ચૈત્રી નવરાત્રીઃ આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ

પર્વવિશેષઃ ચૈત્રી નવરાત્રી

Wednesday 30th March 2022 08:27 EDT
 
 

હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ઉજવાતા પર્વોમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. આખા વર્ષમાં બે નવરાત્રી આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. આસો નવરાત્રી ઉત્સવ તરીકે વધારે પ્રચલિત છે જ્યારે ચૈત્રી નવરાત્રી ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે. ચૈત્રી નવરાત્રી (આ વર્ષે 2થી 11 એપ્રિલ)થી ઉત્તર ભારતના હિમાચલ દેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય પણ ભારતભરના લોકો આ નવરાત્રી પર્વે વિશેષ શક્તિ આરાધના કરે છે.
ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરાય છે. આ દિવસથી નવા વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. માતા શક્તિ પોતાનાં દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે દરેક વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક દૈવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુમુક્તિ માટે જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. આદ્ય શક્તિનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.

નવદુર્ગાનાં નવ સ્વરૂપ
દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પુજાય છે.
• શૈલપુત્રીઃ માર્કંડેય પુરાણ અનુસાર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવાં શૈલપુત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે. પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. ત્યારે તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડયું હતું. તેમનું વાહન વૃષભ (બળદ) છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે.
• બ્રહ્મચારિણીઃ નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરાય છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. દેવર્ષિ નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગ્રત થાય છે.
• ચંદ્રઘંટાઃ મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને દસ હાથ છે. દસ હાથમાં બાણ, ખડગ, ગદા સહિત અનેક શસ્ત્રાસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.
• કુષ્માન્ડાઃ માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડાનું છે. તેમનું પૂજન નવરાત્રીના ચોથા દિવસે કરાય છે. બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માન્ડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને આઠ ભુજાઓ છે, તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે. તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે. જ્યારે તેમના આઠમા હાથમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માન્ડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
• સ્કંદમાતાઃ માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું પૂજન નવરાત્રીના પાંચમા દિવસે કરાય છે. સ્કંદ કુમાર કાર્તિકેયના માતા હોવાને કારણે માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળસ્વરૂપે બેઠા હોય છે. તેમની ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી ભુજા જે ઉપરની તરફ ઊઠેલી છે, તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે. નવરાત્રીના પાંચમા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે.
• કાત્યાયનીઃ નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયાં. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.
• કાલરાત્રીઃ નવરાત્રીના સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રીની પૂજા કરાય છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે જ્યારે નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશાં શુભફળદાયક છે. ભગવતી કાલરાત્રીનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે.
• મહાગૌરીઃ માતા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર (સફેદ) છે. તેમના જમણા હાથની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરું અને નીચેની ભુજા વરની શાંત મુદ્રામાં છે. પાર્વતીરૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેને કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો, પરંતુ જ્યારે શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું. મહાગૌરીની પૂજા-આરાધનાથી સોમચક્ર જાગ્રત થાય છે.

• સિદ્ધિદાત્રીઃ માતા દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિયા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને આઠ ભુજાઓ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં શંખ અને ઉપરના હાથમાં કમળપુષ્પ છે. નવરાત્રીના નવમા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગ્રત થઈ જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter