કોકીલકંઠી ગાયિકાઃ માયા દીપક

દેશવિદેશે ગુજરાત

પ્રો. ચંદ્રકાન્ત પટેલ Friday 01st December 2017 04:10 EST
 
 

ગાયકોની દુનિયા નોખી હોય છે. કેટલાક ગાયકો ગાતી વખતે ભાતભાતના ચાળા કરે, અંગઉપાંગ હલાવે, માથું ધુણાવે, હાથ લંબાવે અને પોતે બીજા કરતાં તદ્દન જુદા છે તેવું બતાવવા મથે. કેટલાક વળી કહે, ‘અમારે આ ના ખવાય, તે ના ખવાય, અમારો સ્વર બગડે.’ આમ છતાં કામ મેળવવા ખુશામત કરે કે પોતે આ કર્યું, તે કર્યું કહ્યા કરે. આમાં અપવાદરૂપ છે માયા દીપક.

માયાનો ખોરાક સામાન્ય માણસ જેવો. એમાં કોઈ પરેજી નહીં. માયાનું જીવન સાદું. ઝાઝો ઠઠારો નહીં. શબ્દોમાં અને સ્વભાવમાં સરળતા નીતરે. વર્તનમાં શાલિનતા અને સૌજન્ય. અભિમાનનો છાંટો નહીં. મહાન ગાયિકા હોવાનો કોઈ દાવો નહીં. છતાં માયાની આભા ઢાંકી રહેતી નથી. માયાનો કંઠ સૂરીલો. સ્વર ઘૂંટાયેલો અને જરૂર હોય ત્યાં કોઈ યોગીની જેમ એનો અવાજ લંબાય. જેમ ૐ બોલનાર યોગી કે સાધુઓ લાંબા સમય સુધી શ્વાસ રોકીને લંબાવે તેવું માયાનેય ફાવે છે.
માયાનો કંઠ રૂપેરી ઘંટડીના કર્ણમધુર રણકાર જેવો. માયાને ગાવા માટે લખાણ લઈને બેસવું પડતું નથી. તૈયારીની જરૂર પડતી નથી. લોકગીત, સિનેગીત, ભજન, ગઝલ બધું એ તત્ક્ષણ ગાઇ શકે છે. માયાનાં ગીતોનાં ભાતભાતનાં ૩૦થી વધારે આલ્બમ પ્રગટ થયાં છે. અમૃત ઘાયલની ચૂંટેલી ગઝલો માયાના મુખે સાંભળીને શ્રોતાઓ ઝુમી ઊઠે છે.
લતા મંગેશકર જેવી સ્વર સામ્રાજ્ઞીનાં માયાના કંઠે ગવાતાં ગીતો સાંભળીને શ્રોતાઓ ડોલી ઊઠે છે. ‘મા’ વિશેની માયાની સંગીત સીડીમાં માનો મહિમા દર્શાવાતાં ૧૧ જેટલાં ગીતનો સંપુટ છે. માનો મહિમા વર્ણવતા શબ્દો માયાના સૂરીલા અને ભાવવાહી કંઠે લયબદ્ધ રીતે રજૂ થતાં એ મહિમા શ્રોતાઓના હૃદયને સ્પર્શે છે. પશ્ચિમી જગતમાં વસતા, પાશ્ચાત્ય કુટુંબપ્રથા અપનાવી ચૂકેલા ભારતીય-ગુજરાતી પરિવારોને માટે ફરી ભારતીય પ્રથામાં જવા પ્રેરે તેવાં ગીત છે. માનો વિયોગ આ સાંભળ્યા પછી કેટલાય હૈયામાં વધુ બળવત્તર બને. ‘ગરબે ઘૂમતા મા અંબાજી...’ નામનું માયાનું ગીત – આલ્બમ આપણે ભક્તિરસમાં ઝબોળે છે. માયાનાં આલ્બમ ઘણાં છે. બધાંને અહીં સમાવવામાં લંબાણ વધે.
ગરવી ગુજરાતણ માયા ૧૯૬૪માં કડી કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ એવા વિનોદભાઈ પટેલ અને મંગળાબહેનની પુત્રી તરીકે જન્મી. વિનોદભાઈના ત્રણ સંતાનોમાં માયા વચેટ. આ ત્રણ સંતાનો ત્રણ ત્રણ ખંડોમાં વસ્યાં છે. મોટાભાઈ ઉપેન્દ્રભાઈ યુએસએમાં છે. તો નાના ભદ્રેશભાઈ ઈંગ્લેન્ડમાં. માયા ભારતમાં વસે છે. યુરોપ, અમેરિકા, આફ્રિકામાં નવરાત્રિ પ્રસંગે અથવા જુદા જુદા કાર્યક્રમોમાં ગાવા માટે આમંત્રણો મળતાં માયા ત્યાં પહોંચી જાય છે.
લગ્નગીત, ગરબા, ભજનો, આરતી, સિનેગીત, ગઝલો વગેરે માયાના સૂરીલા કંઠે વધુ પ્રાણવાન અને અસરકારક બને છે. જોકે, આ નૈપુણ્ય માયાની પ્રતિષ્ઠાનો પમરાટ ફેલાવે છે. માયા અને ગીત બંને પરસ્પર એકબીજાના સાથમાં શોભે છે અને સબળ બને છે.
સૂર અને સ્વરસાધના માયાને મળેલી ઈશ્વરદત્ત ભેટ છે. બાળપણમાંથી જ આ શોખ વળગેલો. આરતી, ગરબા, ભજન, ગીત જે સાંભળે એ તેને યાદ રહી જાય. એકલી એકલી ગણગણે. આઠ વર્ષની માયા રસોડામાં એની ગાયનની દુનિયામાં મસ્ત બની ખોવાયેલી. આ વખતે પિતાના મિત્ર અચાનક ઘરે આવી ચઢ્યા. તેમણે માયાનો સૂરીલો કંઠ સાંભળ્યો. સ્વસ્થ અને નજાકતભર્યો, શુદ્ધ ઉચ્ચારણયુક્ત અવાજ તેમને ગમ્યો.
અતિથિને ખબર નહોતી કે કોણ ગાય છે? તેમણે વિનોદભાઈને પૂછતાં જવાબ મળ્યો, ‘મારી દીકરી માયા...’
મહેમાને માયાની અદભૂત ગાયકીની પ્રશંસા કરી. પિતાને આવી પુત્રી બદલ અભિનંદન આપ્યાં. ત્યારે જ ઘરમાં પ્રથમ વાર માયાની નિપુણતા બધાંને સમજાઈ. આ ઘટનાથી માયામાં આત્મશ્રદ્ધાનો મહાસાગર રેલાયો. માયાએ આ પછી ગાવા જ માંડ્યું.
સાતમા ધોરણ પછી માયા વધારે ગાતી થઈ. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની દરેક સ્પર્ધામાં ભાગ લે અને ઈનામો લાવ્યા કરે. અગિયારમા-બારમા ધોરણ સુધી આમ ચાલ્યું. બીજા કોઈનો વારો જ ના આવે! વિનોદભાઈ કહે, ‘બેટા! બહુ થયુ હવે. તું હરિફાઈમાં ભાગ ના લે તો બીજાને ય લાભ મળે.’ માયાએ સ્પર્ધામાં ભાગ લેવાનું છોડ્યું તો એને આ પછી કોલેજો, શાળાઓ કે યુનિવર્સિટીમાં આવી સ્પર્ધામાં જજ તરીકે જવાનું થયું. રાજ્યની વિવિધ કક્ષાની સંગીત સ્પર્ધાની જજ તરીકે એ કામ કરતી થઈ.
માયાને સંગીતની લગની લાગી. આ પછી જ્યારે કોમર્સ કોલેજમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે સંગીતના વર્ગો ભરવા સાંજના સમયે બસમાં કડીથી અમદાવાદ જવાનું શરૂ કર્યું. માયાને આ અવરજવરમાં અમદાવાદથી રોજ કડી બેંકમાં નોકરી કરવા અવરજવર કરતા યુવક દીપક પંચાલનો પરિચય થયો. પરિચય મૈત્રીમાં અને મૈત્રી લગ્નમાં પરિણમી. સંગીતસાધનામાં વિશારદની પદવી અને જીવનસાથી બંને મળ્યાં.
માયા ભાતભાતનાં ગીતોની કંપોઝીટર (સ્વરકાર) છે. તેણે ૩૦૦૦થી વધારે સંગીત કાર્યક્રમ ઈંગ્લેન્ડ, દુબઈ, ફ્રાન્સ, ઈટલી, પોર્ટુગલ, સ્પેન, યુએસએ અને આફ્રિકામાં આપ્યા છે. કડી નગરપાલિકા, અમદાવાદના મેયર, ગુજરાત રાજ્ય વગેરેએ માયાને એવોર્ડથી સન્માની છે. બે દસકાથી તે દર વર્ષે ત્રણ-ચાર માસ લંડન રહીને કાર્યક્રમ આપે છે.
સંગીતરસિક બેલડી માયા અને દીપકના પરિવારની વિશિષ્ટતા બીજી પણ છે. પતિ-પત્ની બંનેનાં મા તેમની સાથે રહે છે. સાસુ અને મા બંનેને સરખા સાચવવા, બંનેને ઓછપ ના આવે તેમ રાખવા એ અઘરું છે. માયા આ કરે છે. સંગીત સાધના કરતાં ય આ વધારે મુશ્કેલ છે.
જાહેર જીવનમાં પડનારના સંતાનો આહાર-વિહારમાં સ્વચ્છંદી બને એમાં નવાઈ નથી. માયાનો એકમાત્ર પુત્ર કુંજન. માયા દીપકના પ્રેમનું એ ગુંજન. મા-બાપ કરતાં એ સવાયો બનવાની ક્ષમતા ધરાવે છે. તે સુંદર ગાયક છે. ગિટારવાદક છે. નાનપણમાં તે અવારનવાર ગીતાના શ્લોકની યોજાતી સ્પર્ધામાં વિજેતા થયો છે. સંપૂર્ણ શાકાહારી કુંજન પ્રાર્થના કર્યા વિના જમતો નથી. કુંજન જરૂર પડ્યે પોતાની રસોઈ પોતે બનાવી લે છે. વ્યસન વિનાનો અને મહેનતુ કુંજન પ્રથમ મુલાકાતે જ ગમી જાય તેવો છે.
કોકીલકંઠી માયા એની શાલિનતા, સૌજન્ય અને સંગીત સાધનાને લીધે નોખી ભાત પાડે છે.


comments powered by Disqus


The Expansion of Heathrow Airport


Dear valued reader,

Here at Gujarat Samachar, we are conducting an investigation in to the potential impacts of the expansion of London's Heathrow Airport. Following Parliaments' approval of the construction of a third runway, we are seeking to gain a better understanding of how the public feels regarding this sizeable proposal. We ask that you reply to our questionnaire so that we can get a feel of how our readers view the potential expansion. Views of those local to West London are particularly welcome.to the free, weekly Gujarat Samachar email newsletter