ક્લાઈમેટ ચેન્જ અને સ્થાનિક જળ કટોકટી

મિતુલ પનીકર Wednesday 24th July 2019 03:10 EDT
 
 

પ્રિય વાચકમિત્રો

ક્લાઈમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન વિશ્વભરને મુશ્કેલીમાં મૂકી રહેલ છે. પરિસ્થિતિ ખરાબ છે અને જો આપણી ભાવિ પેઢીઓને આપણે જે પ્રકારના જીવનમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનો અનુભવ ન કરવો પડે તેમ ઈચ્છતા હોઈએ તો અત્યારે જ મુશ્કેલીનો માર્ગ શોધવાની આવશ્યકતા છે. ભારતમાં જળ કટોકટીના સમાચારો તરફ હું ધ્યાન આપતી રહું છું. ક્લાઈમેટ ચેન્જ જે ઝડપે આંતરરાષ્ટ્રીય ઈમર્જન્સીમાં તબદીલ થઈ રહેલ છે તેને ધ્યાનમાં લેતાં આ કટોકટી એક ભારે ચેતવણી સમાન છે. ચેન્નાઈ અને અન્ય ૨૧ ભારતીય શહેરો જે ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યાં છે તે આપણા સૌથી ખરાબ દુઃસ્વપ્નોને સાચા પાડવા તરફ છે.

એવા ઘણા વિસ્તારો છે જ્યાં છેલ્લાં પાંચ મહિના કરતાં વધુ સમયથી નળમાંથી આવતું પાણી જોવાં મળ્યું નથી. લોકોના પાણીના ટેન્કરો પર આધાર રાખે છે અને ઘણી વખત તો તેના માટે રાતથી રાહ જોવાની શરૂ થઈ જાય છે. ચોમાસામાં જે ભારે વિલંબ થયો છે તે પણ પર્યાવરણ માટે સારી બાબત નથી. હવે આવી ફરિયાદ કરનાર હું કોણ, કારણકે આ પૃથ્વી પરના તમામ રહેવાસીઓની સાથોસાથ હું પણ એટલી જ દોષિત છું.

આ માત્ર ભારતની વાત નથી. કેનેડાના અટ્ટાવાપિસ્કાટના રહેવાસીઓ પણ લગભગ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પાણી મળતું જ ન હોય ત્યારે પ્રદુષિત પાણી પર જીવન પસાર કરવાનો પ્રયાસ પણ તેનાથી વધુ નહિ તો તેના જેટલો જ ખરાબ છે. એબામેટૂન્ગ ફર્સ્ટ નેશન દ્વારા કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. તેમની અંતરિયાળ જળવિતરણ સિસ્ટમમાં પણ પ્રદૂષણનું ઊંચુ સ્તર જોવા મળ્યું છે. સૌથી અસુરક્ષિત વર્ગમાં આવતાં બાળકો અને વૃદ્ધો આ પાણીનો વપરાશ કરી રહ્યાં છે અને હવે આરોગ્યના ભારે જોખમોનો સામનો કરી રહ્યાં છે.

દરમિયાન, ચેન્નાઈમાં લોકો ટેન્કરથી પાણી મેળવવાની બમણી કિંમત ચૂકવી રહ્યાં છે. મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ તો કિંમત ચૂકવે છે પરંતુ,પાણીની અછતની લોકો પર થતી અસર અમર્યાદિત છે. આંકડાઓ કહે છે તેમ અપૂરતા પાણી અને સુખાકારી-સ્વચ્છતાના કારણે વિશ્વભરમાં દર વર્ષે આશરે ૮૦૦,૦૦૦ લોકો મોતને ભેટે છે. સંખ્યા ઘણી વધુ છે અને આપણે ખરેખર પૃથ્વીમાતાનું સન્માન-પૂજા કરવાનું સારી રીતે જાણતા હોય તો મૃતકસંખ્યાને ટાળી શકાઈ હતી.

ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ આંતરરાષ્ટ્રીય કટોકટી છે ત્યારે પણ તેની અસર સ્થાનિક અને પ્રમાણમાં ઓછી છે. આથી જ સ્થાનિક ગવર્મેન્ટ-સત્તાવાળાએ તેના યોગ્ય ઉપાયો કરવા જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૪ સુધીમાં તમામ ભારતીયોને નળમાં પાણી આપવાનું વચન પાર પાડવા ભગીરથ કાર્યો હાથ ધર્યાં છે છતાં, તે માર્ગ લાંબો અને ઉબડખાબડ છે.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક લેખમાં જણાવાયું છે કે ભારતમાં ૯૦ ટકા કિંમતી તાજુ જળ કૃષિક્ષેત્રને મળે છે ત્યારે દેશ પરંપરાગત જળસંરક્ષણ પદ્ધતિઓને અમલી બનાવી શકે છે. દેશનું અકલ્પનીય ગતિએ શહેરીકરણ થઈ રહ્યું છે અને આ બાબતમાં જ તમામ સમસ્યા અને તકો રહેલી છે.

ભારતને નાના પ્રમાણમાં ઉત્તર મેળવવાની જરૂર છે અને આપણે ક્લાઈમેટ ચેન્જને આપણા વર્તમાન સત્ય તરીકે સ્વીકારી લઈએ તે સમય કદાચ આવી પહોંચ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter