ગુજરાતી અને ગુજરાતીપણાની કાલ, આજ અને આવતીકાલ

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Tuesday 13th July 2021 10:25 EDT
 

ગયા શનિવારે એક વિડિયો મળ્યો જેમાં ગુજરાતના જાણીતા કવિ-ગઝલકાર તુષાર શુકલએ આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાની આજ અને કાલ વિષે બહુ સરસ ચર્ચા કરતાં કહ્યું કે, “અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની એવી શાળાઓ છે ત્યાં ભણતા બાળકો શાળાના કેમ્પસમાં ગુજરાતી બોલે તો દંડ કરે છે. એ શાળામાં મારા દીકરાનો દીકરો (પૌત્ર) પણ ભણે છે. એના માટે શાળામાં એવો એક દંડ ભરવા જવાનું થયું તો મારો નાનોભાઇ જે આર્કિટેક્ટ છે એણે પ્રિન્સિપાલને કહ્યુ સાહેબ આજનો આ દંડ અને બીજી વધારાની આ રકમ! એ તમે જમા જ કરી લો...જયારે જયારે એ ગુજરાતી બોલે તો એમાંથી કાપી લેજો. એના માટે થઇને એ ગુજરાતી નઇ જ બોલે એવું નહિ થઇ શકે..આટલા મોંઘાભાવની ફી ભરીને આ શાળામાં દાખલ કરવાની ક્ષમતા ગુજરાતી તરીકે કેળવી છે તો દંડની રકમ ભરવા જેટલી તો હોય ને સાહેબ?! તુષારભાઇએ આ બનાવ રજૂ કરતાં કહ્યું કે, "અમારું આટલા વખતનું અવલોકન છે એ આ છે.. કે ગુજરાતીને બદલે અંગ્રેજી સરસ બોલી શકે એવા શુભ ભાવથી સ્કૂલે આવું આયોજન કર્યું હશે પણ એનાથી બાળકના મનમાં છબી તૈયાર થાય છે કે અંગ્રેજીની સામે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે. ગુજરાતીઓ માટે એનાથી વધારે તો શરમજનક બીજું છે જ નહિ! ડોલર કે પાઉન્ડની સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય..! સુરતમાં જન્મેલા આપણા વીર કવિ નર્મદે લખ્યું છે કે, “મને ફાંકડું અંગ્રેજી ના આવડવાનો અફસોસ નથી પણ મને ફડફડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે".
આપણા ગુજરાતીઓની આજ અને આવતીકાલની ચિંતા કરનાર ગુજરાતના કેટલાક નામાંકિત પત્રકારો, વિવેચકોએ તાજેતરમાં આપણા ગુજરાતીપણાની કાલ, આજ અને આવતીકાલ વિષે સેમિનાર યોજયો હતો એમાં ચર્ચા થઇ કે આપણા ગુજરાતીઓની ઇમેજ ભારતના બીજા પ્રાંતોમાં વેપારી પ્રજા તરીકે જ થાય છે. આપણી ભાષાનું મોનેટાઝેશન થઇ ગયું છે, ભાષાનું બ્રાન્ડીંગ થયું છે. આપણે ગ્લોબલ થવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે બીજી ભાષા, સંસ્કાર, સંસ્કૃતિનું ઝડપથી અનુસરણ કરીએ છીએ પણ આપણે આપણા ગુજરાતીપણાનું બ્રાન્ડીંગ નથી કરતા.
એ વખતે આ ચર્ચામાં ભાગ લેનાર રાજકોટના પત્રકાર જય વસાવડાએ કહ્યું કે, “કાઠિયાવાડીઓ છે તો ગુજરાત છે અને ગુજરાતીપણું છે. કાઠિયાવાડ ના હોત તો નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, મોહનચંદ ગાંધી, મોરારીબાપુ કે રમેશભાઇ ઓઝા સહિત ઘણા સંતો, કવિઓ, સાહિત્યકારો ગુજરાતને ના મળ્યા હોત. કાઠિયાવાડે ગુજરાતને શૌર્યગીતો, ભક્તિગીતો ને સાહિત્ય આપ્યું છે એટલું જ નહિ પણ કાઠિયાવાડી ફૂડ ઉપર તમે લડાઇ લડી શકો..! કાઠિયાવાડના ફાફડા સામે અમદાવાદ કે બીજા શહેરોના ગાંઠિયા-ફાફડાનો કોઇ કલાસ નહિ..! અમદાવાદના ફાફડા ગળે ઉતારવા કઢીની જરૂર પડે..! દરેક કાઠયાવાડીએ માત્ર ગુજરાતનું જ નહિ પણ સમગ્ર માનવ સમાજનું ભલુ છ્યઈચ્છ્યછયું છે. ગુજરાતી વારસાની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણીએ ૪૭ વર્ષે એક યુનિવર્સિટી જેટલું કામ કર્યું છે એવું કામ આજે કોઇ કરતું નથી. જય વસાવડાએ કહ્યું કે, આપણે ગુજરાતીઓ એકોમોડેટીવ છીએ પણ આપણી આઇડેન્ટીટી "જો બકા" એ ગુજરાતીની ઓળખ આપી દે.
ગુજરાતીપણાની આજ અને કાલની ચિંતા કે વાતો કરનારાએ એ ગુજરાતની બહાર નજર માંડ્યા વગર ગુજરાતમાં જ ડોકિયું કરવાની જરૂર છે. સૌથી પહેલા એ ચર્ચામાં ભાગ લેનારા લેખકો, સાહિત્યકારો, સમાજમાં આધુનિકરણ લાવવા ઇચ્છતા વક્તા-પ્રવકતાઓએ જ ગુજરાતીપણાની બ્રાન્ડનો પ્રચાર-પ્રસાર કરવાની પહેલ કરવી જોઇએ. સોશ્યલ મિડિયા પર એમના આધુનિક વિચારધારા તરફ લઇ જતા પ્રવચનોએ પણ સમાજના દિલોદિમાગ પર ભારે અસર કરી છે. અમે લગભગ દર વર્ષે માદરે વતન- ગુજરાતના પ્રવાસે જતાં હોઇએ છીએ ત્યારે ત્યાંના યુવાવર્ગમાં, લોકોની રહેણીકરણી અને પહેરવેશના બદલાતા રંગઢંગ જોઇને તો લાગે છે કે ત્યાં અમેરિકા, યુ.કે.થી જનારાઓનો કોઇ કલાસ નથી..! પીઝા, મેકડોનાલ્ડ, સબ વે, સ્ટારબક્સ, મેકસિકન જેવી અમેરિકન ડીશ અને પંજાબી ચાટ, પનીર ટીક્કા, દાલ મખ્ખની, પાંઉભાજી, છોલે-ભટૂરેની બોલબાલા વધતી ગઇ છે ત્યાં ગુજરાતી ખીચડી, છાશ, લસણીયું મરચું, રોટલા, રીંગણાનો ઓળો તો કયાંય ખોવાઇ ગયા છે. મોર્ડન ગુજરાતી પેઢીને નવરાત્રિમાં ગરબે ઘૂમવું છે પણ પરંપરાગત ઢબે ભક્તિભાવથી ગરબે નથી ઘૂમવું..! એમણે તો એમના પ્રિયજન સોરી પાર્ટનર સાથે મેચીંગ પોશાકમાં, બેકલેસ બ્લાઉઝ પર બ્યુટીપાર્લરોમાં જઇ છૂંદણાં ચીતરાવી સૌથી અવ્વલ નંબરે તૈયાર થઇને સૌનું આકર્ષણ બનવું હોય છે. એમાં માતાજીના ભક્તિભાવથી ગવાતા પ્રાચીન પરંપરાગત ગરબાનું નામનિશાન ના દેખાતું હોય.
અહીં આપણા યુ.કે.માં મોટાભાગના ગુજરાતીઓ આફ્રિકાથી આવીને વસ્યા છે, એમની સ્ટાઇલીશ ગુજરાતી એટલે ઘૂંટી ઘૂંટીને કંઠે નીકળતું સ્ટાઇલીશ આફ્રિકન ગુજરાતી. એમાં આછો કાઠિયાવાડીનો રણકો વર્તાય. મીઠું મીઠું સાંભળવાની મજા આવે હોં... તમે એમણે પૂછ્યછયા વગર જ બોલચાલ પરથી જ ઓળખી લો કે આ કિન્યા સોરી કેન્યા કે યુગાન્ડા કે ટાન્ઝાનિયાના "બાના" લોક છે. પોતાના વતનની પરંપરા, સંસ્કાર જાળવી રાખવામાં સૌરાષ્ટ્રના કાઠિયાવાડીઓ સાથે કચ્છીમાડૂઓ પણ ખરા..! સૌરાષ્ટ્ર અને કચ્છ એ ગુજરાતની સગી બહેનો જેવું છે.. શેરડીનું વાવેતર જયાં નહીવત છે તેમ છતાં જીભે સાકર જેવા મીઠડા કાઠિયાવાડીઓની જેમ કચ્છીઓએ એમની આવેરો-જાવેરો અને મગની ખીચડી, રોટલા-છાશની પરંપરાને પરદેશમાં જાળવી રાખી છે...! આ ધરાતલના વંશજોની મહેમાનગતિ અવ્વલ નંબરની ભાષા એ માધ્યમ છે, ભાષા એ વિચારો, લાગણીઓ, સ્પંદનો, સંસ્કૃતિ, પરંપરા સહિત જીવનશૈલી અભિવ્યક્તિ રજૂ કરે છે.
ગુજરાતીપણાની વાત નીકળી છે ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યો. સમાજીક પ્રવૃત્તિમાં સક્રિય બનવા ઉત્સુક આપણી એક સંસ્થાના પ્રમુખ તરીકે નિમણુંક થઇ રહી હતી ત્યારે અમારો પત્રકાર જીવ એ ભાઇને ગુજરાતમાં વસતા એમના સગાસંબંધીઓ વિષે પૃછા કરી તો એમણે મને કહ્યું, “આઇ ડોન્ટ નો એની થીંગ સોરી મને ગુજરાતનો કોઇ ભૂગોળ મને ખબર નથી..! અરરર બોલો.. જેમણે ગુજરાત કે ગુજરાતી ભાષા સાથે લાગતું વળગતું નથી એ સંસ્થાનું કલ્યાણ શું કરે..?!! ગુજરાતીપણાની વાતો કરનાર ગુજરાતી સંસ્થાઓની મિટીંગોમાં પોતાના સમાજની વાતો કરવા કમિટી સભ્યો કે હોદ્દેદારો ભેગા થાય છે ત્યારે પણ ઇંગ્લીશમાં ચર્ચાઓ થતી હોય છે, હિન્દુ વાર-તહેવારે કે ભારતીય વીરપુરૂષોને સ્મરણાંજલિ આપતી સભાઓમાં પણ અંગ્રેજીનું જ ચલણ જોવા મળે છે એ વખતે કેટલાકે ગુજરાતી બોલવાનો આગ્રહ કર્યો હોય છે ત્યારે સભામાં ઉપસ્થિત એકાદ અંગ્રેજ હસ્તીઓની હાજરીના બહાને આપણે ગુજરાતીપણાની કતલ કરી નાખીએ છીએ.
કેટલાક જણની દલીલ છે કે પરદેશમાં રહીને ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાને કેવી રીતે સાચવી શકાય? એ શક્ય જ નથી! અમારું માનવું છે કે ધારીએ તો બધું જ શક્ય છે.. અમે ૪૫ વર્ષથી બ્રિટનમાં વસીએ છીએ, બ્રિટનની કર્મભૂમિ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાને સમર્પિત છીએ પણ ચરોતરની માટી અને ચરોતરી ભાષાને વિસર્યા નથી.. અહીં ઉછરેલા અમારા બન્ને દીકરાઓ સાથે ઘરમાં અમે શુધ્ધ ચરોતરી ભાષામાં જ વાત કરીએ છીએ. ૨૨વર્ષથી મોટા દીકરાનો પરિવાર અમેરિકા વસે છે અને નાનો દીકરો લંડનમાં છે અને એની પત્ની પંજાબી હોવા છતાં મારી સાથેની રોજબરોજની વાતોથી ચરોતરી "મમ્મી આપડે આવું કર્યું હોત તો હારૂ થાત" બોલી શકે છે.
અરે ભાઇ.. કોણે કહ્યું પરદેશમાં ગુજરાતીપણાનું બ્રાન્ડીંગ નથી થતું?!!! ગુજરાતમાં વિદેશીકરણ વધતું જતું દેખાય છે પણ જરા યુ.કે.માં આવીને જુઓને!!. અહીં ગોરીગપ યુરોપિયનોને ચણિયા-ચોળી અને ભલભલા રાજકારણી ધોળીયાઓને ગરબે ઘૂમતા ને રાસ રમતા કરી દીધા છે એટલું જ નહીં ગુજજુઓએ ગોરાઓને સમોસાં, ભજીયાં, ચટપટા ચેવડા, ભૂસું ને રોટલી-પરોઠાં ખાતા કરી દીધા છે... જરા લંડન આવીને સર્વે કરો તો ખરા..! અમેરિકામાં એથીય વધારે બ્રાન્ડીંગ થઇ રહ્યું છે. ત્યાં તો આપણા ગુજરાતીઓએ સ્ટોરોમાં તાજી મેથીનાં ઢેબરાં, મૂઠિયાં, પત્તરવેલીયાં, સમોસા, બટેટાવડાં, કચોરી, શ્રીખંડ, રોટલા અને રોટલીઓ, પરોઠાં, અથાણાંથી માંડી માટીની તાવડીઓ ને હોલ્લીઓય બજારમાં મૂકી છે. એથી આગળ આપણા ગુજરાતી યુવાન-યુવતીઓ સાથે અમેરિકનો કે યુરોપિયનો સાથે હિન્દુવિધીથી ગુજરાતી સ્ટાઇલે લગ્નો કરે ત્યારે દબદબાભર્યું ગુજરાતીપણું જોવા જેવું હોય છે ! બોલો આ એક પ્રકારે ગુજરાતીપણાનું બ્રાન્ડીગ થયું કહેવાય કે નહિ?!!
બ્રિટન કે અમેરિકામાં બિનભારતીયો એમનો ઠાલો પ્રભાવ પાડીને એમની બ્રાન્ડ વેચવા મથતા હોય તો આપણે તો વેપારી કોમ છીએ..! એમ થોડા પાછા પડીએ! પરંતુ અફસોસની વાત એ છે કે આપણે ખાલી વ્યાપાર કે વ્યવસાયક્ષેત્રે જ મેદાન મારી શક્યા પણ હજુ રાજકીયક્ષેત્રે ગુજરાતીપણાની જમાવટ કરવામાં ઘણા પાછળ છીએ. આપણે રાજકીયક્ષેત્રે રસ લઇ ગુજરાતીપણાની બ્રાન્ડનો પ્રચાર-પ્રસાર કરી શકીશું તો જ આપણી આવતીકાલ ઉજળી બનશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter