બેઘર લોકોની તકલીફ સમજવા બે મહિના ઘરવિહોણું જીવન ગાળ્યું

Wednesday 20th March 2019 02:40 EDT
 
 

લંડનઃ ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કેપ્ટન એડ સ્ટેફોર્ડને આર્મી છોડ્યા પછી જાતજાતના પ્રયોગો અને સાહસો કરવાનું વળગણ થયું છે. ૪૩ વર્ષના એડે તાજેતરમાં તેણે બ્રિટિશ ચેનલ ૪ સાથે મળીને બ્રિટનમાં રહેતા બેઘર લોકોની જિંદગીમાં ડોકિયું કરતી ડોક્યુમેન્ટરી બનાવી હતી. બેઘર ભિક્ષુકોના ઇન્ટરવ્યુ લેવાને બદલે એડ સ્ટેફોર્ડ બ્રિટનનાં વિવિધ શહેરોની ગલીઓમાં પૂરા ૬૦ દિવસ તેમના જેવા થઈને જ જીવવાનું પસંદ કર્યું હતું.

જીવનજરૂરિયાતની ચીજો બેગમાં ભરીને ભાઈસાહેબ ઘરેથી નીકળી ગયા અને પછીના ૬૦ દિવસનું જીવન લોકો દ્વારા મળતી ભીખના ભરોસે તેમજ શેરી-દુકાનના પાટિયા પર સૂઈને કાઢવાનું પસંદ કર્યું હતું. એડના આ સાહસની ડોક્યુમેન્ટરી પણ તૈયાર થઈ છે. લંડન, મૅન્ચેસ્ટર અને ગ્લાસગો જેવાં શહેરોની ગલીઓમાં ઘરવિહોણાં જીવનના અનુભવ વિશે એડની લાગણીઓ મિશ્ર છે. પ્રયોગના આરંભે તેને ૬૦ દિવસમાં ઘણા દિવસો ભૂખે કાઢવા પડશે અને તેનું વજન ઘટી જશે તેમ લાગ્યું હતું. જોકે, પ્રયોગના અંતે તેનું છ કિલો વજન વધી ગયું હતું. તે કહે છે કે બેઘર લોકોને ખાવા-પીવાની બાબતમાં કોઈ તકલીફ પડતી નથી. મોટાં શહેરોમાં લોકો રસ્તે બેઠેલા ભિક્ષુકોને સામેથી ખાવાનું આપી જાય છે. ભિક્ષુકો સાથે વાતચીતમાં તેને જાણવા મળ્યું કે બેઘર થયા પછી કેટલાકને ખાવાની કદી તકલીફ નથી પડી. જોકે, ગમતું ખાવાનું જ મળે એવું નથી બનતું. હેલ્ધી ફૂડની ચોઇસ ભલે ન મળે, પણ પેટ ભરાય એટલું ખાવાનું મળી જાય છે.

લંડનની ગલીઓમાં ઘરવિહોણું જીવન ગાળનારા લોકો તો સાંજ પડ્યે ૧૦૦-૧૫૦ પાઉન્ડ કમાઈ લે છે જે કદાચ જોબ કરીને ઘર વસાવીને રહેતી વ્યક્તિ કરતાં પણ વધુ છે. અંતરિયાળ ગલીઓમાં છુપાઈને રહેતા કેટલાક બેઘર લોકો પણ તેને મળ્યા, જેમની આવતા-જતા લોકો દ્વારા ખૂબ કનડગત પણ થતી હતી.

થોડાંક વર્ષો પહેલાં તેણે એમેઝોન નદીની ચાલીને પરિક્રમા કરેલી. ૬૪૦૦ કિલોમીટરના આ પટ્ટાની પ્રદક્ષિણા કરવા તે સતત ૮૬૦ દિવસ એટલે કે બે વર્ષ ચાર મહિના આઠ દિવસ સુધી ચાલતો રહ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter