નકલી વિભાજન ભવિષ્યમાં ફરી અખંડ ભારત સર્જશે

ઈતિહાસનાં નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Tuesday 06th March 2018 05:11 EST
 
 

બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનને ખાળી શકાયું હોત. હવે જ્યારે ઓગસ્ટ ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં અને ૧૯૭૧માં તો પાકિસ્તાનની પૂર્વ પાંખ તૂટીને બાંગલાદેશમાં રૂપાંતરિત થઈ. ઈતિહાસના ઘટનાક્રમને મિટાવવાનું અશક્ય હોય છે, છતાં જર્મનીમાંથી પીએચ.ડી. થઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય બનેલા અને પાછળથી પ્રજા સમાજવાદી પક્ષના નેતા થયેલા ડો. રામમનોહર લોહિયાએ ૧૯૬૭માં જીવનલીલા સંકેલી લીધાનાં સાત વર્ષ પૂર્વે એક સ્વપ્ન નિહાળ્યું હતું. ‘ગિલ્ટી મેન ઓફ ઈન્ડિયાઝ પાર્ટીસન’માં એમણે નોંધ્યું હતુંઃ ‘એક દિવસ ફરી દેશના વિભાજિત ટુકડા એક થઈને અખંડ ભારતનું સર્જન કરશે.’ 

જર્મનીમાં એ ડોક્ટરેટ કરીને સ્વદેશ પાછા ફર્યા પછી જર્મનીને તાનાશાહ એડોલ્ફ હિટલર મળ્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરના પરાજયને પગલે જર્મનીનું પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન થયું હતું. દાયકાઓ પછી બર્લિન દિવાલ તૂટી અને બેઉ જર્મની એકાકાર થયાં. બે જર્મનીને એક થતાં નિહાળવા ડો. લોહિયા જીવિત નહોતા પણ પૂર્વના ડાબેરી અને પશ્ચિમના જમણેરી જર્મનીના નેવુંના દાયકામાં એકીકરણે ભારત અને કોરિયા માટે આશાના દીવડા જરૂર પ્રગટાવ્યા છે. ઉત્તર યમન અને દક્ષિણ યમન એક થઈ શકે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઈલુ-ઈલુ ચાલુ થઈ શકે, તો ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ ફરીને ભારત કે હિંદુસ્તાન કેમ ના થઈ શકે?

વિભાજનના ગુનેગાર કોણ?

બ્રિટિશ શાસકો ઉચાળા ભરીને લંડન ભેગા થવાના હતા ત્યારે બ્રિટિશ ઈંડિયાને છિન્નભિન્ન કરીને જવાની એમની મંછા હોવાનું સ્પષ્ટ હતું. જોકે, બ્રિટિશ હાકેમોને શિરે જ દોષ મઢવા જતાં બીજા ગુનેગારોને નિર્દોષ જાહેર કરવા જેવું લેખાશે. લોર્ડ વેવલે પ્રાંતિક સ્વાયત્તતા બક્ષવાનું ગાજર લટકાવ્યું ત્યારથી ભારતના વિભાજનની તૈયારી આદરી લીધાનું મનાય છે. લોર્ડ માઉન્ટબેટનને શિરે તો ૩ જૂન ૧૯૪૭ના રોજ ભારત સંઘ, પાકિસ્તાન સંઘ અને દેશી રજવાડાં માટેના વિકલ્પોની જાહેરાત જ કરવાની આવી હતી.
ઈતિહાસની ઘટનાઓમાં ‘જો અને તો’ને અવકાશ નથી, છતાં એટલું ચોક્કસ કહી શકાય કે જેમ ભારતના હિંદુ રાજાઓના આપસી કલહે મુસ્લિમ આક્રમણખોરોને માટે લાલ જાજમ પાથરી એવું જ કાંઈક બ્રિટિશ હાકેમો માટે કરી અપાયેલી મોકળાશમાં જોવા મળે છે. કોંગ્રેસના નેતા તરીકે જે મોહમ્મદ અલી ઝીણા ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને દેશ તોડવાનું કાવતરું ગણાવતા હતા, એ જ ઝીણા મુસ્લિમોના મસીહા બનીને ૧૯૪૭માં પાકિસ્તાન મેળવવામાં સફળ થયા. ડો. લોહિયા કહે છેઃ ‘ભારત અને પાકિસ્તાન બેઉ બાજુના લોકો પોતે હિંદુ અને મુસ્લિમ તરીકેના ભેદ ભૂલીને કામ કરવા તૈયાર હોય, તો વિભાજનની દીવાલો ગબડી પડવાનું અશક્ય નથી.’ સી. રાજગોપાલાચારી કે કોમ્યુનિસ્ટો તો પાકિસ્તાનને મંજૂર કરવાના પક્ષે હતા, પણ અખંડ ભારતની બૂમરાણ મચાવનારા કટ્ટર હિંદુવાદી શક્તિઓ પણ પાકિસ્તાનની રચનાનું સમર્થન કરતી હતી. હિંદુ અને મુસ્લિમ વચ્ચે અવિશ્વાસનો જે માહોલ સર્જાયો હતો એ વિભાજન માટે જવાબદાર હતો.

ગાંધીજીને ભાગલા વિશે અંધારામાં રખાયા

‘અખંડ ભારતના પક્ષે સૌથી વધુ અને મોટા અવાજે સૂત્રોચ્ચાર કરવાવાળા, અત્યારના જનસંઘ અને એના અગાઉના પક્ષપાતી હિંદુવાદની ભાવનાના અહિંદુ તત્વો બ્રિટિશ અને મુસ્લિમ લીગની વિભાજનની કામગીરીમાં મદદ કરી રહ્યાં હતાં’ એવું નોંધીને ડો. લોહિયા ઉમેરે છેઃ ‘એક રાષ્ટ્રની અંદર મુસલમાનોને હિંદુઓની નજીક લાવવા બાબત તેમણે કાંઈ ના કર્યું. આવી વિભાજનકારી વૃત્તિએ જ ભાગલા સર્જ્યા હતા.’ તેમણે ‘ભારત વિભાજન કે ગુનહગાર’માં નોંધ્યુંઃ ‘ભારતના મુસલમાનોના વિરોધી હકીકતમાં પાકિસ્તાનના મદદગાર છે. હું ખરા અર્થમાં અખંડ ભારતીય છું. મને વિભાજન સ્વીકાર્ય નથી.’ કોમ્યુનિસ્ટોની મુસ્લિમોમાં ટેકો મેળવવાની લાલસાને જવાબદાર ગણવાની સાથે જ ગાંધીજીને અંધારામાં રાખીને સરકાર પટેલે અને પંડિત નેહરુએ ભાગલાને સ્વીકારી લીધાની વાત પણ લોહિયા નોંધે છે. ડો. લોહિયા ૧૪ જૂન ૧૯૪૭ના રોજ ભાગલાના પ્રસ્તાવ પર નિર્ણય કરવા માટે મળેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં એકથી વધુ વખત મહાત્મા ગાંધીએ પોતાને અંધારામાં રખાયાની વાત કહી ત્યારે સરદાર અને નેહરુએ એ વાતને ઊડાવી દીધી હતી.
કોંગ્રેસના અધ્યક્ષ રહેલા મૌલાના આઝાદ ‘ઈંડિયા વિન્સ ફ્રીડમ’માં વિભાજનના સઘળા દોષનો ટોપલો સરદાર પર નાંખવાની કોશિશ કરે છે, પણ ડો. લોહિયા તો એટલે સુધી કહે છે કે એ બેઠકમાં ભાગલાનો વિરોધ કર્યાનો દાવો કરનાર મૌલાના હકીકતમાં એક ખૂણામાં ખુરશીમાં બેઠાબેઠા સિગારેટ ફૂંક્યા કરતા હતા. એમણે વિરોધ કર્યો નહોતો. વિરોધ કરવાનું કામ ચાર જ વ્યક્તિએ કર્યું હતુંઃ ‘એક હું અને જયપ્રકાશ (નારાયણ) તથા ખાન અબ્દુલ ગફાર ખાન તથા ગાંધીજીએ.’

થાકેલા કોંગ્રેસીઓની સત્તાભૂખ

આઝાદીની લડાઈ ખૂબ લાંબી ચાલી. કોંગ્રેસી નેતાઓ જેલમાં જવા અને છૂટવાના ક્રમમાં સતત વ્યસ્ત રહ્યા. ૧૯૪૭ આવતાં લગી તો તેઓની ઉંમર ઢળતી જતી હતી અને સત્તા મેળવવાની મહેચ્છા પણ વધતી જતી હતી. સરદાર પટેલે તો મુસ્લિમ લીગ સાથે વચગાળાની સરકારના કટુ અનુભવો પછી ભાગલા સ્વીકારીને લીગીઓથી પીછો છોડાવવા મન બનાવી લીધું હતું. વધુ કોઈ આંદોલન કે સત્યાગ્રહ આદરવાની કોંગ્રેસી નેતાગીરીમાં શક્તિ રહી નહોતી એવા સંજોગોમાં ભાગલા જ એકમાત્ર ઉકેલ લાગતો હતો. કોમી રમખાણો અને રોજિંદી માથાકૂટથી છૂટકારો મેળવવા કોંગ્રેસની નેતાગીરી ભાગલા સ્વીકારવા માટે તૈયાર હતી. થોડી રાહ જોઈ હોત તો ભાગલા ટળી શક્યા હોત એવું ડો. લોહિયાનું કહેવું આજે ભલે વાજબી લાગતું હોય, એ સમયે બંનેમાંથી કોઈ પક્ષ રાહ જોવાની તૈયારીમાં નહોતો.
ભાગલા પછી પણ ડો. લોહિયા કહે છે કે પાકિસ્તાન અને ભારતના મુસ્લિમો પોતાને ગઝનવી કે ઘોરી જેવા લૂંટારા કે આક્રમણખોરોને પોતાના પૂર્વજ માની લેવાની ભૂલ કરીને કોમી વિભાજનને તાજું રાખવાની ભૂલ કરી છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૦ માર્ચ ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2FftV0z)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter