થોડુંક ગંભીર વિચારીએ... વ્યક્તિ, ચિતિ અને રાષ્ટ્રનીતિ

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 29th January 2025 08:50 EST
 
 

ભગવદ્દ ગીતામાં પ્રયોજાયેલો શબ્દ ‘ચિતિ’ છેક વીસમી સદીમાં સાર્વજનિક જીવનમાં કઈ રીતે, અને શા માટે આવ્યો તેનો અંદાજ આજે તો સવિશેષ જરૂરી છે, કેમ કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર પ્રયોજાયેલો આ શબ્દ આજની વિષમ પરિસ્થિતીમાં નવી સમજ અને પરંપરાના ઉત્તમ તત્વો લઈને સુખ-શાંતિ-વ્યવસ્થા સ્થાપિત કરી શકે તેમ છે. યુદ્ધ, વર્ગવિગ્રહ, સરમુખત્યારી, સત્તાવાદ, ગરીબી અને અલગાવવાદ, હિજરત અને દીશાહીન સમાજ આટલી સમસ્યાઓ છે, એટલે ફેરવિચાર કર્યા વિના છૂટકો નથી.
1920માં એક નાનકડું પુસ્તક પ્રકાશિત થયું હતું. લેખક હતા બદ્રશાહ ઠૂલધારિયા. આ ‘દૈશિક શાસ્ત્ર’ની પ્રસ્તાવના લોકમાન્ય તિલક લખવાના હતા, તેમણે કહેલું કે સ્વરાજ પ્રાપ્ત ભારત આ વિચારોને અનુસરશે. તેનો મરાઠી અનુવાદ પણ થયો. પરંતુ, કોણ જાણે કેમ, આ પુસ્તક 40 વર્ષ સુધી અંધારામાં રહ્યું. 1964માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ગ્વાલિયરમાં ‘એકાત્મ માનવદર્શન’નો વિચાર વિસ્તૃત રીતે પ્રસ્તુત કર્યો. પરંતુ તત્કાલીન બૌદ્ધિકોએ તેને માત્ર તે સમયના ભારતીય જનસંઘ પક્ષની વિચારધારા તરીકે સીમિત કરી દીધો. વાસ્તવમાં તો ભારતીય સાર્વજનિક જીવનને માટે કામ કરી રહેલા કોઈ પણ પક્ષ, સંસ્થા કે સમાજને માટે દીશાદર્શક બને તેવો આ વિચાર છે. કેવળ રાજકારણથી પર જઈને સ્વાધીન ભારતની કેવી રચના હોવી જોઈએ તેનો વિચાર અરવિંદ ઘોષ, લાલા લજપતરાય, લાલા હરદયાલ, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક, ડો. આંબેડકર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ગાંધીજી, ડો. રામમનોહર લોહીયા અને બીજા ઘણાએ કર્યો છે. જો પૂર્વગ્રહ રાખવામાં ના આવે તો દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવ દર્શન’ને તેમાં ઉમેરવું જોઈએ.
છેવટે તો દરેક રાષ્ટ્ર કે દેશ પોતાની સંસ્કૃતિ અને પરંપરાના આધારે પોતાના સમાજ, વ્યવસ્થા અને શૈલીનું નિર્માણ કરે છે. ભારત પર 500થી વધુ વર્ષોના આક્રમણોને લીધી ગુલામીની માનસિકતા આવી તેના પરિણામો ચારેતરફ ચિંતન અને વ્યવહારમાં દેખાય છે. હજુ ઘણા રાજકીય કર્મકાંડો બ્રિટિશ ચીલા પર ચાલે છે, હજુ અદાલતોમાં સ્વભાષાનો અભાવ જોવા મળે છે, હજુ અંગ્રેજી ભાષા જ જાણે દુનિયાની એકમાત્ર ઉત્તમ ભાષા હોય તેવું માની લેવામાં આવે છે આ તો થોડાંક ઉદાહરણો છે, બીજા ઘણા ગુમડાં સમાજજીવનને કોરી ખાય છે.
આ સ્થિતિનો પુનર્વિચાર એકલા રાજકારણમાં નહિ, વ્યક્તિ અને સમાજ માટે પણ ખૂબ જરૂરી છે. સમાજજીવનની આપણી શૈલી અને પશ્ચિમની વર્તમાન શૈલીમાં મોટો તફાવત છે. ભૂમિતિના આકારમાં સમજવી હોય તો પશ્ચિમમાં સંકેદ્રી વર્તુળ છે. તેના કેન્દ્રમાં વ્યક્તિ છે. પછી પરિવારનું અલગ વર્તુળ. તે પછી સમુદાય, ત્યારબાદ રાષ્ટ્ર, પછી માનવ સમાજ. બધાના પોતાના વર્તુળો પણ કોઈનો કોઇની સાથે છેડો કે અનુબંધ નહીં! પછી સામ્યવાદ નામે બીજા છેડાની વ્યવસ્થા આવી. તેમાં રાષ્ટ્ર નહિ, ડીએચઆરએમ નહીં, પરિવાર નહિ, વ્યક્તિગત માલિકી નહિ, તેને વર્ગવિહીન સમાજનું નામ અપાયું. મૂડીવાદની વિરુદ્ધનો આ માર્ક્સવાદી વિચાર રશિયા, ચીન અને ક્યુબામાં ક્રાંતિ સ્વરૂપે આવ્યો તો ખરો, પણ એ ક્રાંતિ જ પોતાના સંતાનો અને વિચારને સ્વાહા કરી ગઈ. કારણ કે આ એકાંગી, એકને બીજાની સામે મૂકીને સંઘર્ષ કરવાનો રસ્તો હતો. પછી એવું બન્યું કે લેનિન, સ્ટાલિન, માઓ જેવા મસીહા પોતાની જ પ્રજાને રહેંસી નાખનારા જુલમી બની ગયા!
એટલે મનુષ્ય - પછી તે રશિયાનો હોય, ઇંગ્લેન્ડનો, આફ્રિકાનો, જાપાનનો કે ભારતનો, તેને સમગ્ર સ્વરૂપે સ્થાપિત કરવો જોઈએ. દિમાગને બુદ્ધિ, હૃદયને લાગણી અને પેટને પરિશ્રમ એમ ત્રણે, અલગ કે એકાંગી નહિ, એકસાથે વિચારીને તેનું પોષણ કરવામાં આવે તેવી સમાજ-શૈલી અપનાવવી જોઈએ. આજે સૌથી ઓછું અનિષ્ટ કે ખામી ધરાવતી તેવી વ્યવસ્થા લોકતંત્રની છે, જે વિચારપૂર્વક આપણાં પુરોગામીઓએ અપનાવી છે. રક્તરંજિત અને વિભાજિત વમળો હતા એટલે કેટલુંક વિચારી શકાયું નહિ તે મર્યાદા અને ખામીને સ્વીકારીને તેવા સુધારનું સ્વાગત કરવું જોઈએ. જેમ કે, કાશ્મીરમાં 370મી અસ્થાયી ધારાએ કેવળ સ્થાપિત હિતો અને અલગાવવાદ પેદા કર્યો હતો, તે ધારા રદ કરવામાં આવી તે આવકાર્ય પગલું છે. સમાન નાગરિક સંહિતા આકરી લાગે તો પણ અપનાવવી જોઈએ.
આ સંદર્ભે એ વિચારવા જેવું છે કે દરેક રાષ્ટ્રની એક ચિતિ હોય છે, ચિતિ ચિત્ત અને ચેતનાની સાથે સંકળાયેલો શબ્દ છે, શબ્દ નથી વિચાર છે. પોતાના દેશ કે સમાજને માટે સારું શું અને ખરાબ શું તેનો નીરને આખો સમાજ ચિતિના આધારે નક્કી કરે છે. રાવણ ગમેતેટલો પંડિત હતો, કૌરવો શક્તિશાળી હતા અને મોટા આચાર્યોનો સાથ હતો, છતાં સમાજ તો શ્રીરામ અને શ્રી કૃષ્ણને જ આદર અને ભક્તિ આપે છે. સમાજની ચિતિ આ નક્કી કરે છે. તે આખા રાષ્ટ્રનો આત્મા છે, સમાજ ત્યાં લોકોનું ટોળું કે સમૂહ માત્ર નથી, સજીવ સત્તા છે. ભૂમિ-વિશેષ પ્રત્યે માતૃભાવ કે પિતૃભૂમિનો ભાવ રાખનારા સમાજથી જ રાષ્ટ્ર બને છે, નહિ તો તે રાજ્ય કહેવાશે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, પાક અધિકૃત કાશ્મીર, વગેરે ‘રાષ્ટ્ર’ નથી, રાજકીય સત્તા ભોગવતા ‘સ્ટેટ’ છે, ભારત રાષ્ટ્ર છે, જાપાન રાષ્ટ્ર છે, જર્મની રાષ્ટ્ર છે, પ્રત્યેક રાષ્ટ્રની એક વિશેષ પ્રકૃતિ હોય છે. તે જન્મજાત છે, માત્ર ઐતિહાસિક કે ભૌગોલિક કારણોથી પેદા થતી નથી. તેને ચિતિ કહેવાય છે. ચિતિ અનેક ઉપયોગી સંસ્થાઓને જન્મ આપે છે,
આ વિચારનું વધુ વિશ્લેષણ અને મૂલ્યાંકન થવું જોઈએ તો વ્યક્તિ, રાજનીતિનો નક્શો પણ પ્રભાવી બનશે, પ્રજાને કેન્દ્રમાં રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter