નિકલો ના બેનકાબ.... જમાના ખરાબ હૈ..... માણસનો કાયમનો સંગાથી 'માસ્ક'

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 14th April 2021 06:05 EDT
 
 

વિશ્વભરના માનવ જગત માટે ૨૦૨૦ એવું ખોફનાક રહ્યું જે ભવિષ્યમાં ભાગ્યે જ ભૂલી શકાશે. આ કોરોના મહામારીને કારણે જીવનમાં ઉથલપાથલ મચી ગઇ. આ જીવલેણ વાયરસથી દોડતી જિંદગી અટકી ગઇ, પૃથ્વી પર કોરોના નામના ભયાનક રાક્ષસે લાખ્ખોના જીવ લીધા, કરોડોને બરબાદ કરી નાખ્યા. સરકારી લોકડાઉનને કારણે સમાજીક જીવનમાં પરિવર્તન જોવા મળ્યું. લોકો વચ્ચે શારીરિક અંતર વધી ગયું. એકબીજાનો સ્પર્શ જાણે ડરાવનો બની ગયો. બહારની દુનિયામાં કોઇની સાથે આકસ્મિક સ્પર્શ તરત ધોઇ નાખવા જેવો થઇ ગયો. ભગવાનશ્રી રામચંદ્રજીએ ૧૪ વર્ષ વનવાસ ભોગવ્યો હતો એમ આપણે સૌ યુ.કે.વાસીઓએ લોકડાઉનમાં ૧૪ મહિના (જે ૧૪ વર્ષ જેવા) ભોગવ્યા એ કયારેય નહિ ભૂલાય. આ લોકડાઉનમાં કોરોના લાગવાના ડરે સગા-સંબંધી, મિત્રો બધાય દૂર રહ્યા પણ સદાય આપણને વળગીને ૨૪ કલાક જોડે જ રહીને સતત સથવારો આપતા મોબાઇલ ફોને તનાવ હળવો કરવામાં મોટો ભાગ ભજવ્યો. સોશ્યલ મિડિયાએ રમૂજી ગતકડાં મૂકી ટેન્શ રહેતા ઘણાને હળવા કર્યા. કેટલાય જાણીતા - અજાણ્યા લોકો કોરોના વિષયક નિષ્ણાત બનીને અનેક પ્રકારના ઘરગથ્થુ ઇલાજ અને વાયરસથી તકેદારીઓ લેવાના સૂચનો મોકલતા રહ્યા.
કોરોનાએ આપણા બધાના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યા. વર્ષ 2020-૨૧માં કોરોનાથી નિયમિત રીતે આપણા જીવનમાં ઘણા ફેરફારો થયા.... છેવટે, શું પરિવર્તન આવ્યું છે જેણે જીવનશૈલી પર ખૂબ પ્રભાવ પાડ્યો છે, ચાલો જાણીએ ...
પહેલાં તો આપણો "મુખવટો" માસ્ક કાયમનો સાથી બની ગયો છે. એના વગર બહાર નીકળ્યા તો મ્હોં કે નાક વાટે કોરોના રૂપી રાક્ષસ આપણામાં ઘૂસી જાય તો ભોગ મર્યા !! નિત નવીન ફેશનો કાઢનારા આપણા ફેશન જગતને પણ શું કહેવું?! હવે તેમને માસ્ક પર જમાવટ કરવા માંડી છે.. લ્યો હાંભળો... લગ્નોમાં લેટેસ્ટ ફેશનની સાડીઓના પલ્લુ ઝુલાવતી લટકારી લલનાઓ માટે સાડીના મેચીંગ બ્લાઉઝ પીસની જેમ હવે મેચીંગ માસ્ક શરૂ કર્યા છે. અહીં ભલે તમે ડિસ્પોઝલ સર્જીકલ માસ્ક પહેરતા હોય પણ ઇન્ડિયામાં ધનપતિઓ અને સિને સિલિબ્રેટીઝ હવે લાખ્ખોની કિંમતના માસ્ક પહેરવા લાગ્યા છે. પટોડી નવાબ ખાનદાનની પુત્રવધૂ અને રાજકપૂરની પૌત્રી કરીના કપૂર ફેશન ડિઝાઈનર લૂઈવિટ્ટન બ્રાન્ડનો રૂા. ૨૬ લાખનો માસ્ક પહેરીને ફરે છે... બોલો!! દક્ષિણ ભારતમાં સપ્તપદીના ફેરા લેતી તામિલ કન્યા માથેથી પગ સુધી સોના મ્હોરોથી લદાયેલી હોય છે એવા એક તામિલ પરિવારમાં લગ્નવેદી પર ફેરા ફરતી કન્યાએ સોનાનો હીરા મઢેલો કરોડોની કંિમતનો માસ્ક પહેર્યો હતો!!
આ માસ્ક પહેરવાથી ઘણાને ગૂંગળામણ અનુભવાય પણ આ માસ્કની મઝા કેટલી સરસ એની એક વાત કરું. ગુજરાત સમાચાર સાથે હું ૩૯ વર્ષથી જોડાયેલી છું. પબ્લીક રિલેશન્સના અત્યંત આગ્રહી અમારા તંત્રીશ્રી સી.બી. સર સાથે અવારનવાર સામાજિક કાર્યક્રમો, સમારંભો, લગ્નોત્સવ, બર્થ ડે કે વેડીંગ એનિવર્સરીઓ સહિત અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા જતા હોવાથી સૌ અમને જાણે. ઇલીંગ રોડ, હેરો, કેન્ટન, કીંગ્સબરી જેવા વિસ્તારમાં શોપીંગ કરવા જતા હોઇએ એટલે ઘણા લોકો મળે, ખબર અંતર પૂછે, અખબાર ગમે છે એવી અનેક લોકો વાતો કરી મળ્યાનો આનંદ વ્યક્ત કરે પણ આ કોરોના મહામારીએ એ મજા મારી નાખી છે, અમે ઠંડીથી બચવા કોટ, ટોપી પહેર્યા હોય સાથે મોંઢે માસ્ક બાંધ્યો હોય એટલે કોઇ ઓળખી શકતું જ નથી..! આ માસ્કને લીધે હવે પાવડર-લીપ્સટીક સાથે ટાપટીપ થયા વગર ઘરમાં પહેરાતાં સાધારણ કપડાંમાં નીકળી પડીએ છીએ એટલે કોકિલા પટેલના 'દિદાર તો જુઓ' એવું કોઇ કહેનાર ના મળે!
હવે લગ્નોમાં જઇશું ત્યારે ડિઝાનર સાડી કે બનારસી સિલ્કની સાડી સાથે આપણે મેચીંગ માસ્ક પહેરવો પડશે. પત્ની સાથે પતિ પણ એવો મેચીંગ માસ્ક પહેરશે એટલે મેળાવડામાં મારો કયો વર એ ઓળખવામાં તકલીફ ઉભી નહિ થાય... પરંતુ ખરી મજા વેડીંગ રિશેપ્શનમાં થશે... કેમ? કારણ...D J વાળો ધમાકેદાર મ્યુઝીક શરૂ કરે એમાં વરવધૂએ તો બાજુએ રહી જાય પણ સૌ પહેલાં માથે સફેદી આવી હોય એવાં કપલ ફલોર પર નાચવા મંડી પડે છે એવાં આધેડ વયવાળા માસ્કધારીઓને શ્વાસોચ્છવાસની તકલીફ પડવાની એ નક્કી! કોરોનાથી બચાવતા માસ્કથી લટકારી લલનાઓના લાલચટક હોઠનું સૌંદર્ય વધારતી લીપ્સટીક અને ફેસ ફાઉન્ડેશન બનાવતી કોસ્મેટીક કંપનીઓને કદાચ ભારે ખોટ વેઠવી પડે એવું લાગે છે.
દર ૧૫ દિવસે બ્યુટી પાર્લરમાં જઇ થ્રેડીંગ કરાવતી મહિલાઓની ભ્રમરો, મૂછો-દાઢી અને હાથે-પગે ય રૂવાંટીઓના થર થયા હશે. જો કે માસ્ક નીચે ઢંકાયેલી એમની પૂરબહારમાં વધેલી દાઢી-મૂછને બહારની દુનિયા નહિ જોઇ શકતી હોય પણ ઘરમાં બિચારીઓને.... અરરર.. પતિઓના અણગમાનો કટુઅનુભવ તો થયો જ હશે. એવી રીતે જુદા જુદા શેડમાં વાળ કલર કરાવતી મહિલાઓને માથે ડોકાતી સફેદી વૃધ્ધત્વની ચાડી ખાતી હશે...
....કાયમનો સંગાથી માસ્ક કેટલાકને ભલે ત્રાસદાયક લાગતો હોય પણ ગૂપચૂપ મળનારાં કેટલાક લવલા-લવલી એટલે કે પ્રેમી પંખીડા માટે આશીર્વાદરૂપ બનશે એ ચોક્કસ..! ઇન્ડિયામાં મોટરબાઇક પર જતી કન્યાઓ તડકામાં ચહેરાની ચમક ઓછી ના થાય એટલે મોંઢે ડાકુઓની જેમ બુકાની બાંધે છે. એમાં તમારી દીકરી કોની સાથે, કયાં જઇ રહી છે એનીય તમને ખબર ના પડે.. એવું આ માસ્કથી બની શકે!! તમારા બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે મિત્ર સાથે તમે માસ્ક પહેરીને કારમાં જતા હોય, સિનેમાગૃહમાં તમારી આગળ કે પાછલી સીટમાં બેઠા હોય તો તમને ખબર જ નહિ પડે.
આ માસ્કની ખરી મજા... અમેરિકા કે હીથ્રો એરપોર્ટ પર જઇએ ત્યારે આવશે! અમેરિકામાં તમારે ઇમિગ્રેશન પસાર કરવા જાવ ત્યારે કમ્યુટર પર ઓનલાઇન ટચ બટન કરી ફોર્મ ભરવાનું અને તમારી ઓળખ રેકોગ્નાઇઝ કરવા ચહેરો બતાવવાનો.... એવું જ હીથ્રો પર બ્રિટીશ પાસપોર્ટધારી સ્ક્રીન પર એનું મોંઢું... આઇમીન ફેસ દેખાડ્યા પછી જ બ્રિટન પ્રવેશ માટે ઓટોમેટિક દરવાજા ખૂલે છે.
અરેેરે.... આ કાળમૂખો કોરોના હિરણ્યકશ્યપ જેવો થઇ ગયો છે, દૈત્ય કશાયથી મરે એમ નથી, હવે ભગવાન નૃસિંહ જેવા ઉદ્ધારક આવે તો માનવ જગતનો બેડો પાર થાય..


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter