લોકડાઉન ભલે હળવું થઇ રહ્યું હોય, પરંતુ આપણી જવાબદારી વધી રહી છે

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 23rd February 2021 11:09 EST
 
 

આઠમી માર્ચથી તબક્કાવાર લોકડાઉન ખુલી રહ્યું છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને વધારેને વધારે લોકો રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી લોકડાઉનમાં બેઠા છીએ એટલે આપણને સૌને આ નવા નિયમોની જાહેરાતનો આનંદ તો છે જ પરંતુ જે રીતે તબક્કા આપવામાં આવ્યા છે તેનાથી કેટલાક લોકોમાં નિરાશા પણ છે. ઘણા સમય સુધી આપણે હજીયે મિત્રોને મળી શકીશું નહિ પરંતુ એક એક વ્યક્તિને પાર્કમાં મળી શકાશે તે પણ આનંદની વાત છે.

આ સમયે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલી વાત તો એ કે સૌ પ્રથમ શાળાઓ શરૂ થવાની છે. બાળકો શાળાએ જશે અને બીજા બાળકોના સંપર્કમાં આવશે. તેમની વધારે કાળજી રાખવી અનિવાર્ય છે. જે લોકોને રસી મળી ગઈ હશે તેઓ થોડા ભયમુક્ત થયા હશે પરંતુ તેમને પણ હજી એટલી જ સાવચેતી રાખવી પડશે જેટલી સામાન્ય લોકો રાખતા હોય છે. કારણ કે કોઈ જ વૈજ્ઞાનિક સંસ્થા કે સરકાર એવું કહેતી નથી કે રસી લીધા પછી મુક્ત રીતે, માસ્ક વિના ફરી શકાય.
કોરોનાના નવા નવા વેરિએન્ટ આવી રહ્યા છે અને આપણને ખબર પણ નહિ પડે કે ક્યારે તેમના કેવા લક્ષણો હોઈ શકે તેમની ખાતરી નથી. આ સમયે આપણે પોતાને અને બીજાને સલામત રાખવા માટે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
તમે લોકોએ એ પણ નોંધ્યું હશે કે ભારતમાં કેટલાક રાજ્યોમાં સખ્ત પગલાં લેવાવા મંડ્યા છે. કેસમાં આવતા ઉછાળાને કારણે અને કોરોનાનો સેકન્ડ વેવ ટાળવા માટે કેટલીક જગ્યાએ રાત્રી કરફ્યુ અને ક્યાંક ક્યાંક તો દિવસ દરમિયાન પણ સખત નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. કેટલાય લોકોની ફ્લાઇટ કેન્સલ થઇ છે અને તેમને યુકે પાછા ફરવા માટે નવી તારીખની ટિકિટ ઓફર કરવામાં આવી રહી છે તે પણ સામે આવ્યું છે. શક્ય હોય તો બિનજરૂરી પ્રવાસ અને મુસાફરી ટાળવા જોઈએ તેવી સરકારની સલાહને હંમેશા ધ્યાનમાં રાખીએ તો ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું કેટલાય સમજદાર લોકોનું માનવું છે.
હવે લગભગ એકાદ વર્ષ થઇ ગયું જ્યારથી આપણે સૌ કોરોનાની ભયાનક અસર હેઠળ આવેલા અને તે દરમિયાન આપણે અનેક પડાવમાંથી પસાર થયા છીએ. એક વર્ષ લોકડાઉન અને ફ્રીડમની વચ્ચે વિતાવ્યું અને હવે જયારે ટનલના છેડે લાઈટ દેખાઈ રહી છે ત્યારે ગફલત કરવી યોગ્ય નથી. આમ તો હવે કોરોનાના નંબર જોવાનું બંધ કરી દીધું છે પરંતુ તેમ છતાંય ગંભીરતા સમજાવવા માટે એક વાર યાદ કરી લઈએ કે આજે વિશ્વભરમાં થઈને લગભગ ૧૧૨ મિલિયન કેસીસ નોંધાઈ ચુક્યા છે. કેટલાય નહિ નોંધાયા હોય તે અલગ. તેની સામે લગભગ ૨.૪૮ મિલિયન મૃત્યુ પણ નોંધાયા છે. અમેરિકા, ભારત, બ્રાઝીલ, રશિયા અને યુકે ટોપના પાંચ દેશો છે જ્યાં સૌથી વધારે કેસીસ આવ્યા છે માટે આપણે સાવચેત રહેવું વધારે જરૂરી છે.
લોકડાઉન હટે ત્યારે સાવચેતીથી નવી મળેલી ફ્રીડમને એન્જોય કરો તેવી શુભેચ્છા સાથે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter