માઉન્ટ એવરેસ્ટનું બે વાર આરોહણ કરનાર પ્રથમ : સંતોષ યાદવ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 29th January 2025 06:02 EST
 
 

માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરનાર પહેલી મહિલા બચેન્દ્રી પાલ છે એ સહુ કોઈ જાણે છે, પરંતુ બબ્બે વાર એવરેસ્ટનું આરોહણ કોણે કરેલું એ જાણો છો ?
એનું નામ સંતોષ યાદવ... માઉન્ટ એવરેસ્ટનું આરોહણ એક વાર નહીં, બબ્બે વાર કરનાર ભારતની જ નહીં, વિશ્વની પણ પ્રથમ મહિલા. પર્વતારોહણની અસાધારણ સિદ્ધિઓ માટે કેટલાયે પુરસ્કારો અને સન્માનો મળેલા એને. અર્જુન પુરસ્કાર, તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત, કે.કે. બિરલા ફાઉન્ડેશન ખેલ વિશેષ પુરસ્કારથી સન્માનિત, લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ દ્વારા સન્માન અને સર એડમન્ડ હિલેરી માઉન્ટેન લિગેસી મેડલ...
આ સન્માન અને પુરસ્કારો સંતોષને એમનેમ નથી મળ્યાં. એવરેસ્ટ પર્વતનું આરોહણ કર્યું છે એણે. ઇન્ડો-જાપાની અભિયાનના સદસ્ય તરીકે ૧૯૯૨માં સંતોષે એવરેસ્ટ સર કરવાનો પહેલો પ્રયાસ કર્યો. પણ ખરાબ હવામાનને પગલે અભિયાન મોકૂફ રાખવું પડ્યું. એ પછી ૧૦ મે ૧૯૯૨ના ભારત-નેપાળ અભિયાનના સભ્ય તરીકે પહેલી વાર માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કર્યું. એવરેસ્ટ પર ત્રિરંગો ફરકાવનાર એ સૌથી નાની ઉંમરની મહિલા હતી. ૧૯૯૩માં ફરીથી એવરેસ્ટ સર કર્યું. એ પળ સંભારતાં સંતોષે કહેલું, ‘ક્ષણની વિશાળતામાં ડૂબવામાં કેટલોક સમય લાગ્યો. પછી મેં ભારતીય ત્રિરંગો ફરકાવ્યો. એ અનુભૂતિ અવર્ણનીય હતી. દુનિયા પર ભારતનો ત્રિરંગો લહેરાતો હતો. વાસ્તવમાં આ એક આધ્યાત્મિક ક્ષણ હતી. મને એક ભારતીય તરીકે અત્યંત ગર્વ થયો...’
કોઈ પણ ભારતીયને ગર્વ થાય એવા સંતોષના પર્વતારોહણના અન્ય ઉદાહરણો : ૬૬૦૦ મીટર ઊંચા વ્હાઈટ પર્વત શિખરના આરોહણમાં શિખર પર ત્રિરંગો ફરકાવનારી સંતોષ પહેલી ભારતીય મહિલા હતી. આફ્રિકાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાંજરો, આર્જેન્ટિનાના માઉન્ટ એકોનકાગુઆ, રશિયાના માઉન્ટ એલ્બ્રસ અને એન્ટાર્ટિકાના માઉન્ટ વિંસનનું પણ સંતોષે આરોહણ કર્યું છે.
પર્વતારોહી સંતોષનો જન્મ ૧૦ ઓક્ટોબર ૧૯૬૭ના હરિયાણાના રેવાડી ખાતે જોનિયાવાસ ગામમાં થયેલો. માતા ચમેલીદેવી. પિતા સૂબેદાર રામસિંહ યાદવ જમીનદાર હતા પાંચ દીકરાની માતા ચમેલીદેવીએ કાળક્રમે સંતોષને જન્મ આપ્યો. મોટી થયા પછી સંતોષે જયપુરની પ્રખ્યાત મહારાણી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કોલેજકાળમાં સંતોષને કસ્તૂરબા છાત્રાવાસમાં રહેવાનું થયું. છાત્રાવાસની બારીમાંથી અરવલ્લીની પર્વતમાળા દેખાતી. નવરાશની પળોમાં સંતોષ બારીએ બેસીને મનોરમ્ય પહાડીઓ નિહાળ્યા કરતી. ક્યારેક કેટલાક લોકોને પહાડીઓ પર ચડતાં જોતી. એ સંદર્ભે સંતોષે કહેલું, ‘એક દિવસ મેં એવું નક્કી કર્યું કે પહાડીઓ પર કોણ ચડે છે અને ક્યાં જાય છે એની મારે તપાસ કરવી જોઈએ.
બીજે દિવસે સવારે હું છાત્રાવાસથી ઝાલાના ડંગરી પહાડી તરફ ચાલી નીકળી. ત્યાં કેટલાંક સ્થાનિક લોકો કામ કરી રહેલા. મને એ લોકોને મળવું, વાતો કરવી ને એમના વિશે જાણવું ખૂબ ગમ્યું....’
બીજે દિવસે સંતોષ ફરી એક વાર ત્યાં ગઈ તો ત્યાં કોઈ નહોતું. પણ એને પહાડીઓનું આકર્ષણ થઈ ગયું. એ પહાડીઓ પર ચડવાનો અને ફરવાનો આનંદ લેવા માંડી. એક દિવસ પહાડ ચડતાં ચડતાં એ શિખરે પહોંચી. ટોચ પરથી નીચેનું સુંદર દ્રશ્ય જોઈને સંતોષ ભાવવિભોર થઈ ગઈ. એ સમયે સૂર્યોદય થઈ રહેલો અને ઊંચાઈ પરથી એવું લાગતું’તું કે પહાડીમાંથી સૂરજ નીકળી રહ્યો છે ! નીચે ઊતરતી વખતે એને રોક કલાઈમ્બીંગ કરતા કેટલાક છોકરાઓ મળ્યા. વાતચીત દરમિયાન સંતોષને ખબર પડી કે છોકરાઓ જે કરી રહ્યા છે તેને માઉન્ટેનિયરિંગ કહેવાય. તાલીમ લઈને પોતે પણ પર્વતારોહણ કરી શકે છે... એ જ ક્ષણે સંતોષે પર્વતારોહી બનવાનો સંકલ્પ કરી લીધો.
સંતોષની મંઝિલ નક્કી થઈ ગઈ. પછી એ મંઝિલ સુધી પહોંચાડતા રસ્તા પર પહેલું પગલું પાડ્યું. પોતે બચાવેલા નાણાંમાંથી ઉત્તરકાશીના નેહરુ પર્વતારોહણ સંસ્થાનમાં પ્રવેશ મેળવ્યો. પ્રશિક્ષણ પૂરું થયા પછી સંતોષે પર્વતારોહણને કારકિર્દી બનાવી. ૧૯૮૯થી કારકિર્દીનો આરંભ કર્યો. અલગ અલગ દેશના આંતરરાષ્ટ્રીય પર્વતારોહણ કેમ્પમાં ભાગ લીધો. એવરેસ્ટ સહિતના પર્વતોનું આરોહણ કર્યું. ત્યાર બાદ ભારત-તિબેટ સરહદી પોલીસની નોકરીમાં અધિકારી તરીકે જોડાઈ ગઈ. સંતોષ એક પ્રેરક વક્તા છે. પોતાનાં વક્તવ્યો દ્વારા લોકોને જીવનમાં આગળ વધવા પ્રેરે છે.
સંતોષ કહે છે, ‘જીવનમાં ઉદ્દેશ હોવો આવશ્યક છે. જીવનનો આનંદ મેળવવા માટે ઉદ્દેશ અવશ્ય હોવો જોઈએ. એ પ્રાપ્ત કરવા કઠોર પરિશ્રમ કરો. તમારું ધ્યેય ઊંચું હોવું જરૂરી છે. નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન...!’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter