પૃથ્વીને બચાવો

રુચિ ઘનશ્યામ Tuesday 15th November 2022 08:50 EST
 
 

ઇજિપ્તના શર્મ એલ શેખ ખાતે 6 થી 18 નવેમ્બર વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત વધુ એક ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ સીઓપી27નું આયોજન થયું છે. ભારતના પર્યાવરણ અને વન મંત્રી ભુપેન્દ્ર યાદવનના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ભાગ લઇ રહ્યું છે. ભુપેન્દ્ર યાદવે ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ધઘાટન કરી સ્થાયી જીવનશૈલીના સંદેશાવાહક બનવા 18થી 23 વર્ષના યુવાઓને પ્રોત્સાહિત કરતા ભારતના અભિયાન ‘In our LiFEtime’ નો પ્રારંભ કરાવ્યો હતો.
ભારતે હંમેશા વિકાસશીલ દેશોને નવી ટેકનોલોજીના ભાગીદાર બનાવવા પર ભાર મૂક્યો છે અને પ્રદૂષણ ફેલાવનારા ભરપાઇ કરે તે સિદ્ધાંતના આધારે વિકસિત દેશો ક્લાઇમેટ ફંડિગ માટેના પોતાના વચનો પૂરાં કરે તેનો હિમાયતી રહ્યો છે. જો પૃથ્વીને બચાવવી હશે તો ફંડ માટે અપાયેલા વચનોનું પાલન થાય તે આવશ્યક છે. લો કાર્બન ડેવલપમેન્ટની યોજના પાર પાડવા માટે ભારતને 2050 સુધીમાં ખર્વો ડોલરની જરૂર પડશે. 2030 સુધીમાં ભારતને બે ટ્રિલિયન ડોલરની આવશ્યકતા છે.
ક્લાઇમેટ ચેન્જ સામે લડવા રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરતા મહત્વાકાંક્ષી નેશનલ પ્લાન માટે ભારત પ્રતિબદ્ધ છે. પીએમ મોદી ઇચ્છે છે કે 2030 સુધીમાં દેશની 50 ટકા ઉર્જા જરૂરીયાત રિન્યુએબલ સ્ત્રોતોમાંથી આવે. ભારતમાં સોલર પાવર જનરેશન ક્ષેત્રે ઝડપથી પ્રગતિ થઇ રહી છે.
પશ્ચિમનું મીડિયા અને પર્યાવરણવિદ્દો વીજળી ઉત્પાદન માટે ભારતના સતત કોલસા પરના આધાર પર ચિંતિત છે. સીએનએનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં અન્ય કોઇપણ મોટા અર્થતંત્ર કરતાં રિન્યુએબલ એનર્જીમાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે ત્યારે પણ આ દેશ કોલસા પર આધાર રાખી રહ્યો છે. ભારત લાંબાસમયથી કોલસા આધારિત વીજમથકો પર આધારિત રહ્યો છે અને તેની વીજળીની જરૂરીયાતના 80 ટકા ઉત્પાદન કોલસા દ્વારા થાય છે. દેશની 140 કરોડની જનતાનો શ્વાસ પ્રદૂષણના કારણે રૂંધાઇ રહ્યો હોવા છતાં ભારતીય અધિકારીઓ એમ કહી રહ્યાં છે કે તેઓ ફોસિલ ફ્યઉલનો વપરાશ વધારશે. ભારત દ્વારા દર વર્ષે વાતાવરણમાં 2.4 બિલિયન ટન કાર્બન ઉત્સર્જન કરાય છે તે પણ મોટી ચિંતાનો વિષય છે. ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના ભારતના લક્ષ્યાંકો મહત્વાકાંક્ષી નથી.
જોકે આ ચિંતાઓ વાસ્તવિક સ્થિતિને ઢાંકી દે છે. ભારતના કાર્બન ઉત્સર્જનને તેની વસતીની સંખ્યાના આધારે મૂલવવું જોઇએ. માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો ભારતીયો દ્વારા થતું કાર્બન ઉત્સર્જન નહીંવત છે. સરેરાશ અમેરિકન દ્વારા પ્રતિ વર્ષ 14.7 ટન કાર્બન ઉત્સર્જન કરે છે તેની સામે સરેરાશ ભારતીય ફક્ત 1.8 ટન કાર્બન ઉત્સર્જન કરે છે. તે ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ માટેની જવાબદારી ઐતિહાસિક સંદર્ભમાં નક્કી કરવી જોઇએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિકસિત દેશો દ્વારા કરાયેલું કાર્બન ઉત્સર્જન સમસ્યાની જડ છે. ઔદ્યોગિક ક્રાંતિના પગલે પશ્ચિમના સમાજની જીવનશઐલી વિશ્વના ગરીબ અને વિકાસશીલ દેશો કરતાં ઘણી ઊંચી આવી હતી. તે સમયે મોટાભાગના દેશો યુરોપના દેશોની કોલોની હતાં. પશ્ચિમના અમીર અને વિકસિત દેશો દ્વારા બદતર બનાવાયેલી સ્થિતિના કારણે પર્યાવરણમાં આવેલા બદલાવ માટેની જવાબદારી ગરીબ વ્યક્તિ પર નાખવી કેટલી ન્યાયી છે. ગરીબ વ્યક્તિ તેના અસ્તિત્વને ટકાવી રાખવા સંઘર્ષ કરતો હોય ત્યારે આ પ્રકારની માગ ઉચિત નથી.
ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં થઇ રહેલા પ્રયાસો જવાબદારી અને ફંડિંગ પરની ચર્ચાનો આધાર છે. આ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પૃથ્વીના વાતાવરણને ભરપાઇ ન થઇ શકે તેટલું નુકસાન થઇ રહ્યું છે. ગ્લેશિયરો પીગળી રહ્યાં છે, નદીઓ સૂકાઇ રહી છે, હવાનું પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે અને જમીનો ઉજ્જડ બની રહી છે તે અંગે આપણે ચિંતિત છીએ ત્યારે વૈજ્ઞાનિકો પૃથઅવીની ઉત્તરમાં સંગ્રહાયેલા મોટા જથ્થામાં કાર્બનને મુક્ત કરવાની વાતો કરી રહ્યાં છે. ક્લાઇમેટ ક્રાઇસિસ માટે આ પરિબળને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે.
પૃથ્વીના થીજેલા પ્રદેશોમાં અંદાજિત 1700 બિલિયન મેટ્રિક ટન કાર્બન સંગ્રહાયેલો છે. નાસાના જણાવ્યા અનુસાર આ જથ્થો 2019માં સમગ્ર વિશ્વમાં ફોસિલ ફ્યુલના કારણે થયેલા કાર્બન ઉત્સર્જન કરતાં 51 ગણો હોઇ શકે છે. તાજેતરના વર્ષોમાં સાઇબિરિયામાં ફાટી નીકળેલા દાવાનળ પણ ચિંતાજનક છે. જમીનની સપાટી પરની આગ તો બૂઝાવી દેવામાં આવી છે પરંતુ જમીનની નીચે ભભૂકતી આગ હજુ ચિંતાનું કારણ બની રહી છે.
પૃથ્વીનું અધઃપતન થઇ રહ્યું છે. કદાચને આપણી પેઢી માનવજાત પર તોળાઇ રહેલી કુદરતી આફતોમાંથી બચી જાય પરંતુ આપણે આપણા સંતાનો અને તેમની ભાવી પેઢીઓને ભયાનક વારસો આપીને જવાના છીએ. યુક્રેન યુદ્ધના કારણે આજે વિકસિત દેશો મંદીનો સામનો કરી રહ્યાં છે. વિશ્વ એકસાથે મળીને સામનો કરી શકે તેવી ભયાનક કટોકટી સામે લડવા કોઇ વિકલ્પ રહ્યો છે ખરો? ગેલેક્સીમાં બીજો એવો કોઇ ગ્રહ નથી જ્યાં માનવી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. વિજ્ઞાન ભલે ગમે તેટલી પ્રગતિ કરે પરંતુ મંગળ જેવા ગ્રહ પર આપણે જીવી શકીએ છીએ તે પ્રકારની જિંદગી જીવી શકાશે નહીં.
પૃથ્વી જ આપણું એકમાત્ર ઘર છે. આશા રાખીએ કે વૈશ્વિક નેતાઓ તેને બચાવવાના માર્ગો શોધી કાઢશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
 @RuchiGhanashyam)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter