સવા મણનો સવાલઃ આપણે જાતે ખુશ રહીને બીજાને ખુશી આપી શકીએ ખરા?

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 15th June 2021 09:43 EDT
 
 

ખુશ રહેવું અને ખુશ રાખવા એ બંને અલગ છે? જે વ્યક્તિ પોતે ખુશ હોય તે જ બીજાને ખુશ રાખી શકે કે પછી જે બીજાને ખુશ રાખે તે જાતે પણ ખુશ રહે છે? આજે ખુશી અને આનંદ વચ્ચે તફાવત નથી કરવો. માત્ર એટલું સમજવું છે કે જેમ આપણે કહીએ છીએ કે જ્ઞાન વહેંચવાથી વધે છે તેમ શું આનંદ પણ વહેંચવાથી વધે છે? લોકો પોતાનો આનંદ બીજાને આપી શકે છે? શું લાગણી પણ ભાગ પડાવી શકાય અથવા તો કોઈ સ્નેહીને આપી શકાય તેવી છે?

કોઈનો આનંદમય ચહેરો જોઈને, સ્મિત ભર્યો ચહેરો જોઈને બીજા પણ પ્રફુલ્લિત થાય છે તે વાત તો સાચી. પણ આવું દરેક સમયે તો થતું નથી. વળી, જો પોતે સ્મિત કરીએ તો બીજાને ખુશી થાય તે શક્ય છે? ક્યારેક બીજાને ખુશ રાખવાના પ્રયત્નમાં આપણે નાખુશ રહેતા હોઈએ છીએ અને આપણું સ્ટ્રેસ લેવલ વધતું હોય છે તે પણ જાણીતી વાત છે. પાડોસીને બહાર ફરવા જવું હોય તો તેના કૂતરાની સંભાળ રાખવાની ના ન કહી શકીએ અને પરિણામે આપણે પોતે ફરવા ન જઈ શકીએ તેવું બને ત્યારે ખુશી માત્ર એક પક્ષને જ થાય છે. બીજો પક્ષ એક પક્ષની ખુશીના ભોગે પોતાની આઝાદી અને આનંદ ગુમાવે છે. એવો મિત્ર પૈસા ઉધાર લઇ જાય જેને આપવા માટે આપણે પોતાનો હાથ તંગ કર્યો હોય અને પછી તે તો લહેરથી જીવે પણ આપણા પૈસા પાછા ક્યારેય ન આવે અને આપણને અંદરથી કચવાટ રહ્યા કરે તેમાં પણ એક વ્યક્તિની ખુશીથી બીજાને ખુશી થતી હોય તેવું જણાતું નથી.

રમતમાં અને ખરેખર તો જીવનની રેસમાં પણ એક વ્યક્તિની ખુશી બીજા બધાની ખુશી માટે જવાબદાર હોય તેવું બનતું નથી. વાસ્તવમાં તો જે વ્યક્તિ જીતે તેને કારણે બીજા ખેલાડીઓ હાર્યા હોય છે અને પરિણામે તેમને ખુશ થવાનું કોઈ કારણ હોતું નથી. તેમ છતાંય, પોતે પોતાના આનંદમાં રાચીએ તે શક્ય છે અને તેનાથી બીજા સાથે નહિ પરંતુ પોતાનું કોમ્પિટિશન પોતાની સાથે જ છે તેવું માની લઈએ તો થાય. ક્યારેક બીજાની ખુશી અને સફળતાથી ઈર્ષ્યા પણ થઇ શકે છે. જોકે કોઈ પોતાની ઈર્ષ્યા ચહેરા પર જતાવતું નથી. સામે તો એવું જ બતાવવું પડે છે કે તેમને પોતાને પણ આનંદ છે.

આનંદ એક ગૂઢ લાગણી છે જેને બધા લોકો ઉકેલી શકતા નથી. કેટલાક લોકો જીવનભર આ ગૂંચવણને ઉકેલવા મથ્યા કરે છે પણ ભાગ્યે જ તેમને કોઈ સફળતા મળે છે. કોઈ કોઈ લોકો તો એવા પાવરધા થઇ જાય છે કે તેમને તો ન થવાની વાતોમાં પણ ખુશી થાય છે. તેમને જાણે આનંદ સાથે પરમેનન્ટ સંબંધ બાંધી લીધો હોય તેમ હંમેશા જ ખુશ રહે છે અને તેમની ઈર્ષ્યા કરનારા પણ અલગ કેટેગરીના લોકો હોય છે. નાના બાળકને આઇસ્ક્રીમથી જેટલો આનંદ થાય તેટલો કદાચ કોઈ વ્યક્તિને મર્સીડીસથી પણ ન થાય. કોઈને સાઇકલ ખરીદીને પણ સફળતાની લાગણી થાય તો કોઈને વિમાન ખરીદીને પણ વસવસો રહે કે નાનું વિમાન ખરીદવું પડ્યું. કોઈ ઝૂંપડામાં ટપકતું પાણી અટકાવવા તાડપત્રીની વ્યવસ્થા કરી લે એટલામાં ખુશ જયારે બીજું કોઈ નવો બંગલો બનાવીને પણ નાખુશ.

એકંદરે જોઈએ તો ખુશી વ્યક્તિગત કલા છે અને તેને હાંસલ કરી શકે તે જ પામી શકે. કોઈ વસ્તુ સાથે કે પરિસ્થિતિ સાથે સંકળાયેલી ખુશી કે આનંદ ક્ષણજીવી હોય છે તે વાત તો સો ટકા સાચી છે અને તે ઝાંઝવાની જેમ હાથમાં આવતી નથી. જે લોકો આવા ઝાંઝવાની પાછળ ભાગે છે તેઓ સ્થિત થવાની ખુશી પણ ગુમાવે છે અને એટલે ન તો પોતે ખુશ રહી શકે છે કે ન તો બીજાને ખુશ કરી શકે છે. લોકોના અલગ અલગ મંતવ્યો હોઈ શકે પણ આપણે દરેકે આ વાતને પોતાના પરિપ્રેક્ષ્યમાં ચકાસવી જોઈએ કે આપણે પોતે ખુશ રહીને બીજાને ખુશી આપી શકીએ ખરા? કે બીજાને ખુશ રાખીને આપણે ખુશી પામી શકીએ ખરા? (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter