મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના જીવનચરિત્રની ઝલક ભારતીય પોસ્ટલ સ્ટેમ્પ પર

Wednesday 09th May 2018 07:27 EDT
 
 

ટપાલ ટિકિટો જે તે દેશના ઈતિહાસનું નિરુપણ કરે છે અને તે દેશમાં થયેલા ફેરફારને પણ દર્શાવે છે. તેવી ટપાલ ટિકિટોનો સંગ્રહ કોઈ દેશમાં કેવા પરિવર્તનો થયા તેનો ચિતાર રજૂ કરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના તુલસી માનસ મંદિર ખાતે તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ રામાયણ પરની ટપાલ ટિકિટોના સેટનું વિમોચન કર્યું હતું. ભગવાન રામના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરતો આવો ટપાલ ટિકિટનો સેટ પ્રથમ વખત ભારતમાં જારી કરાયો હતો. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભગવાન રામનું જીવન લોકો માટે પ્રેરણાનો સ્રોત રહ્યું છે. મહાત્મા ગાંધીએ તેને પોતાના જીવનમાં મંત્ર તરીકે લીધું હતું. ભારતીય ટપાલ વિભાગે પવિત્ર રામાયણના મહત્વના પ્રસંગો દર્શાવતી રૂ.૧૫ અને રૂ.૫ના દરની ૧૧ ટપાલ ટિકિટનો સેટ બહાર પાડ્યો હતો.

‘રામ’ એક મંત્ર. એક જાદૂઈ શબ્દ, મૂર્તિમાન ઈશ્વર, સર્વત્ર વ્યાપ્ત, જે માટીના કણ કણમાં વસેલા છે. એક શાલીન રાજા, સુશીલ રાજકુમાર, નીલવર્ણ દેવતા જે વિવિધ સંસ્કૃતિ અને સભ્યતાઓમાં અખંડતાનો ઉદભવ કરતા કરતા દેશભરમાં ભ્રમણ કરે છે.

‘રામાયણ’ રામની કથા છે. જે સૌ પ્રથમ ઈ.સ.પૂર્વે ૫૦૦ વર્ષ પહેલા વાલ્મિકીએ લખી હતી. સંભવતઃ તેના પહેલા અને તેના પછી પણ આ કથા વારંવાર કહેવામાં આવી હતી, જે આ કથાની શક્તિ અને અપીલ છે. પરંતુ, આ એક એવા નાયકની કથા છે જેણે જીવનમાં ઘણી પ્રતિકુળતાઓનો સામનો કર્યો અને આજ સુધી આ કથા જેવી અન્ય કોઈ કથા લખાઈ નથી. આ કથા માત્ર ભારતના લોકોને પ્રિય છે એવું નથી. હવે તે વિશ્વભરમાં વ્યવહારિક રીતે લોકપ્રિય છે. સૂરીનામ, ફિજી, ગુયાના, મોરેશિયસ વગેરે દેશોમાં બહુ સમય પહેલા ગયેલા પ્રવાસીઓ તેમના દિલમાં આ કથાને તેમની સાથે લઈ ગયા હતા, જે તેમની પ્રિય માતૃભૂમિથી દૂર તેમના જીવન માટે બળદાયક બની.

બર્મા, ઈન્ડનેશિયા, કંબોડિયા, લાઓસ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મલેશિયા અને વિયેતનામ જેવા ઘણાં એશિયાઈ દેશોએ આ કથાને પોત-પોતાની સ્થાનિક વિશિષ્ટતાનો ઓપ આપીને, અપનાવીને તેને આંતરરાષ્ટ્રીય બનાવી છે.

આ કથાને દેશમાં પણ વિવિધ સંસ્કૃતિઓ અને માનવજૂથોએ ખૂબ સ્નેહથી અપનાવીને તેને પોતાને અનુરૂપ સ્થાનિક સાંસ્કૃતિક માળખાને અનુકુળ બનાવી હતી. તેમના વૃત્તાંતોમાં ઘટનાઓ અથવા પાત્રોને ઉજાગર કરીને મહાન રામાયણ પરંપરાને સમૃદ્ધ બનાવી.

વાલ્મિકી રામાયણ સંસ્કૃતમાં છે અને તેમાં એક સરસ વૃત્તાંત છે. જ્યારે અન્ય વિવિધ ભાષાઓમાં અલગ રૂપાંતરણ છે. જેમ કે અધ્યાત્મ રામાયણ કે જેની રચના વ્યાસે કરી હોવાનું મનાય છે. તમિળમાં ૧૨મી સદીમાં કવિ કંગર દ્વારા લખાયેલી કમ્બર રામાયણ, બંગાળીમાં કૂતિબાસ ઓઝા દ્વારા લખાયેલી કુતિયાસી રામાયણ વગેરે. પરંતુ અવધિ ભાષામાં ૧૫મી સદીમાં તુલસીદાસ દ્વારા લખાયેલ ‘રામચરિતમાનસ’ સૌથી વધુ લોકપ્રિય છે. તુલસી રામાયણ અથવા રામચરિતમાનસમાં સર્વોત્તમ માનવગુણો, નિષ્ઠા અથવા ભક્તિની શક્તિ અને પ્રચલિત સામાજિક પરંપરાઓ તથા શિષ્ટાચાર વગેરે પર ભાર મૂકાયો છે. ધર્મ પરાયણ વ્યક્તિ કેવી રીતે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

વાલ્મિકી દ્વારા વર્ણિત કથાનો મૂળ વિષય મર્યાદાઓનું પાલન કરતા અયોધ્યાના રાજકુમાર રામની કથા છે. રામાયણની કથા જેમ આગળ વધે છે તેમ તેમાં ઘણાં ઉદાહરણ આવે છે જે ધીરજ અને સ્થિતપ્રજ્ઞતાને પ્રતિબિંબિત કરે છે અને તેમાં રામનું મર્યાદાપુરુષોત્તમ રામ તરીકે નિરુપણ થાય છે.

લંકા પર વિજય મેળવ્યા પછી રામ અયોધ્યા પાછા આવ્યા અને તેમણે ઘણા લાંબા સમય સુધી રાજ કર્યું. ‘રામ રાજ્ય’ દરમિયાન અયોધ્યા ખૂબ સમૃદ્ધ બની ગઈ હતી. ત્યાં કોઈ દુઃખી ન હતું. પ્રજા સ્વસ્થ અને સુખી હતી. રામ ન્યાય અને સમાનતામાં વિશ્વાસ રાખનારા એક યોગ્ય રાજા હતા. તુલસીદાસના રામ ચરિત માનસના ઉત્તરકાંડમાં અને ભાસના ઉત્તર રામચરિતમાં કથા આગળ વધે છે. તેમાં ઋષિ વાલ્મિકીના આશ્રમમાં વનમાં સીતાના જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે.

રામાયણ મર્યાદાપુરુષોત્તમ રામની કથા છે જેમણે ધર્મના ન્યાયસંગત મૂલ્યોને ટકાવી રાખ્યા. તેઓ એક આદર્શ રાજા, વિનમ્ર શાસક, સામાજિક મૂલ્યોના સંરક્ષક અને તેનાથી પણ ઉપર એક પરાક્રમી અને ભદ્ર પુરુષની કથા છે. આ એક પ્રેરક, શક્તિ પૂરી પાડનારી અને મંત્રમુગ્ધ કરી દેનારી કથા છે, જે ભવિષ્યમાં પણ લોકો કહેતા રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter