સમય બદલાયો... આપણે પણ બદલાઇએ..!

હાસ્ય - રમૂજ ગઠિરિયાં

કોકિલા પટેલ Wednesday 02nd June 2021 04:28 EDT
 

આપણા ભારતીય ટી.વી. ચેનલો પર આવતી અનેક સિરિયલોમાં ઉત્તમ કહી શકાય એવી ઐતિહાસિક કથા રજૂ કરતી ‘‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’’ જોઇ ભુતકાળની કેટલીક ક્ષણો મનમાં તાજી થતાં મન ભુતકાળ અને વર્તમાનકાળની રીતિનીતિનાં જોખાં કરવા લાગ્યું. મરાઠા સામ્રાજ્યનો સૂરજ તપતો હતો એ ૧૭૨૫માં એક નાનકડા ગામડાના ખેડૂત મુખીને ઘેર જન્મેલી નવ-દશ વર્ષની બાહોશ, બુધ્ધિકુશળ અને ઇશ્વર પર અતૂટ શ્રધ્ધા રાખનાર અહિલ્યાને પ્રથમ, નજરે જોઇને મલ્હાર રાવ હોલ્કરે પોતાના રાજકુંવર ખંડેરાવની સાથે પરણાવવાનો દ્રઢનિશ્ચય કર્યો હતો. પરંતુ ગામડાની અણઘડ, અલ્લડ છોકરી સાથે પોતાના રાજકુંવર પરણાવી જ ના શકાય એવી હઠે ચડેલી મહારાણી ગૌતમાને મહામહેનતે સમજાવી મલ્હાર રાવ પોતાના દીકરા ખંડેરાવની નામરજી છતાં આહિલ્યાને પરણાવી દેવાય છે. ગામડે પિતાને ઘેર હસતી રમતી અહિલ્યા રાજકુટુંબમાં પરણીને તો જાય છે પરંતુ એના મુક્ત જીવન ઉપર અનેક બંધનો, સાસુમાનો આકરો તાપ જોઇ ઘણી વડીલ માતાઓ અને નિવૃત્તિને આરે પહોંચેલી બહેનોને એમનો ભૂતકાળ તાજો થયો હશે એમ અમને પણ થતો હોય છે જ.
આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાંનો સમય કેવો હતો એ તમે અને મેં અનુભવ્યો છે. પહેલાં તો મૂરતિયો જોવા જવાનું હોય ત્યારે આપણે મૂરતિયો કોણ અને કયાંનો છે એનીય ખબર નહોતી. આપણને ઘર-કુટુંબની કાકી કે ભાભી કોઇક વચેટીયાને ઘેર મૂરતિયો જોવાનું ગોઠવાયું હોય ત્યાં ભાભીએ સાડી પહેરાવી તૈયાર કર્યાં હોય ત્યાં જવાનું. એ પછી ફિલ્મોમાં દર્શાવાય એમ ચ્હા કે પાણીના ગ્લાસની ટ્રે લઇને આપણને શો કેસમાં મૂકવામાં આવ્યા હોય એમ સૌ વચ્ચે નીચી નજરે બેસવું પડતું. એ મૂરતિયો તને ગમ્યો કે નહીં એમાં આપણી મરજી નહિ પણ મૂરતિયાની પસંદ નાપસંદ પર લગ્નો ગોઠવાતાં. એ પછી ૬૦ ઉપરની બહેનોને ખબર જ હશે કે સાસરીએ જઇ કેવી કેવી કઠિન પરીક્ષા થતી, કયારેક પૈઠણ માટે કટુવેણની કઠિનાઇ ભોગવવી પડી હશે એ બધી કડવી-મીઠી ક્ષણો આપણા દિલોદિમાગમાં અંકિત થઇ ગઇ હોય છે.
આ ભૂતકાળમાં વિતેલી યાદોને સતત તાજી કરીને કેટલીક બહેનો, માતાઓ એનું આજે પુનરાવર્તન કરી પોતે દુ:ખી થાય અને બીજાનેય દુ:ખી કરી સુખી સંસારમાં વિપરીત પરિણામો ભોગવતી હોય છે. આજે ૫૦ વર્ષ પહેલાંનો સમય રહ્યો નથી, ૨૧મી સદીમાં સમય બદલાયો છે, સાથે આજની આપણી યુવા પેઢીની વિચારસરણી પણ બદલાઇ ગઇ છે. અત્યારે કોઇ વચેટીયા કન્યા કે મૂરતિયો દેખાડે અને વિવાહ નક્કી થઇ જાય એવું તો રહ્યું જ નથી. હવે તો જુવાનિયાં બે-ત્રણ વર્ષ બરોબર ફરે, મળે, મોજમસ્તી કરે, એ પછી એકબીજાના વિચારોમાં મેળ ખાય એવું લાગે ત્યાર પછી પેરિસના એફેલ ટાવર પર જઇને, કેરેબિયન ટાપુ પર જઇને કે લંડન આઇ પર ચઢીને અથવા કોઇ યાદગાર ઇમારત પર જઇ, કન્યાને સરપ્રાઇઝ થાય એ રીતે ઘૂંટણિયે નમીને ડાયમંડની રીંગ ધરીને મૂરતિયો કન્યાને પ્રપોઝ કરતો હોય છે. કન્યારત્નને મોંઘીદાટ ડાયમંડની રીંગ પહેરાવી, પ્રપોઝની વિધિ કર્યા પછી જ મા-બાપને ગઠબંધનમાં બંધાયાની ખુશખબર મળતી હોય છે. અહીં હું દ્રઢપણે કહી શકું કે, આપણે પહેલાં જે ઉંધી બાજીનાં પત્તાની રમત રમ્યા એ જિંદગીભર ફાવી ગયા, એ લગ્નો મને-કમને ટકી ગયાં. જયારે આજે બે-ત્રણ કે ચાર વરસ સુધી સાથે હરીફરીને એકબીજાની રગ જાણી લગ્ન કરનારાં યુગલોમાં "તૂ તારા રસ્તે અને હું મારા રસ્તે" એટલે કે છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે. કારણ... પ્રેમલો અને પ્રેમલીએ એમની દુનિયાનાં જ સપનાં જોયાં હોય એમાં ડાલિંગ હસબન્ડનાં મા-બાપ સપનાના પીકચરમાં આવ્યાં હોતાં નથી. જિંદગીની રીઆલીટી શો લગ્ન પછી જ શરૂ થાય છે ને?!!
અમારી એક ગાઢ મિત્રનો આ બેંક હોલીડેમાં મને ફોન આવ્યો. ચારેક વર્ષ પછી અમારો સંપર્ક થતાં તેણીએ મને દીકરો પરણાવી દીધાના ખુશ ખબર આપ્યા અને પુત્રવધૂ પણ બિનગુજરાતી હોવાનું જણાવ્યું. આજકાલ હવે ઇન્ટરકાસ્ટ મેરેજ થતાં જ જાય છે, હવે કયાં ગોળ કે ગામ રહ્યાં જ છે!? મેં એને એ સમજાવ્યું. ત્યારે એ મારી મિત્રએ મનની વ્યથા રજૂ કરતાં કહ્યું કે, ‘આ મારો દીકરોને વહુ તો આખો'દિ હારે ને હારે ફર્યા કરે છે. મારો દીકરોય "બેબ.. બેબ' કરીને જેમ માલિક પાછળ ગલૂડિયું ફર્યા કરે એમ વહુ પાછળ ફર્યા કરે છે. મોર્ડન વહુ તો સ્કર્ટ અને હાફ સ્લીવનું ટોપ પહેરીને સસરા સામે બેસે તો કેવું લાગે!? આપણે પરણ્યા ત્યારે કેવું વહેલું ઉઠીને ન્હાઇ લેવું પડતું, માથે ઓઢવું પડતું... સૌ માટે ચ્હા-નાસ્તા ટેબલ પર પીરસવા પડતા...! આ.. તો.. જો.. બાપ..!.. કેવું.. હાલે છે!? સવારે ઉઠીને આપણે જયશ્રી કૃષ્ણથી દા'ડો ઉગતો અને આ તો "મોર્નિંગ ડેડ.. મોમ"થી જ શરૂઆત થાય છે. આને તો મૂઇને રોટલી કે દાળ-ભાત કરતાંય નથી આવડતું!? આખી રાત ઉંઘે છે તેમછતાં સવારે તો "આઇ એમ ટાયર્ડ"... આ આગળ શું કરશે?!!
અમારા દૂરના એક સ્વજન જેમણે અમે 'માસીબા'થી જ સંબોધીએ છીએ. ગત રવિવારે અચાનક માસીબાનો ફોન આવ્યો. એમણે એમની મનોવ્યથા ઠાલવતાં કહ્યું કે, ‘એક જ દીકરો છે. અમે દુકાનમાં મહેનત કરી ભણાવી, ગણાવી દીકરાને ડોકટર બનાવ્યો અને કોઇએ આંગળી ચીંધતાં આપણા જ સમાજની છોકરી સાથે લગ્ન કર્યાં. હવે તો દીકરાને ત્યાં દીકરો ને દીકરી છે.અમે પાંચ બેડરૂમના ઘરમાં સાથે જ રહીએ છીએ. એમનાં સંતાનોને સ્કૂલે લેવા-મૂકવા જઇએ, સાંજ-સવારનું રસોડુંય હું જ સંભાળી લઉં છું પણ છેલ્લા ત્રણેક મહિનાથી વહુને મારી સાથે શેમાં વાકું પડ્યું છે તો બોલવાનું, અમારી સાથે જમવાનું, ચ્હા પીવાનું બધો વ્યવહાર બંધ કરી દીધો છે. વહુ તો સમજ્યા કે એ પારકી છે તો મનમેળ ના હોય પણ દીકરો...!!! મોમ..મોમ.. કરનારો દીકરો જ એક ઘરમાં રહીને સતત એકબીજા સામે મળીએ છીએ પણ કાંઇ બોલવા માગતો જ નથી?! ડાઇનીંગ ટેબલ પર મા-બાપ સાથે જમતા પણ નથી. સવારે વહુ એ બન્નેની ચ્હા બનાવી લે પછી હું અમારી બનાવું છું....!! આજે રવિવારે એમણે બન્નેને કોઇ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે એમનાં બેઉ બાળકોને કોઇ બીજાને ઘેર બેબીસીટીંગ માટે મૂકી આવ્યા...!!
બહેનો, માતાઓ.... સમય બદલાયો છે.... આપણે પણ બદલાવું જ પડશે. નવી પેઢીની નવી વિચારસરણી સાથે આપણે પણ એડજેસ્ટ થવું પડશે... પાણીના પ્રચંડ વહેણમાં જેમ નેતર નમી જાય છે એમ આપણે પણ માનસિક રીતે તૂટી જવા કરતાં એમની સાથે એમની વિચારધારામાં વહેવું પડશે. હા, કયાંક તમારી ભલમાણસાઇનો દૂરઉપયોગ થતો જણાય ત્યારે તમે ડિપ્લોમેટ બની તમે તમારો પ્રતિભાવ આપી, મર્યાદા નહિ ઓળંગવા તેમણે એલર્ટ કરી શકો છો. પરંતુ આપણે આપણા ભૂતકાળને યાદ કરી એનું પુનરાવર્તન કરવા જઇશું તો આજની પેઢીની વિચારધારા આપણી બાદબાકી કરી નાખતાં સહેજ પણ અચકાશે નહિ. આધુનિક વિચારસરણીના "જીગશો"માં આપણે ફીટ થઇ શકતા ના હોઇએ તો નવી પેઢી સાથે ઘર-ગૃહસ્થીથી અલગ થઇને રહેવું પણ એકબીજા સાથે સતત સંપર્કમાં રહીને પ્રેમ-આદર સહ મનથી એકાત્મતા રાખવા પ્રયત્ન કરવો જોઇએ અને માગે ત્યારે યોગ્ય સલાહ આપવા પણ તત્પર રહેવાની આપણી
ફરજ છે.
વડીલ બહેનો... આપણા સમયમાં સંયુક્ત પરિવારમાં આપણા સંતાનો રમતાં-ઝઘડતાં, પડતાં-આખડતાં કયારે મોટાં થઇ ગયાં એની આપણને ખબર ના પડી. આજની આધુનિક યુગની પેઢી સેલ્ફસેન્ટર છે એમ કહીએ તો ખોટું નથી. એમણે ત્યાં બાળક જન્મે એટલે ઘડિયાળના કાંટા મજબનું રૂટીન શરૂ થાય. પહેલાં તો બાળક જન્મે એટલે પિતા સૌ કુટુંબીજનો વચ્ચે, વડીલોની આમાન્યા રાખી મહિના સુધી નવજાત બાળકને હાથમાં લેતાં ખચકાતા, શરમાતા પણ હવે તો બાળક જન્મે ત્યારેય હોસ્પિટલના લેબર રૂમમાં પતિદેવ સતત "બેબ્સ"ને પ્રેમથી પંપાળતા જોવા મળે છે. એ પછી બાળઉછેરની મા સાથે બાપની સહિયારી ડ્યૂટી શરૂ થાય. બાળકને ફીડીંગ કરાવવામાં મદદ કરવી, બાળકને કયારે ઉંઘાડવાનું, ખભે કેવી રીતે લેવાનું, અલગ રૂમમાં બેબીકોટમાં ઉંધું સૂવાડવાનું, બાળક રીલેક્સ થાય એવું યોગિક થેરાપીનું મ્યુઝીક ધીમા અવાજે મૂકી, મોનીટરમાં વિડિયો દ્વારા મા-બાપ સૂતેલા બાળક પર નજર રાખતાં હોય. એમનું બાળક દોઢ-બે વરસનું થાય એટલે અનેક એકટીવીટીનો દોર શરૂ થાય. સ્કૂલે થતું જાય એટલે સોમથી શુક્ર સ્કૂલમાં ભાગદોડ કરે, શનિ-રવિની રજાઓમાં ફૂટબોલ, હોકી, બેલે, ડાન્સ કલાસ, સ્વીમીંગ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં રત યુવાપેઢીના મા-બાપનું જીવન એક યંત્રવત્ બની ગયું છે.
આવા ટેન્શભર્યા જીવનક્રમ વચ્ચે જીવતી આપણી નવી પેઢી સાથે રહીને આપણે મોટેરાં તાલમેલ ના સાધી શકીએ.... આપણે એમાં હાંફી જઇએ હોં... એટલે પુત્રપ્રેમી માતૃશક્તિ પુત્રમોહ કે પુત્રીમોહ છોડી ઘરથી (મનથી નહિ) અલગ રહીને નિવૃત્તિના સમયે આપણે આપણા મનના માલિક બની આપણી રીતે મજામાં રહેતાં શીખવું જોઇએ. "બેબ્સ અને હની"ને એમના સની (સંતાન) સાથે રહેવા દો, આપણો 'સની' એની 'હની' સાથે હેપ્પી છે ને?! બસ તો કરવા દો મોજ...
તમ તમારી દુનિયામાં મસ્ત રહો... બાપુ..


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter