મકરસંક્રાંતિથી મહાશિવરાત્રી, બૃહસ્પતિ ગ્રહ જ્યારે મીન રાશિમાં પ્રવેશે ત્યારે હિન્દુ વિજ્ઞાન નદી કિનારે ‘મોક્ષ’નો અદ્દભુત અવસર પૂરો પડે છે, અને તેને નામ આપ્યાં છે - કુંભ, અર્ધ કુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભ. ભાગીરથી ગંગા, તત્ર લુપ્ત સરસ્વતી, મનોહારી ગોદાવરી અને શાંત-પ્રશાંત ક્ષિપ્રા.. આ તેના નિશ્ચિત સ્થાનો છે. એટલે પ્રયાગ રાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં નિશ્ચિત સમયે કુંભનો ઉત્સવ ઉજવાય છે.
આ કેવળ આસ્થા અને ભક્તિની ઘટના નથી, આપણાં પૂર્વજ ઋષિઓની નજરમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો નકશો હતો. પ્રયાગરાજમાં 4 કરોડ લોકો, પોતાના ખર્ચે મહાકુંભમાં ભાગ લેશે, એ ઘટના તો સમગ્ર વિશ્વનો વિક્રમ ગણાય. થોડાક ભીતરમાં જાઓ તો આ ઘટના, આ મેળો, આ પર્વ એ ગીતામાં શ્રીકૃષ્ણે આપેલા શબ્દ ‘ચિતી’નો વિસ્તાર છે. દરેક સમાજ અને રાષ્ટ્રની પોતાની એક સામૂહિક ચિતી હોય છે અને તે પ્રમાણે તે પરાજય સારા-નરસાનો નિર્ણય લે છે. કુંભ મેળા પણ ભારતીય પ્રજાનો સાંસ્કૃતિક સંકેત છે.
લો, આપણે એક નવલકથાનો પરિચય મેળવીએ. આ બંગાળી નવલકથાનું નામ છે, ‘પૂર્ણકુંભ’. આજે જયાં ધિક્કાર અને દ્વેષનું લોહી વહે છે તે બાંગલાદેશના ઢાકા નજીકના ગંગાધર પુર - વિક્રમપુરમાં બચપણ વીત્યું હતું તે રાણી ચંદે લખી હતી 1950 ની આસપાસ.
કોણ હતાં આ લેખિકા? માતા પૂર્ણરાશિની સાથે તેનો ઉછેર થયો, પછી મોટાભાઇના કહેવાથી શાંતિનિકેતન સ્થાયી થયા. રવીન્દ્રનાથે આ પ્રતિભાશાળી કન્યાને નંદલાલ બોઝને સોંપી. નંદલાલ બોઝ અને અવનીંદ્રનાથ પાસે તેની ચિત્રકલાનો રંગ ઘૂંટાયો. 1927 થી 1952 તેનું પ્રિય સ્થાન શાંતિનિકેતન રહ્યું. અહીં જ તેણે સાહિત્યના શબ્દની સાથે નાતો બાંધ્યો. દ્રશ્ય અને શબ્દનું મિલન થયું, જોરા સાંકોર ધારે, અલાપાચારી રવીન્દ્રનાથ, પાથે ઘાટે, રવીન્દ્રસ્નેહધન્ય, ઘરવા વગેરે પુસ્તકો થયા. રવીન્દ્ર ભારતીએ તેમણે માનદ ડી. લિટનું સન્માન આપ્યું.
અનિલ ચંદ્ર સાથેના લગ્ન પછી બંગાળથી દિલ્હી આવ્યાં. 12 જુલાઈ 1912માં મેદિનીપૂરમાં જન્મેલા રાણી 1997ની 19 જૂન શાંતિનિકેતનમાં અંતિમ શ્વાસ લીધા. તેની પ્રથિતયશ નવલકથા છે, ‘પૂર્ણકુંભ’. તે માત્ર યાત્રાની કથા નથી, તેની શરૂઆત પણ કેવી? ‘પેલે દિવસે મારી વૈષ્ણવી સખી રસોડાના દરવાજે અઢેલીને બેઠી હતી - આ જીવનમાં શું મેળવ્યું, શું ના મેળવ્યું, મેળવ્યું હોત તો શું થાત વગેરે લાભહાનિનો હિસાબ કાઢવા બેઠી હતી, પણ હિસાબ કાઢી ના શકી. છેવટે એ હિસાબ ભૂલી જવા ઇ એક દિવસ - બધું પાછળ ફગાવીને નીકળી પડી.”
કોઈ મુગ્ધ લેખક વૈષ્ણવી સખીને યુવાન જ આલેખે, પણ આ તો લેખિકાની સખી છે, જીવનના શેષ ઉત્તરાર્ધનો બોજ લઈને નીકળી છે. કુંભમેળામાં જવાનો નિશ્ચય થયો. સાથે મોટી બહેન, નણંદ અને નણદોઈ હેમદાદા. પંથ પ્રવાસનું લાલિત્ય પણ કેવું?
‘હતખાનિ ઐ બાડિયે આને
દાઓ ગો આમાર હાતે
ધરબો તારે, ભરબો તારે,
રાંખબો તારે સાથે -
એકલા પંથે ચલા આમાર કરબો રમણીય...’
એ હાથને લંબાવો ને મારા હાથમાં આપો. હું તેને પકડી રાખીશ. એને ભરપૂર કરી દઇશ. મારી જોડે ને જોડે જ રાખીશ. મારા એકલ પંથને મધુર બનાવીશ. નવલકથાના પટ પર આમ તો હરિદ્વાર છે, તેના સઘળા સ્થાનો છે.
થોડા દિવસો વ્રજભૂમિ અને મથુરાના અને વળી પાછું હરિદ્વાર અને ગંગા કિનારો. સાધુબાવાઓ, યાત્રિકો, પંડા-પૂજારીઓ, આરતી, ઘંટનાદ, ભીડ અને તેની બહારના ચહેરાઓ, ચમત્કારોની જગ્યાઓ, દંતકથા અને ઇતિહાસ, થકવી નાખે તેવી હિલચાલ અને તેની વચ્ચે આંતરયાત્રા. લેખિકા લઈ જાય છે સંવેદનના આકાશ સુધી, ને પાછી ધરતી પરના અનેક રંગો સુધી. નિત્યનુતન, આનંદ અને વિષાદ, કુતૂહલ અને શાંતિના રંગોની માળા. એક પછી એક દ્રશ્યો આવે છે અને આપણે પણ તે યાત્રામાં સાથે હોઈએ એવું અનુભવાય છે. કોઈ રસિક નવલકથાનો આનંદ મળે છે.
લેખિકાની પાસે શબ્દોનું સૌંદર્ય છે. વેવલાઇ નથી. સહજ અને સરળ છતાં મનોહારી. આસ્થાસ્થાનોની ઝીણામાં ઝીણી વિગતો. મજાની અને ગંદી જગ્યાઓ, પૂજારીઓ, નવ-સાધિકાઓ, છોકરાઓ, સાધુબાવાઓ, નગાબાવાઓ, તેના જુલૂસો, બેન્ડ વાજા, ભજનિકો, મંદિરો, ધર્મશાળાઓ, નદી પરના ઘાટ, અને ઠંડીગાર નદીનો પ્રવાહ, પગરસ્તા, પગદંડી... બધાની દુનિયામાં માનવીય કુતૂહલ અદ્દભુત છે, ક્યારેક હળવાશ અને ક્યાંક ગંભીરતા. જીવનના વહેવારની ગલીકૂંચીમાંથી પાર થઈને ક્યાંક ધીમી ગતિ અને ક્યાંક અશ્વ ગતિ... સંકેતોથી સમજાવી દે છે, આ જ છે જીવનયાત્રાનો ઉબડખાબડ રસ્તો, મારા ભાઈ!
અને આ વર્ણન જુઓ: ડાબી બાજુ ઝૂંપડીના આંગણમાં નાગાપુંગા બાળકોથી વીંટળાઇને એક ડોસો બેઠો છે. વચ્ચે કેરોસીનનો એક ખાલી ડબ્બો. તેના પર થાપ મારીને બોખા મોંએ હસતો હસતો તે ગાય છે: ‘સુખ દુખ કિછુઇ ના આ ભવે, હયે જાઓ નામાર નેશાય, એક સુધા માખા રામનામઇ ખાન્ટે જગતે. (આ ભવમાં સુખ કે દુખ કશું નથી, નામના નશામાં શૂન્ય થઈ જાઓ, એક રામનામ જ દુનિયામાં સાચી વસ્તુ છે.)
હર કી પૌડી પર ગંગામાં દીવડાનું દ્રશ્ય નિજી સંવેદનાનો ઉત્તમ નમૂનો છે, વ્રજની પૂર્ણિમાનું એવું જ સુંદર વર્ણન. અને આ નવલકથાના અંતે એ જ વયસ્ક સખીઓ, માત્ર સખી નહીં વૈષ્ણવી સખી. એક વાર વૈષ્ણવી સખીને પૂછ્યછયું હતું કે જે હિસાબ ભૂલવા નીકળી પડી હતી તે ભૂલી શકી? ‘ક્યાં ભૂલી શકી છું,’ કહીને ગાઈ ઉઠી: ‘હું કુળ જોતી નથી, માન નથી જોતી, જોઉ છું કેવળ શ્યામ ચંદ્રને અને કૃષ્ણને. કેવળ આંસુથી મેં કળશ ભર્યો છે...’
કુન્દનિકા કાપડિયાએ આ નવલકથાનો ત્રીસેક વર્ષ પૂર્વે સુંદર અનુવાદ પણ કર્યો છે, મળે તો મહાકુંભ પર્વે પૂર્ણકુંભને માણજો.