આ સપ્તાહે નયના જાની
(જન્મઃ 21-05-1951)
કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા જ છે હવે’ એમની ગઝલમાં આધ્યાત્મિક્તાનું સ્પંદન પણ જોઈ શકાય છે.
•
થાળ
હેત રે દેખીને હરિ આવિયા.
મારી પ્રીત રે પેખીને હરિ આવિયા...
અજવાળે અજવાળાં ઊમટિયાં,
મારે મંદિર ઝાકમઝોળ હો,
હરિ વિણ કાંઈયે સૂઝે નહીં,
નીરખતાં ચખ રાતાંચોળ હો.
હેત રે દેખીને હરિ આવિયા...
વાંસ રે વગર વાજે વાંસળી,
કીધો રોમેરોમ નિતનો નિવાસ હો,
શ્વાસ ઉચ્છ્વાસે હરિનાં બેસણાં,
લ્હેર્યો આઠે રે પ્હોર ઉલ્લાસ હો.
હેત રે દેખીને હરિ આવિયા...
ઊભી રે ઓગળતી મીણની પૂતળી,
વરસે અનહદની અમીધાર હો,
વાજે રે વાજે રે ઝણણણ ઝાલરી,
પળેપળ પમરિયો થનકાર હો.
હેત રે દેખીને હરિ આવિયા...
•••