મણિપુરના મહારાજાને નજરકેદ કરાયા અને હસ્તાક્ષર મેળવાયા

ડો. હરિ દેસાઇ Tuesday 12th September 2017 07:12 EDT
 
ગુજરાતનાં રાજવી પરિવારો સાથે પારિવારિક સંબંધ ધરાવતા ત્રિપુરાના ‘મહારાજા’ પ્રદ્યોત માણિક્ય બર્મન
 

ઈશાન ભારતનાં સાત રાજ્યોને ‘સેવન સિસ્ટર્સ’ ગણવામાં આવે છે અને ૧૯૭૫માં ભારતમાં વિલય પામેલા સિક્કિમને એમનો ‘ભાઈ’ ગણીને ઈશાન સરહદે પાંચ દેશો સાથે સીમાને સ્પર્શતા એમના પ્રદેશની સીમા સુરક્ષા મહત્ત્વની છે. આ રાજ્યોની પ્રજાને અલગાવવાદીઓ થકી ભડકાવાતી હોવાથી દાયકાઓ સુધી એને ભારતની મુખ્ય ધારામાં લાવવા ભારે પરિશ્રમ કરવો પડ્યો છે. આઝાદીને સાત દાયકા વીત્યા છતાં ઈશાન ભારત હજુ ભારત સાથે અન્ય રાજ્યોની જેમ જ ભળ્યું નહીં હોવાનું અનુભવાય છે એનાં અનેક કારણો છે. ભારત સાથે અતૂટ સંબંધે જોડાયા છતાં ભાષાઓ, જાતિઓ, ધર્મો અને આશા-આકાંક્ષાઓની દૃષ્ટિએ ઈશાન ભારતમાં આઠ રાજ્યોમાં હજુ ક્યાંક ખટકો જોવા મળે છે. નવી દિલ્હી તેમને એક જ લાકડી હાંકી શકવાની સ્થિતિમાં નથી. 

આઝાદીનાં શરૂઆતના વર્ષોમાં કોંગ્રેસની ભારે બોલબાલા હતી એટલે દિલ્હીથી લઈને ઈશાન ભારત સુધી કોંગ્રેસી પ્રભાવ જણાતો હતો. વિવિધ કારણોસર રાજકીય અપેક્ષાઓ અને આકાંક્ષાઓ કાજે કોંગ્રેસમાંથી ઘણા બધા અમિબા પક્ષો રચાતા ગયા. જોડાણો બનતાં અને તૂટતાં ગયા અને સત્તાની સાઠમારી ચાલતી રહી. મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, નેપાળ અને ચીનની સરહદોને સ્પર્શતાં આ રાજ્યોની પ્રજા પણ પાડોશી દેશોમાંથી આવતી રહી હોવાથી એમાં એ જ પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે.
મુખ્યત્ત્વે ઈશાન ભારતમાં ત્રણ રજવાડાંની બોલબાલા રહી. અહોમ રાજવીઓ અત્યારના આસામ કે અગાઉના કામરૂપમાં રાજ કરતા હતા. મૂળ બર્મા (મ્યાનમાર)માંથી એ આવેલા હોવાથી બર્માનાં આક્રમણોની ઝીંક ઝીલવાની રહેતી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપની કોલકાતામાં મુખ્ય થાણું નાંખીને પ્રભાવ પાથરતી થઈ હતી. બર્મા સાથેના અહોમના જંગમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદ લેવાના સાટામાં આ અહોમ રાજવીઓએ પોતાનું રાજ અંગ્રેજ સલ્તનતમાં ભેળવવાની ફરજ પડી હતી. મણિપુરને પણ એવી ફરજ પડી પડાઈ તો ખરી, પણ એણે સમયાંતરે પોતાની સ્વતંત્રતા અંકે કરી લીધી હતી.
ત્રિપુરા નામના બટુક રાજ્યના રાજવીઓ મણિપુરના મહારાજાની જેમ આડોડાઈ કર્યા વિના જ ૧૯૪૭માં અંગ્રેજ હાકેમો ગયા પછી પૂર્વ પાકિસ્તાનને બદલે ભારત સાથે જોડાવામાં જ સલામતી અનુભવતા રહ્યા હતા. મણિપુરની પ્રજાની ધારાસભાની ચૂંટણી ભારતમાં સૌ પ્રથમ પુખ્ત મતાધિકારને આધારે થઈ અને છેક ૧૯૪૮માં જવાબદાર પ્રધાનમંડળ થકી મહારાજ બોધચંદ્ર સિંહ રાજ કરતા હતા. ચૂંટાયેલી પાંખ અને રાજવી બેઉને ભારત સાથે જોડાવાની અનિચ્છા હતી. એ વેળા આસામના રાજ્યપાલ અકબર હૈદરી હતા. એમણે મણિપુરનો મૂડ જાણવા એનો પ્રવાસ ખેડ્યા પછી મહારાજાને શિલોંગ તેડાવ્યા. મહારાજા સામે જોડાણ કરારનામું રજૂ કર્યું, પણ મહારાજા એના પર હસ્તાક્ષર કરવા નન્નો ભણી રહ્યા હતા. એમને તો મણિપુરને સ્વતંત્ર જ રાખવું હતું. રાજ્યપાલ હૈદરીએ નાછૂટકે મહારાજાને નજરકેદ રાખ્યા. અંતે રાજવીએ પેલા જોડાણ કરાર પર હસ્તાક્ષર કર્યાં. એ બનાવને પગલે મણિપુરના કેટલાંક ભાગલાવાદી સંગઠનો જોડાણ કરારને ગેરકાયદે અને ગેરબંધારણીય માને છે.
જોકે, ત્રિપુરાના મહારાજા વીર વિક્રમ ૧૭ મે ૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એટલે પન્નાના મહારાજાનાં રાજકુંવરી એવા ત્રિપુરાનાં મહારાણી કંચનપ્રભા દેવીએ પોતાના સાવ સગીર પુત્રનાં વડીલની જવાબદારી નિભાવતાં ભારત સાથે જોડાણખત પર હસ્તાક્ષર કર્યા હતા. મણિપુર અને ત્રિપુરા બેઉ પ્રારંભમાં ગુજરાતના કચ્છની જેમ જ ક-વર્ગનાં રાજ્યો બન્યાં હતાં અને સમયાંતરે ૧૯૭૨ બંને રાજ્યોને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. જોકે, અત્યારે ત્રિપુરાના ‘મહારાજા’ અને કોંગ્રેસ સમિતિના વડા પ્રદ્યોત માણિક્ય બર્મન ‘જોડાણ’ અને ‘વિલય’ના મુદ્દે ભારત સાથે વિવાદને તાજો કરી રહ્યા છે.

દિલ્હીના શાસનનો પવન વાય છે

ઈશાન ભારતનાં આઠેય રાજ્યોમાં દિલ્હીમાં જે રાજકીય પક્ષની સત્તા હોય એની સાથે રહીને વધુમાં વધુ લાભ મેળવવાની માનસિકતા સવિશેષ જોવા મળે છે. અગાઉ કોંગ્રેસનું ચલણ હતું. હવે દિલ્હીમાં અને ભારતનાં અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પક્ષ અને મિત્રપક્ષોનું શાસન હોવાથી ઈશાનનાં રાજ્યોમાં પણ ભાજપ ભણી ઢળવાનું વલણ જોવા મળે છે. આઠમાંથી પાંચ રાજ્યોમાં ભાજપ અને મિત્રપક્ષોના મોરચા ઈશાન ભારત લોકશાહી મોરચાનું શાસન છે. આસામના કોંગ્રેસી આગેવાન રહેલા અને વર્ષો સુધી પ્રધાન રહેલા હેમંતા બિશ્વા સર્મા ભાજપમાં જોડાતાં આસામમાં ભાજપનો વિજય થયો એટલું જ નહીં, અન્ય રાજ્યોમાં કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે પ્રેરીને દિલ્હીને અનુકૂળ સરકારો સ્થાપવામાં સફળતા મેળવી છે.
ચીન સાથે સરહદ પ્રદેશવાળા અરુણાચલ પ્રદેશમાં પક્ષપલટા થકી ભાજપની સરકાર સ્થપાઈ છે. સિક્કિમમાં તો ભાજપના મિત્રપક્ષની સરકાર છે જ. મણિપુર અને નાગાલેન્ડમાં પણ ભાજપ મોરચાની સરકાર બની ચૂકી છે. ભાજપ માટે હવે પડકાર ત્રિપુરામાં છેલ્લાં ૨૪ વર્ષથી શાસન કરતી માર્ક્સવાદી મોરચાની સરકારને ડૂલ કરવાનો છે. મહારાજા વીર વિક્રમને મરણોત્તર ભારતરત્ન આપવા સહિતની વાત થકી માર્ક્સવાદીઓ વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવા ભાજપ મેદાને પડ્યો છે. સંયોગ એવો છે કે, ત્રિપુરાના અત્યારના યુવાન ‘મહારાજા’ પ્રદ્યોત માણિક્ય બર્મન ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસના કાર્યાધ્યક્ષ છે. કચ્છનાં ‘મહારાણી’ ત્રિપુરાના રાજકુમારી છે અને સાથે જ ગુજરાતમાં દેવગઢબારિયા રાજવી પરિવાર સાથે પણ એમના સંબંધ છે.
સોમવારે ત્રિપુરાના ‘મહારાજા’ પ્રદ્યોત માણિક્ય દેવબર્મન સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કેટલો સમય હું કોંગ્રેસનો કાર્યાધ્યક્ષ રહીશ એ ખબર નથી, પણ ભાજપમાં તો જોડાવાનો નથી. મિઝોરમમાં વર્ષોથી કોંગ્રેસનું શાસન છે. અહીં ખ્રિસ્તી બહુમતી હોવાથી ભાજપ ખ્રિસ્તી મતબેંક ઊભી કરવા પ્રયત્નશીલ છે. મેઘાલયમાં પણ કોંગ્રેસની સરકાર છે. આવતા વર્ષે એટલે કે ૨૦૧૮ની શરૂઆતમાં આઠેય રાજ્યોમાં ભાજપના વડપણવાળા મોરચાની સરકારો સ્થપાઈ જાય એવી વેતરણમાં સમગ્ર સંઘ પરિવાર છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી એણે જે મહેનત આદરી છે એ જોતાં એને પોતાના મિશનમાં સફળતા મળે એવું લાગે છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 16th September 2017 અથવા ક્લિક કરો વેબલિંક: http://bit.ly/2gWZiFY)


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter