરતા જ કેટલાક નામ છવાઈ જાય છે. કેનેડાના ઈતિહાસ સાથે શીખ સમુદાય સંકળાયેલો છે. મારી જિજ્ઞાસાને સંતોષવા ઈન્ટરનેટની મદદ લેવી જરૂરી હતી.

બ્રિટિશ ઈન્ડિયા આર્મીમાં રિસાલદાર મેજર કેસર સિંહ આ દેશમાં સૌ પહેલા સ્થાયી થયા હોવાનું મનાય છે. તેઓ ૧૮૯૭માં એમ્પ્રેસ ઓફ ઈન્ડિયા જહાજમાં વાનકુવર આવેલા શીખ અધિકારીના ગ્રૂપમાં હતા. ક્વિન વિક્ટોરિયાની ડાયમન્ડ જયુબિલી સમયે શીખોને કેનેડિયન પેસેફિક રેલવેના ટ્રેકની ગોઠવણી, લાકડાની મિલો અને ખાણોમાં કામ મળ્યું હતું. દેખીતી રીતે શ્વેત વર્કરોની સરખામણીએ તેમનું વેતન ઓછું હોવાં છતાં, ભારતમાં તેમના પરિવારને થોડા નાણા મોકલી શકતા અને સંબંધીઓને કેનેડામાં માઈગ્રેટ થવા બોલાવી શકતા હતા.

ઈતિહાસ કહે છે કે સૌ પહેલા શીખ વસાહતીઓ ૧૯૦૫માં એબોટ્સફોર્ડ આવ્યા હતા અને ખેતરો અને ઈમારતી લાકડાના ઉદ્યોગોમાં કામે લાગ્યા હતા. શ્વેત કેનેડિયનો એશિયન કામદારોનો વિરોધ કરતા હતા અને ૯૦ ટકા શીખ વસ્તી ધરાવતા બ્રિટિશ કોલંબિયામાં કામદારોની તંગી સર્જાઈ ત્યારે ઉદ્યોગપતિઓએ શીખ સમુદાયનો જ સહારો લીધો હતો. તેમના થકી શીખો ૨૦મી સદીના આરંભે બ્રિટિશ કોલંબિયામાં પોતાનો પગ મજબૂત કરી શક્યા. મોટા ભાગના શીખ વસાહતી પીઢ બ્રિટિશ સૈનિકો અને તેમના પરિવારજનો હતા. ૧૯૦૭માં ખાલસા દિવાન સોસાયટીની વાનકુવરમાં સ્થાપના સાથે એબોટ્સફોર્ડ, ન્યૂ વેસ્ટમિન્સ્ટર, ફ્રેઝર મિલ્સ, ડંકન કૂમ્બ્સ અને ઓશન ફોલ્સમાં તેની શાખાઓ પણ ઉભી કરાઈ હતી. તેના મૂળભૂત ઈરાદા ધાર્મિક, શૈક્ષણિક અને પરોપકારના હોવાં છતાં, ભારતીય ઈમિગ્રેશન અને વંશીયતા સંબંધિત સમસ્યાઓએ તેના અસ્તિત્વને અસર કરી હતી.

અત્યાર સુધી કેનેડાની શ્વેત વસ્તીના રોષનો સામનો કરતા શીખો પર સરકારનું દબાણ વધતું હતું. સરકારનું માનવું હતું કે તેઓ આ દેશની આબોહવા સાથે અનુકૂળ થઈ શકે તેમ નથી. આથી, ૧૯૦૮માં શીખોને સ્વમરજીથી કેનેડા છોડી લેટિન અમેરિકાના બ્રિટિશ હોન્ડુરાસમાં સ્થાયી થવા જણાવાયું હતું. તપાસ પછી બેલિઝથી પરત આવેલા શીખ પ્રતિનિધિઓએ સ્પષ્ટપણે આ ઓફર નકારવા સમુદાયના સભ્યોને જણાવ્યું. આ જ વર્ષમાં ૧૭૧૦ શીખ બ્રિટિશ કોલંબિયા છોડી ગયા તો બીજી તરફ, ગુરુદ્વારાના નિર્માણની યોજનાએ આકાર લીધો હતો. પ્રોપર્ટી હાંસલ કર્યા પછી વસાહતીઓએ ગુરુદ્વારાના નિર્માણ માટે સ્થાનિક લાકડા મિલમાંથી મેળવેલાં લાકડા પીઠ પર ઉઠાવી ટેકરી પર પહોંચાડ્યાં હતાં.

આ પછી કેનેડા સરકારે ખાસ પંજાબીઓને નિશાન બનાવી બે કાયદા પસાર કર્યા. એક કાયદામાં ઈમિગ્રન્ટ પાસે ૨૦૦ ડોલર હોવા જોઈએની શરત હતી. બીજા કાયદામાં જન્મ અથવા નાગરિકતાના દેશથી યોગ્ય ટિકિટ ખરીદીને સતત મુસાફરી કરી નહિ આવતાં લોકોને કેનેડામાં પ્રવેશના ઈનકારની સરકારને સત્તા અપાઈ હતી. આના પરિણામે, ૨૦૧૧માં શીખોની વસ્તી ૫૦૦૦માંથી ઘટી ૨૫૦૦ જેટલી થઈ ગઈ.

૨૬ ફેબ્રુઆરી,૨૦૧૧ના પાવન દિવસે ગુર શીખ ટેમ્પલનાં ઉદ્ઘાટન સમારોહમાં સમગ્ર બ્રિટિશ કોલંબિયાના શીખો અને બિનશીખ લોકો ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. નોર્થ અમેરિકામાં જ નહિ, સાઉથ એશિયાની બહાર કોઈ પણ સ્થળે આ પ્રથમ ગુરુદ્વારા હતું. ખાલસા દિવાન સોસાયટીએ સમયાંતરે વાનકુવર અને વિક્ટોરિયામાં પણ ગુરુદ્વારાઓનું નિર્માણ કર્યું હતું.

કેનેડાના ઈમિગ્રેશન નિયમોના પરિણામે કેલિફોર્નિયા પહોંચી ગયેલા શીખોએ ૧૯૧૩માં અમેરિકામાં ગદર (ક્રાંતિ) પાર્ટીની સ્થાપના કરી હતી. પાર્ટીએ શીખો સામે વર્ણભેદને દર્શાવતા હજારો ચોપાનિયાં પ્રસિદ્ધ કર્યાં હતાં. આ પછીના વર્ષે કોમાગાટા મારુ જહાજની કુખ્યાત ઘટના આવી. શીખ માઈગ્રન્ટ્સ સાથેના જાપાની જહાજને બંદર પર લાંગરવાનો ઈનકાર કરાયો હતો. જહાજ પરના લોકોનું નસીબ અત્યંત કરુણાજનક રહ્યું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં માત્ર નવ શીખ સૈનિકે કેનેડિયન દળોમાં સેવા આપી હતી. ખાનગી સૈનિક બુકામસિંહે ૧૯૧૬માં ૨૦મી કેનેડિયન ઈન્ફન્ટ્રી બટાલિયન સાથે ફ્લેન્ડર્સની રણભૂમિ પર જંગ ખેલ્યો હતો. તેમનું માત્ર ૨૫ વર્ષની વયે ૧૯૧૯માં મૃત્યુ થયું હતું. કેનેડામાં પ્રથમ વિશ્વ યુદ્ધના શીખ કેનેડિયન સૈનિક તરીકે તેમની એક માત્ર કબરનું અસ્ત્ત્વ છે. આજે માત્ર શીખ હીરો તરીકે નહિ પરંતુ, કેનેડિયન હીરો તરીકે તેઓ પ્રસિદ્ધ છે.

હવે આપણે સીધાં ૧૯૪૩માં આવીએ. શીખ ખાલસા દિવાન સોસાયટીના સભ્યો સહિત ૧૨ વ્યક્તિના પ્રતિનિધિમંડળે સાઉથ એશિયન કોમ્યુનિટીઓને મતાધિકાર માટે માગણી રજૂ કરી હતી. તેમની દલીલ એ હતી કે મતાધિકાર વિના તેમની હાલત બીજા દરજ્જાના નાગરિકો જેવી હતી. તત્કાલીન વડા પ્રધાને તો ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધમાં લડનારાઓને જ મતાધિકાર આપ્યો હતો પરંતુ, શીખ ખાલસા દિવાન સોસાયટીના સતત પ્રયાસોના પરિણામે બે વર્ષ પછી તમામ સાઉથ એશિયનોને મતાધિકાર પ્રાપ્ત થયો હતો.

શીખોનું મોટા પાયે ઈમિગ્રેશન ૧૯૫૦ના દાયકામાં થયું હતું. આ પછીના દાયકાઓમાં કુશળ અને શિક્ષિતો સહિત હજારો શીખોએ મુખ્યત્વે ટોરોન્ટોથી વિન્ડસર સુધીના શહેરી વિસ્તારોમાં સ્થાયી થવાનો નિર્ણય કરતા શીખો માટે આશાસભર સુખમય પ્રભાતનો આરંભ થયો હતા. આ પછી, સ્થળાંતર પ્રક્રિયા નિરંતર ચાલુ રહી છે. વાસ્તવિક પરિવર્તન તો શીખ અને અન્ય સાઉથ એશિયન કોમ્યુનિટીઓ પ્રત્યેના કેનેડા સરકારના અભિગમમાં આવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter