શ્રદ્ધા તથા કૃતજ્ઞતાનું પર્વ ગુરુપૂર્ણિમાઃ અજ્ઞાનનાં અંધારાં દૂર કરે તે ગુરુ

ગુરુપૂર્ણિમા (13 જુલાઈ)

Tuesday 05th July 2022 07:42 EDT
 
 

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. ‘આચાર્ય દેવો ભવ’ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જે જીવનમાં અજ્ઞાનના અંધારાને દૂર કરી શકે. આપણાં શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવાયા છે.
ગારયતે વિજ્ઞાપયતિ શાસ્ત્ર રહસ્યમય ઇતિગુરુઃ અર્થાત્ જે વેદાદિ શાસ્ત્રોનાં રહસ્યોને સ્પષ્ટ કરે છે તે જ ગુરુ છે. ગિરતિ અજ્ઞાનાન્ધરારમ્ ઇતિ ગુરુઃ અર્થાત્ જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે જ ગુરુ છે. શાસ્ત્રોમાં જણાવેલો ગુરુનો અર્થ પણ જાણવા જેવો છે. શાસ્ત્રોમાં ‘ગુ’નો અર્થ જણાવ્યો છે - અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને ‘રુ’ નો અર્થ જણાવ્યો છે - તેનો નિરોધક, તેને દૂર કરનાર. ગુરુને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે કે અજ્ઞાન તિમિરનું તેઓ જ્ઞાનાંજન શલાકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે.
ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં કહેવાયું છે કે જેવી ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે. ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડયો છે. શ્રી રામ, કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરે પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે. અષાઢ માસની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા (આ વર્ષે 13 જુલાઇ) કહેવાય છે.
ગુરુપૂર્ણિમા વર્ષાઋતુના પ્રારંભે આવે છે. આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ-સંત એક જ સ્થાને રહીને જ્ઞાનગંગાને વહાવે છે. આ ચાર મહિના ઋતુની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી. આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમય મનાય છે. જેવી રીતે સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાક પેદા કરવાની શક્તિ મળે છે તે રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
ગુરુનું મહત્ત્વઃ સદ્ગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ પ્રત્યેક શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે. તેઓ ઝગમગતી જ્યોતિ સમાન છે, જે શિષ્યની બુઝાઈ ગયેલી હૃદયજ્યોતિને પ્રગટાવે છે. ગુરુ મેઘની જેમ જ્ઞાનવર્ષા કરીને શિષ્યને જ્ઞાનવૃષ્ટિમાં નવડાવે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે, સુશોભિત કરે છે. ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરવાની કળા શીખવે છે. આ દુઃખરૂપ સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે, જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે. સદ્ગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે.
શિષ્યોનું અનુપમ પર્વઃ સાધક માટે ગુરુપૂર્ણિમા વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે. આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ કે અલ્પાહાર લેવો જોઈએ. ગુરુના દ્વારે જઈને ગુરુદર્શન, ગુરુસેવા અને ગુરુસત્સંગનું શ્રવણ કરો. શિષ્યે ગુરુ, ઇષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયમાં ઐક્યનાં દર્શન કરવા જોઈએ. જે શિષ્ય સદ્ગુરુનું પાવન સાંનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે, તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષનાં દ્વાર ખૂલે છે.
ગુરુપૂર્ણિમાની ઉજવણીઃ ભારતભરમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ધામધૂમથી ઉજવાય છે. પ્રાચીનકાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો. આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞાતાના ભાવથી પ્રેરિત થઈને તે ગુરુપૂજન કરી યથાશક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો. આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન-પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી શ્રદ્ધાપૂર્વક ગુરુપૂજન કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે. આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ. ગુરુપૂજનનો મંત્ર છે:

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ ।
ગુરુ સાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરુવે નમઃ ।।

સૌ શિષ્યોએ પ્રાર્થના કરવી જોઈએ કે હે ગુરુદેવ, ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર તમારાં ચરણોમાં મારા અનંત કોટિ પ્રણામ...

ચારેય વેદોના રચયિતાનો જન્મદિન

આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્યની યાદ અપાવનાર મનને દૈવી ગુણોથી વિભૂષિત કરનારા, સદ્ગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા પ્રોત્સાહન આપતું પર્વ છે ગુરુપૂર્ણિમા, જેને વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે. શા માટે ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા કહેવાય છે? કારણ કે, આ દિવસ વેદ વ્યાસજીનો જન્મદિવસ છે. તેમણે ચારેય વેદોનું સંકલન કર્યું, અઢાર પુરાણો અને ઉપપુરાણોની રચના કરી. ઋષિઓના અનુભવોને સમાજભોગ્ય બને માટે વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. પંચમ વેદ ‘મહાભારત’ની રચના પણ આ જ પૂર્ણિમાના દિવસે પૂર્ણ કરી ને વિશ્વપ્રસિદ્ધ આર્ષ ગ્રંથ બ્રહ્મસૂત્રનું લેખન પણ આ જ દિવસે શરૂ કર્યું. ત્યારે દેવતાઓએ વેદ વ્યાસજીનું પૂજન કર્યું. ત્યારથી વ્યાસપૂર્ણિમા મનાવાય છે. આ દિવસે જે શિષ્ય બ્રહ્મવેત્તા સદ્ગુરુનાં શ્રીચરણોમાં પહોંચીને સંયમ-શ્રદ્ધા-ભક્તિથી પૂજન કરે છે, તેને આખા વર્ષનાં બધાં જ વ્રત પર્વોનું ફળ મળી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter